ગઝલ – હેમેન શાહ
પંખી પાસે આવ્યું બોલ્યું કાનમાં
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કૈં નશો એવો હતો,
પાંદડાં ખરતાં, ન આવ્યા ધ્યાનમાં !
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં !
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી
માત્ર મેં કક્કો લીધો સામાનમાં !
– હેમેન શાહ
ગઝલનો પહેલો જ શેર પહેલી બોલ પરના છગ્ગા જેવો. જો કે ખીલવાના નશાની વાત અને કિમતી પળોના સોદાની વાત બધામાં શિરમોર છે.
mitul thaker said,
February 21, 2015 @ 3:18 AM
મસ્ત
ધવલ said,
February 21, 2015 @ 10:04 AM
પંખી પાસે આવ્યું બોલ્યું કાનમાં
આ ઋતુ આવી તમારા માનમાં.
– વાહ !
yogesh shukla said,
February 22, 2015 @ 9:56 PM
રચના વાંચવાની મજા આવી
Pravin Shah said,
March 2, 2015 @ 5:05 AM
સુંદર રચના, હેમેનભાઇ ….