પથ્થરોમાં લકીર બોલે છે – મનસુખવન ગોસ્વામી
લેખિની ક્યાં લગીર બોલે છે?
બસ, શબદનું શરીર બોલે છે.
એ જ માણસ અલગ તરી આવે
એનું જ્યારે ખમીર બોલે છે!
બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
કોઈ તણખો સગીર બોલે છે.
બંધ ધબકાર બે’ય હૈયાના:
બાળપણની તસ્વીર બોલે છે.
ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે.
છેવટે સોનું તો રહે સોનું ,
આ નકામુ કથીર બોલે છે.
છે ફક્ત પ્રેમપંથ ફુર્તિલો,
કવિના વેશે કબીર બોલે છે.
– મનસુખવન ગોસ્વામી
પાણી પર કાંઈ લખી શકાતું નથી. પાણીમાં સહજ સરકી જતી લકીર છેવટે પથ્થર પર જઈને બોલે છે.
sudhir patel said,
November 9, 2010 @ 9:48 PM
ખૂબ સુંદર ગઝલ!
આ શે’ર તો અદભૂત છેઃ
ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે!
સુધીર પટેલ.
pragnaju said,
November 9, 2010 @ 10:29 PM
સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
બુઝર્ગતા ધૂંધવાય છે ત્યારે,
કોઈ તણખો સગીર બોલે છે.
ઓસરે છે લકીર પાણીમાં,
પથ્થરોમાં લકીર બોલે છે.
યાદ
. “સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.” …
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે
Pushpakant Talati said,
November 10, 2010 @ 4:59 AM
આજે તો આ “ખમીર” એટલે શુ ? તે જાણવા અને સમજવા માટે
શબ્દકોષ નો આશ્રય લેવો પડે તેવી ઘડી આવી ગઈ છે. – આવા સમયે નીચેની પંક્તીઓ દિવડાઓ માં દિવેલ પૂરતી હોય તેવું નથી લાગતું ? –
” એ જ માણસ અલગ તરી આવે
એનું જ્યારે ખમીર બોલે છે! ”
ખરેખર ખમીરવાળો તો બધાથી અલગ જ તરી આવે – તે ચીલ્લે ચીલ્લે ન ચાલે પણ પોતાની કેડી પોતે જાતે જ કંડારે છે.
આ રચનાની અન્ય કડીઓ/પંક્તિઓ પણ જોરદાર અને જુસ્સા વાળી જ છે. – સરસ – ધન્યવાદ અને આભાર પણ.
ઉલ્લાસ ઓઝા said,
November 10, 2010 @ 9:53 AM
બહુ સુંદર ગઝલ. દરેક શેર અલૌકિક !
DHRUTI MODI said,
November 10, 2010 @ 3:08 PM
સુંદર ગઝલ. ઍકે ઍક શે’ર દાદ માગે ઍવા છે.