કાળો સૂરજ ધોળો સૂરજ – જગદીશ દવે
કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ
– જગદીશ દવે
આ સૂર્ય-મિમાંસા એક રીતે સૂર્ય-સંતાન માણસોની મિમાંસા છે. કવિતા બ્રિટનમાં રચાયેલી છે ને એમાં બહુ સ્વાભાવિક રીતે જ અંગ્રેજી શબ્દો આવે છે. સૂર્ય-સંતાનોની ટેવ-કુટેવોનું બારીક દર્શન કવિતાને બહુ સશક્ત બનાવે છે.સૂર્યનું humanization છેલ્લી પંક્તિઓમાં ચરમ સીમાએ પહોંચે છે.
(ટ્યુબ=લંડનની સબવે, મગીંગ=લૂંટી લેવું)
jigar joshi 'prem' said,
October 19, 2010 @ 11:10 PM
સરસ………..
Bharat Trivedi said,
October 20, 2010 @ 10:00 AM
ઘણા સમયે આ એક એવી રચના જોવા મળી છે જેમાં ગોકુળની કૂંજગલી ભૂલીને ગુજરાતી કવિ વિદેશમાં ઘરની બહાર નિકળ્યો હોય! હમણાં જ એક કાવ્ય-સંચય વિષે લખવા માટે સંપાદકે ભલામણ કરી હતી ને મેં તે પુસ્તક વિષે લખ્યું પણ ખરું પણ મારી સૌથી મોટી દ્વીધા એ હતી કે કવિને એ વાત કેવી રીતે કહેવી કે કાવ્યોમાં છંદ તો જળવાયા છે ને મોટા ભાગનાં કાવ્યો સારાં પણ છે છતાં કાવ્યો સાત/આઠ દાયકા પૂર્વે લખાયાં હોય તેવાં લાગે છે! તારો અમેરિકી અનુભવ ક્યાં ગયો?
આ કોઈ એકલ- દોકલ કવિની વાત નથી, મોટા ભાગની રચનાઓ કેવળ સરનામું બદલી બેઠેલા દેશી બધુંની એકલતા કે પછી શેરીના કાગડાને, કુતરાંને, કે આંગણે વાવેલા તુલસીના ક્યારાને યાદ કરી આંસુ સારતા દુઃખી આત્માનાં રોદણાં વિશેનાં જોવા મળતાં હોય છે અને તેમાં અનુભુતિ પણ એવી પાણી પોછી હોય આપણને એમ પણ થાય કે એવું લખાણ કેમ કરી કવિની ડાયરીની બહાર નિકળી ગયું! જગદીશભાઈની આ રચના મને ઘણી ગમી.
ભરત ત્રિવેદી
pragnaju said,
October 20, 2010 @ 8:03 PM
સૂર્યને માનવ સ્વરુપે કલ્પી ઘણી રચના થઈ છે.આ રીતે કટાક્ષ અભિવ્યક્તી પણ છે.
હે સૂર્યંદેવ, જૂનો ઘોડો, જૂનો રથ,લગામ જૂની, પાંગળો સારથી,દીકરો નર્કનો અધિકારી , આ બઘું તારું અદ્ભૂત દારિદ્રય છે તે જોઈને હું ગભરાવ છું. ભય તો એ છે કે તને રીઝવું અને તું રાજી થા તો બાળીને ભસ્મ કરી નાખ. ખીજવું તો અંધારું કરી દે તો મારે કોની પાસે જાવું? તારી રીઝમાં કે ખીજમાં મને સહાય કરવા સમર્થ એવો કોઈ દેવ નથી કે જેને આશરે હું જઈ શકું.તેથી જ સૂર્યદેવ, નમન કરીને મનાવું છું કે મારા પર કૃપા રાખજો..તે રીતે છંદ બધ્ધ ભાવવાળા કાવ્ય છે.
આ રચનામા આ પંક્તીઓ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ
અમ પરદેશીઓની વેદનાની અનુભૂતિ કરાવે છે.આ રચના સારો પ્રયાસ છે
archana said,
October 21, 2010 @ 9:31 AM
સરસ ખુબ સરસ સુરજ આટલો સરસ!
Rutul said,
October 21, 2010 @ 4:33 PM
Sorry! A big Mistake… I mixed up between Jagdish Joshi and Jagdish Dave in my previous comment. I wish I could rectify it…
Rutul