એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2012

હું – ફકીરમહંમદ મનસુરી

હું
તારા
અંગથી અળગું કરેલું વસ્ત્ર
લોચો થૈ લટકતું વળગણીએ…

ઘડિયાળ હું કાંટા વિનાનું
શ્વાસ ને ઉચ્છ્વાસનો આ ટકટકારો…

જીવ્યે જાઉં છું.
રૂંવાટીએ રૂંવાટીએ
કૈં કેટલાં આકાશ
એવું
પાંખમાંથી
ખેરવી દીધેલ હું પીંછું…
વાયરે લેતું ઘુમરિયો ને રજોટાતું.
સંદર્ભથી છુટ્ટું પડેલું વાક્ય હું…
‘હું’ હવે તો
શિર તણા મણિ વિણ ફણી શો…
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર !

– ફકીરમહંમદ મનસુરી

પ્રિય પાત્ર વિનાની જિંદગી કેવી હોઈ શકે એનો અદભુત ચિતાર કવિ અહીં જૂજ પંક્તિઓ અને સશક્ત રૂપકો વડે આપે છે. અંગથી ઉતારી દીધેલું વસ્ત્ર, કાંટા વિનાનું ઘડિયાળ, અસીમ આકાશની અનંટ શક્યતાઓ અને આશાઓ એક-એક રૂંવાટી પર ભર્યું ભર્યું પણ પંખીના શરીર પરથી ખરી ગયેલું અને હવે પરિસ્થિતિના વાયરાની દયા પર અટવાતું પીંછું, સંદર્ભ ગુમાવી બેસેલું વાક્ય અને મણિ વિનાનો ફણીધર… પ્રિય પાત્રની અનુપસ્થિતિમાં અસ્તિત્વ કેવું સ્થગિત નિર્જીવ બની રહે છે- એક ઉંહકારો પણ કરી શકાતો નથી ! કેવળ શરીરનું હોવું રહી જાય છે.. શ્વાસ અને ઉચ્છ્વાસની ટકટક રહી જાય છે… બસ !

Comments (7)

કેટલાંક બાળકો – નરેન્દ્ર સક્સેના (અનુ. નૂતન જાની)

કેટલાંક બાળકો બહુ જ સારાં હોય છે
તેઓ બૉલ કે બલૂન માંગતા નથી
નથી માગતા મિઠાઈ કે નથી કરતા જીદ્દ
હેરાન તો થતા જ નથી
મોટાઓનું કહ્યું માને છે
આટલાં સારાં હોય છે
આટલાં સારાં બાળકોની તપાસમાં રહીએ છીએ
આપણે
અને મળતાં જ એમને ઘરે
લઈ આવીએ છીએ
ત્રીસ રૂપિયા મહિને અને ખાવાના પર.

– નરેન્દ્ર સક્સેના (હિંદી)
(અનુ. નૂતન જાની)

આજે બાળનોકરોનો પગાર કદાચ ત્રીસના બદલે હજાર-બે હજાર થયો હશે પણ આપણી માનસિક્તા ?

Comments (7)

કોડિયું ને સૂરજ – ઉદયન ઠક્કર

કોડિયા  પર સૂર્ય  તડક્યો,  ‘તારી  કોને  છે  ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ…’
ઝંખવાઈને   કોડિયું   કહે,   ‘મુલતવી   રાખો, હજૂર
આ   ચુકાદો,   આજ   રાતે,   આપવાની છે  અરજ’

– ઉદયન ઠક્કર

Comments (15)

મારામાં તું જ ઊમટે – મકરંદ દવે

હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.

હું તો નાનું હિમકણ, હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય !
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.

હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ, શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.

મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.

– મકરંદ દવે

તથાગતને કોઈક વિરોધીએ ભિક્ષામાં એક કેરીનો ગોટલો આપ્યો.સમસ્ત શિષ્યગણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા શિષ્યો આઘાત પણ પામ્યા… પરંતુ તથાગત પ્રસન્નચિત્તે ભિક્ષા સ્વીકારી આશીર્વચન કહી પાછા વળ્યા. સ્થાનકે જઈ તે ગોટલો શિષ્યોને વારાફરતી આપ્યો. કોઈ કશું જ બોલતું ન હતું. શિષ્યો કંઈ જ સમજી ન શક્યા. છેવટે ભગવાનના પ્રથમ શિષ્યગણમાંના એક એવા સરીપુત્તના હાથમાં તે ગોટલો આવ્યો. તેઓ તેને એક ચિત્તે જોઈ રહ્યા અને તેઓના ચહેરા પર પ્રસન્ન સ્મિત આવી ગયું. તથાગત પ્રસન્ન થઈ વિરામ કરવા સિધાવ્યા. શિષ્યો સરીપુત્તને ઘેરી વળ્યા અને આ રહસ્યમય મૌનસંવાદનું રહસ્ય પૂછ્યું….સરીપુત્તે કહ્યું – ‘ આ ગોટલામાં આખો આંબો છે….આ દાન આપનાર કેટલો ઉદાર અને મહાન હશે ! ‘

Comments (5)

તો જુઓ ! – ભગવતીકુમાર શર્મા

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ !
ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ !

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય;
કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ !

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ !

પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ !
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ !

બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું !
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ !

-ભગવતીકુમાર શર્મા

Comments (8)

સુ.દ. પર્વ:૧૫: પ્રાર્થના

Suresh Dalal - sketch

*

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

– સુરેશ દલાલ

*

*

જે રીતે સુંદરમે દોઢ લીટીમાં –તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી– પ્રેમનો આખો ઉપનિષદ લખી નાંખ્યો એમ સુ.દ.ની આ એક લીટીની પ્રાર્થના પણ જગતભરની પ્રાર્થનાઓમાં મોખરાનું સ્થાન મેળવી શકે એવી અદભુત છે…

Comments (5)

(ઇનકાર) – અનામી (ગ્રીક) (અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ) (અનુ. વિવેક મનહર ટેલર)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ)

“લયસ્તરો” પર આજે ફરી એકવાર ‘ફોર-અ-ચેઇન્જ’ આ ત્રણ લીટીઓ વાચકમિત્રોના હવાલે… આ ત્રણ લીટીઓમાં આપ શું અનુભવો છો એ અમને જણાવો. આપને આ ત્રણ લીટીઓમાં બકવાસ નજરે ચડે તો પણ કહો અને કવિતા દેખાય તો એ પણ જણાવો…

Comments (16)

કબર જેવું – કરસનદાસ લુહાર

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– કરસનદાસ લુહાર

દરેક જન્મ એ હકીકતમાં મરણની શરૂઆત જ હોય છે. મૃત્યુને કેન્દ્રસ્થાને રાખી લખાયેલી મુસલસલ ગઝલ… છેલ્લા શેરમાં સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ આ ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે…

Comments (6)

ઉત્તર નર્મદ – રઘુવીર ચૌધરી

yahom

નથી હાર્ત્યો યોદ્ધો, લડત નિજ ચાલી ભીતરથી,
લહી શસ્ત્રો બુઠ્ઠાં, સજગ મતિ શાસ્ત્રોને સ્મરતી.
સપાટીના સત્યે મચતી મૃગતૃષ્ણાની ભરતી,
વિવેકીની ઉચ્છેદક જલદ વૃત્તિ વિરમતી.

હતાં જાળાં ઝાઝાં, વિકટ પથ અંધાર જકડે
વિલાસી ને દંભી જન ધરમ ધૂતે, મન સડે;
તહીં છેડ્યા જંગે વીર અડગ તું, શૌર્ય ઝળકે,
અહો જોસ્સો તારો! સુરત સઘળું શિર ઊંચકે.

તને માન્યો સૌએ પ્રથમ પ્રહરી નવ્ય નભનો.
નથી દીઠો પૂર્વે વિનત શરણાર્થી શબદનો.
જગાડ્યા ડંકે ને બ્યુગલ થકી દોર્યા કંઈ જનો
પરંતુ ઘોંઘાટે સત મૂક, વકાસે રણવનો. 

કબૂલી તેં ભૂલો અપયશ વહોર્યો, ભય નહીં,
ખરો ટેકીલો તું વીર વિરલ પીછેહઠ મહીં.

– નર્મદ

નર્મદની વર્ષગાંઠ 24મીએ આવે છે. એના જન્મને એકસોને ઓગણાએંસી વર્ષ થયા અને મરણને એકસોને છવ્વીસ વર્ષ. આટલા વર્ષે પણ એની નજીક પહોંચી શકે એવો કોઈ કવિ આપણે ત્યાં થયો નથી. કવિતા-સાહિત્યની વાત કરવી અલગ છે પણ એ આદર્શોને જીવી બતાવવા એ પાછી તદ્દન અલગ વાત છે.

વિચારવા જેવી વાત છે કે અર્વાચીન સાહિત્યકારોમાં નર્મદ એક જ એવો છે જેને બધા તુંકારાથી બોલાવે છે. બધાને એ એટલો પોતિકો લાગતો હશે તો જ ને ! 

સાથે જોશો : વિકિપિડિયા પર નર્મદ, ‘ડાંડિયો’નો એક અંક, આગળ મકેલા નર્મદના કાવ્યો.

Comments (2)

છોડવા પડશે-મનોજ ખંડેરિયા

મથામણ અને તારણના સીમાડા છોડવા પડશે ;
સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે.

અલગ દુનિયા નીરખવા ફ્રેમના નિર્જીવ ચોરસ બહાર,
પ્રતિબિંબોને દર્પણના સીમાડા છોડવા પડશે.

રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.

સમય લાગે છે એવું ક્યાં, સમયની પાર છે એ તો,
કે મળવા એને હર ક્ષણના સીમાડા છોડવા પડશે.

જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.

નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.

-મનોજ ખંડેરિયા

Comments (7)

Page 1 of 4123...Last »