હું – ફકીરમહંમદ મનસુરી
હું
તારા
અંગથી અળગું કરેલું વસ્ત્ર
લોચો થૈ લટકતું વળગણીએ…
ઘડિયાળ હું કાંટા વિનાનું
શ્વાસ ને ઉચ્છ્વાસનો આ ટકટકારો…
જીવ્યે જાઉં છું.
રૂંવાટીએ રૂંવાટીએ
કૈં કેટલાં આકાશ
એવું
પાંખમાંથી
ખેરવી દીધેલ હું પીંછું…
વાયરે લેતું ઘુમરિયો ને રજોટાતું.
સંદર્ભથી છુટ્ટું પડેલું વાક્ય હું…
‘હું’ હવે તો
શિર તણા મણિ વિણ ફણી શો…
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર !
– ફકીરમહંમદ મનસુરી
પ્રિય પાત્ર વિનાની જિંદગી કેવી હોઈ શકે એનો અદભુત ચિતાર કવિ અહીં જૂજ પંક્તિઓ અને સશક્ત રૂપકો વડે આપે છે. અંગથી ઉતારી દીધેલું વસ્ત્ર, કાંટા વિનાનું ઘડિયાળ, અસીમ આકાશની અનંત શક્યતાઓ અને આશાઓ એક-એક રૂંવાટી પર ભર્યું ભર્યું પણ પંખીના શરીર પરથી ખરી ગયેલું અને હવે પરિસ્થિતિના વાયરાની દયા પર અટવાતું પીંછું, સંદર્ભ ગુમાવી બેસેલું વાક્ય અને મણિ વિનાનો ફણીધર… પ્રિય પાત્રની અનુપસ્થિતિમાં અસ્તિત્વ કેવું સ્થગિત નિર્જીવ બની રહે છે- એક ઉંહકારો પણ કરી શકાતો નથી ! કેવળ શરીરનું હોવું રહી જાય છે.. શ્વાસ અને ઉચ્છ્વાસની ટકટક રહી જાય છે… બસ !
Rina said,
August 31, 2012 @ 12:35 AM
beautiful….
zankruti said,
August 31, 2012 @ 2:05 AM
પ્રિય પાત્ર વિનાનુ જિવન જિવવુ એટ્લે ગાધારિ નિ જેવિ દ્શા
ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,
August 31, 2012 @ 2:10 AM
અહીં ખામોશી ફિલ્મ નું ‘યે શામ કુછ અજીબ હૈ , વો શામ ભી અજીબ થી..’ જુદા સંદર્ભ માં યાદ આવે છે, ‘ડેરીંગ” હોવાના પ્રયત્નથી શરુ થયેલ કિશોરાવસ્થા પછી “કૅરીંગ” હોવાના સતત ભારણ વચ્ચે ક્યારે હેલ્પીંગ અને છેલ્લે- હેલ્પલેસ અને હોપલેસ બની જઈએ- જ્યારે જીવન રથનું એક પૈડું આગળ નિકળી ગયું હોય ત્યારે વિતેલા સમય ના દરેક પ્રસંગ ચિત્રપટ્ટ્ની જેમ પસાર થતાં રહે .. ત્યારે … સમજાય કે નાની નાની બાબતો કરતાં જીવન-સહજીવન વધુ મહત્વનું છે- બલ્કે હવે “હતું” આપણી જીદ કે એકબીજાને સહી નથી શકતા- ક્યારેક આપણી લાચારી કે જરુરીયાત બની જાય “આપણે એકબીજા વગર રહી પણ નથી શકતા! ખરેખર વસ્તુ કે વ્યક્તિની કિંમત તેને ગુમાવી દીધા પછી જ ખબર પડે છે! આએક વિડંબના છે!
pragnaju said,
August 31, 2012 @ 7:41 AM
સરસ અછાંદસનો
તેનાંથી સરસ આસ્વાદ
લક્ષ્મી ડોબરિયા said,
August 31, 2012 @ 9:51 AM
ખૂબ સરસ…! ‘હું’ હવે તો
શિર તણાં મણિ વિણ ફણી શો
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર..!..આ ”કણસ” જ કદાચ ”જણસ” થઈ જતી હશે…!
perpoto said,
August 31, 2012 @ 10:16 AM
હાયકુમા આ રીતે
લાગે આજાણા
રસ્તા ઘર તરફ
ભટકે શેરીમા
J k nanavati said,
August 31, 2012 @ 2:23 PM
ચાલો હળવી શૈલીંમા
અમે………
અમે તો સાવ અલગારી હતા
ગમે તે ચાયમાં, ખારી હતા..!!
નથી સમજુ કે અણસમજુ અમે
જરા અમથી સમજદારી હતા
ઉઘાડે છોગ જીવનારા સદા
અહી ક્યાં કોઈ સન્નારી હતા
નથી મંઝીલ, ઉતારા કોઈના
તૂટેલી, તોય પગથારી હતા
સદા ચારો ચર્યો, ચારો તરફ
છતાં કહેતા, સદાચારી હતા
અમારું મોત પણ બબડ્યું હશે
ઉપાધી એક અણધારી હતા..!!
Anil Shah.Pune said,
November 20, 2020 @ 11:28 PM
મારું તારા માં હોવું,એક રમકડું બાળક નું,
એનાથી વિશેષ કાંઈ નહીં,
કંટાળો આવે, થાકી ગયું,મન ભરાઈ ગયું,
મુકી દીધું અલગારુ,
એનાથી વિશેષ કાંઈ નહીં,