આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે!
રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2011

મેં વસંત પાસેથી – શેખાદમ આબુવાલા

મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું
પાનખરને લાગ્યું છે

જિંદગીની વેરાની
એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ
કલ્પનામાં જાગ્યું છે

આ શું રૂપને સૂઝ્યું
દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું
તીર કેમ વાગ્યું છે

જોકે એમ તો છું પણ
હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને
મેં સમસ્ત ત્યાગ્યું છે

એ જ છે હજી મોસમ
એ જ છો તમે આદમ
આ વતન તમારાથી
સ્હેજ દૂર ભાગ્યું છે

Comments (9)

અનુભૂતિ-જગદીશ જોષી

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ તહીં ડહોળું:
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

અત્યંત રમણીય કલ્પનો મઢ્યું રળીયામણું ગીત….એટલા બધા અર્થો છુપાયા પડ્યા છે કે એક અર્થ આપવો ગીતને અન્યાય કરવા બરાબર છે. વારંવાર વાંચીને ગણગણ્યા કરવાથી આપોઆપ ભાવાકાશ ખુલે છે.

Comments (7)

યુવાગૌરવ: ૨૦૧૦: અનિલ ચાવડા

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_anilchavda

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.

સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને  મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?

તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.

તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.

– અનિલ ચાવડા

અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?

Comments (33)

યુવાગૌરવ: ૨૦૦૯: હરદ્વાર ગોસ્વામી

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_hardwaar

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

-હરદ્વાર ગોસ્વામી

સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !

Comments (21)

યુવાગૌરવ: ૨૦૦૮: ધ્વનિલ પારેખ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૮ માટે ધ્વનિલ પારેખને આપવામાં આવ્યો. ધ્વનિલ પારેખને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_dhwanil copy

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.

– ધ્વનિલ પારેખ

દરિયા અને નદીવાળો ધ્વનિલનો શેર ગુજરાતી ગઝલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યો છે પણ એ સિવાયના શેર પણ મનનીય થયા છે…

Comments (17)

યુવાગૌરવ: ૨૦૦૭: સૌમ્ય જોશી – વાવ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_saumyajoshi

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.

Comments (26)

અમસ્તું – લાભશંકર ઠાકર

૧.
વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

૨.
આમેય નથી અને તેમેય નથી.
ઉગાડવા છતાં ઉગતી જ નથી.
મૂળ જ નથી.
બીજ જ નથી.
નથી નથી તો શબ્દ કેમ છે-
ઘંટારવ કરતો પડઘાતો પડઘાતો
સતત સતત સદીઓથી કાનોમાં
આ-આ-સમૂહનો?

૩.
હાથ જોડું પગ જોડું
છતાં છૂટો, અલગ, ભિન્ન, સમૂહના કાંઠે, તટસ્થ.
કૂદી પડું આ ઘુઘવાટમાં, ટુ એન્ડ?

૪.
બધું જ મનની તિરાડમાંથી આવે
ને સરક સરક સરકીને સ્પર્શતું જાય.
કંઈ કશુંય તે ના થાય,
આ આમ હોવાનું વંચાય: કહો કે ભાન
અમસ્તું.

– લાભશંકર ઠાકર

અર્થયુકત હોવું વધારાનું છે. કશું ઉગતું નથી પણ ટોળાનો શબ્દ બેશુમાર પડઘાતો રહે છે. સમુહમાં ભળવું અશક્ય છે. ભાન (consciousness) એ તો મનની તિરાડમાંથી વહેતું પાણી માત્ર છે. અને એય – અમસ્તું.

નિરર્થકતાના પડ ઉપર પડ ચડી ગયેલા અસ્તિત્વને કવિ (ક્રૂરતાથી) ઝાટકે છે. અને એય – અમસ્તું.

Comments (1)

ચુપચાપ – વિવેક મનહર ટેલર

બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.

યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.

ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.

અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.

બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.

ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.

-વિવેક મનહર ટેલર
(૧૦ જુલાઈ, ૨૦૧૧)

‘ચુપચાપ’ નામ છે પણ ગઝલ ઘણી મઝાની વાત કહે છે – ને નજાકતથી કહે છે. જેનામાં દીવાલને ફાડીને બહાર આવવાની તાકાત હોય એ લતાને કશું ક્હેવા માટે શબ્દોની જરૂર જ નથી રહેતી !

Comments (27)

એક વેદના – સિતાંશુ યશશ્ચંદ્ર

વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના….

દુર્બોધ કવિની આ અદભૂત રચના વાંચી ઝૂમી ઉઠાયું ! આંસુને ઇંધણ બનાવવાની વાત અવનવા રૂપકોને સહારે આલેખાઈ છે. મને સવિશેષ તો -‘ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર [ ભીંતચિત્ર ] દે…’ – રૂપક બહુ ગમ્યું. અંતિમ પાંચ પંક્તિઓ પણ અનેરી ઊંચાઈ આંબે છે.

Comments (10)

એક ગઝલ, એક પ્રયોગ – ઉદયન ઠક્કર

કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.

તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.

કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.

કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.

ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.

કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.

અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.

– ઉદયન ઠક્કર

લાંબી રદીફની ગઝલની મોટી મુશ્કેલી એ હોય છે કે મોટા ભાગે એ રદીફ ગઝલમાં લટકણિયું બનીને રહી જતી હોય છે. શેરમાંથી રદીફ કાઢીને વાંચીએ એટલે તરત જ અહેસાસ થાય કે કવિએ જે વાત કહેવાની હતી એ તો આગળની દોઢ પંક્તિમાં પૂરી જ થઈ ગઈ છે અને આ રદીફ એમાં કંઈ નવું ઉમેરી શક્તી નથી… પણ ઉ.ઠ.ની આ ગઝલના આઠે આઠ શેર રદીફ ઢાંકી દઈને વાંચો તો રદીફની અનિવાર્યતા અને એના વિના શેરની અધૂરપ તરત જ સમજાય છે…

હા, જો કે આ ગઝલને એમણે એક ગઝલ, એક પ્રયોગ એવું શીર્ષક કેમ આપ્યું હશે એ મને સમજાયું નહીં… Any takers?!

Comments (12)

Page 1 of 3123