યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2008

શહીદ – કૃષ્ણ દવે

નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !

-કૃષ્ણ દવે

આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?

આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?

Comments (12)

ગુમાવીને – કિરણસિંહ ચૌહાણ

Mijaj- Kiran Chauhan

*

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.

-કિરણસિંહ ચૌહાણ

‘સ્મરણોત્સવ’ પછી કિરણકુમાર ચૌહાણ એમનો બીજો ગઝલ સંગ્રહ ‘મિજાજ’ લઈને આવે છે. ગયા રવિવારે તા. 23-11-2008ના રોજ એમના આ સંગ્રહનો સુરત ખાતે લોકાર્પણ વિધિ થયો. આ નાનકડી પુસ્તિકાની 56 ગઝલોમાં કિરણકુમારનો મિજાજ સુપેરે વ્યક્ત થયો છે. બધી ગઝલો આસ્વાદ્ય થઈ છે અને કિરણકુમારની ગઝલોમાંનો લોકબોલીનો કાકુ, સરળતા વચ્ચે વસેલું વેધક ઊંડાણ અને છંદ-વૈવિધ્ય ફરીથી ઊડીને આંખે વળગે છે. આ સંગ્રહમાંની બે ગઝલ – ઘડિયાળની સાથે તથા ચલાવો છો આપ અગાઉ લયસ્તરો પર એમના પોતાના હસ્તાક્ષરમાં માણી ચૂક્યા છો.

કિરણકુમાર ચૌહાણને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

Comments (14)

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં…

વ્હાલા મિત્રો,

મુંબઈમાં ફરી એકવાર થયેલા ભારતવર્ષના ઈતિહાસના સૌથી મોટા આતંકવાદી હુમલાના સમાચાર આપે જાણ્યા જ હશે. તાજ અને ઑબેરોય જેવી પંચતારક હોટલ, રેલ્વે સ્ટેશન અને અન્યત્ર સ્થળો પર થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ, અંધાધૂંધ ગોળીબાર અને આગજનીના કારણે સેંકડો નિર્દોષ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. એ જિંદગીઓ ઉપર અવલંબિત સેંકડો કુટુંબો પોતાના ભવિષ્યના સ્વપ્નાંઓના ફુરચેફુરચા ઊડતાં અનુભવી રહ્યાં હશે. કેટલાય લોકો ઘાયલ થઈને બચી ગયા જેઓ આખી જિંદગી મૃત્યુના દરવાજે ટકોરા મારી પાછાં ફર્યા હોવાનો અનુભવ હાશકારાથી નહીં પણ હાયકારાથી અનુભવતા રહેશે. મુંબઈ અને ભારતવર્ષની કરોડોની જનતા અવારનવાર કોઈપણ પૂર્વચેતવણી વિના ગમે તે સ્થળે અને ગમે તે સમયે ગમે તેના પર થતા આ આતંકવાદી હુમલાઓના પરિણામે સતત અસુરક્ષિતતાના ઓથાર તળે જીવતી થઈ જશે…

…કદી જેનો અંત આવવાનો જ નથી એવા આ ભયાવહ દુઃસ્વપ્નના વિરોધમાં અને નિર્દોષ મૃતકોના માનમાં ‘લયસ્તરો’ આજે એક દિવસ પૂરતું મૌન પાળશે. જાણીએ છીએ કે અમારા આ નાનકડા વિરોધનો કોઈ અર્થ નથી. પણ અમે જણાવવા માંગીએ છીએ કે અમે પણ આ હુમલાના કારણે ઘવાયા છીએ. અમે એ પણ જણાવવા માંગીએ છીએ કે ઝેડ કેટેગરીના સુરક્ષાકવચ વચ્ચે નિરાંતે ઊંઘતા અર્થહીન અને સંવેદનહીન રાજકારણીઓથી અલગ અમારા પોતાના આત્માની શુદ્ધતા અને મુઠ્ઠીમાં સતત શ્વસતા મૃત્યુને અડોઅડ અડધીપડધી ઊંઘ સાથે પણ અમે આવા હિચકારા અને કાયર હુમલાઓથી ડરતા નથી… અમે નથી હિંદુ કે નથી મુસલમાન. અમે સહુ માત્ર ભારતીયો જ છીએ. અમે સહુ સાથે જ હતા અને સાથે જ રહીશું…
અસ્તુ !

Comments (22)

ગઝલ – મહેક ટંકારવી

આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.

બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !

દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-‘મહેક’ ટંકારવી

અવાજની આજુબાજુ પડઘાતી રહેતી એક મજાની ગઝલ. બધા જ શે’ર અનવદ્યપણે આસ્વાદ્ય બન્યા છે. અંધકારમાં પ્રકાશ અને દિલની દીવાલોના યાદના પડઘે ગુંજવાની વાત તો આ ગઝલની જાન છે… આ કવિ વિશે કોઈ વિશેષ જાણકારી આપી શકે ખરું?

Comments (5)

વર્ષા – હર્ષદ ચંદારાણા

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.

રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.

બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.

સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોઘું આણું છે વર્ષા.

સવાશ્રી, સાતસો છયાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.

– હર્ષદ ચંદારાણા

વર્ષા-ગીત તો આપણે બહુ જોયા છે, આજે એક વર્ષા-ગઝલ માણો ! મેઘપુત્રી ધરતીને લગ્નપ્રસંગે આણાંમાં વર્ષા આપવાની કલ્પના જ કેટલી સરસ છે, ને વળી એ શેરમાં મેઘને માટે ‘ઘનશ્યામદાસ’ શબ્દ વાપરીને કવિએ મઝા કરાવી દીધી છે. ગઝલ લખ્યાની તારીખને કવિએ છેલ્લા શેરમાં આબાદ વણી લીધી છે.

Comments (9)

તું – સુરેશ ભટ્ટ

તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.

તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.

તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.

તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.

તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.

તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.

તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.

– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)

એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.

(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)

Comments (7)

બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.

– વાડીલાલ ડગલી

ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.

Comments (8)

આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…

Comments (7)

નયનને બંધ રાખીને – બેફામ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

-બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…

ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…

Comments (10)

હસ્તપ્રત – મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

-મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. ‘પોતાની’ એક ક્ષણ પરત મળે તો કવિ બદલામાં જે માંગવામાં આવે એ આપવા તૈયાર છે. અહીં ‘મારી’ શબ્દ ખાસ ધ્યાન માંગી લે છે. વિતેલી ક્ષણ પાછી મેળવવાનું કામ જ આમ તો દુષ્કર છે પણ અહીં કવિની એક માત્ર શરત એ છે કે એ ક્ષણ પણ જો પરત મળે તો એ એમની જ પોતાની હોય. અને પોતાની ભીતર આવવા માટેનું આહ્વાન પણ કેવી સ-રસ રીતે કવિ આપે છે!

Comments (10)

Page 1 of 3123