ગઝલ – મહેક ટંકારવી
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.
બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.
હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !
દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.
-‘મહેક’ ટંકારવી
અવાજની આજુબાજુ પડઘાતી રહેતી એક મજાની ગઝલ. બધા જ શે’ર અનવદ્યપણે આસ્વાદ્ય બન્યા છે. અંધકારમાં પ્રકાશ અને દિલની દીવાલોના યાદના પડઘે ગુંજવાની વાત તો આ ગઝલની જાન છે… આ કવિ વિશે કોઈ વિશેષ જાણકારી આપી શકે ખરું?
Pinki said,
November 27, 2008 @ 7:42 AM
સાચે જ અવાજના પડઘા …. દિલની દીવાલો પર ગૂંજી ઊઠે છે.
મહેક ટંકારવી-
એમના ત્રણેક ગઝલસંગ્રહ છે . પ્યાસ, પ્યાસથી પરબ સુધી, તલાશ.(?)
ઘણા લાંબા સમયથી ભારત બહાર છે. કદાચ યુ.કે. ?
પંચમભાઈ પાસે વધુ જાણકારી મળી શકે.
Pinki said,
November 27, 2008 @ 8:28 AM
વિવેકભાઈ,
આ ગઝલ સ્વરબદ્ધ પણ કરવામાં આવી છે.
http://www.mahek.co.uk/mt/pyas/AnkhoRadiPadiAnai.htm
Pinki said,
November 27, 2008 @ 8:30 AM
‘વફા’ સાહેબનાં બ્લૉગ પર વધુ માહિતી ઉપલબ્ધ છે.
http://bazmewafa.wordpress.com/2007/11/02/mahekanaafoolo-_wafa/
વિવેક said,
November 27, 2008 @ 8:39 AM
પિંકીબેન,
આ ત્વરિત જાણકારી બદલ ખૂબ આભાર…
pragnaju said,
November 27, 2008 @ 10:10 AM
બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
સુંદર
એમની આ ગઝલનો ઝંકાર થાય છે
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો’ય વહી જાય છે અવાજ.
બોલ્યા તમે એ વાત ને વર્ષો થઇ ગયા,
દિલમાં હજીય એમ એ પડઘાય છે અવાજ … છે બંધ…
હોઠો નું સ્મિત આંખ ના મદમસ્ત ઇશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ… છે બંધ…
છે એમનાથી તો’ય પરીચિત ઘણો છતાંય
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ… છે બંધ…
દિલની દિવાલો ગુંજતી થઇ જાય છે ‘મ્હેક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ… છે બંધ…
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો’ય વહી જાય છે અવાજ.
કવિ મહેંક ટંકારવી
ગાયક – મ.ઉ.
આલ્બમ – આવાઝ
– મ્હેક