બાંકડે બેઠો છું – હરિકૃષ્ણ પાઠક
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.
કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું.
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.
ઘટ આવે કે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.
ખુદાબક્ષ છે, કોઈ છે ઈજ્જતવાળા;
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.
ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાંવા ભરતી,
ભોંય સરકતી જાય, બાંકડે બેઠો છું.
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.
– હરિકૃષ્ણ પાઠક
સ્ટેશન પરની ગતિવિધિને બાંકડેથી જોતા સ્ફૂરેલી, ઘટનાઓની વર્તુળાકાર ગતિને સમજવા મથતી ગઝલ.
(ઝાંવા = વલખાં, તરફડીયાં)
pragnaju said,
November 13, 2008 @ 10:22 AM
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.
બાઝારસે ગુજરા હૂં— જેવી સુંદર અભિવ્યક્તી…
… ત્યારે આવું પણ બને કે સૂરત સ્ટેશનના બાંકડા પર પરમ શક્તીના નૂરનો અણસાર પણ પમાય!”
સૂરત સ્ટેશનના બાંકડા પર દાદા ભગવાને ભાળેલો એ પ્રકાશ !”
દાદાશ્રીના શબ્દોમાં : આખા શરીરનો નહિ, આખા બ્રહ્માંડનો પ્રકાશ મેં જોયો, ભગવાન શું છે ? કોણ બનાવે છે ? કોણ ચલાવે છે ? કર્મો શું છે? કર્મો બંધાયાં શી રીતે ? બધો પ્રકાશ જોયો.. હા, બધું જ જોયું છે. તમારે જે જાણવું હોય તે જાણી લો. મારે તો રામે ય પૂરા થયા ને રામાયણે ય પૂરી થઈ !
Pinki said,
November 14, 2008 @ 2:16 AM
આ સ્ટેશન પર રાહ જ જોવાની સ્વજનની કે ટ્રેનની આમ તો-
પણ તે સિવાય જિંદગીનાં તમામ પાસાં પર વિચારવાની તક પણ સાંપડે
ઘણી અઘરી ક્ષણો સ્ટેશન પરની –
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.
હા… દાદા ભગવાનવાળી વાત ગમી ગઈ….!!
નહીં તો પણ આપણી સમજ શક્તિ પ્રમાણે જ્ઞાન તો લાધતું જ હોય ત્યાં ?!!
વિવેક said,
November 14, 2008 @ 2:32 AM
સુંદર ગઝલ… કવિ કઈ કઈ જગ્યાએ કવિતા નથી શોધી લેતો??
indravadan g vyas said,
November 16, 2008 @ 2:25 PM
ગઝલ બાંકડે બેઠી, ગઝલ બાંકડે જડી,ગઝલ ગાડીએ બેઠી,ગઝલ સીગ્નલ શોધે,
ગઝલ જંડી ફરકાવે,ગાડી આવે ને જાય ગઝલ ગાતી રહે,જીવન જીવાતું જાય,
ગણવેશનો વેશ ભજવાતો જાય,
સરસ,
મઝા પડી,
ઇન્દ્રવદન વ્યાસ