પરંતુ – ‘આદિલ’ મન્સૂરી
સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)
કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)
આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)
તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)
નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)
બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)
કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)
– ‘આદિલ’ મન્સૂરી
આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.
ડૉ. મહેશ રાવલ said,
November 7, 2008 @ 10:09 PM
આજે આપણી વચ્ચે નથી-એવા કેટલાક નામોની યાદી ધીમે-ધીમે લાંબી થઈ રહી છે……..
એક નામ નવું ઉમેરાયું જનાબ આદિલ મન્સૂરી સાહેબનું……..શું થઈ શક્યું આપણાથી અરે! કોઇપણથી……..ઘડીકમાં ‘હતા’ કહેવાનું ?
કાળનો પંજો,કાળજાની કંપારી નથી ગણકારતો કે નથી અનુભવી શક્તો આપણા જેવી સંવેદનાથી ઘૂંટાયેલ ડૂમો,ચીસ,આક્રંદ,વલોપાત અને આંસૂ જેવી અભિવ્યક્તિ……..
એમની સાથે વીતાવેલી એક એક ક્ષણ અવિસ્મરણીય,અકબંધ રહેશે સ્મૃતિપટ પર.
ઇશ્વર,સદગતના આત્માને સ્વર્ગનું ઐશ્વર્ય પ્રદાન કરે – એ પ્રાર્થના કરીએ.
-અસ્તુ
nilam doshi said,
November 7, 2008 @ 11:25 PM
સ્થૂળ સ્વરૂપે આદિલ સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા. પરંતુ તેમની સુન્દર રચનાઓ વડે તેઓ હમેશા આપણી સાથે જ રહેશે. ગઝલકાર અલવિદા કહી શકે..ગઝલ નહીં. તે તો સદા જીવંત.
બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)
ખૂબ સ્પર્શી ગઇ..
વિવેક said,
November 8, 2008 @ 9:42 AM
સુંદર રચના…
સાચી વાત, નીલમબેન ! ગઝલકાર અલવિદા કહી શકે, ગઝલ નહીં!!!
pragnaju said,
November 8, 2008 @ 5:51 PM
કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)
આપણા હ્રુદયમા અમર કવિની કેવી સરસ અભિવ્યક્તી