ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2007

કોડિયું – ઝવેરચંદ મેઘાણી

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)

Comments (8)

શબ્દ – ઉમાશંકર જોશી

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

– ઉમાશંકર જોશી

શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )

Comments (14)

સરનામું – અજય પુરોહિત

ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!

– અજય પુરોહિત

વિદેશી કાવ્યોમાં માત્ર juxtapositionથી કાવ્યમાં અર્થ ઉપજે એવા કાવ્યો ઘણા જોવા મળે છે. આ કાવ્ય એનો સારો પ્રયોગ કરે છે. ‘મરેલુ પતંગિયું’ એકી સાથે કેટલીય અર્થ-છાયાઓ રચી આપે છે.

Comments (9)

ગઝલ – જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

– જવાહર બક્ષી

જવાહર બક્ષી (19-2-1947) એટલે ખરા અર્થમાં ગઝલના મર્મજ્ઞ. એમની ગઝલ ઊંડાણ, ચિંતન અને મનનથી સાવ જુદી તરી આવે છે. ચાળીસ વર્ષ સુધી અક્ષરની આરાધના કર્યા પછી ફક્ત 108 મણકાંની માળા આપીને બાકીની છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દે એવો આખો માણસ આજે ક્યાં મળે જ છે? એના જ શબ્દમાં: “ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે. અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ”. નરસિંહ મહેતાના વંશજ જવાહર વ્યક્તિ નથી, વાતાવરણ છે. એક જ સંગ્રહ: ‘તારાપણાના શહેરમાં’.

Comments (9)

ગઝલ – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।

मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।

फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।

जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।

-मुकुल चोक्सी

મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…

Comments (11)

ગઝલ- પ્રમોદ અહિરે

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી   આગ  જેવું  કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું   સર્વસામાન્ય   છે  એ  ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં  રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

ગુજરાતી ગઝલના મક્કા કે કાશી ગણાતા સૂરતની ગઝલ-સંસ્કૃતિને બરકરાર રાખી શકે અને એનું અજવાળું દિનોદિન ઊજાળી શકે એવા નવી પેઢીના માંજેલા ગઝલકારોમાંના એક એટલે પ્રમોદ અહિરે. સ્મરણને કેન્દ્ર સ્થાને રાખી લખેલી આ ગઝલ વાંચો અને કાયમ માટે સ્મરણમાં ન જડાઈ જાય તો જ નવાઈ.

Comments (7)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

– હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..

(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)

Comments (13)

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
            નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
                        કેવો પકડે છે એ ?
                        કેવો પાડે છે એ ?
                        કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
       તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
       ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
       આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
       શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

પ્રેમ વિષે સુન્દરમે અનરાધાર લખ્યું છે. મેરે પિયા !, હું ચાહું છું  કે તને મેં ઝંખી છે જુઓ તો એમની સૂક્ષ્મ દૃષ્ટિનો ખ્યાલ આવે. એમણે જ આ એમના સમય અને શૈલીથી હટીને આ અછાંદસ કાવ્ય પણ લખ્યું છે. કાવ્યની રચના તદ્દન સરળ છે અને વાત સીધી વર્ણનાત્મક રીતે જ આવે છે, છતાંય કાવ્ય એની પોતાની રીતે મોહક છે. પ્રેમ આંધળો હોય છે એ માન્યતાની સામે કવિએ બહુ ઊંડી વાત કરી છે.

Comments (12)

મુક્તક – રિષભ મહેતા

કોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?

– રિષભ મહેતા

Comments (6)

પ્રેમઘટા ઝૂક આઈ – જયન્ત પાઠક

સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
                                        મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..

મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
                                             પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
                                             ભેદ ગયા ભૂંસાઈ – સંતો…

– જયન્ત પાઠક

અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.

Comments (4)

Page 1 of 4123...Last »