ઝાકળબુંદ : ૨ : ચાડી ખાય છે – ડો. હરીશ ઠક્કર
હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે
ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે
કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે
કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે
– ડો. હરીશ ઠક્કર
pragnajuvyas said,
October 2, 2007 @ 1:26 PM
હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે
સુંદર શેર
કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે
દાદ આપવા જેવી આખી ગઝલ
ડો. હરીશ ઠક્કરને અભીનંદન.
Shah Pravinchandra Kasturchand said,
October 3, 2007 @ 7:01 AM
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે.
સૈફ સાહેબનો એક શેર યાદ આવે છેઃ
“ગઝલો લખું છું, ‘સૈફ’, એક પ્રથા નિભાવું છું.
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જિવાય છે?
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ
Bhavna Shukla said,
October 3, 2007 @ 9:28 AM
શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે….
……………………………………………………………..
દરેક શબ્દ એક સ્વતંત્ર ગઝલ જાણે બની ચુક્યો છે.
ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે
(અને લે કર વાત…)
કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
કેટલો વિરોધાભાસ છે!!!!!! એક માતા જેમ પોતાના સંતાનની ખામીઓ ને છુપાવી નથી શકતી પરંતુ “લે બીચારો…..કરે પણ શું” એવુ કૈક સમાધાન શોધી કાઢે છે…. બહુ આનંદ થયો શબ્દો અને ખાસ તો વિચારો પર અદભૂત પકડ છે.
બહુ અભિનંદન હરીશભાઇ…..
Bhavna Shukla said,
October 3, 2007 @ 12:05 PM
એટલી બધી ગમી ગઇ છે, કહો ને કે અસર કરી ગઈ છે કે કામ કરતા કરતા ફરી લયસ્તરો ખોલી ફરી ફરી વાચી.. મેજ પર ધીરે થી (ઓફિસ મા છુ માટે) હાથ પછાડ્યો અને મન ચીલ્લાયુ “YESSSS”!!!!!!!
વિવેક said,
October 4, 2007 @ 8:19 AM
કહી શકાય કે બધા જ શેર સુંદર થયા છે. ધીમેધીમે વાંચતા કૈંક અકળ વેદનાનો અહેસાસ થાય એવી નુકીલી ગઝલ છે. મત્લાનો શેર જેટલો સુંદર ઉપાડ આપે છે, આખરી શેર એટલો જ દમદાર થયો છે. આખરી શેર વાંચીએ તો અખાના છપ્પા જરૂર યાદ આવી જાય અથવા બાળાશંકરની ‘દેવડીએ દંડાય ચોર મુઠી જારના’વાળી વાતનું સ્મરણ થઈ આવે…
ડૉ હરીશભાઈ સુરતના જ વતની છે અને આયુર્વેદાચાર્ય છે. ગુજરાતી ભાષામાં એમણે આયુર્વેદના જેટલા ગ્રંથો- ચરકસંહિતા, સુશ્રુતસંહિતા જેવા- નો અનુવાદ કર્યો છે, એટલા ગ્રંથ કદાચ અન્ય કોઈ લેખકે નહીં લખ્યા હોય…
ઊર્મિ said,
October 8, 2007 @ 9:43 AM
વાહ… દરેકે દરેક શેર દમદાર છે!
કવિને અભિનંદન!