સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

ઝાકળબુંદ : ૩ : અખતરો છે – સુધીર પટેલ

પગ પર ચાલવું અખતરો છે,
ત્યાં સુધી પ્હોચવું અખતરો છે.

એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
એમના થૈ જવું અખતરો છે !

ખાતરી જો ના હોય તો કરજો,
મૌનને પાળવું અખતરો છે.

હો ભલે બસ તમે ને દિવાલો,
કંઈ પણ બોલવું અખતરો છે !

મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે.

એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
ખુદ મહીં જાગવું અખતરો છે !

– સુધીર પટેલ

4 Comments »

  1. pragnajuvyas said,

    October 3, 2007 @ 8:59 AM

    સુધીર પટેલ અમારી નજીક નોર્થ કેરોલિનામાં રહે છે.એટલે કોઈક વાર તેમને મોઢે ગઝલો,કાવ્યો સાંભળવાની તક મળશે.
    પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતા આ તમામ શેર જો ઝીણવટથી જોવામાં આવે તો કવિ શું ચીજ છે એ સમજવું આસાન થઈ પડે છે. સમયની કે પોતાની જાતથી અળગા થઈને જ્યારે વસ્તુને જોઈ શકાય ત્યારે જ સાચું મૂલ્યાંકન થઈ શકે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે કાયમ આમાં ખતરો છે,આમાં ખતરો છે ત્યારે સુ……….ધીર કહે છે-પગ પર ચાલવું ,ત્યાં સુધી પ્હોચવું ,
    એમના થૈ જવું ,મૌનને પાળવું ,કંઈ પણ બોલવું ,આ જીવન જીવવું અખતરો છે! અરે!ખુદ મહીં જાગવું અખતરો છે !
    એ વાતને- સમયથી પર ઘટનાના સંદર્ભમાં સાવ સરળ અને અદભૂત રીતે વ્યક્ત કરી છે.

  2. વિવેક said,

    October 4, 2007 @ 8:13 AM

    સુંદર રચના… દીવાલોને પણ કાન હોય છે એ કહેવત શેરના રૂપમાં સરસ રીતે ઉતરી આવી…

  3. Abhijeet Pandya, BHAVNAGAR said,

    November 30, 2008 @ 1:17 PM

    ગઝલ સારી છે પરંતુ અમુક શેરમાં ગાલગા ગાલગા લગાગાગા નો મેળ તુટતો હોય તેવું
    જોવા મળે છે. જેમ્કે , પગ પર ચાલ્વું ની જગ્યાએ પગ ઉપર ચાલવું અખત્રો છે એમ
    કરીએ તો છંદ મળે. કંઇ પણ બોલ્વું ની જગ્યાએ કાંઇ પણ બોલવું હોવું
    જોઇએ. સુધીરભાઈ ખુબ સારી ગઝલો લખે છે અને ભાવનગરમાં હું તેમને ઘણીવાર
    માણી ચુક્યો છું તેથી આ પ્રીન્ટ ઍરર પણ હોય શકે.

    – અભીજીત પંડ્યા. (ભાવનગરના એક નવોદીત
    ગઝલકાર)

  4. અનામી said,

    December 1, 2008 @ 3:35 PM

    સરસ.
    મૃત્યુની વાત તો પછીની છે,
    આ જીવન જીવવું અખતરો છે.
    ઉપરોકત શેર જલન માતરીનો એક શેર યાદ અપાવે છે….

    મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન,
    જીવનની ઠેસ થી તો હજી કળ વળી નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment