આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2006

એવું ગજું ક્યાં છે? -અહમદ ‘ ગુલ’

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?

હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ગુલ
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?

અહમદ ગુલ

બહુ જ સૌમ્ય વાણી વાળા આ શાયર ત્રીસ વર્ષથી બ્રિટનના
બાટલી શહેરમાં રહે છે.
બ્રિટનમાં
ગુજરાતી રાઇટર્સ ક્લબના તેઓ સ્થાપક છે.
પમરાટ અને મૌન પડઘાયા કરે તેમના કાવ્ય સંગ્રહો .

Comments (2)

મીણબત્તી – પ્રીતમ લખલાણી

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

પ્રીતમ લખલાણી

મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો

Comments (6)

મુક્તક – અજય પુરોહિત

પંખીની  આંખથી  હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને  કોલંબસે   આંખમાં  પૂર્યો
હું ટાપું શોધતું  કોઈ વહાણ  છું.

–  અજય પુરોહિત

Comments (2)

મુક્તક – જવાહર બક્ષી

પહોંચી  ન  શકું એટલા  એ દૂર નથી
પણ સાવ નિકટ આવવા આતુર નથી
શ્વાસોમાં  સમાઉં તો  મને એ રોકી લે
વહી  જાઉં હવામાં તો  એ મંજૂર નથી

– જવાહર બક્ષી

Comments (2)

રણમાં મલ્હાર… – હરિશ્ચન્દ્ર જોશી

કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?

કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?

ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.

આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.

લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.

બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.

– હરિશ્ચંદ્ર જોશી

હરિશ્ચંદ્ર જોશી (31-08-1948) બોટાદમાં પ્રાધ્યાપક છે અને સારા ગાયક પણ. ગીત પણ સારા લખે અને ગઝલના પિંડને પણ સ-રસ રીતે બાંધી જાણે.રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા આ કવિ સાંજને સૂરજને ડોલીમાં લઈ જતા કહાર તરીકેના નવોન્મેષી કલ્પનથી સ્પર્શે છે. અને લયના લશ્કરના લોહીમાંથી પસાર થવાની વાત કદાચ આ આખી ગઝલનો શિરમોર શેર બની રહે છે.

Comments (8)

અમે ન્યાલ થઈ ગયા – ‘અદમ’ ટંકારવી

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

-‘અદમટંકારવી

Comments (3)

કોઈ ચાલ્યું ગયું – રમેશ પારેખ

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

– રમેશ પારેખ

પ્રિયજનનું જવું – જતા રહેવું – એટલે કે નકરા વિષાદનું ખાબકવું. પ્રિયજનના ગયા પછી ઘર એટલું ખાલી ખાલી લાગે છે કે ખુદ પોતાની હાજરી પણ ભૂલાઈ જાય છે. વિષાદ અહીં ખાલી ઘરના માધ્યમથી જ રજૂ થાય છે. ડસતી ખીંટીઓ, ભયભીત ભીંતો, ભાંગી પડેલા પડછાયા અને ભસતી બત્તીઓથી માત્ર આંઠ લીટીમાં કવિ વિષાદનું એવું ઘેરું પોત રચે છે જેની અસર મનમાંથી જવાનું નામ જ લેતી નથી.  કોઈ દરવાજો ખોલીને જાય પછી દરવાજા પરની સાંકળ થોડી વાર હાલ્યા કરે એ વાતને કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે એ તો જુઓ – સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું !

Comments (6)

મશહૂર છું – ‘રૂસ્વા’ મઝલુમી

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

‘રૂસ્વા’ મઝલુમી

Comments (5)

લયસ્તરોની બીજી વર્ષગાંઠ – પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની…

૪ ડિસેમ્બર, ૨૦૦૪… થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬…. લયસ્તરોની યાત્રા શરૂ થયાના બે વર્ષ…

લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી…

વધુ આગળ વાંચો…

Comments (11)

રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

જવાહર બક્ષી

સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.

લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ;  કોઇ શીતળ જળમાં  તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી  ઉર્મિ …..

આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ,  વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.

Comments (2)

Page 1 of 4123...Last »