દુનિયા ભરમાવા ભોળી રે… – ભોજો
દુનિયા ભરમાવા ભોળી રે, ચાલ્યો બાવો ભભૂતિ ચોળી રે. ( ટેક )
દોરા ધાગા ને ચિઠ્ઠી કરે, બાવો આપે ગુણકારી ગોળી રે;
નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને, આવે તરિયા તણી ટોળી રે;
માઈ માઈ કરી માન દિયે, પણ હૈયે કામનાની હોળી રે.
ચેલા-ચેલીને ભેળાં કરી, બાવો ખાય ખીર ખાંડ ને પોળી રે;
ભોજો ભગત કહે ભવસાગરમાં બાવે માર્યાં બોળી રે.
-ભોજા ભક્ત
જેમ ધીરાની કાફી અને અખાના છપ્પા એમ ભોજા ભગતના ચાબખા પ્રખ્યાત છે. ભોજા ભગત (ઈ.સ. ૧૭૮૫ થી ૧૮૫૦) અનુભવી જ્ઞાનમાર્ગી કવિ હતા. એમના ચાબખામાં એમનો આગવો અવાજ વેધક વાણીમાં સંભળાય છે. પોણા બસો જેટલા પદો, ચાબખાઓ, આખ્યાન જેવી એમની રચનાઓમાં સદગુરુમહિમા, સંસારનું મિથ્યાપણું, ઢોંગીઓ પર પ્રહાર અને અભેદાનુભવનો આનંદ એવા જ્ઞાનમાર્ગી ધારાના વિષયોનું અસરકારક નિરૂપણ થયેલું જોવા મળે છે.
(તરિયા = સ્ત્રીઓ)