મનોજ ખંડેરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 29, 2013 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.
મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.
જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.
Permalink
April 21, 2013 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી
કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી
ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી
જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી
વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને -
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી
પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની -
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
- મનોજ ખંડેરિયા
સૌજન્ય – ટહુકો.કોમ
આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..
Permalink
March 24, 2013 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું
નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું
ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું
આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું
પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું
આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું
- મનોજ ખંડેરિયા
Permalink
February 1, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ
બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ
અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ
હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ
કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ
- મનોજ ખંડેરીયા
સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !
આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.
પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?
Permalink
December 1, 2012 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.
ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.
અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.
મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.
જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.
હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.
કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.
- મનોજ ખંડેરિયા
કેટલીક ગઝલો વાંચીએ એટલે ગઝલ, ગઝલકાર અને ગઝલના કથાવસ્તુ- ત્રણેયના પ્રેમમાં પડી જવાય છે. મ.ખ.ની આ ગઝલ કંઈક એવી જ જાદુઈ અસર મારા પર કરી ગઈ. હું તો ફૂલ-ખરણી શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયો. દિવાળીની દિવસો ગયા એટલે ફૂલઝડી તો યાદ હોય જ પણ કલમને ફૂલ-ખરણી સાથે સરખાવીને કવિએ કમાલ કરી દીધી છે. ક્ષણ જેવી વીતી જાય છે કે ગાયબ થઈ જાય છે અને આવનારી ક્ષણો પણ અનંત છે. જીવનની નિસરણી જીવનપર્યંત કદી પૂરી થતી નથી… બધા જે શેર આસ્વાદ્ય પણ મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને તો બધું ગાળીને સાફ સ્વરૂપે આપણને આપતી આકાશની ભૂરા રંગની ગળણી વધુ ગમી ગઈ.
Permalink
October 14, 2012 at 12:30 am by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.
કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.
છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય
તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.
-મનોજ ખંડેરિયા
કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..
Permalink
September 28, 2012 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત
ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત
અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત
સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત
અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત
રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત
- મનોજ ખંડેરિયા
મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.
Permalink
August 20, 2012 at 12:30 am by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
મથામણ અને તારણના સીમાડા છોડવા પડશે ;
સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે.
અલગ દુનિયા નીરખવા ફ્રેમના નિર્જીવ ચોરસ બહાર,
પ્રતિબિંબોને દર્પણના સીમાડા છોડવા પડશે.
રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.
સમય લાગે છે એવું ક્યાં, સમયની પાર છે એ તો,
કે મળવા એને હર ક્ષણના સીમાડા છોડવા પડશે.
જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.
બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.
નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.
-મનોજ ખંડેરિયા
Permalink
June 25, 2012 at 1:14 am by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં
દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં
કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં
હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં
આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં
-મનોજ ખંડેરિયા
Permalink
June 18, 2012 at 12:30 am by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….
ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….
સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….
- મનોજ ખંડેરિયા
એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……
Permalink