(પાનબાઈ) – મનોજ ખંડેરિયા
ઝાકળના જેવી જાતને ધારી છે પાનબાઈ;
ફૂલો ઉપરથી એને નિતારી છે પાનબાઈ.
જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.
બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.
પકડાવો એને પાસા પિયુજીના નામના,
આ જીવ નાતે-જાતે જુગારી છે પાનબાઈ.
સમજીવિચારી મેળવો તુંબડાના તારતાર,
આ શ્વાસ સાવ ઝીણી સિતારી છે પાનબાઈ.
મૂક્યો અલખની લ્હેર્યું ઉપર જેણે પગ જરા
એની પવનથી તેજ સવારી છે પાનબાઈ.
– મનોજ ખંડેરિયા
કવિશ્રી મનોજ ખંડેરિયાનો આજે ૭૪મો જન્મદિવસ છે. સોશ્યલ મિડિયાઝ એમની જૂની ને જાણીતી રચનાઓથી અભરે ભરાઈ રહ્યાં છે એવામાં રાજકોટથી કવિમિત્ર શ્રી સંજુ વાળાએ ઇન્ટરનેટ પર ક્યાંય ન મળે એવી આ મજાની ગઝલ લયસ્તરો માટે મોકલી આપી. આભાર, સંજુભાઈ.
ગંગાસતીએ પુત્રવધૂ (?) પાનબાઈને સંબોધીને અમર ભક્તિપદ આપણને આપ્યાં. મનોજભાઈ ગંગાસતીમાં કાયાપ્રવેશ કરી આજની પાનબાઈ-જાનબાઈને સંબોધીને કેટલીક ગઝલ આપી ગયા, એમાંની આ એક. આખી ગઝલ સંઘેડાઉતાર. એક-એક શેર વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવા પાણીદાર…
સંજુ વાળા said,
July 6, 2017 @ 4:41 AM
વાહ કવિ.
વિવેકજી અહીં મઝા એ છે કે આ દોઢસોએક વર્ષના સમયને કવિ ઓગાળી નાખે છે. ગંગાસતીનું પાનબાઈને સંબોધન એ સતમાર્ગની સ્થાપના માટેનું હતું. અહીં કવિ જાત પરિચયના હેતુ માટે પાનબાઈ સાથે સંવાદ કરે છે સંબોધન રીતિએ. પેલામાં કથન એ સાધન હતું અહીં કથન સાધ્ય છે. નરી નમણી ઉક્તિઓનો આ વૈભવ આપણી ભાષાના કેટલાક ઘરેણાં પૈકીનો.
મેં તો આગળી ચીંધી. કવિ તરફના ઋણભાવના કારણે. વંદન કવિને.
ketan yajnik said,
July 6, 2017 @ 7:33 AM
જન્મદિવસની શુભેચ્છાઓ મનોજભાઈ
ratnesh algotar said,
July 6, 2017 @ 7:53 AM
વાહ
shivani shah said,
July 6, 2017 @ 5:09 PM
ખોૂબ સરસ ગઝલ!
કવિશ્રિને જન્મ દિવસનિ શુભ કામનાઓ !
જગદીશ કરંગીયા ‘સમય’ said,
July 6, 2017 @ 11:08 PM
@ મનોજ ખંડેરિયા – વાહ કવિ વાહ! એકથેી એક શેર ચડિયાતા.
“જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.
બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.”
@ લયસ્તરો -આભાર.
જય ભારત.
—————
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
અનિલ શાહ. પુના. said,
December 23, 2021 @ 11:31 PM
ખૂબ જ સુંદર…. કાવ્ય….