ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
વિવેક મનહર ટેલર

સવા શેર : ૦૧ : મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા

કેટલીક કૃતિ વાંચતાવેંત કૃતિ, કર્તા અને વિષયવસ્તુ -ત્રણેયના પ્રેમમાં પડી જવાય. ‘વરસોનાં વરસ લાગે’ આવી જ કૃતિ છે. ગઝલનો મત્લા જોઈએ. ‘લગાગાગા’ના ચાર આવર્તનોથી બનેલા મિસરાની મોટા ભાગની જગ્યા ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફે પચાવી પાડી છે. લાંબી રદીફ સિદ્ધહસ્ત કવિઓની ગઝલોમાં પણ બહુધા લટકણિયું બનીને રહી જતી હોય છે. પણ અહીં એ કવિકર્મનૈપુણ્યની દ્યોતક બની છે. રદીફની આગળ ‘તોડવા’, ‘છોડવા’ જેવા હેત્વર્થ કૃદંતના કાફિયા. એમાંય ‘-ડવા’ કાફિયાઓનો સામાન્ય અવયવ, એટલે મત્લામાં તો કવિ પાસે ‘લગાગાગા’ની માત્ર સાત માત્રા જ બચે છે. આવી અતિસાંકડી ગલીમાંથી અર્થચમત્કૃતિ અને કવિતા નિપજાવવાનું ભગીરથકાર્ય અહીં થયું છે.

પ્રથમદર્શી વાત સરળ છે. કવિના મતે ક્ષણોને તોડવાનું અને બુકાની છોડવાનું કામ દેખાય એવું સહેલું નથી, કરવા બેસો તો વરસોનાં વરસ લાગી જાય. પણ આ તો થઈ સપાટી પરની વાત. મહાસુખ તો મહીં પડ્યા તે જ માણે ને?! ડૂબકી જ ન મારો તો મોતી શીદ હાથ લાગે, કહો તો? ક્ષણ યાને કે સમય અમૂર્ત છે પણ એને તોડવાની ક્રિયાનો કાર્યકારણસંબંધ તો મૂર્તતા સાથે છે. ‘બુકાની’ સાથે ‘છોડવા’ની ક્રિયા જેટલી સાહજિક છે, એટલી જ ‘ક્ષણો’ સાથે ‘તોડવા’ની ક્રિયા અસાહજિક છે. પ્રથમ બે જ શબ્દોમાં કવિએ આવનારી અર્થચમત્કૃતિ તરફ કેવો ઈશારો કર્યો! કવિએ ક્ષણ અને વરસ, સૉરી, વરસોને, સૉરી, વરસોનાં વરસને સામસામા (juxtapose) કર્યાં છે. ક્ષણોનો સરવાળો યાને વરસો અને વરસોનો સરવાળો છે જીવન. પણ બધી ક્ષણમાં જીવન નથી હોતું. જન્મથી મૃત્યુ તરફની અનવરત મુસાફરીમાં આપણને જોતરતી અસંખ્ય ક્ષણોમાંની એકાદ ક્ષણ કાયાપલટની હોય છે. એને પકડી શકે એ જ મહાત્મા બની શકે છે. એક ક્ષણમાં વાલિયો લૂંટારો વાલ્મિકીત્વ તરફ ગતિ કરે છે તો બોધિવૃક્ષ તળેની એક ક્ષણ બુદ્ધના જન્મની ક્ષણ બની રહે છે. સ્ટેશન પર ફેંકાવાની એક ક્ષણના ગર્ભમાંથી મહાત્મા ગાંધી જન્મે છે તો ક્ષણાર્ધભર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા તો કોઈક હત્યા પણ કરી શકે છે. ક્ષણનો યથર્થ મહિમાગાન અહીં કરાયો છે. કવિ અન્યત્ર કહે છે: ‘કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.’ પણ અહીં કવિતા ક્ષણોને જોડવાની નહીં, તોડવાની વાતમાં છે. રામસભામાં સીતાએ આપેલી માળાના અમૂલ્ય મોતીઓના હનુમાન તોડીને ફાડિયાં કરે છે. કારણ? એમને એમાં શ્રીરામની તલાશ છે. અહીં પણ આ જ ઇજન અપાયું છે. ક્ષણોને તોડવાની છે, કેમ કે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને, ક્ષણોને તોડીને, વિચ્છેદન કરીને જાત સુધીની જાતરા કરવી હોય તો વરસોના વરસ પણ ઓછાં ન પડે? વળી, ક્ષણોના સરવાળા સમી આ જિંદગીને આપણે જેવી છે, શું એવીને એવી જીવીએ છીએ? એક ચહેરો અને હજાર મહોરાં… આપણા વ્યક્તિત્વમાં ક્યાંય એકત્વ કે સમત્વ નથી. પ્રતિપળ આપણે છીએ એનાથી અલગ રજૂ થઈએ છીએ. બુકાની તો ક્ષણભરમાં છૂટી જાય, પણ છીએ તેવા દેખાવું હોય તો? ઓળખ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો? વરસોનાં વરસ ઓછાં ના પડે? અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક માત્ર કવિના સમગ્ર(oeuvre)નું જ નહીં, સમસ્ત ગુજરાતી ગઝલોનું એવરેસ્ટ છે.

– વિવેક મનહર ટેલર

14 Comments »

  1. Rasik bhai said,

    November 21, 2020 @ 4:33 AM

    બહું સરસ રીતે ગઝલની ખુબીઓ સમજાવી . વિવેક ભાઈ લખતા રહો.

  2. ગૌરાંગ ઠાક! said,

    November 21, 2020 @ 7:00 AM

    વાહ વાહ… સુંદર આસ્વાદ

  3. નેહા said,

    November 21, 2020 @ 7:44 AM

    વાહ.. આ ઉપક્રમ ચાલુ રાખવા વિનંતી..
    આવા સવાયા શેર આ રીતે ખોલીને સમજાવવામાં આવે તો
    બધાને ગાગરમાં સાગર સમાવવાની રીત સમજાઈ શકે..

  4. Shah Raxa said,

    November 21, 2020 @ 7:54 AM

    વાહ..વાહ..વાહ. કવિને વંદન.. અને એમના સર્જનનો સુંદર આસ્વાદ..આ જ પરંપરા ગતિમાન રહે .

  5. Poonam said,

    November 21, 2020 @ 10:51 AM

    ….તો વરસોનાં વરસ લાગે.
    – મનોજ ખંડેરિયા – Humare pasandida shayar aur kitab bhi…
    Aashavad swadisht he 👌🏻

  6. pragnajuvyas said,

    November 21, 2020 @ 12:21 PM

    કવિશ્રી મનોજ ખંડેરિયાની આ ખૂબ જાણીતી માનીતી રચના વારંવાર માણી હતી પણ આજે
    આસ્વાદ માણતા ઘણી નવી વાત સમજાઇ ! અને તેનો મક્તા યાદ આવ્યો
    મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
    અને આજે મને સદભાગ્ય કે ડૉ વિવેકના શબ્દો મળ્યા નહીં તો આ વાત સમજતા વરસોનાં વરસ..

  7. snehal vaidya said,

    November 21, 2020 @ 12:28 PM

    ખૂબ જ સરસ ઉપક્રમ. આપની શબ્દસાધનાની પ્રસાદી અવિરત મળતી રહે એ જ અભ્યર્થના.

  8. Maheshchandra Naik said,

    November 21, 2020 @ 2:09 PM

    સ-રસ આસ્વાદ,કવિશ્રી ડો.વિવેકભાઈ, આપની રજુઆત ખુબ જ રસદાયી અને પ્રસન્ગોને ઉજાગર કરીને ખુબ જ તલસ્પર્શી છણાવટથી બહુ જ સહજ બની રહી, આ પ્રયાસ જાળવી રાખવા આપને વિનતી છે, આપને ખુબ ખુબ અભિનદન અને કવિશ્રીને લાખ લખ સલામ………

  9. Nehal said,

    November 22, 2020 @ 7:53 AM

    વાહ, મારી ફેવરીટ ગઝલ અને ખૂબ સરસ આસ્વાદ.

  10. Mayur Saraiya said,

    November 24, 2020 @ 7:12 AM

    ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું..

    આખી રચના ક્યાં વાંચવા મળશે?

  11. વિવેક said,

    November 25, 2020 @ 12:11 AM

    સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….

  12. વિવેક ટેલર said,

    November 25, 2020 @ 12:12 AM

    @ મયુર સરૈયા:

    આખી ગઝલ અહીં વાંચી શકશો:

    આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

  13. Agan rajyaguru said,

    November 26, 2020 @ 10:50 AM

    વાહ….બહુ સરસ આસ્વાદ..

  14. ketan yajnik said,

    November 29, 2020 @ 1:06 AM

    સમઝણ  પછીનો  સાગર ના માત્યા ના રદીફ,  ના કાફિયા  આવસ્યું  તો  બસ  માનતા  આવડયું 

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment