આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
ગની દહીંવાલા

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

5 Comments »

  1. KETAN YAJNIK said,

    November 22, 2016 @ 7:26 AM

    સમગ્ર ગઝલ સુંદર દરેક શેર ઉમદા પોતપોતાની રીતે સ્વંતત્ર અને છતાંય મૂળ મુદ્દાને આગળ વધારવાને કડીરૂપ કુશળ ભાવવાહી રચનાભાવક અને ભાવિકને અભિનંદન

  2. La' Kant Thakkar said,

    November 22, 2016 @ 8:55 AM

    જોરદાર સચોટ શરૂઆત-રજૂઆત .

    “હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
    અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.”
    હવડ વાસ સાથે વિશ્વાસ ….. ? …. અને એય ‘હોવા’ના ભ્રમ/આભાસ નો ? ક્યા બાત !
    લાહ્ય લાહ્ય ગુંગળાશ,સંકડાશની ત્રાસગ્રસ્ત દશામાં જીવ્યા પછી ….ખુલ્લાશની
    મોકળાશની અપેક્ષા સેવતો કાવ્ય નાયક.પ્યાસ બુઝાયાનો સંતોષ પણ વ્યક્ત કરે છે.
    ઘણુબધું લખ્યા પછી ..એક પરિતૃપ્તિનો એહસાસ પણ છે.,એ આર-પાર જીવન જીવાયાનો અર્થપૂર્ણ એકરાર પણ છે .
    માણીગરોને ..’ભયો ભયો’ આનંદ કરાવી શકે એવી માતબર કૃતિ મનોજભાઈની .

  3. Soham said,

    November 23, 2016 @ 6:12 AM

    હવડ shabd no arth janavava vinanti.

  4. તીર્થેશ said,

    November 23, 2016 @ 7:36 AM

    અવાવરું

  5. Sureshkumar G. Vithalani said,

    November 27, 2016 @ 8:50 AM

    અત્યંત સુંદર ગઝલ. મનોજભાઈ હજુ આપણી વચ્ચે હોત તો આવી કેટલી બધી રચનાઓથી ગઝલવિશ્વ
    વધારે સમ્રુધ થયું હોત ! તેમની સ્મ્રુતિને વંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment