સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2026

મુરલિયાં બાજે રે! – લાભશંકર ઠાકર

તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં બેઠા મારા કાન
મુરલિયાં બાજે રે!

કાન મહીં અંધારું ચમકે લીલું રે
એ લીલાશે ઊઘડે તૂરાં ગાન
મુરલિયાં બાજે રે!

તૂરાં ગાને ઊભા પગના ઓળા રે
ઝીણું ઝીણું હલતાં આઘે રાન
મુરલિયાં બાજે રે!

રાન મહીં ટીંગાતું ક્ષણનું ટીપું રે
ટટળે નીચે પલ પલ મારા પ્રાણ
મુરલિયાં બાજે રે!

તુષારના ટીપામાં મોટો કમરો રે
એ કમરામાં શોધું મારું ભાન
મુરલિયાં બાજે રે!

– લાભશંકર ઠાકર

થોડા વરસો પૂર્વે એક ગઝલ લખી હતી. એનો એક શેર આ ગીત વાંચતા સ્મરણપટલ પર તાજો થયો-

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું,
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર. (વિમટે)

પ્રસ્તુત રચના તો આ ગઝલ લખાયાના ઘણા વરસો પહેલાંની છે, પણ ઝાકળબુંદમાં એક કવિને કાયનાત નજરે ચડી તો એક કવિને એમાં મોટો કમરો દેખાયો. કમરામાં બેઠા છે મોરલી વગાડતા કાનજીકુંવર. ઘાસ કે ફૂલની પાંખડી પર પડેલ તુષારના ટીપા તરફ સામાન્યજનનું તો કદાચિત ધ્યાન પણ ન જાય, પણ કવિની નજર સૌંદર્યાનુરાગી હોય છે. એ રુઢમાંથી પણ અરુઢ ખોળી લે. કવિને ટીપામાં કૃષ્ણ દેખાયો ને કૃષ્ણની ભીતર લીલું અંધારું ચમકતું દેખાયું. રાતના અંધારા અને કૃષ્ણના વાન આ બંને કાળાં. કવિને બંને અર્થ પણ અભિપ્રેત હોઈ શકે. અંધારું લીલું એટલા માટે છે કે ઘાસનો રંગ ઓસબુંદમાં ઝીલાઈ રહ્યો છે. લીલાશમાં તૂરાં ગાન ઊઘડે છે. એકીસાથે દૃશ્યેન્દ્રિયનો સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય –એમ બેવડો વ્યત્યય થયો. પોતાના પગના ઓળા પણ કદાચ આ બુંદમાં ઝીલાઈ રહ્યા છે અને હવાની સાથે થતા ઘાસ કે ફૂલના ડોલન સાથે એ ઝીણું ઝીણું હલતા દેખાય છે. ઝાકળના પડું પડું થતું ટીપું હવે ક્ષણનું ટીપું બની ગયું છે અને એની નીચે કવિના પ્રાણ પળ પળ ટટલી રહ્યા છે… હમણાં પડશે, હમણાં પડશે… ને જીવતર પૂરું થશે. ઝાકળનું એ ટીપું એ આપણું ક્ષણભંગુર આયખું છે, જે હમણાં આખી સૃષ્ટિ સમાવી બેઠું હોય એમ પ્રતીત થાય છે, ને હમણાં ધૂળમાં પડીને ધૂળમાં ભળી પણ જઈ શકે છે. આપણે જે શોધવાનું છે એ છે આપણું ભાન. ભાન જડી જાય તો જીવતરના આ મોટા કમરામાં ઈશ્વર પણ સાથે જ બેઠા છે-મુરલિયાં બજવતા…

Comments (9)

હું ભૂલી જઈશ – – હાન યોન્ગ ઉન (અનુ.: વિવેક મનહર ટેલર)

લોકો એમના પ્રેમ વિશે વિચાર્યે રાખે છે.
મારો પ્રેમ? હું ભૂલી જઈશ.
હું ભૂલવાની જેટલી વધારે કોશિશ કરું છું, એટલું જ તને વધારે વિચારું છું.
એમ વિચારીને, ‘કે કદાચ ભૂલી જઈ શકાય,’ હું વિચારવા મથું છું.

હું તને ભૂલવાની કોશિશ કરું છું, તો તારા વિચાર આવે છે,
વિચારું છું, મતલબ ભૂલ્યો નથી.
શું કરું? તને ભૂલવાનો કે વિચારવાનો પ્રયાસ જ ન કરું?
એ આખી વાત એમ જ છોડી દઉં- ભૂલવાનું પણ ને વિચારવાનું પણ?
પણ કાન આમથી પકડું કે તેમથી, બંને જ અશક્ય છે.
અંતહીન વિચારોમાં- વિચાર પર વિચાર-
ફક્ત અને ફક્ત પ્રાણપ્રિય જ છે. હું કરું તો શું કરું?

જો મારો ઉદ્દેશ્ય કેવળ ભૂલવાનો જ હોત,
તો એવું કંઈ નથી કે હું ભૂલી ન શક્યો હોત, પણ…
એ તો માત્ર નિદ્રા અથવા મૃત્યુ જ.
અશક્ય જ, જ્યાં સુધી પ્રિય છે.

રે! રે! ભૂલી ન શકાતા વિચારો કરતાં પણ
ભૂલી જવાની ઇચ્છા જ વધુ પીડાદાયક છે.

– હાન યોન્ગ ઉન (કોરિઅન)
(ગુજરાતી અનુવાદ વિવેક મનહર ટેલર)

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૯૨૬ની સાલમાં લખાયેલી આ કવિતા આજે સો વરસ પછી પણ કાગળ પરથી શાહી સિક્કે ભૂંસાઈ ન હોય એટલી તરોતાજા લાગે છે. કોરિઅન કવિ હાન યોન્ગ ઉન કવિ હોવા ઉપરાંત બૌદ્ધ સુધારક, અને કોરિયા પર જાપાની સાંસ્થાનિક શાસન સામેના અગ્રિમ સ્વતંત્રતા સેનાની પણ હતા. એમનાં પ્રેમકાવ્યોની પ્રેમિકા ક્યારેક ખરેખરી સ્ત્રી હોય છે, ક્યારેક એ ઈશ્વર હોય છે તો ક્યારેક એમનો દેશ! કાવ્યારંભે પોતાના પ્રિયપાત્રને ભૂલી જવાનો જે આત્મવિશ્વાસ છલકી રહ્યો છે એ કાવ્યાંતે પહોંચતા સુધીમાં નદારદ થઈ જાય છે. આ બે અંતિમો વચ્ચેની શબ્દયાત્રા કવિતાને મજેદાર બનાવે છે…

મૂળ કોરિઅન કવિતા અને ઉપલબ્ધ અંગ્રેજી અનુવાદ વચ્ચે સામંજસ્ય પૂરતું ન જણાતાં, અંગ્રેજી અનુવાદ ઉપરાંત શબ્દકોશ, ગૂગલ ટ્રાન્સલેટ તેમજ એકાધિક એ.આઈ. ચેટબોટની મદદથી કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ આ વખતે મેં જાતે જ કર્યો છે, જેથી મૂળ કવિતાની બને એટલા નજીક રહી શકાય. આશા છે કે મિત્રોને ગમશે.

*

I would forget

Others would think of their loves.
My love I would forget.
The more I try to forget, the more I think of you.
Thinking, ‘perhaps it might be forgotten,’ I tried thinking.

If I try to forget, I think of you,
If I think, it is not forgotten.
Shall I try neither forgetting nor thinking?
Shall I try leaving it alone—whether forgetting or thinking?
But even so, it does not work.
In ceaseless thoughts—thought upon thought—
there is only the Beloved. What am I to do?

If I insist on forgetting,
It is not that I cannot forget, but…
it would be only sleep and death.
I cannot, while the Beloved remains.

Ah, ah, more than thoughts that are not forgotten,
That very wishing-to-forget is more tormenting.

– Han Yong-un
(Translated from the Korean by help of various AI tools)

Comments (9)

ઢળતાં ઢળતાં ઢળી – ચંદ્રકાન્ત શેઠ

ઢળતાં ઢળતાં ઢળી
.                              આંખ આ કયા ઊંડાણે વળી? –

નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
.                              મોતીની રઢ ફળી ! –

હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમ રોમમાં
લખ લખ અકળ ઉજાશે,
.                              હદ અનહદમાં ગળી! –

– ચંદ્રકાન્ત શેઠ

ગાગરમાં સાગર જેવું ગીત. સમાધિ લાગી છે પણ એ કંઈ એમનેમ નથી લાગી ગઈ… ‘કરતાં જાળ કરોળિયો’ માફક લાગતાં લાગતાં લાગી છે. અંતર્ચક્ષુ ખૂલતાં આંખ જે નવ્ય ઊંડાણોને તાકી-તાગી રહી છે એનું સહેજ વિસ્મય પણ થાય છે, જેને કવિએ પ્રશ્નાર્થની મદદથી કંડાર્યું છે. પ્રથમ પંક્તિની વર્ણસગાઈનું સંગીત પણ કેવું મજાનું છે! ગીતને ઉપાડ લેતાવેંત એના કારણે જે પ્રવાહિતા સાંપડે છે એ આખી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે…

આ એવી જગ્યા છે જ્યાં અજવાળું પણ નથી ને અંધારું પણ નથી; તળિયું પણ નથી ને કિનારોય નથી. બધા અંતિમ ઓગળી ગયાં છે અને અંતિમો ઓગળી જાય ત્યારે સતત ઊછળતાં મોજાં વચ્ચે પ્રભુકૃપાનું મોતી હાથ લાગે. સમાધિની પરા અવસ્થામાં શ્વાસોચ્છ્વાસની સ્થૂળ ક્રિયા પણ પ્રાણાયમ બની રહે છે… અને પ્રાણાયામેય કેવો! જ્યાં દરેક શ્વાસે સમંદર વીંટળાય અને ઉચ્છવાસે ઉકેલાય. રોમેરોમમાં સમસ્ત ગગન અકળ ઉજાસે ઝળહળી રહ્યું છે… સમુદ્ર-ગગન-અખિલાઈ… વયષ્ટિ સમષ્ટિ સાથે એકત્વ સાધે છે. તમામ હદ અનહદમાં ઓગળી રહે છે… દ્વૈત અદ્વૈતમાં એકાકાર થઈ ચૂક્યું છે. આ છે સમાધિની ચરમ અવસ્થાનું પરમ ગાન!

Comments (11)

વિરહઘેલી બ્હાવરીનો તલસાટ – હર્ષદ ચંદારાણા

સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.

સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.

સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.

સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.

– હર્ષદ ચંદારાણા

ગીતની પહેલી કડી વાંચતા જ આપણા સ્મૃતિપટ પર મધમીઠા ટહુકાઓ રેલવા લાગે- ‘સોના ઇંઢોણી રૂપા બેડલું રે નાગર, ઊભા રો’ રંગરસિયા…’ ‘સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી, કોના તે ઘરના ભરીશ પાણી, રાજ રાજવણ.’ આ ગીતો મારી અને મારી આગળની પેઢીઓના લોહીમાં સીંચાયેલા છે. પ્રસ્તુત રચનામાં કવિએ આ જ રક્તસંસ્કારને વધુ અજવાળીને રજૂ કર્યા છે. ઢાળ અને ઢાંચો તો લોકગીતનો જ છે, પણ કવિકસબે એને આધુનિક ગીતોની હરોળમાં હકપૂર્વક બેસી શકે એવા જરકશી જામા પહેરાવ્યા છે. વેલણ અને પાટલી પર ગોરાંદે રોટલી નહીં, દિવસો વણી રહ્યાં છે. દિવસો જલ્દી જલ્દી વણાઈ જાય તો જ દરિયાપાર ગયેલ મનના માણીગર સાથે વેળાસર મુલાકાત સંભવે ને? બાજઠ અને વીંઝણો છે, પણ એકલા એકલા વિતાવવી પડતી રાતોને વીંઝવી છે. સોનાની થાળી અને રૂપાની વાડકી છે, પણ ગોરાંદે સાવ ખાલી છે… દરિયો-વગડો-ડુંગર-રણને વળોટીને વહાલો વહેલો આવે તો અંધારાં ટપકતાં અટકે ને સ્નેહનાં અજવાળાં રેલાય… ખરું ને?

Comments (6)

સાપ (શબ્દ-મોન્ટાજ) – નયન દેસાઈ

ફેણ ફુત્કારે ણણણ સળવળાટ સળવળાટ સ. સ. વિષ સર સર સર
સરકે ચળકે આંખનાં કાણાં ક્ષણનાં કણાક ક. ણ. પછાડ શીશ સર સર સર

આકાર વળ્યો વ. આકાર ઘુમરાયો ઘ. જીભ ફાંટા ફંટાયા ટીસ સર સર સર
બખોલ ખોલ, ખ. રાફડો ફ. ફરફરાટ દંશ દેકારો આગમ તે દિશ સર સર સર

કાંચળી ભીંગડા, ગ. વાડ મહેંદી દડદડ, ડમરુ લિંગ, ફેણ લબડે અહર્નિશ સર સર સર
પળ પળ ળક. કરકોટક વૃક્ષ પાંદડુ ડાળ, અંજીર, સ્વપ્ન, ગળું ઘરઘરાટ ટોટો પીસ સર સર સર

ણ ફેણનો ણ ખણખોતર કરંડિયો બ બીન દાંત તક્ષત ક્ષત વિક્ષત ચીસ, સર સર સર
ઝાંય સોનેરી, લીસોટો લી…સો…ટો ભોરીંગ ભ. ભચ્ચ, ભૂખરું ભરાડી ભીંસ સર સર સર

– નયન દેસાઈ

નયન દેસાઈની બહુઆયામી ગઝલોનો એક આયામ છે ધ્વનિ. આમ તો આપણે શબ્દ અને શબ્દાર્થની સહાયથી કવિભાવ સુધી પહોંચવાને ટેવાયેલાં છીએ, પણ દર વખતે આમ હોતું નથી. પર્ણોની મરમર, પાણીનું ખળખળ, પાંખોની ફડફડ, પવનની સરસર –નિસર્ગ કેવળ ધ્વનિ લઈને આપણી સન્મુખ આવે છે, શબ્દ કે શબ્દાર્થ લઈને નહીં; અને તે છતાં આપણે પ્રકૃતિના કાવ્યને આસ્વાદી શકીએ છીએ. મનુષ્યની અભિવ્યક્ત થવાની ઝંખનામાંથી ભાષા જન્મી, પણ અભિવ્યક્તિ તો શબ્દાતીત પણ હોઈ શકે અને વિશુદ્ધ ધ્વનિ પણ કવિતાનું ઉપાદાન બની શકે એવી સમજણ સાથે નયન દેસાઈએ આપણને કેટલીક સુંદર કવિતાઓ આપી છે. ધ્વનિ અને ધ્વનિના કાકુઓએ એમને ખૂબ આકર્ષ્યા છે. એમની ઘણી રચનાઓમાં ધ્વનિક્રીડા સંભળાય છે. શ્રી કૈલાસ પંડિતે લખ્યું છે: ‘નયનને અર્થસભર કાવ્યથી વિશેષ લગાવ અર્થપારની ભાષા પ્રયોજી, અવાજ દ્વારા કવિતા રચવાના પ્રયાસમાં છે.’

મૉન્ટાજ એટલે એકાધિક ફોટોગ્રાફ્સ અથવા ફૉટોગ્રાફ્સના ભાગ કાપીકૂપીને એકસાથે ગોઠવીને સર્જવામાં આવતી કળાકૃતિ. એક રીતે કૉલાજ જ, પણ ફોટોગ્રાફ્સનું. કવિનો કેમેરા તો શબ્દોના ફોટા પાડે, એટલે કવિએ અહીં શબ્દ-મૉન્ટાજ સર્જ્યું છે. પ્રસ્તુત રચનામાં શબ્દાર્થ કે ભાવાર્થ શોધવા જઈએ તો ઊંધા માથે પડવાનો વારો જ આવે. કવિએ રવાનુકારી શબ્દો અને એકાક્ષરી વ્યંજનોની મદદથી અવળા હાથે કાન પકડી બતાવ્યો છે. કેવળ સાપને જ નહીં, એના ફુત્કારને પણ ચાક્ષુષ કરી દેખાડ્યો છે. એકાક્ષરી વ્યંજનોને પૂર્ણવિરામની મદદથી એકાક્ષરી વાક્યો બનાવી દીધા છે. વળી, એમને પંક્તિમધ્યે સ્થાન આપી પઠનની ગતિને પણ સાયાસ અવરોધી છે. સરવાળે, શબ્દોની અર્થહીન જણાતી લીલામાંથી કવિએ એક એવી તીવ્રાનુભૂતિ સર્જી છે, જેના કેન્દ્રમાં સાપ હોય. રચનાનો બાહ્યાકાર ગીત, મત્લાગઝલ અને ઊર્મિકાવ્ય એમ ત્રિવિધ રૂપે પોંખી શકાય એમ છે એ વળી અલગ જ ચર્ચાનો વિષય છે.

Comments (5)

સ્મર્યા વગર? – મનહર મોદી

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદીય રહી શકે મટકું ભર્યા વગર?

ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો,
ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર.

હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ,
આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર.

ડૂબી ગયો તો આપનું સાંનિધ્ય સાંપડ્યું,
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર.

મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,
પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.

દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે,
ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર.

– મનહર મોદી

આધુનિકતા અને આંદોલનનું કફન માથે બાંધીને નીકળેલ મરજીવાઓને પણ પરંપરાના પોષણ વિના ચાલ્યું નથી. ગુજરાતી કવિતામાં ક્રાંતિ આણી નવોન્મેષ સાધવામાં અગ્રેસર ‘રે મઠ’ના અગ્રેસર સર્જક મનહર મોદી પાસેના ખજાનામાંથી પણ રુઢિગત ગઝલો મળી આવે છે. આમ તો છએ છ શેર ખૂબ જ મજાના થયા છે, પણ ‘હૈયાની માછલીના તરફડાટ’વાળો શેર મારા દિલની સવિશેષ નજીક છે. યુવાનીના અંતઃસ્ત્રાવોની હણહણાટી પૂરજોશમાં હતી એ ૧૪-૧૫ વર્ષની વયે આ શેર ક્યાંક વાંચવા મળ્યો હતો. એક-બે કરતાં ચાર-ચાર દાયકા વીતી ગયા, પણ આ શેર ભૂલાયો પણ નથી અને એણે મારા હૈયા પર કરેલ કામણ પણ મોળું પડ્યું નથી…

Comments (9)

એક સીધી લીટી* – પ્રતિષ્ઠા પંડ્યા

એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.

હવે મારું મન જરી શાંત છે.

– પ્રતિષ્ઠા પંડ્યા

(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)

એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.

સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…

* * *

કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!

Comments (11)

એ પહેલું પહેલું આલિંગન – વિવેક મનહર ટેલર

*

એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
.                               પડઘાયે રાખે…

સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
.                               ફરી મને ચાખે.

જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
.                               કોણ હવે વાખે ?

-વિવેક મનહર ટેલર

લયસ્તરોના સર્વે વાચકમિત્રોને વેલેન્ટાઇન ડે પર ખોબલો ભરીને વધામણાં… ગુજરાતી ભાષામાં જેનું બહુ જૂજ ખેડાણ થયું છે એવું અંજનીકાવ્ય આ નિમિત્તે પ્રસ્તુત કરું છું… અંજનીકાવ્ય વિશે વિગતે માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુ મિત્રોને અહીં ક્લિક કરવાથી એ માહિતી મળી રહેશે…

Comments (16)

એકવાર – ટૉવે ડિટ્લેવ્સેન (અનુ.: વિવેક મનહર ટેલર)

એકવાર:
એક ઓરડો
એક ટાઇપરાઇટર
એક નોકરી
એક અલાર્મઘડિયાળ
એક એકલતા
એક આશા

હવે:
એક એપાર્ટમેન્ટ
એક સમરહાઉસ
વસ્તુઓ
એક પતિ
ત્રણ બાળકો
દરજ્જો
મિત્ર
પ્રેમી
કામવાળી
ઉપેક્ષિત
કબરો
હેરડ્રેસર
મનોચિકિત્સક
પૈસા
મડાગાંઠ
ખુશીનો
અભાવ

સારી વસ્તુઓ એમને મળે છે
જેઓ રાહ જુએ છે
મારી માતાએ કહ્યું હતું
ઝંખના અને
સમજણ
એમને બહુ મોડેથી
લાધ્યાં હતાં.
એમનું મૃત્યુ
નર્સિંગ હોમમાં થયું
જ્યાં એ કોઈને
ઓળખતી નહોતી.

લોકો મોટાભાગે
એકબીજા માટે
ગેરસમજણ જ ધરાવતા હોય છે.
તેણીના હાથ
બહુ જ સુંદર હતા.
ધ્યાન બહાર
જિંદગી સરકી ગઈ.

– ટૉવે ડિટ્લેવ્સેન
(અંગ્રેજી અનુવાદ પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

હિસાબ કરવો એ માનવપ્રકૃતિનો અંતર્નિહિત ભાગ છે. પૈસા હોય કે સંબંધ, વ્યવહાર હોય કે લાગણી –આપણે શું ગુમાવ્યું ને શું મેળવ્યુંનો રોજમેળ મેળવ્યા વિના રહેતા નથી. પણ જીવનની ખાતાવહીના જમા-ઉધાર અલગ પ્રકારના હોય છે. આવકના લેખાજોખા કઈ રીતે કરવા એ તો શીખી-શીખવાડી શકાય છે, પણ જીવનના હિસાબકિતાબ તો જાતઅનુભવે જ શીખવા પડે છે. આવી જ કોઈક ગણતરીની ફળશ્રુતિ એટલે ટૉવે ડિટ્લેવ્સેન લિખિત આ કાવ્ય.

શરૂઆત ‘એકવાર’થી થાય છે. જીવનનો એ સમય આર્થિક સંકડામણનો સમય હતો. રહેવાને ઘર નહીં, કેવળ એક ઓરડો હતો. અને ઓરડામાં હતું એક ટાઇપરાઇટર. રહેવા માટે ઘરના નામે કેવળ ઓરડો જ હોય એ માણસ ટાઇપરાઇટર શા માટે વસાવે? ટાઇપરાઇટર એટલે સાહિત્યસર્જન. યાદીનો ક્રમ પણ નોંધનીય છે. પહેલાં માથા પરની છત, પછી કળા અને એ પછી નોકરી. પહેલાં સરસ્વતી, પછી લક્ષ્મી. આખી કવિતા આ રીતે માણી શકાય. જે મિત્રોને કવિતાનો વિશદ આસ્વાદ માણવો હોય તેઓ અહીં ક્લિક કરી માણી શકે છે.

Comments (3)

કરુણાનુબંધ – પન્ના નાયક

(પૃથ્વી)

વિદાય વખતે, અરે! નયનમાં કશી ભીડ છે!
નહીં ટપકી જાય આંસુ: ક્ષણને અહીં શ્રાવણે
જરીક નહીં ભીંજવું: મન મહીં રહી ઝંખના!

રહ્યા અચળ જોજનો: અચળ કાળ: ને પંખ-ના
મને કદીય ફૂટશે. નજીક તું છતાં દૂર છે.
અરે! પ્રણય કુમળો: તદપિ કેટલો ક્રૂર છે!

હવે દિવસ આંધળો: રજની પાંગળી: શબ્દ સૌ
ઉદાસ થઈને ઊભા: નિજ તણી નિરાધારતા
ગયા અવશ ઓળખી: સમય આપણો વારતા
થઈ વહી ગયો, હવે પળપળે નરી વેદના.

હવે દિવસ કેટલા? સમય કેટલો? આપણે
અહીંથી પડશું છૂટા: હૃદયમાં ભરી મૌનને
તડાક દઈ તૂટતા મિલનના ઋજુ તાર આ.
કદીય નહીં ઓગળે ખડક જેટલો ભાર આ.

– પન્ના નાયક

સારા કવિ ખપ મુજબના શબ્દનું સર્જન કરી ભાષાને વધુ સમૃદ્ધ કરતા હોય છે. થોડા સમય પહેલાં પન્ના નાયકે હાઈકુ સંગ્રહ આપ્યો પણ હાઈકુના સત્તર અક્ષરમાં સહેજસાજ ફેરફાર કરીને સંગ્રહનું નામ અત્તર-અક્ષર આપ્યું… પ્રસ્તુત સૉનેટનું શીર્ષક જુઓ… ‘ઋણાનુબંધ’ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ… સર્જકે એની આગળ કેવળ ‘ક’ ઉમેરી ‘કરુણાનુબંધ’ શબ્દ કોઇન કર્યો છે. સૉનેટમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે મધુર પ્રણયસંબંધ તૂટતાં ઉદભવતું આ ‘કરુણ બંધન’ કેવું હૃદયવિદારક છે!

મિલનનો નાજુક તાર તૂટ્યા પછી સર્જાતા વિયોગનું આ કરુણ ગાન છે. વિદાય વખતે આંખોમાં હકડેઠઠ ભીડની જેમ ધસી આવવા આતુર આંસુઓને અટકાવી રાખવા નાયિકા કટિબદ્ધ છે, નાહક આ ક્ષણ શ્રાવણની વર્ષાથી ભીની થઈ જાય! આંખમાં આંસુ આવી જાય તો દૃશ્ય ધૂંધળું થઈ જાય ને! બંને જણ આમ નજીક જ છે, પણ હવે ચળી ન શકે એટલા જોજનોનું અંતર બે અંતર માંહ્ય આવી ઊભું છે. આ અંતર કાપી શકાય એ માટેની પાંખ પણ હવે ફૂટવાની નથી. દિવસનું અજવાળું અંધારા બરાબર છે અને રાત તો પાંગળી જ છે. શક્યતા દેખી શકાય એ સ્થિતિ જ રહી નથી. નિજની નિરાધારતા ઓળખી ગયેલ શબ્દ પણ ઉદાસ થઈ મૌન ઊભા છે. કાયમી છૂટા પડવામાં હવે બહુ સમય બચ્યો નથી. મિલનનો તાર તૂટ્યો છે ને એનો ભાર કદી ઓગળી ન શકે એવી ખડક જેવો વર્તાય છે.

Comments (7)

પ્રેમનું પટોળું કર – હરજીવન દાફડા

તીરથી તેજ કર પ્રહાર મને,
ઘેનથી અબઘડી ઉગાર મને.

એક અદનું હું તારું સર્જન છું,
સાવ નિર્મમપણે મઠાર મને.

વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને.

ઓપ આપી રહ્યો છું લેખણથી,
અન્ય શું આવડે નિખાર મને.

બે’ક નિઃશ્વાસ કોઈના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.

લે, મરી જાઉં હું મર્યા પહેલાં,
દાસી જીવણની દે કટાર મને

– હરજીવન દાફડા

ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.

Comments (11)

(ફાવતું કર્યું) – કુણાલ શાહ

આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું.

વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે-
તારું હતું એ યાર તને પહોંચતું કર્યું.

ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું

પહેલાં તો એની સાથે કરી કાલીઘેલી વાત
સપનાને માંડમાંડ અમે બોલતું કર્યું

શોધે સિપાઈ રાતદિવસ એક શખ્સને
જેણે નગરને આજ ફરી વાંચતું કર્યું

– કુણાલ શાહ

ભાષા વહેતી નદી જેવી છે… નદી મૂળથી નીકળે ત્યારે અલગ હોય પણ સમુદ્ર સુધી પહોંચતામાં તો એના રંગ-રૂપ બધું જ બદલાઈ જાય. ભાષા પણ સમયના અલગ-અલગ ખંડોમાં વહેતી જાય એમ એમ એના રંગરૂપ બદલાતા જાય.. નરસિંહથી નીકળીને આજના કિનારાઓ વચ્ચે વહેતી વહેતી આવેલ ગુજરાતી ભાષા પણ કેવી બદલાઈ ચૂકી છે! પરિણામે આજની ગુજરાતી કવિતામાં વિશ્વાસઘાત કરનાર મિત્રને સામો વિશ્વાસઘાત કુરિયરમાં પરત મોકલી શકાય છે. મત્લા અને એના પછીના શેર- બંનેનું ભાવવિશ્વ પરસ્પરથી સાવ વિરુદ્ધ દિશાનું હોવા છતાં ગઝલની સ્વીકૃત વ્યાખ્યા મુજબ એ નિર્વાહ્ય બને છે. સપનાંને બોલતું કરવાવાળા શેરમાં ઉલા મિસરાના ‘પહેલાં’ સાથે સાની મિસરામાં ભાષાકીય દૃષ્ટિએ ‘અમે’ના સ્થાને ‘પછી’ શબ્દપ્રયોગ કદાચ વધુ ઉચિત ગણાય. પણ એનાથી શેરની મજામાં વાંધો નથી પડતો અને આપણને તો એનાથી જ કામ હોય ને! છેલ્લો શેર સરમુખત્યારશાહી તરફ ગતિ કરી રહેલ લોકશાહીને તંતોતંત તાદૃશ કરે છે. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.

Comments (10)

(જુદા કર્યા) – સુરેન્દ્ર કડિયા

છીછરા તેમ જ ગહન જુદા કર્યા
સાત દરિયાના પવન જુદા કર્યા

મનમાં મહોરેલાં મનન જુદાં કર્યા
લાલ ને લીલાં ગવન જુદાં કર્યા

ભારે હૈયે બે વજન જુદાં કર્યા
અશ્રુઓ જુદાં, રૂદન જુદાં કર્યા

ગોખ, ઘુમ્મટને ગગન જુદાં કર્યા
પીંછે પીંછાનાં પતન જુદાં કર્યા

શક્યતાઓનાં સદન જુદાં કર્યા
મેં વિચારોનાં વતન જુદાં કર્યા

પ્રશ્નનું પેટાળ એનું એ રહ્યું
ઉત્તરોનાં ઉત્ખનન જુદાં કર્યાં

સૌનો સૂરજ આથમ્યો જુદી રીતે
સૌએ અજવાસો દફન જુદા કર્યા

– સુરેન્દ્ર કડિયા

એમાં પાંચ-પાંચ મત્લાવાળી સાત શેરની મેઘધનુષી ગઝલ. ભાષા સરળ પણ વાત ગહન. દરેક શેર હળવેથી મમળાવવા જેવા.

Comments (3)

સ્વયં તું – નિરંજન ભગત

(ઇન્દ્રવજા)

જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગનીય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?

હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મ્હોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે !

– નિરંજન ભગત

પ્રિયજન તરફ દોરી જતી કેડી તો કથકને હાથ લાગી છે, પણ જામતી જતી આષાઢી રાત્રે વિકરાળ આંધીમાં એ દેખાતી બંધ થઈ ગઈ છે. કઈ દિશામાં જવું એની ગતાગમ હવે કેમ પડે? આવામાં આંખોના દીવા કઈ રીતે તેજધાર પીએ? ગતિ અટકી ગઈ છે, પણ પ્ર-ગતિ નહીં. અધમાર્ગે અટકી જઈ આંખો મીંચી ભાવપૂર્વક આંસુડા સીંચીને અષાઢી રાત કાવ્યનાયક પ્રેમપુષ્પ ખીલવે છે. એને પૂરી શ્રદ્ધા છે કે કાલિદાસના મેઘદૂતની જેમ આ આંધીનો વાયુ આ પ્રણયપુષ્પની ફોરમને અને દિલની બધી વાત પ્રિયા સુધી પહોંચાડી દેશે. આમ થશે ત્યારે પ્રિયા ગર્વ સાથે પ્રીતિના એ ફૂલને પોતાના હાથે સ્વયંના માથે ચડાવશે. પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?

આષાઢી રાત, દૃગની દીવી અને પ્રેમના પુષ્પના ઉલ્લેખ આપણને કવિ ન્હાનાલાલનું પણ સ્મરણ કરાવે છે:

ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.

મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.

હૈયાની વેલને અમીનાં ફૂલ ઉગિયાં;
ઉરની રસમૂર્તિ શું આભ ઉતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.

Comments (4)

આશા – નંદકુમાર પાઠક

પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ગગને ગોરંભાયો મેહુલો
.           વરસી વાદળી જાયજી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
.           ખોબે છલકાતું જાયજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ખીલતી વસંતની વાડીએ,
.           આવ્યો ફૂલડાંનો ફાલજી;
કેમ રે ચૂટું હું ફૂલ આવડાં,
.           છલકે ધરતીની છાબજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
.           દૂર ઊઘડે ઉજાશજી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
.           તૂટે તોયે ના આશજી;
.           પથ રે લાંબો ને ટૂંકું આયખું હોજી.

– નંદકુમાર પાઠક

સરળ પણ સંતર્પક ગીતરચના… અનિલ ચાવડાનો શેર યાદ આવે:

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?

પ્રકૃતિનું ઔદાર્ય આપણી ક્ષમતા અને સમજ બહારનું છે. એ જે આપે છે, અઢળક ને અપાર આપે છે, પણ આપણો ખોબો જ નાનો પડે છે. આપણે કેવળ આશા ટકાવી રાખવાની છે… એ જ આપણને કાજળકાળી રાતમાંય ઉજાસ સુધી લઈ જશે.

Comments (4)