કરુણાનુબંધ – પન્ના નાયક
(પૃથ્વી)
વિદાય વખતે, અરે! નયનમાં કશી ભીડ છે!
નહીં ટપકી જાય આંસુ: ક્ષણને અહીં શ્રાવણે
જરીક નહીં ભીંજવું: મન મહીં રહી ઝંખના!
રહ્યા અચળ જોજનો: અચળ કાળ: ને પંખ-ના
મને કદીય ફૂટશે. નજીક તું છતાં દૂર છે.
અરે! પ્રણય કુમળો: તદપિ કેટલો ક્રૂર છે!
હવે દિવસ આંધળો: રજની પાંગળી: શબ્દ સૌ
ઉદાસ થઈને ઊભા: નિજ તણી નિરાધારતા
ગયા અવશ ઓળખી: સમય આપણો વારતા
થઈ વહી ગયો, હવે પળપળે નરી વેદના.
હવે દિવસ કેટલા? સમય કેટલો? આપણે
અહીંથી પડશું છૂટા: હૃદયમાં ભરી મૌનને
તડાક દઈ તૂટતા મિલનના ઋજુ તાર આ.
કદીય નહીં ઓગળે ખડક જેટલો ભાર આ.
– પન્ના નાયક
સારા કવિ ખપ મુજબના શબ્દનું સર્જન કરી ભાષાને વધુ સમૃદ્ધ કરતા હોય છે. થોડા સમય પહેલાં પન્ના નાયકે હાઈકુ સંગ્રહ આપ્યો પણ હાઈકુના સત્તર અક્ષરમાં સહેજસાજ ફેરફાર કરીને સંગ્રહનું નામ અત્તર-અક્ષર આપ્યું… પ્રસ્તુત સૉનેટનું શીર્ષક જુઓ… ‘ઋણાનુબંધ’ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ… સર્જકે એની આગળ કેવળ ‘ક’ ઉમેરી ‘કરુણાનુબંધ’ શબ્દ કોઇન કર્યો છે. સૉનેટમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે મધુર પ્રણયસંબંધ તૂટતાં ઉદભવતું આ ‘કરુણ બંધન’ કેવું હૃદયવિદારક છે!
મિલનનો નાજુક તાર તૂટ્યા પછી સર્જાતા વિયોગનું આ કરુણ ગાન છે. વિદાય વખતે આંખોમાં હકડેઠઠ ભીડની જેમ ધસી આવવા આતુર આંસુઓને અટકાવી રાખવા નાયિકા કટિબદ્ધ છે, નાહક આ ક્ષણ શ્રાવણની વર્ષાથી ભીની થઈ જાય! આંખમાં આંસુ આવી જાય તો દૃશ્ય ધૂંધળું થઈ જાય ને! બંને જણ આમ નજીક જ છે, પણ હવે ચળી ન શકે એટલા જોજનોનું અંતર બે અંતર માંહ્ય આવી ઊભું છે. આ અંતર કાપી શકાય એ માટેની પાંખ પણ હવે ફૂટવાની નથી. દિવસનું અજવાળું અંધારા બરાબર છે અને રાત તો પાંગળી જ છે. શક્યતા દેખી શકાય એ સ્થિતિ જ રહી નથી. નિજની નિરાધારતા ઓળખી ગયેલ શબ્દ પણ ઉદાસ થઈ મૌન ઊભા છે. કાયમી છૂટા પડવામાં હવે બહુ સમય બચ્યો નથી. મિલનનો તાર તૂટ્યો છે ને એનો ભાર કદી ઓગળી ન શકે એવી ખડક જેવો વર્તાય છે.


હરજીવન દાફડા said,
February 12, 2026 @ 12:38 PM
વાહ વાહ
Dharmishtha Trivedi said,
February 12, 2026 @ 1:59 PM
અસહ્ય ડુમાને શબ્દો મળ્યા, ને હૃદયની તીવ્ર ઝંખનાને શબ્દોનું ઝરણ મળ્યું. સાવ પાસ પાસે છતાં દૂરતા સહેવાની ત્યારે લોહીમાં ભળી શ્વાસોમાં સ્પંદથી વીરહવેદના ને પંક્તિ મળી. આપણે ક્યારે હંમેશ માટે વિખુટા થઈશું એની અનિશ્ચિતતા. મનમાં ખૂબ વલોપાત છતાં હોઠ સીવી લઈ હંમેશ તાદ્રશ થતી સ્મૃતિને પાષાણ વત બનાવી અંતિમ શ્વાસ સુધી શું સતત સ્મરણોમાં રાખવાની?
પન્ના બહેન ની રચના હૃદયને સ્પર્શી ગઈ.
Kishor Ahya said,
February 12, 2026 @ 6:12 PM
‘કરુણાનુબંધ’ –સુ શ્રી.પન્ના નાયક નું પૃથ્વી છંદમાં લખાયેલ આ સોનેટ વાચતા ક્યારેક એવુ લાગે છે, જાણે આ કોઈ એકની નહીં પણ પૃથ્વી પરના દરેક મનુષ્યની વાત છે. જીવન, એના તબક્કાઓ ,બાળપણ, યુવાનીને બુઢાપામાંથી પસાર થઈ એના નિશ્ચિત થયેલા અંતમાં પ્રવેશે છે ત્યારે પણ ‘પ્રેમ ‘ ની વાત જીવન ભર ક્યારેય ભૂલાતી નથી! એ પ્રેમની યાદ આવતી જ રહેતી હોય છે! કવિયત્રી એ આ વાત સૉનેટમાં બહુજ સરસ વર્ણવી છે.
વિદાય વખતે આંખમાં શ્રાવણ નહી આવવા દઉં તેવી નાયિકાને ઝંખના છે. જોજનો દૂરની યાત્રા છે પણ પ્રણય ! નાયિકા કહે છે તું કેટલો પાસે છે છતાં કેટલો દૂર ! કેટલો કોમળ !પણ કેટલો કુર!
સમય પસાર થતો જાય છે ત્યારે છેલ્લે, દિવસ ને રાત્રી નાયિકા કહે છે તેમ આંધળા ને પાંગળા બની જાય છે કેમકે નિજ તણી નિરાધારતા દેખાય આવે છે. નાયિકા કહે છે સમય વારતા થઈ ગયો!.હવે છે માત્ર વેદના! હવે કેટલા દિવસ, કેટલી રાત બાકી? આપણે હવે છુટા પડીશું .નાયકા કહે છે, પણ મિલનના તૂટતા ઋજુ તાર ખડક જેટલા ભારે છે, એ કદીય ઓગળવાના નથી! આ છે કરુણાનુબંધ. છેલ્લા શ્વાસ સુધી પ્રેમીની યાદ.
મુંબઈમાં જન્મેલ અને હાલ અમેરિકા વસતા કવિયત્રી સુ.શ્રી પન્ના નાયક દ્વારા ગુજરાતી ભાષામાં ઘણા કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે . સુ.શ્રી પન્ના નાયક વિશે કવિ અને લેખક શ્રી સુરેશ દલાલના શબ્દો.
“મને પન્નાનાં કાવ્યોમાં સૌથી વિશેષ સ્પર્શે છે એની સરળ પ્રમાણિકતા.”
“પન્નાની કવિતા સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભી છે. આ વ્યથાનું મૂળ શોધવું મુશ્કેલ નથી. જે જીવન જીવવું પડે છે એનો થાક છે, બેચેની છે, અજંપો છે, વ્યગ્રતા છે, ક્યારેક તો થાકની વાત કરવાનો પણ થાક છે, તો ક્યારેક વાત ન કરી શકાઈ હોય એનો ‘કોરો તરફડાટ’ છે. આ બધાંની સામે જે જીવન જીવવું છે એને માટેની તાલાવેલી છે, ઝંખના છે.”
પન્ના નાયક પોતાના માટે લખે છે
” હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” સુ શ્રી પન્નાબેનના કાવ્યો વાચતા તેમણે જે કહ્યું છે તેની પ્રતીતો થાય છે. કવિયત્રી જીવનના છેલ્લા દાયકા નો આનંદ લઈ રહ્યા છે. તેઓના સ્તાપદી આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના.
શ્રી વિવેકભાઈ એ કાવ્યની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે. ધન્યવાદ.
🌹🌹🌹🌹
Varij Luhar said,
February 12, 2026 @ 7:10 PM
વાહ સરસ સોનેટ
Kishor Ahya said,
February 12, 2026 @ 7:11 PM
ટાઈપ ભૂલથી શતાપ્દી ની જગ્યાએ સ્તાપદી લખાયું છે.ક્ષમા.
Jigisha Desai said,
February 13, 2026 @ 7:20 AM
Vahh….
Vrajesh Mistri said,
February 14, 2026 @ 12:20 PM
વાહ… કરુણાબંધ સરસ