પ્રેમનું પટોળું કર – હરજીવન દાફડા
તીરથી તેજ કર પ્રહાર મને,
ઘેનથી અબઘડી ઉગાર મને.
એક અદનું હું તારું સર્જન છું,
સાવ નિર્મમપણે મઠાર મને.
વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને.
ઓપ આપી રહ્યો છું લેખણથી,
અન્ય શું આવડે નિખાર મને.
બે’ક નિઃશ્વાસ કોઈના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.
લે, મરી જાઉં હું મર્યા પહેલાં,
દાસી જીવણની દે કટાર મને
– હરજીવન દાફડા
ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.


Vrajesh Mistri said,
February 11, 2026 @ 12:46 PM
વાહ… વાહ… લેખણ
Madhusudan Patel said,
February 11, 2026 @ 12:51 PM
વાહ! Nice sharing 💐
Barin Dixit said,
February 11, 2026 @ 1:11 PM
સાચી વાત 🦋 બહુજ સરસ શબ્દોની ગૂંથણી અને પોતાની જાતને મઠારવાનું આહવાહન પણ બે વાર એક યો પટોળાની કોર તરીકે અને બીજો નિર્મમપણે મારી ને મઠારવાની વાત. છે ગઝલ પણ જાણે ભજનની ખુશ્બુ સાથે 🙏🙏
Harjivan Dafda said,
February 11, 2026 @ 2:09 PM
ખૂબ ખૂબ આભાર
Jayesh Bhatt said,
February 11, 2026 @ 2:34 PM
વાહ
ઉમેશ જોષી said,
February 11, 2026 @ 5:07 PM
સકળ શે’ર મર્મજ્ઞ અને હ્રદયગમ્ય છે.
Kishor Ahya said,
February 11, 2026 @ 6:55 PM
વાહ ! વાહ! ઘેનથી અબઘડી ઉગાર મને, કવિ ક્યાં ઘેનની વાત કરે છે ?એક ઘેન તો બધા જાણે છે, એક બીજું ઘેન છે મનની મૂર્છિત અવસ્થા! સાધારણ રીતે દૈનિક જીવનમાં મનુષ્ય ઊંઘ અને જાગરણ શબ્દનો ઉપયોગ કરે છે પણ શરીરની જાગૃતતા અને મનની જાગ્રુતતા એ અલગ વાત છે. જ્યાં કોઈ વિચારોનો પ્રવાહ ન હોય, જેને અંદરથી સ્વયંનો સતત અનુભવ થતો રહેતો હોય, આવી અવસ્થા એ જાગૃત અવસ્થા છે. કવિ અહીં તીરની જેમ પ્રહાર કરીને પોતાને ઘેનથી તુર્તજ ઉગારવા પરમાત્માને પ્રાર્થના કરે છે.
સમગ્ર ગઝલમાં પ્રાર્થનાનો ભાવ છે કવિ કહે છે , તારૂજ સર્જન છું, સાવ કઠોર પણે મઠારી તું મને યોગ્ય બનાવી દે.
“વિશ્વ ને પ્રેમનું પટોળું કર, ને એની રમ્ય કર કિનાર મને”
પટોળું એ કપડાની વણાટ છે જેમાં ખૂબ કલાત્મક વણાટ વણાયેલી હોય છે .પટોળા ને બનાવવામાં ખૂબ સમય જાય છે તેથી મોંઘી કિંમતમાં વેચાય છે કવિ આ ઉદાહરણ આપી ઇશ્વરને વિનંતી કરે છે કે આ વિશ્વને પ્રેમના પટોળાથી વણી દે અને તેની સુંદર કિનાર મને બનાવી દે (જેથી મારો પણ તેમાં કઈક ફાળો હોય) બીજું તો શું આવડે મને! ડિઝાઇન હું મારી લેખણ કળાથી આપી રહ્યો છું.
“બે’ક નિઃશ્વાસ કોઈના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.”
કવિ કહે છે મને પૃથ્વી ઉપર એવી રીતે વસાવી દે જેથી કોઈના બે’ક નિશ્વાસ ઝીલી શકું. કોઈ દુઃખિયારને મદદમાં આવી શકું.
છેલ્લો શેર બહુ અદ્ભુત થયો છે
“લે, મરી જાઉં હું મર્યા પહેલાં,
દાસી જીવણની દે કટાર મને”
સંત સાઈવલીનું પ્રાચીન પ્રખ્યાત ભજન છે,
એવી શબ્દ કટારી લાગી રે,
એ અંતર જોયું ઉઘાડી,
એવી ઝળહળ જ્યોતી જાગી રે,
એ દશ દરવાજા નવસો નાડી …… એવી લાગી રે …. (1)
શબ્દ કટારી કોઇ સુરા નર જીલે,
નહીં કાયરનું કામ….
ગુરુના શબ્દની કટારીથી અંતરના દ્વાર ખૂલ્યા છે ને જ્ઞાન ની ઝળહળતી જ્યોતિ જોવા મળી તેની વાત ભજનમાં છે. કવિ કહે છે , “લે, મરી જાઉં હું, મર્યા પહેલા દાસી જીવણની દે કટાર મને” કવિ ઇશ્વરને કહે છે મર્યા પહેલા દાસી જીવણનું જ્ઞાન ,એમના ભજનના શબ્દો,એમની ક્ટાર જેવી વાણી મને આપ.
૧૮મી સદીમાં સૌરાષ્ટ્રમાં ઘોઘાવદર ખાતે જન્મેલ સંત એક સંત જે દાસી જીવણ તરીકે ઓળખાતા. તેનો કવિ અહીં ઉલ્લેખ કરે છે. સંત શ્રી દાસી જીવણે ખૂબ પ્રખ્યાત થયેલા ભજનો લખ્યા છે.કેટલાક સંપ્રદાયમાં ઇશ્વરને સમર્પિત સંતો પોતાને દાસ કે દાસી તરીકે ઓળખાવે છે, કહેવાય છે દાસી જીવણ તો સ્ત્રીના કપડાં પણ પહેરતા હતા! એક મહાન સંતનો ઉલ્લેખ કરી કવિ પોતાનું મૃત્યુ થાય એ પહેલા જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરે છે.
વાહ! કવિ શ્રી હરજીવન દાફડાને સુંદર રચના આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન.પ્રાથના સ્વરૂપમાં ગઝલના લયબધ્ધ સરસ શેર ખૂબ ગમ્યા.
શ્રી વિવેકભાઈને સરસ રચના પસંદ કરવા અને સરસ આસ્વાદ આપવા માટે ધન્યવાદ.
🌹🌹🌹🌹
Neha Purohit said,
February 11, 2026 @ 7:30 PM
વાહ વાહ
Raja Rudach said,
February 11, 2026 @ 8:43 PM
વિશ્વ ને પ્રેમ નું પટોળું કર અને એની રમ્ય કર કિનાર મને.. ખુબજ અસરકારક શેર લાગ્યો મને.
આજ નાં આ નકારાત્મક વાતાવરણ માં જે વિશ્વ જકડાઈ ગયું છે તેમાં જો પ્રેમ વિસ્તરે તો કેવું સારું બંને. શા માટે આ નફરતો છે દુનિયા માં જયારે મૃત્યુ સહુ નું નિશ્ચિત છે, સાથે કોઈ નથી લઇ ગયું કે નથી કોઈ લઇ જવાનું. 🙏🏼
વિવેક said,
February 12, 2026 @ 11:56 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર… ઘણા સમય પછી મોટાભાગના વાચકોએ રસ પડે એવા કિંમતી પ્રતિભાવ આપ્યા હોવાનો આનંદ… આ જ રચનાનું સાચું સાફલ્ય..
ramesh maru said,
February 23, 2026 @ 10:54 PM
વાહ…
…રમ્ય કર કિનાર મને…
અમર શેર.
❤️🙏🏻