(ફાવતું કર્યું) – કુણાલ શાહ
આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું.
વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે-
તારું હતું એ યાર તને પહોંચતું કર્યું.
ઠલવાઈ જાય એમ હતી લાગણી છતાં
વ્યવહાર સાચવીને જે ઘટતું હતું કર્યું
પહેલાં તો એની સાથે કરી કાલીઘેલી વાત
સપનાને માંડમાંડ અમે બોલતું કર્યું
શોધે સિપાઈ રાતદિવસ એક શખ્સને
જેણે નગરને આજ ફરી વાંચતું કર્યું
– કુણાલ શાહ
ભાષા વહેતી નદી જેવી છે… નદી મૂળથી નીકળે ત્યારે અલગ હોય પણ સમુદ્ર સુધી પહોંચતામાં તો એના રંગ-રૂપ બધું જ બદલાઈ જાય. ભાષા પણ સમયના અલગ-અલગ ખંડોમાં વહેતી જાય એમ એમ એના રંગરૂપ બદલાતા જાય.. નરસિંહથી નીકળીને આજના કિનારાઓ વચ્ચે વહેતી વહેતી આવેલ ગુજરાતી ભાષા પણ કેવી બદલાઈ ચૂકી છે! પરિણામે આજની ગુજરાતી કવિતામાં વિશ્વાસઘાત કરનાર મિત્રને સામો વિશ્વાસઘાત કુરિયરમાં પરત મોકલી શકાય છે. મત્લા અને એના પછીના શેર- બંનેનું ભાવવિશ્વ પરસ્પરથી સાવ વિરુદ્ધ દિશાનું હોવા છતાં ગઝલની સ્વીકૃત વ્યાખ્યા મુજબ એ નિર્વાહ્ય બને છે. સપનાંને બોલતું કરવાવાળા શેરમાં ઉલા મિસરાના ‘પહેલાં’ સાથે સાની મિસરામાં ભાષાકીય દૃષ્ટિએ ‘અમે’ના સ્થાને ‘પછી’ શબ્દપ્રયોગ કદાચ વધુ ઉચિત ગણાય. પણ એનાથી શેરની મજામાં વાંધો નથી પડતો અને આપણને તો એનાથી જ કામ હોય ને! છેલ્લો શેર સરમુખત્યારશાહી તરફ ગતિ કરી રહેલ લોકશાહીને તંતોતંત તાદૃશ કરે છે. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.


Neha Purohit said,
February 7, 2026 @ 12:24 PM
છેલ્લા બે શેર ખૂબ જ ગમ્યા. સરસ કૃતિ.
Neha Purohit said,
February 7, 2026 @ 12:25 PM
છેલ્લા બે શેર વધુ ગમ્યા. મજાની કૃતિ.
nirja parekh said,
February 7, 2026 @ 12:35 PM
Waah
Kishor Barot said,
February 7, 2026 @ 12:40 PM
સરસ ગઝલ 👌
કમલેશ જેઠવા said,
February 7, 2026 @ 1:37 PM
ખૂબ સરસ રચના થઈ છે.
DILIPKUMAR CHAVDA said,
February 7, 2026 @ 2:16 PM
વાહ જોરદાર
કુરિયર તો કેવું પડે
Lalit Trivedi said,
February 7, 2026 @ 2:39 PM
સાદ્યંત સરસ અને વિશિષ્ઠ ગઝલ. કવિને અભિનંદન.. વિવેકભાઈ, આપના રિસર્ચ વર્કને વંદન… કેટલું કેટલું તો આપ વાંચો છો અને પસંદ કરો છો…. રાજીપો
Aasifkhan Aasir said,
February 7, 2026 @ 2:48 PM
વાહ સુંદર ગઝલ
Jigisha Desai said,
February 7, 2026 @ 4:46 PM
Vahhh…
keyur shastri said,
February 25, 2026 @ 2:49 AM
Kya bat…Vachtu karyu…wah
Poonam said,
March 30, 2026 @ 4:40 PM
આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું,
પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું. Waah !
– કુણાલ શાહ –