શરતને વશ રહીને પ્રેમ? ના, નથી કરવો,
તું જાનથીય છે પ્યારી, છતાં નથી કરવો.
વિવેક મનહર ટેલર

સ્મર્યા વગર? – મનહર મોદી

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર?
પાંપણ કદીય રહી શકે મટકું ભર્યા વગર?

ચાલ્યાં મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો,
ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર.

હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ,
આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર.

ડૂબી ગયો તો આપનું સાંનિધ્ય સાંપડ્યું,
પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર.

મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,
પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.

દર્શન નયનનાં પામવા દૃષ્ટિ થવું પડે,
ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર.

– મનહર મોદી

આધુનિકતા અને આંદોલનનું કફન માથે બાંધીને નીકળેલ મરજીવાઓને પણ પરંપરાના પોષણ વિના ચાલ્યું નથી. ગુજરાતી કવિતામાં ક્રાંતિ આણી નવોન્મેષ સાધવામાં અગ્રેસર ‘રે મઠ’ના અગ્રેસર સર્જક મનહર મોદી પાસેના ખજાનામાંથી પણ રુઢિગત ગઝલો મળી આવે છે. આમ તો છએ છ શેર ખૂબ જ મજાના થયા છે, પણ ‘હૈયાની માછલીના તરફડાટ’વાળો શેર મારા દિલની સવિશેષ નજીક છે. યુવાનીના અંતઃસ્ત્રાવોની હણહણાટી પૂરજોશમાં હતી એ ૧૪-૧૫ વર્ષની વયે આ શેર ક્યાંક વાંચવા મળ્યો હતો. એક-બે કરતાં ચાર-ચાર દાયકા વીતી ગયા, પણ આ શેર ભૂલાયો પણ નથી અને એણે મારા હૈયા પર કરેલ કામણ પણ મોળું પડ્યું નથી…

9 Comments »

  1. Anonymous said,

    February 19, 2026 @ 12:18 PM

    દર્શન નયનનાં પામવા દ્રષ્ટિ થવું પડે, ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર અતિ સુંદર

  2. Lalit Trivedi said,

    February 19, 2026 @ 12:44 PM

    આદરણીય કવિ શ્રી મનહર મોદી સદાય આધુનિક કે અનુ આધુનિક રહેશે અગર તો સદાય ચિરસ્મરણીય જ રહેશે

  3. Vrajesh Mistri said,

    February 19, 2026 @ 12:57 PM

    વાહ… મંઝિલ

  4. DILIPKUMAR CHAVDA said,

    February 19, 2026 @ 1:01 PM

    મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,
    પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.

    વાહ શું વાત છે કવિ

  5. Mansukh Nariya said,

    February 19, 2026 @ 1:49 PM

    વાહ સરસ

  6. Jayesh Bhatt said,

    February 19, 2026 @ 5:10 PM

    સરસ ગઝલ

  7. Kishor Ahya said,

    February 19, 2026 @ 10:30 PM

    સમય સમયની વાત છે, એક વખત હતો કૉલેજમાં નોટબુકની આપલે કરતાં કરતા જ પ્રેમ થઈ જતો, મિત્રો ધીમેથી નઝર ફેરવ્યા કરતા ને પ્રેમ કરનારા સૌનું ધ્યાન બની જતા! પણ જો નાત અલગ હોય તો કોઈના માં બાપ સુધી વાત પહોંચતી નહી ! આવો ય એક જમાનો હતો ! આમાં પણ કોઈ કવિ હોય તો અઠવાડિયે એકાદ બે કવિતા-ગઝલ તો નોટમાં મુકાયજ જાય! આતો આપણા કવિ શ્રી મનહરભાઈ મોદીએ લખેલ ગઝલનો પ્રતિભાવ લખતો હતો ત્યારે તેમના સમયની યાદ આવી ગઈ !

    વાહ! બહુ જ સરસ શેર લખ્યા છે અને અર્થ પણ સરળ છે. કવિને સરસ રચના આપવા બદલ ખૂબ અભિનંદન. શ્રી વિવેકભાઈ એ પણ જૂની યાદ તાજી કરી, ગઝલની સરસ પસંદગી કરી છે.

    🌹🌹🌹🌹

  8. ઉર્વી પંચાલ ઉરુ said,

    February 26, 2026 @ 8:16 AM

    સુંદર રચના

  9. ઉર્વી પંચાલ ઉરુ said,

    February 26, 2026 @ 8:16 AM

    વાહ્ સરસ વિચાર છે,સુંદર રચના 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment