માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
રઈશ મનીઆર

(જુદા કર્યા) – સુરેન્દ્ર કડિયા

છીછરા તેમ જ ગહન જુદા કર્યા
સાત દરિયાના પવન જુદા કર્યા

મનમાં મહોરેલાં મનન જુદાં કર્યા
લાલ ને લીલાં ગવન જુદાં કર્યા

ભારે હૈયે બે વજન જુદાં કર્યા
અશ્રુઓ જુદાં, રૂદન જુદાં કર્યા

ગોખ, ઘુમ્મટને ગગન જુદાં કર્યા
પીંછે પીંછાનાં પતન જુદાં કર્યા

શક્યતાઓનાં સદન જુદાં કર્યા
મેં વિચારોનાં વતન જુદાં કર્યા

પ્રશ્નનું પેટાળ એનું એ રહ્યું
ઉત્તરોનાં ઉત્ખનન જુદાં કર્યાં

સૌનો સૂરજ આથમ્યો જુદી રીતે
સૌએ અજવાસો દફન જુદા કર્યા

– સુરેન્દ્ર કડિયા

એમાં પાંચ-પાંચ મત્લાવાળી સાત શેરની મેઘધનુષી ગઝલ. ભાષા સરળ પણ વાત ગહન. દરેક શેર હળવેથી મમળાવવા જેવા.

3 Comments »

  1. Kishor Ahya said,

    February 6, 2026 @ 11:47 PM

    જ્યારે ધર્મ મનુષ્યને મનુષ્યથી અલગ કરે છે ત્યારે જે પીડાઓ સર્જાઈ છે ને તેને કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે જે અંતર વધે છે જુદાપણું આવે છે તેની વાત કવિ શ્રી સુરેન્દ્ર કડિયા(જુદા કર્યા) ગઝલમાં કહી રહ્યા છે. આ વાત વિશ્વમાં સૌ કોઈ મનુષ્ય વચ્ચે જે કોઇપણ કારણસર ભેદભાવ પ્રવતે છે તેને પણ એટલીજ લાગુ પડે છે.

    મનમાં મહોરેલાં મનન જુદાં કર્યા
    લાલ ને લીલાં ગવન જુદાં કર્યા

    ભારે હૈયે બે વજન જુદાં કર્યા
    અશ્રુઓ જુદાં, રૂદન જુદાં કર્યા

    ગોખ, ઘુમ્મટને ગગન જુદાં કર્યા
    પીંછે પીંછાનાં પતન જુદાં કર્યા

    કેટલીકવાર પ્રશ્ન ઉકેલવાના પ્રયાસમાં પ્રશ્નો તો થોડા ઉકેલાય પણ એજ કારણથી નવા પ્રશ્નો ઊભા થતા હોય છે. આ બાબતે કવિનો શેર…

    પ્રશ્નનું પેટાળ એનું એ રહ્યુંઉત્તરોનાં ઉત્ખનન જુદાં કર્યાં.

    કવિના હૃદયમાં પણ પ્રશ્નની પીડા છે ,જે ગઝલમાં ઉતરી આવી છે. પણ કોઈએ કહ્યું છે ને કે જે સમયે જે થવાનું હોય તે થઈને જ રહે છે! બાકી તો એકજ ઇશ્વરના , એકજ પૃથ્વીપરના આપણે સહુ મનુષ્યો, ક્યાંથી આવ્યા અને મૃત્યુ પછી ક્યાં જવાના તે કોઈ જાણતું નથી! દરેકનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે જગતના સાત સમંદરના વિસ્તારમાં મનુષ્ય મનુષ્ય વચ્ચે કારણ વિનાનું જે અંતર છે તે સમજવુ મુશ્કેલ છે! કવિએ ગઝલમાં આ હકીકત વર્ણવી સૌનું ખેંચ્યું છે. શ્રી વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી છે. ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  2. વિવેક said,

    February 7, 2026 @ 12:21 PM

    @કિશોર આહ્યા:

    કેવો સરસ પ્રતિભાવ1

    આભાર

  3. Dhaval Shah said,

    February 17, 2026 @ 2:56 AM

    સૌનો સૂરજ આથમ્યો જુદી રીતે
    સૌએ અજવાસો દફન જુદા કર્યા

    – saras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment