એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ
– સુનીલ શાહ

એક સીધી લીટી* – પ્રતિષ્ઠા પંડ્યા

એણે એક કાગળ પર
અડખેપડખે મૂકી બે કવિતા
જમણે મહમૂદ દારવિશ
ડાબે યેહૂદા અમીચાઈ
ને શબ્દો તો વિચરતી જાતિ
માંડ્યા ભટકવા
આ તરફથી પેલી તરફ
જ્યાં લગી પંક્તિઓ તૂટીફૂટી ન ગઈ
જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
જ્યાં લગી બધાય પ્રાસ
ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા
જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
ખેંચી ન કાઢી
એક સીધી જાડી લીટી
વચ્ચોવચ ત્યાં લગી.

હવે મારું મન જરી શાંત છે.

– પ્રતિષ્ઠા પંડ્યા

(* ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચતાં…)

એક કાગળ પર બે કવિતા અડખેપડખે મૂકવામાં આવી છે. આમ તો સર્જક કોઈ પણ બે કવિને પસંદ કરી શક્યા હોત પણ એમણે જે બે કવિઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે એ યેહૂદા અમીચાઈ (https://layastaro.com/?cat=404) અને મહમૂદ દારવિશ (https://layastaro.com/?cat=1376) – બંને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલ ઉત્તમ કવિ હતા. અમીચાઈ ઇઝરાઈલના કવિ. ભાષા હિબ્રૂ અને દારવીશ પેલેસ્ટાઇનના કવિ, ભાષા અરેબિક. બંને દેશ વચ્ચેના યુદ્ધથી આપણે વાકેફ છીએ. આ બે કવિઓએ વીસમી સદીની કવિતાનો નવોન્મેષ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બંને કવિની કવિતાઓએ ઇશ્વને વિચારતું કરી દીધું હતું. કદાચ સર્જક અહીં એ જ આપણને સમજાવવા ઇચ્છે છે. બીજું કોઈ કારણ હોય તો એ સમજવા માટે ‘એતદ્’નો ડિસેમ્બર ૨૦૨૩નો અંક વાંચવો પડે. અરસપરસ મૂકેલી બંને કવિતા થોડીવારમાં જ મૂર્તતામાંથી અમૂર્તતા સાધે છે… શબ્દો, પંક્તિઓ, છંદોપ્રાસ –બધું જ એમના અર્થ અને સંદર્ભ ગુમાવી બેસે છે. કેવળ કવિતા અને કવિતાનો ભાવ જ બચ્યા છે. કથકના મનોમસ્તિષ્કમાં તુમુલ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. સમગ્ર કવિતાની ભાષાની પંગતમાં આગંતુક લાગે એવા બે સહદો સર્જક અહીં પ્રયોજે છે – ભેજું અને નઠારું…. આ બે શબ્દો આપણને બે ઘડી અટકવા મજબૂર કરે છે. અટકીએ,જેથી લડાઈની ભીષણતા જોઈ-સમજી-અનુભવી શકાય. ઇચ્છા-અનિચ્છાએ પણ સર્જક કવિતાના અર્જિત કરેલ તમામ સંસ્કાર છિન્નભિન્ન થઈ જાય એવા લોહિયાળ યુદ્ધનું અવિભાજ્ય અંગ બની જાય છે. બે કવિની કવિતાઓ વચ્ચે ફૂટપટ્ટી વડે જાડી સીધી લીટી ખેંચી લીધા બાદ જ કવિમન સહેજ (વધુ કે પૂરેપૂરી નહીં, હંઅઅ) શાતા અનુભવે છે.

સર્જકને શું અભિપ્રેત હશે એ તો સર્જક જકહી શકે, પણ મને લાગે છે કે તેઓ આપણને કવિતા સાથે રૂબરૂ થવાનો કીમિયો શીખવાડે છે. કવિના સર્જનસમયના ભાવવિશ્વમાં પ્રવેશી શકાય તો જ કવિતા પામી શકાય. અને કવિસંવેદનની ધારથી લોહીલુહાણ થઈ ન જવાય ત્યાં સુધી કવિતા સાચા ભાવકને શાંતિનો શ્વાસ જ લેવા ન દે…

* * *

કવિતા ભાવકે ભાવકે નવાં વાઘાં પહેરે… સર્જકને શું અભિપ્રેત છે એ જાણીએ? આ રચના વિશે સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યા કહે છે: “એક કવિનો શબ્દ છે જે સરહદો ને ઓળખની વાડથી વિહ્વળ થાય છે ઘવાય છે ને તો યે એને ઓળંગવાનું સાહસ ધરાવે છે. અને એક આપણું મન છે જે કવિતાના શબ્દોને પણ લીટીઓ દોરી દોરીને છૂટા પાડ્યા કરે છે. આ યહૂદી, આ અરબ, આ પેલેસ્ટાઇન, આ ઇઝરાઇલ, આ ભારતીય, આ પાકિસ્તાની…. આપણને વાડ ગમે છે ને જ્યાં સુધી એક સીધી લીટી દોરી ન નાખીએ આપણને ચેન નથી પડતું, ખરું ને?!

12 Comments »

  1. Dr. Snehal Vaidya said,

    February 18, 2026 @ 11:41 AM

    જોરદાર

  2. Jigisha Desai said,

    February 18, 2026 @ 11:47 AM

    Saras…વિવેકભાઈનો આસ્વાદ પણ સરસ…પેલેસ્ટાઈની કવિઓનો સંદર્ભ માહિતીસભર

  3. નેહલ said,

    February 18, 2026 @ 12:56 PM

    ખૂબ સરસ

  4. shabnam khoja said,

    February 18, 2026 @ 2:31 PM

    મસ્ત કવિતાનો સુંદર આસ્વાદ 💐

  5. Rina Parikh said,

    February 18, 2026 @ 2:34 PM

    કવિતા સરસ છે અને આસ્વાદ વધુ ગમ્યો 🙏🏻

  6. Kishor Ahya said,

    February 18, 2026 @ 4:59 PM

    કલા સાહિત્યને દેશની સરહદો નથી હોતી જેમ આકાશે વિચરે છે પક્ષીઓ. વિશ્વની સંખ્યાબંધ ભાષાઓમાં લખાયેલ સાહિત્ય સદભાગ્યે અનુવાદોને લીધે આપણે માણી શકીએ છીએ. કવિયત્રી સુ શ્રી પ્રતિષ્ઠા પંડ્યાએ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના બે કવિઓનો સાંકેતિક ઉલ્લેખ કરીને બે દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષની વાત કરી છે.

    “જ્યાં લગી છંદ વીખરાઈ ન ગયા
    જ્યાં લગી બધાય પ્રાસ
    ઓળખાય પણ નહીં એટલા એકધારા થઈ ન ગયા
    જ્યાં લગી એ બધા છિન્નભિન્ન ને લોહિયાળ ન થઈ ગયા”

    “જ્યાં લગી મારા ભેજામાં એક નઠારું યુદ્ધ ચાલુ ન થઈ ગયું
    જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને
    ખેંચી ન કાઢી
    એક સીધી જાડી લીટી
    વચ્ચોવચ ત્યાં લગી.”

    મનુષ્યનું મન નઠારું છે, કહેવાય છે ને કે હાથીના ચાવવાના જુદા, દેખાડવાના જુદા. એમ અહીંયા કેટલાક લોકો ઝઘડો કરવાના કારણો શોધી કાઢે છે ને લોકોને ભેળવવામાં આવે છે, લોહી વહે છે, ઝઘડાનું અસલ કારણ હોય છે કોઇપણ ભોગે સતા હાંસિલ કરવી. પછી આજ લોકો ઝગડો નિવારવાના ઉપાયો શોધે છે , બને પ્રજા વચ્ચે જાડી લીટી…, સરહદો નકી કરવી.

    “હવે મારું મન જરી શાંત છે.”
    બંને પક્ષોને સત્તા મળી ગયા બાદ પછી શાંતિની વાતો …

    જેમ દુનિયામાં અનેક જાતના ફળ અને ફૂલો છે તેમ વિશ્વમાં અનેક જાતના પ્રદેશો અને પ્રજા છે.પોતાના અહંકાર ને સંતોષવા સત્તા મેળવવા પ્રજા વચ્ચે વૈમનસ્ય ઊભું કરી ભાગલા પાડવામાં આવે છે એ હકીકત વિશ્વના કેટલાકય દેશોમાં પડેલા ભાગલાથી તાદ્રશ્ય થાય છે.

    “એણે એક કાગળ પર
    અડખેપડખે મૂકી બે કવિતા”.
    ઈશ્વરે એક જમીન પર આજુ બાજુ બે ભાષાઓ બોલતી પ્રજાઓ મૂકી.

    આજની વિશ્વની દિશા અને દશા પર કવિયત્રીએ અછાંદસ મારફતે કરેલા પ્રહારો આંખ ઉઘાડનાર છે.

    શ્રી વિવેકભાઈએ અછાંદસ ની સરસ પસંદગી કરી ખુબજ સરસ આસ્વાદ આપ્યો છે તેમને ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  7. Kishor Ahya said,

    February 18, 2026 @ 5:32 PM

    કલા સાહિત્યને દેશની સરહદો નથી હોતી જેમ આકાશે વિચરે છે પક્ષીઓ. વિશ્વની સંખ્યાબંધ ભાષાઓમાં લખાયેલ સાહિત્ય સદભાગ્યે અનુવાદોને લીધે આપણે માણી શકીએ છીએ. કવિયત્રી સુ શ્રી પ્રતિષ્ઠા પંડ્યાએ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના બે કવિઓનો સાંકેતિક ઉલ્લેખ કરીને બે દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષની વાત કરી છ

    આજની વિશ્વની દિશા અને દશા પર કવિયત્રીએ અછાંદસ મારફતે úકરેલા પ્રહારો આંખ ઉઘાડનાર છે.

    શ્રી વિવેકભાઈએ અછાંદસ ની સરસ પસંદગી કરી ખુબજ સરસ આસ્વાદ આપ્યો છે તેમને ધન્યવાદ.

    🌹🌹🌹🌹

  8. chetan shukla said,

    February 19, 2026 @ 10:47 AM

    કવિતા વાંચતાં પહેલાં એનો આસ્વાદ વાંચવાનું મન થાય છે. એ કવિતા અને આસ્વાદક બંનેની સિદ્ધિ ગણાય. વિવેકભાઈ તમારી દૃષ્ટિની સાચે જ કદર કરવી પડે. આમ ઝીણી નજરે કોઈ કવિતાને જોતું-પારખતું નથી.

  9. વિવેક said,

    February 19, 2026 @ 11:17 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  10. Mungla Hiren said,

    February 19, 2026 @ 11:52 AM

    પ્રતિષ્ઠા બેન ની રચના વાંચી મારી એક હિન્દી રચના યાદ આવી ,જે આપ ભાવકો માટે રજુ કરુ
    मालुम नहीं मुझे,मैने क्या लिखा है
    बायी और हिंदुस्तान दायी और मुस्लिम लिखा है।
    बायी और खींचकर लकीर(હાસિયો)हिंदु आया था और अंदर,
    दायी और खींचकर लकीर मुस्लिम भी आया अंदर
    अच्छा किया कि मैने खिंची न थी लकीर बीच में
    वर्ना मिल न पाते एक दूजे से वो दोनों कहीं पे,
    लिखावट की ये तरकीब जुदा है दोनो की
    लगता है गले मिलने की हरकत है दोनो की।
    चलो छोडो नुमाइश गैर होने की।
    इस नुमाइश के तहत बिछड़े न यारी सोने की
    बीच से हटाकर दुरी,करो दोस्ती जरूरी।
    लिखावट की तरह ही मिलते है जगह दिल में है पुरी।।
    16/7/22
    તારીખ લખવાનું કારણ પ્રતિષ્ઠા બેને પણ શક્ય છે આજ તારીખે લખ્યું હોય તો આ ભગવાન ની લીલા કહેવાય.

  11. Hiren k mungala said,

    February 20, 2026 @ 6:39 PM

    હિન્દુસ્તાન ની જગ્યા એ હિંદુ આવશે ,સોરી મારી ભૂલ ટાઇપ કરવા માં

  12. Poonam said,

    March 30, 2026 @ 4:28 PM

    જ્યાં લગી મેં એક ફૂટપટ્ટી પકડીને 👌🏻
    – પ્રતિષ્ઠા પંડ્યા –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment