તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2024

એક ગામ – હર્ષદ ચંદારાણા

ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ
વસ્તીમાં તો એક જ જણ કે સુગંધ જેનું નામ

ઝાકળનાં ટીપેટીપામાં સૂરજ સૂરજ થાય
પીગળી જાતી અંધકારની પથ્થર જેવી કાય

સીમ દીમના રસ્તા વરસે ગમ્મે ત્યારે આવી
ખોબે ખોબે મર્મર ઢોળે વનવગડેથી લાવી

સમી સાંજરે દશે દિશાથી હવા ઉઠાવી આવે
ચૂંટી-ચૂંટીને બાગબાગના સમાચાર લઈ આવે

રાત પડે ને રાસે રમતાં દેહ વગરનાં નામ
અને ઢોલના તાલે અઢળક હિલ્લોળાતું ગામ

– હર્ષદ ચંદારાણા

બબ્બે પંક્તિઓની પ્રાસસાંકળીના હિંચકે લય હિલ્લોળતું મજાનું ગીત. ગીતના પ્રથમ બંધનું કલ્પન જ કેવું પ્રસન્નકર છે! ઢગલાબંધ ફૂલોના સમૂહને કવિએ ગામનું નામ દીધું છે અને ફૂલો પર ફૂલો ખડકાતાં રચાયેલ આ ગામમાં એક જ જણની વસ્તી છે અને તે છે સુગંધ, આવા મજાના હલકાફુલકા પ્રકૃતિકાવ્યોએ જ ગુજરાતી કવિતાને મઘમઘતી રાખી છે.

(સીમ દીમના=સીમ તરફના)

Comments (7)

વિદાય – કુલીનચંદ્ર યાજ્ઞિક

(પૃથ્વી)

વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશમાં; ક્વચિત સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્મની ખોજમાં.

વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!

વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!

વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!

– કુલીનચંદ્ર યાજ્ઞિક

આવ્યા એ તમામનું જવું પૂર્વનિર્ધારિત અને સુનિશ્ચિત હોવા છતાં મનુષ્યો મૃત્યુને સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. પ્રસ્તુત સૉનેટ એ જવાની તૈયારીનું કાવ્ય છે. વિદાયની ઘડી વસમી ઘડી છે એના સ્વીકાર સાથે કવિ જીવનનાં લેખાંજોખાં માંડે છે. વિગત વર્ષો અભ્યાસમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વીત્યાં છે. આ વર્ષો ક્યારેક જ્ઞાનસાગરમાંથી બુંદભર અમૃત પામવા માટે તો ક્યારેક સ્વની ખોજ કરવામાં વીત્યાંછે, ક્યારેક ઉમંગ સાથે તો ક્યારેક નિરાશા સાથે વીત્યાં છે. સ્વજનોથી અળગાં થવાની પળો કપરી છે. સ્વજનો, ભેરૂઓ, સફરના સાથીઓ, તથા જીવનની તડકી-છાંયડીના તટસ્થ સાક્ષીઓ – આ તમામથી હવે વિયોગ થનારો છે. આ અનિત્ય જગમાં પરિવર્તન જ નિત્ય છે. (યાદ આવે: The Only Constant Is Change- Heraclitus) અવ્યક્તથી વ્યક્ત થઈ ફરી અવ્યક્તમાં સરી જવુંએ જ પ્રકૃતિની રીત છે. એનો મોહ કે શોક ન હોય, કરવો પણ ન જોઈએ. જીવનની બેડીઓથી મુક્તિ મળવી એટલે નવા પંથ શોધવાનો, નવી સાધના,નવા તપ, અને નવા યજ્ઞો કરવાની નવ્ય તક!

(ઉછંગ-ખોળો; પીયૂષલવ=અમૃતનો અંશ, જૂજવા=અલગ; પ્રતીપ=પ્રતિકૂળ; પથ્ય=મંગળ)

Comments (6)

બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

સૌને આસાનીથી સમજાઈ જાય એવી સહજ સરળ ભાષામાં લખાયેલ આવા સૉનેટ ઝાઝાં જોવાં મળતાં નથી. કથકની બાના નિધનને દસ-બાર વર્ષ થવા આવ્યાં છે, પણ બાની યાદ કવિહૈયે એવીને એવી તરોતાજા જ છે. જીવનના વિકટ પથમાં કવિ માટે બા જ સર્વસ્વ છે. વહેતા સમય સાથે હવા થોડી બદલાઈ ગઈ છે, પણ બાની સ્નેહવર્ષા, હાલાના રણકા અને કાયા કવિના અસ્તિત્વમાં એવાં ને એવાં સચવાઈ રહ્યાં છે. રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે બા ઢબૂરીને સૂવડાવી દેતી હતી અને ખોવાઈ ગયેલાં શમણાંઓ સાથે પુનઃસંધાન થઈ જતું હતું, પણ એ સુખ હવે નસીબે રહ્યું નથી. સમય સતત વીતતો જતો હોવા છતાં કવિને બચપણના દિવસોની બાની હાક હજી કેમ બોલાવી રહી છે એ વિમાસણ સાથે આ મજાનું સૉનેટ જ્યાં વિરમે છે, ત્યાંથી જ ભાવકના લાગણીતંત્રમાં લાંબો સમય સુધી શમી ન શકે એવો રણઝણાટ શરૂ થાય છે.

Comments (3)

(બેઉ પક્ષે હાર છે) – જાતુષ જોશી

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે, હા, બેઉ પક્ષે હાર છે.

કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે.

આંખ અંજાઈ ગઈ અજવાસથી,
આંખ સામે એટલે અંધાર છે.

આ સકલ સંસાર કંઈ મોટો નથી,
આપણાં મનનો ફકત વિસ્તાર છે.

શબ્દને નાનો-સૂનો સમજો નહીં,
શબ્દ ઈશ્વરનો જ તો અવતાર છે.

– જાતુષ જોશી

સરળ-સહજ-સાધ્ય અને સંતર્પક.

Comments (8)

દહાડીનો અંધકાર – વજેસિંહ પારગી

દહાડીનો દહાડી ઊગે છે સૂરજ
ધરતી પરથી હટે છે અંધકાર
હુંયે પ્રકાશ આંજીને
નીકળી પડું છું કરવા દહાડી.
દહાડાના પ્રકાશમાંયે
આંખ સામે છવાય છે
આજ દહાડી નંઈ મળે તો- નો અંધકાર.
ને અંધકારમાં અટવાતી રહે છે આશા.
કોઈ દહાડો એવો નથી ઊગ્યો
કે દહાડીની વાતે
મારા મનમાં ફેલાયો હોય પ્રકાશ!

– વજેસિંહ પારગી

આપણે બધા તો ખાધેપીધે સુખી કાવ્યરસિકો છીએ. પેટ ભરાયેલું છે અને ભરાતું જ રહેવાનું છે એની નિશ્ચિતતા આપણને કવિતા-ફવિતાના શોખ પૂરા કરવાની પરવાનગી અને મોકળાશ આપે છે, પણ દુનિયામાં એવાય લોકો છે, જેમના માટે સૂરજ ઊગે અને પ્રકાશ ફેલાવો શરૂ થાય ત્યારે સૌથી મોટો પ્રાણપ્રશ્ન મને દહાડીએ રાખવાવાળો કોઈ શેઠિયો આજે મળશે કે નહીં? મારા ઘર પાસેન ચાર રસ્તા પર રોજ સવારે માણસોનું કીડિયારું ઊભરાય છે. આજીવિકા રળવા માટેના સાધનો લઈને સેંકડો લોકો હમણાં કોઈ આવશે અને આજના દહાડા પૂરતું કોઈક કામ આપશે અને ઘરે સાંજે ચૂલા પર કશુંક ચડાવી શકાશેની આશામાં ઊભા હોય છે. એમાંના ઘણાને ખાલી હાથે જ દૂરની ફૂટપાથ પરના પોતાના નિવાસે જવું પડતું હશે. દહાડી પર નભતા આવા લોકોની રોજનીશીને કવિએ બહુ ઓછા શબ્દોમાં આબાદ ચરિતાર્થ કરી બતાવી છે.

Comments (11)

કયાંથી મળીએ! – હર્ષદ ચંદારાણા

તું નીચે વ્હેતી નદી, હું ઊંચો ભેખડ કાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઝિલમિલ ઝિલમિલ રમે, અધરે ઉમટયા કરતું સ્મિત
હું નહીં ગવાતું રે, કંઠે રુંધાયેલું ગીત
તું હૃદય ઊછળતી ઉષ્મા, હું નહિ છૂટેલી ગાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઊભી રહે નહિ પળભર, વાણીમાં વહેતો અક્ષર
હું વહી શકું નહિ સ્હેજે, છું પૂર્ણ વિરામનો પથ્થર
તું રજત-પાત્રમાં શાહી, હું કલમનો તૂટયો સાંઠો
સખી રે, કયાંથી મળીએ!

– હર્ષદ ચંદારાણા

કેટલીક રચનાઓ અંતરની અનુભૂતિમાંથી સીધેસીધી અક્ષરદેહ ધારણ કરી અવતરતી હોય છે. પ્રસ્તુત ગીત એવી જ એક રચના છે. રાત અને દિવસ જેમ એકમેકને કદી મળી શકતા નથી એ જ રીતે ક્યારેક જીવનમાં કોઈક સંબંધ એવોય આવે છે કે પારાવાર લાગણી હોવા છતાં જેના બે છેડા કદી એક કરી ન શકાય. અલગ અલગ પ્રતીકોના ગુંફનથી કવિએ મળવા તલસતા પણ મળી ન શકતા પ્રિયજનોની વેદનાને બખૂબી ધાર કાઢી રજૂ કરી છે. આ રચના વાંચીએ અને કવિ શ્રી વિનોદ જોશીની આ રચના યાદ ન આવે એય સંભવ નથી. અહીં ક્લિક કરો.

Comments (3)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૫ – આવતીકાલે સૂરજ ઊગશે જ

આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.

થાય છે : આજની હવામાં
.               હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
.               ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
.                                                     હું નહીં ઊડું.

મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.

ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.

ભલે અટકી જતાં અજવાળાં,
.               મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
.                                                    એકાએક હલેસું જોતાં.

ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
.                              ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
.                              મારા અંદરના અને બહારના સૌ લોક.
.        મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.

ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
.               ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
.               આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.

આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
.               ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.

– ચંદ્રકાન્ત શેઠ

‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!

આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૪ – રસ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!

પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.

દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!

ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!

– ચંદ્રકાન્ત શેઠ

સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

Comments (2)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૩ – તું ચલવે ને…

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.

હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.

કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.

સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.

જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.

– ચંદ્રકાન્ત શેઠ

સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

Comments (4)

એક લોકકથા શાહીના ઘસરકાની – હરીશ મીનાશ્રુ

પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.

પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).

પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.

ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.

અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં

ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…

– હરીશ મીનાશ્રુ

લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…

Comments (8)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૨ – નથી મળાતું

બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –

એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –

એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –

– ચંદ્રકાન્ત શેઠ

પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.

Comments (6)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૧ – ક્યાં છો ચંદ્રકાન્ત?

ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
.                              – એમાં તમે નથી, તમારી છે છાયા;
.                              – જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
.                              – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
.                              – કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,
.                              કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
.          —જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણેા છે?
—અનતમાં જે અંતે તમે ઝૂલો
.                              એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી
.                              એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર
.                              એ જ જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે
.                              એને તમારાં ના પગલાંની જાણ.
ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
.                              એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
.                              તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ — એ જ તમે એમ માની – ચાલી,
.                              ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે,
ચાંચને તમારી પૂછો,
.                      ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
.                      શબ્દોના મિનારા ચણ્યા,
.                      સંબંધોનાં જાળ વણ્યાં,
.                      પરઘેર પાણી ભર્યાં,
.                      રંગલાના વેશ કર્યાં,
.                      સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
.                      અધકારો આંજી આંજી,
.                      પ્રકાશોથી રંગી રંગી,
.                      પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
.                      ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,
.                      ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
.                      ખીચોખીચ
.                      કીડિયારાં રચી રચી જીવે,
.                            – એમાં હું જ હોઉં એવો સાચો
.                                        એક તો બતાવો મને
.                                             ચંદ્રકાન્ત ક્યાં છે?
.                                                           કયાં છે?
.                                                           કયાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

જન્મે ત્યારે દરેક માણસ કોરી પાટી જેવો હોય છે, પણ પછી સમાજ એના ઉપર એક નામનું સ્ટિકર લગાડી આપે છે. અને પછી માણસ માણસ મટીને એક સ્ટિકર બનીને રહી જાય છે. પોતાના નામને ‘રોશન’ કરવા માટે મનુષ્ય આજીવન એ રીતે મથતો રહે છે કે, જીવવાનું પણ ભૂલી જાય. પ્રસ્તુત રચનામાં કવિ આ સ્ટિકરની પેલી પારની જાતને શોધવા જે મથામણ કરે છે એ ચિરસ્મરણીય બની છે. અછાંદસ જેવો ઘાટઘૂટ ધરાવતી આ રચના હકીકતે મનહર છંદમાં રચેલ છંદોબદ્ધ કાવ્ય છે. લય સાથે મોટેથી વાંચશો તો વધુ મજા આવશે.

કવિ ચંદ્રકાન્ત વ્યક્તિ ચંદ્રકાન્તની શોધમાં છે. શીર્ષક અને કાવ્યનો ઉઘાડ –બંને આ શોધથી જ થાય છે- ક્યાં છો ચંદ્રકાન્ત? પોતાના બોલ યા લખાણમાં પોતે નહીં, પોતાની છાયા જ હોવાથી આ સર્જક અભિજ્ઞાત છે. જગતના અરીસાઓમાં જે દેખાય છે એય બિંબ જ છે, મૂળ નથી એ જાણવા છતાં આત્મરતિમાં રત મનુષ્ય આ અરીસાઓ તોડીફોડી શકતો નથી. પોતાની પ્રસંશા કરતી આરતીઓને હોલવી પણ નથી શકાતી. તેજના અંધકારમાંથી બહાર આવીએ તો જ સાચું વ્યક્તિત્વ પામી શકાય. શ્વાસથી ઉચ્છવાસના હીંચકા પર હીંચ્યે રાખતો માનવી એ બે વચ્ચેના અંતરાલ પર મીટ માંડતો જ નથી. એ માંડીએ તો આ નિષ્પંદ છંદ કોના પ્રતાપે છે એ કળી શકાય. આપણા નામની તક્તીઓ જ્યાં જ્યાં લગાવાઈ છે, ત્યાં કોઈ જ આપણને ઓળખતું નથી હોતું. કારણ કે નામની આ તક્તીઓ એ ખરી વ્યક્તિ હોતી જ નથી. મનુષ્ય નામ માટે શું શું નથી કરતો? લાંબીલચ્ચ યાદી આપીને અંતે કવિ કહે છે કે કોઈપણ યાદીમાં સમાઈ ન શકનાર ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા છે. કીડિયારું ઊભરાય એમ છલકાતા એકસમાન મનુષ્યોની ખીચોખીચ ભીડમાં મનુષ્યની સાચી ઓળખાણ મેળવવાનું દોહ્યલું છે એ વાત ‘ક્યાં છે’ સવાલની ત્રિરુક્તિ સાથે અધોરેખિત કરી કવિ વિરમે છે. કવિતાની શરૂઆત જ્યાંથી થઈ હતી, અંત પણ ત્યાં જ આવે છે એ પણ સૂચક છે…

Comments (8)

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યજગતના એક દિગ્ગજ સર્જક થોડા દિવસો પૂર્વે આપણે ગુમાવ્યા…

કોઈ પણ સર્જકના સાચા પોંખણાં એમના સર્જનમાંથી પસાર થઈને જ કરી શકાય. લયસ્તરો પર આ આખું સપ્તાહ કવિશ્રીને શબ્દસુમન અર્પીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ…

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

(જન્મ: ૦૩-૦૨-૧૯૩૮, કલોલ, પંચમહાલ : નિધન: ૦૨-૦૮-૨૦૨૪, અમદાવાદ)

કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક.
તખલ્લુસ: નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ.
વ્યવસાયે અધ્યાપક હતા. નિવૃત્તિ પછી ગુજરાતી વિશ્વકોશ ટ્ર્સ્ટમાં સક્રિય રહ્યા. કુમારચંદ્રક, નર્મદચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવૉર્ડ, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સાહિત્યગૌરવ પુરસ્કાર, અને સાહિત્ય અકાદમી જેવા અનેકાનેક પુરસ્કારોથી પુરસ્કૃત. ચૌદ કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, એક આત્મકથનાત્મક સંસ્મરણ, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, પાંચ ચરિત્રાત્મક લેખસંગ્રહ, હાસ્યકથા તથા બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અને અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે.

કવિની મોટાભાગની જાણીતી રચનાઓ આપને અહીં મળી રહેશે…
ક્લિક કરો: https://layastaro.com/?cat=59
શબ્દસુમન શ્રેણીમાં લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ગયેલ રચનાઓ મૂકીશું નહીં…

Comments (2)

(મારું જોબન વીતી જાય) – રંગ અવધૂત

મારું જોબન વીતી જાય
વાલમ! આજો મારે દેશ, મારું જોબન વીતી જાય;
રાત અકારી નૈન ન મીચે, પલક પલક જુગ જાય,
સૂની સેજડી આંસુભીની, લોક વગોવે હાય!
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
રંગ ગુલાબી ચિબૂક સુકાયો, શિર પર જટા સુહાય;
અંગ ભભૂતી દેખી પેલો અનંગ દિલ હરખાય;
હૃદય-કમલની સેજ બિછાવી, ‘સોહં’ પંખો હાથ;
વાસન-વસ્ત્ર ફગાવી વાલમ! વાટ જોઉ દિનરાત.

– રંગ અવધૂત

ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.

પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.

પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?

પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.

Comments (6)

અનામી આશ્ચર્યોમાં – ઉશનસ્

(શિખરિણી)

અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં
નર્યા આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;
ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,
વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!

અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,
અજાણ્યાં ઝાડોમાં નજર ઊડતી નામ ચૂગતી,
જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,
દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી
અમારી લોકોની – વનથી નિરવાસ્યા જનતણી.

અનામી વ્હૈ જાતાં ઝરણ, રણકે કંકર-કણી,
અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,
અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી !

અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.

– ઉશનસ્

સંસ્કૃતિના આવરણ ઉતારીને પ્રકૃતિના ખોળે જનાર માનવીની અનુભૂતિનું જયન્ત પાઠકની કલમે આલેખાયેલ એક સૉનેટ આપણે ગઈ કાલે જોયું. એમના જ મસિયાઈ ભાઈ ઉશનસનું એ જ વિષયને લગતું એક સૉનેટ આજે માણીએ. કવિએ સાપ-ઉતારા, ડાંગમાં અનહદની સરહદે શીર્ષકથી એક સૉનેટ-ગુચ્છ રચ્યું હતું એમાંનું એક તે આ.

જયન્ત પાઠકે પ્રકૃતિના ખોળે વસ્ત્રો ત્યાગી દઈ આદિમતા અનુભવી હતી, જ્યારે ઉશનસ અનામી જંગલોમાં ઓળખનો ત્યાગ કરે છે. સાપુતારા, ડાંગના મનુષ્યોની વસ્તી, ખેતરો અને મનુષ્યોએ રોપેલાં વૃક્ષોની સીમા વટાવી કાવ્યનાયક કુદરતનિર્મિત જંગલોમાં પ્રવેશે છે ત્યારે જે અનામી આશ્ચર્યો અનુભવે છે એની વાત અહીં કરે છે. અજાણ્યાં પહાડો અને અજાણ્યાં ઝાડ નામજોગ પિછાનને મિટાવી દે છે. નિસર્ગના અંકમાં એટલું તો નાવીન્ય ભર્યું છે કે કુતૂહલ સિક્કે થાકી જાય. ઝરણાં-કંકર-પર્ણો બધું જ નામ વિના પોતપોતાનો ભાગ ભજવે છે. પ્રકૃતિની સંસ્કૃતિ લીધા-દીધાની કોઈ જ ગણતરી વિનાની છે. કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવવાની ઉશનસની રીત એમના મસિયાઈ ભાઈ કરતાં ભિન્ન છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવીને કવિ પોતાનું અને પોતાના નગરનું નામ સુદ્ધાં ભૂલી જાય છે… એ રીતે તેઓ પણ આ અજાણ્યાં વનપ્રદેશનો એક અનામી હિસ્સો બની રહે છે.

Comments (2)

આદિમતાની એક અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

– જયન્ત પાઠક

સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.

સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.

આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.

Comments (5)

મારા આ રંગમાં – હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!

કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!

માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!

– હરજીવન દાફડા

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…

Comments (7)

(કથા સાંભળ) – જાતુષ જોશી

એક થીજેલા સરોવરની કથા સાંભળ,
એ પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.

આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?

સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,
ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!

કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,
એ કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.

– જાતુષ જોશી

થીજી જવું એટલે અટકી જવું, નિષ્પ્રાણ થઈ જવું. આપણે ત્યાં તો એટલી ઠંડી પડતી નથી, પણ દુનિયામાં ઘણા દેશો એવા છે, જ્યાં સરોવર અને ધોધ થીજી જતાં હોય છે. સરોવર જ્યારે થીજી જાય છે ત્યારે જળનો અર્થ જ બદલાઈ જાય છે. નથી એનું પાણી પી શકાતું કે નથી એ કાંઠાની વનસ્પતિઓને જીવન દેવામાં ખપ લાગતું. થીજી જવાની નિયતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય તો જ જળ બનવાની ઇચ્છા કરવી જોઈએ એ વાત સાથે ગઝલનો આરંભ થાય છે. પ્રકાશની મહત્તા અંધકારના અસ્તિત્વ વિના સંભવ જ નથી. સાંજે સૂર્યનું છેલ્લું કિરણ ઘાસમાં પેસે અને સવારે એ ઝાકળમાં પરિવર્તિત થઈ જાય એ કલ્પનચિત્ર પણ કેવું મજાનું થયું છે! દૃશ્યવાળા શેરમાં પણ બે અંતિમોએ જીવતા માનવીને કવિએ ઓછામાં ઓછા શબ્દોની મદદથી તાદૃશ કરી બતાવ્યો છે. છેલ્લો શેર તો ખૂબ જાણીતો છે. આવી જ વાત કરતી કોઈક કવિતા વાંચ્યાનું સ્મરણ થાય છે, પણ યાદદાસ્ત પૂરો સાથ નથી આપી રહી. કોઈ વાચકમિત્ર શોધી આપે તો આનંદ.

Comments (10)

જાઉં છું જ્યાં – મયંક ઓઝા

સાંજને રંગીન કરતો જાય છે,
સૂર્ય અમને એટલો સમજાય છે.

ના દિશા, મંઝિલ, ન રસ્તાની ખબર,
જાઉં છું જ્યાં મન મને લઈ જાય છે.

સ્વપ્નમાં પંખીને આવ્યું પિંજરું,
ત્યારનું આખું ગગન મૂંઝાય છે.

એટલે ઝરણાં વહાવે પર્વતો,
ઊભવાનો થાક ઓછો થાય છે.

આંખ સામે સાવ કોરી છે નદી,
બેય કાંઠે તોય શું છલકાય છે?

– મયંક ઓઝા

માણસને પૂરેપૂરો સમજવું આસાન નથી. પણ જરાય ન સમજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરવો એ વધારે બહેતર છે. સૂર્યએ દિવસભર શું કર્યું એ ન સમજાય તો વાંધો નહીં, પણ ખતમ થતાં થતાં પણ એ સાંજને રંગીન કરતો જાય છે એટલું સમજી શકાય તોય ઘણું! માણસ જતાં જતાં આસપાસની દુનિયાને વધારે રંગભર, વધારે રસભર અને વધારે જીવવાલાયક બનાવતો જાય એનાથી વિશેષ બીજી શી સાર્થકતા હોઈ શકે જીવનની? મયંક ઓઝાની સરળ અને સહજ બાનીમાં લખાયેલી આ ગઝલ આખેઆખી આસ્વાદ્ય છે. છેલ્લા બે શેર પણ સવિશેષ ગમી ગયા.

Comments (5)