એક લોકકથા શાહીના ઘસરકાની – હરીશ મીનાશ્રુ
પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.
પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).
પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.
ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.
અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં
ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…
– હરીશ મીનાશ્રુ
લોકશાહીની ચૂંટણી હમણાં જ ગઈ, અને આજે પંદરમી ઓગસ્ટ. આજના દિવસે આથી વધુ સાર્થક રચના મને જડી નથી જડતી. ચિત્ર રંગોથી જ બને, પણ બહુ ઓછા ચિત્રકાર રંગો પાસેથી એવું કામ લઈ શકે છે જે અનનુભૂત લાગે. ચિત્રો માટે જેમ રંગ એમ કવિતા માટેનું ઉપાદાન ભાષા છે. પણ મારા સહિત મોટાભાગના કવિઓ પ્રચલિત ભાષાસંસ્કારથી ઉપર ભાગ્યે જ ઊઠી શકે છે. હરીશ મીનાશ્રુ ભાષા પાસેથી સામર્થ્યવાન ચિત્રકારની જેમ જે રીતે કામ કઢાવી શકે છે એ સાચે જ કાબિલે-દાદ છે. પ્રસ્તુત રચનામાં ડગલે ને પગલે એમની ભાષારમણા અ વાતની પ્રતીતિ કરાવતી જોવા મળશે. લોકશાહીની જે વરવી વાસ્તવિક્તા કવિએ રજૂ કરી છે, એનાથી આપણે સહુ બહુ સારી રીતે અવગત છીએ, પણ અહીં ખરી મજા રજૂઆત અને શબ્દક્રીડાની છે. કશું જ અપરિચિત ન હોવા છતાં કવિતા આપણું લોહી થીજાવી દે એવી પ્રભાવક થઈ છે…
હરજીવન દાફડા said,
August 16, 2024 @ 12:44 AM
વાહ વાહ
ખૂબ સરસ કવિતા અને એટલું જ સરસ અવલોકન.
અભિનંદન.
Mukul Choksi said,
August 16, 2024 @ 1:25 PM
વાહ વાહ વાહ
લલિત ત્રિવેદી said,
August 16, 2024 @ 5:17 PM
વાહ વાહ
Sureshkumar Vithalani said,
August 16, 2024 @ 6:30 PM
ભારતની પ્રવર્તમાન લોકશાહીનું આનાથી વધુ પ્રભાવક અને તાદ્રશ્ય કાવ્યમય નિરુપણ વાંચ્યું નથી. કદાચ થયું પણ નહીં હોય. કવિના હ્દયમાંથી લોકશાહીના અને વંચિત મતદાતાઓના દારિદ્ર્યને નીરખીને નીકળેલી ચીસ જ કવિતા થઈ ગઈ. આત્મા જેવું કાંઈ હશે તો ગાંધીજીનાં આત્માની હાલતનું વર્ણન થઈ શકે ખરું ? કવિશ્રી હરીશ મીનાશ્રૂને અને અવલોકનકાર કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. આભાર.
પીયૂષ ભટ્ટ said,
August 17, 2024 @ 7:00 PM
વાહ વાહ, આજની નરી વાસ્તવિકતાનું વેધક શબ્દ ચિત્રણ આ કવિએ સખત રીતે અરે, ગઝબ રીતે આલેખ્યું છે. કવિ એ સમાજનો જાગૃત પ્રહરી અને જવાબદાર નાગરિક પહેરેદાર છે. આપણા સમાજનાં કહેવાતા સાહિત્યનાં ઠેકેદારો જે જીહજૂરી અને હા જી હા માં રાચતા રહે છે અને સાચો સાહિત્ય ધર્મ ચૂકતા રહે છે ત્યારે એ બધાથી ઉફરા ચાલી આ કવિશ્રી હરીશભાઈની વાણી સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. Salute 🫡 Salute.
વિવેક said,
August 18, 2024 @ 11:37 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો અને કવિતાના હાર્દને યથોચિત પકડવા માટે શ્રી સુરેશકુમાર વિઠલાણી તથા શ્રી પીયૂષ ભટ્ટનો વિશેષકર આભાર…
dilip ghaswala said,
August 18, 2024 @ 12:57 PM
Adbhut Rachna
dilip ghaswala said,
August 18, 2024 @ 12:58 PM
Adbhut Rachna congratulations