કહેતી ગઈ – પન્ના નાયક
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની, સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
– પન્ના નાયક
આજીવન સાથ નિભાવનાર પ્રિયજનની વિદાયનું ઋજુ સ્ત્રીસહજ સંવેદનનું ગીત. સંસાર તો બંનેનો જ હોય, પણ ભારતીય સ્ત્રી કોઈ વસ્તુ પર ‘મારું’નો સિક્કો મારતાં શીખી જ નથી.. લગ્ન પહેલાં બાપનું ઘર, લગ્ન પછી પતિનું ઘર. એટલે જ ગીતની શરૂઆત ‘આપણા’ નહીં, પણ ‘તારા’ બગીચાથી થાય છે. પતિના બગીચેથી વિદાય લેતાં પહેલાં એ ક્ષણભર રહીને વિખેરાઈ જનાર ટહુકો નહીં, ટહુકાનું પંખી જ દેતી જાય છે. લેવાની તો અહીં કોઈ વાત જ નથી. જતાં જતાં પોતાની યાદોના ટહુકાઓનું પંખી એ મૂકતી જાય છે. નાયિકાનો સંસાર લીલો અને સુગંધભર્યો રહ્યો છે. જન્મજન્માંતરનો ભેદ જાણે કે આ એક જ જન્મમાં ઉકેલાઈ ગયા હોય એવું જીવતર પામીને વાયરાની હળવાશ જેવી હળવી થઈને એ આજે જઈ રહી છે. દિવસ-રાત શું, પળેપળ ફૂલ અને ભ્રમર જેવા સ્નેહપાશની ગાથા જેવાં જ વીત્યાં છે. આવામાં કેટલું ભૂલવું અને કેટલું યાદ કરવું? જતાં પહેલાં જાઉં છું કહેવાની સોનેરી તક મળી એટલામાં જીવતરના સાર્થક્યની વાત કહીને નાયિકા વિદાય લે છે… આટલા સરળ શબ્દોમાં જીવનની સંકુલતા અને સંતોષ તો એક સ્ત્રીની કલમ જ વ્યક્ત કરી શકે!