મિચ્છામિ દુક્કડમ્ – શોભિત દેસાઈ
પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે
બધાં પંખીઓ સાંજે ઊડવાની માફી માગે છે
ન કોઈ છેતરાયું, કાફલો નીકળ્યો બહુ ચાલાક
સૂરજ, મોઢું વકાસી ઝાંઝવાની માફી માગે છે
તમે નીકળી ગયાં જ્યારે અમે ચૂકી ગયા ત્યારે
નયન, એ પૂરતું બિડાઈ જવાની માફી માગે છે
નથી આવ્યું કોઈ ના આવવાનું છે કોઈ ક્યારેય
દરદ છે જાનલેવા, ખુદ દવાની માફી માગે છે
બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે
જે આવ્યો છે, નથી શું એ કે જેની રાહ જોઈ’તી?
આ ભીલડી કેમ બોરાં ચાખવાની માફી માગે છે?
ભૂરા કે લાલ બદલે ચોપડે ચીતરાય કાળો રંગ
સ્વયમ્ લક્ષ્મી હવે તો શ્રી સવાની માફી માગે છે
તમે આવ્યાં નથી સપનામાં, તો આ અડધી રાતે કોણ
બહુ મોડેથી માફી આપવાની માફી માગે છે?
– શોભિત દેસાઈ
આજે એક તરફ ગણેશ ચતુર્થી અને બીજી તરફ જૈન સંવત્સરી… વરસ આખા દરમિયાન કોઈને પણ કોઈપણ રીતે મનદુઃખ પહોંચાડવાનું થયું હોય તો આજે માફી માંગીને હૈયું હળવું કરવાનો દિવસ છે… હૈયાના સમભાવને ગઝલના માધ્યમથી વાચા આપવાથી વધુ રૂડું તો બીજું શું હોય?
જૈન સંવત્સરી પર્વ નિમિત્તે લયસ્તરોના તમામ કવિમિત્રો તથા ભાવકમિત્રોને અમારા મિચ્છામિ દુક્કડમ્…
સહજ, સરળ પણ નખશિખ આસ્વાદ્ય.
Pragnaju said,
September 19, 2023 @ 2:32 AM
કવિશ્રી શોભિત દેસાઈ ની સુંદર ગઝલ
ડો વિવેકનો સ રસ આસ્વાદ
જૈન સંવત્સરી પર્વ નિમિત્તે મિચ્છામિ દુક્કડમ્
મિચ્છા મે દુક્કડમ એ પ્રાકૃત ભાષાનું વાક્ય છે જે સામાન્ય રીતે જૈન ગ્રંથોમાં ઉલ્લેખાયેલું જોવા મળે છે. તેનું સંસ્કૃત સંસ્કરણ છે ‘मिथ्या मे दुष्कृतम्’-‘મિથ્યા મે દુષ્કૃતમ’. તે જૈન સંતોની આચાર સંહિતાના એક વિભાગ સાથે સંબંધિત છે જેને આવશ્યક કહેવાય છે.[૪] તેનો શબ્દશઃ અર્થ થાય છે “મારાં બધાં અનિષ્ટ નિરર્થક થાય”.[૫] વાક્યમાં મિથ્યાનો અર્થ નિરર્થક બનવું, મે એટલે મારું અને દુષ્કૃતમનો અર્થ ખરાબ કાર્યો છે. આમ આ વાક્ય ક્ષમાપના માટે કરવામાં આવે છે જેમાં બોલનાર વ્યક્તિ સામેવાળા પાસે પોતે કરેલા કોઈ દુર્વ્યવહાર કે ખોટા કર્મોને ક્ષમા કરવાની યાચના કરે છે.
માણો
preetam lakhlani said,
September 19, 2023 @ 12:10 PM
મિચ્છામિ દુક્કડમ્…
kusum kundaria said,
September 19, 2023 @ 1:36 PM
Wah
Poonam said,
September 26, 2023 @ 12:02 PM
બહાર આવ્યા તો જાણ્યું, જન્મટીપની કેદ બહેતર છે
બધા કેદીઓ ભાગી છૂટવાની માફી માગે છે..
– શોભિત દેસાઈ –