મોબાઇલ આવ્યો એ દિ’ માણસની કુંડળીમાં,
બધ્ધા જ ખાને ઝીરો મોબિલિટી લખાણી.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2021

(-) – નેહા પુરોહિત


લગભગ રોજ
મારા વહેતાં જળમાં પગ ડૂબાડી
કલાકો સુધી
મને એકટસ તાકતો
બેસી રહેતો.

આજે..

મારા જ કિનારે
બેસીને
જાળ ગૂંથી રહ્યો છે..
હે સોનેરી માછલાંઓ
જતાં રહો દૂર… દૂર…
જ્યાં લગ પહોંચતા
એ ખુદ બની જાય
માછલી!

– નેહા પુરોહિત

કવિતામાં બહુધા અર્થ કરતાં અનુભૂતિનું વિશેષ મહત્ત્વ હોય છે. કહ્યું છે ને, A poem has to be, not mean! પ્રસ્તુત રચના નદીની ઉક્તિ સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી નજરે કશું ન સમજાય એવું કે અર્થકોશની બહારનું નજરે ચડતું નથી પણ કાવ્યાંતે પહોંચતા સુધીમાં અનુભૂતિ અર્થને અતિક્રમી જાય છે. ‘લગભગ રોજ’ અને ‘કલાકો’ –સમયના આ બે આયામો નદી અને મનુષ્ય વચ્ચેનો નિઃસ્વાર્થ નિર્હેતુક સ્નેહસંબંધ પ્રસ્થાપિત કરે છે. પણ જ્યારે માણસનો હેતુ બદલાતો દેખાય છે, ત્યારે નદી માછલાંઓને એટલાં દૂર ચાલ્યા જવાની સલાહ આપે છે કે ત્યાં સુધી પહોંચવામાં મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ગુમાવીને સ્વયં મત્સ્ય બની જાય. આ metamorphosis અસ્તિત્વનું નથી, હકીકતમાં તો હેતુનું છે. જેનો શિકાર કરવાની મંશા હોય, શિકારી એ જ બની જાય ત્યારે જાળ આપોઆપ ખુલી જતી હોય છે… નદી અને મનુષ્યને સામસામે બેસાડીને વાત કરતી આ રચના સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પણ લાગુ પડતી જણાય છે. પણ શરૂમાં કહ્યું એમ, કેટલીક કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું પ્રાધાન્ય વધારે હોય છે… નદીમાં તો ઓગળીને વહી જવાનું જ હોય ને!

Comments (14)

(ખરી નમાજ થશે) – સુનીલ શાહ

કોઈને તારે લીધે હાશ થશે,
એ જ તારી ખરી નમાજ થશે.

લાગણી તારી માત્ર ભાવ થશે,
હૂંફ આપે પછી એ શાલ થશે.

રક્તરંજિત કરીને છોડશે એ,
જીભ તારી અગર કટાર થશે.

ના ઉઠાવી શક્યા અવાજ કદી,
એટલે આપણી જ હાર થશે.

તું જગતના પ્રવાહથી છે અલગ,
એટલે કૈંક તો સવાલ થશે.

લાલચે ઘેરી લીધો છે એને,
જાળ નાંખ્યા વગર શિકાર થશે.

એવું નહિ કે બધે જ ઝૂકી જઉં,
ક્યાંક મારીય આંખ લાલ થશે.

– સુનીલ શાહ

ગઝલમાં ‘અ’કારાન્ત કાફિયા આમ તો ગુજરાતી સિવાયની ભાષામાં સ્વીકાર્ય જ નથી. ગુજરાતી ભાષામાં પણ સુરત સિવાયના પ્રદેશોમાં એની સામે અવારનવાર વિરોધ નોંધાતો જોવા મળે છે. પણ જો અકારાંત કાફિયા વાપરીને કવિ આવી સાદ્યંત સુંદર રચના આપી શકતા હોય તો મારા મતે એ સર્વથા સ્વીકાર્ય છે…

એકદમ સરળ ભાષામાં કવિ અદભુત અર્થગહન શેરો નિપજાવી શક્યા છે. આખેઆખી રચના જ સંઘેડાઉતાર થઈ છે. કયો શેર વધુ ગમાડવો ને કયો ઓછો એ નક્કી કરવા બેસીએ તો જાત સાથે જ ઝઘડો થઈ જાય કદાચ… વાહ કવિ!

Comments (11)

(દિલની મોસમ) – સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.

જોબનમાં ભરતી આણી દે!
નસ નસ જાણે માગણ થઈ છે.

દહાડે દહાડો લપકારે લઈ,
આવરદા પણ સાપણ થઈ છે.

હરશે મુજને મારામાંથી,
ચાહત તારી રાવણ થઈ છે.

હું, તું ને એક પાળ લપસણી,
પાની માખણ માખણ થઈ છે.

નીંદર લખ લખ સપનાં જણશે,
ઇચ્છા ડોસી દાયણ થઈ છે.

– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

ફાગણ એટલે અસ્તિત્વના વૃક્ષોને રંગરંગી ફૂલોથી છલકાવી દેતી મોસમ. કેસૂડાં, ગુલમહોર, સોનમહોર, ચંપો અને છેલ્લે ગરમાળો. વળી ફાગણ એટલે ધુળેટીના રંગોની ઋતુ પણ. પ્રેમમાં પડેલા માણસને તો દિલમાં બારેમાસ ફાગણનો અહેસાસ થાય. ફાગણ શબ્દમાં સમશીતોષ્ણ આબોહવા પણ સંમિલિત છે. ખુશબૂ, રંગો અને ઉષ્ણતાસભર ફાગણનો ફાગ ભલભલાને બહેકાવે. દિલની તિજોરી ફૂલો જેવી થાપણથી છલકાઈ ઉઠી છે, આવામાં ફાગણ બેઠો હોવાનું ન અનુભવાય તો જ નવાઈ. આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે પણ છેલ્લો શેર તો અદભુત થયો છે. કલ્પન અને અભિવ્યક્તિ અહીં નવી જ ઊંચાઈ આબે છે. ઇચ્છાડોસીને મળતાં જ મિલિન્દ ગઢવીની ઝમકુડોશી યાદ આવે.

Comments (7)

(છે ને રહેશે) – જુગલ દરજી

જગત સામે જૂની ટસલ છે ને રહેશે
બગાવતપણું આ અટલ છે ને રહેશે

મળી જાય તું, તો ઠરીઠામ થઈએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.

જરૂરી છે પહોંચી જવું કોઈ રીતે,
નદી-નાવની ગડમથલ છે ને રહેશે.

ભલે ડોળ આકંઠ તૃપ્તિનો કરતો,
તરસ કંઠમાં દરઅસલ છે ને રહેશે.

પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.

– જુગલ દરજી

ટૂંકી બહર, ચુસ્ત કાફિયા, ‘છે ને રહેશે’ જેવી સજાગ કવિકર્મની કસોટી કરે એવી અનૂઠી રદીફ, લગાગાના ચાર આવર્તનોની આંદોલિત કરતી મૌસિકી અને એક સંઘેડાઉતાર ગઝલ. ભઈ વાહ!

કવિનો મિજાજ મત્લામાં સુપેરે પ્રદર્શિત થાય છે. પોતાનું બગાવતપણું કવિ જતું કરનાર નથી, ને એ કારણોસર દુનિયા સામેની એમની જૂની ટસલ પણ હજી છે જ અને કાયમ રહેશે પણ. બીજો શેર પ્રિયપાત્ર કે ઈશ્વર –બંને માટે પ્રયોજી શકાય એવી અર્થચ્છાયા ધરાવે છે. ‘તું’ જ્યાં સુધી મળી ન જાય, જીવનની મજલ લાંબી જ હતી, છે અને રહેશે, ઠરીઠામ થઈ શકાવાનું જ નથી. રસ્તા અને સાધન વચ્ચે ભલેને લાખ ગડમથલ કેમ ન હોય, મંઝિલ કોઈ પણ રીતે હાંસિલ કરવાની ઇચ્છા વધારે મહત્ત્વની છે. ચોથો શેર સંસારનું સનાતન સત્ય રજૂ કરે છે. માણસ બહારથી ગમે એટલો સંતૃપ્તિનો ડોળ કેમ ન કરતો હોય, એની મૂળભૂત પ્રકૃતિ સાથે તો અસંતોષ જ વણાયેલો છે. છેલ્લો શેર ગઝલકારનો શેર છે. સીદીભાઈને સિદકા વહાલાના ન્યાયે ગઝલકારને તમામ કાવ્યપ્રકારોમાં ગઝલ જ સવા વેંત ઊંચી લાગશે… જો કે આજના યુગમાં આ વાત કંઈક અંશે સાચી પણ સાબિત થઈ રહી છે…

Comments (13)

(નાવ હંકારી) – વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી!

બરાબર રંગથી ને રૂપથી એનાં પરિચિત છું,
કહો તો હું તરસનું શિલ્પ આપું હાલ કંડારી!

અચાનક લાખ ઇચ્છાઓ ફૂટી આ નીકળી ક્યાંથી?
ન વાવ્યું બીજ કોઈએ, ન સીંચી કોઈએ કયારી.

રહ્યું સુખ વેગળું એ રીતથી લાગ્યા કર્યું એવું,
સતત વૈરાગથી છેટું રહયું હો કોઈ સંસારી!

હવે નાસી જવું તો ક્યાં જવું બોલો કઈ બાજુ?
સ્મરણ તો હાથ ધોઈને હવે પાછળ પડ્યા મારી!

– વ્રજેશ મિસ્ત્રી

પાંચ શેર… પાંચેય સંતર્પક…

Comments (8)

(ભૂલી જવાયાં છે) – કિરણસિંહ ચૌહાણ

ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.

અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.

હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.

અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’

તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.

– કિરણસિંહ ચૌહાણ

કવિતા સમાજનો સાચો અરીસો છે… સામાન્યરીતે કવિતાને આપણે સ્ત્રીસૌંદર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરમાં જ રચીપચી જોતાં હોઈએ છીએ પણ લાખ સૌંદર્યઘેલી કેમ ન હોય, કવિતા ભાગ્યે જ વિશ્વના સાંપ્રત વહેણોથી અછૂતી રહી શકે છે. ગઝલના દકિયાનૂસી વિષયોથી આગળ વધીને આ ગઝલ જુઓ, કેવી સ-રસ રીતે આજના સમાજને અને આપણા આજના માનસને ઝીલી શકી છે!

મોટી માયા વિશેષણ એ આજના જગતનો તકાજો છે. આવા લોકો આપબળ ન હોય તો ‘કોઈક’ બાપબળે પણ ચલણમાં રહે છે. બીજું, માણસ આજે સાચા અર્થમાં ગરીબ બન્યો છે. પુરુષાર્થબળે, ભાગ્યબળે કે કોઈપણ પ્રકારે મનુષ્ય નબળી પરિસ્થિતિમાંથી ઉપર આવે ત્યાર બાદ પહેલાંના જમાનાની જેમ બીજા નબળી સ્થિતિના લોકોને મદદરૂપ થવાના બદલે પોતાની નબળી સ્થિતિને જ આજીવન લખલૂંટ કમાવાનું સાધન બનાવી રાખે છે. મૂલ્યોનું આવું ધોવાણ આ પહેલાં કદી નહોતું. બાકીના શેર પણ આવા જ પ્રાણવંતા છે પણ આખરી શેર વધુ ધ્યાનાર્હ થયો છે. પોતાને જોઈતો ફાયદો મળી જતો હોય કે મળવાની આશા હોય તો લાયક ઉમેદવારોની સિફતપૂર્વક કરાયેલી બાદબાકી સામે આપણે આંખ આડા કાન કરીને જ ચાલીએ છીએ.

Comments (15)

સન્નાટો સન્નાટો – વિજય રાજ્યગુરુ

મોભારેથી ખડકી લગ છે સન્નાટો સન્નાટો!
વાટ કોઈની નથી હવે ના દીવો ના ગરમાટો!
ચોતરફે સન્નાટો…

રાંધણિયામાં રાખ વળી છે કોને ગમતું રાંધું?
ના બંધાયો પ્રીતે એને મીંઢળથી શું બાંધું?
મારી સાથે ઝૂરે ફળિયાની પીપળનો ફાંટો!
ચોતરફે સન્નાટો…

કાટ ચડ્યો છે પાનેતરને, ઘરચોળું વંકાતું!
સપ્તપદીના વચનોમાં કંકુપગલું અટવાતું!
સીમે વરસે અનરાધારે, ઓસરિયે ના છાંટો!
ચોતરફે સન્નાટો…

ચૂંક-ચાંદલો થાય બધાં શણગારો જાય પટારે!
મંગલસૂત્ર હલે ઠાલું તો સેંથો મેણાં મારે!
ખાલીપો તો એવો ખટકે જેવો ખટકે કાંટો!
ચોતરફે સન્નાટો…

– વિજય રાજ્યગુરુ

ત્યક્તા પરિણીતાની વેદનાનું હૃદયદ્રાવક ગીત. મુખબંધમાં સન્નાટોની પુનરુક્તિ સન્નાટાને ઘૂંટવામાં ઉપકારક નીવડી છે. વાટ શબ્દમાં પણ કવિએ મજાનો શ્લેષ સાધ્યો છે. ગરમાટો શબ્દ પણ જાણે શ્લેષ કરતો ન હોય એમ દીવાની સાથોસાથ સહવાસની ઉષ્માના ખાલીપાને ઉચિત રજૂ કરે છે. મુખડામાં જે સન્નાટો અને એકલતાની વાત થઈ છે એ ત્યક્તાની ઉક્તિ હોવાની વાત આગળ જતાં મીંઢળથી વ્યાખ્યાયિત થાય છે. આપણા સમાજમાં મોટાભાગની સ્ત્રી મીંઢળને હાથકડી ગણે છે. પણ આપણી કાવ્યનાયિકા આ બાબતમાં સ્પષ્ટ છે. એ સમજે છે કે મીંઢળ હાથકડી નથી. જ્યાં પ્રીતનો તાંતણો જ તૂટી ગયો હોય ત્યાં મીંઢળની દુહાઈ શા કામની? જીવનમાં પડી ગયેલા ‘પરમેનન્ટ’ ફાટાને પીપળાના ફાંટા સાથે કવિએ સ-રસ સરખાવ્યો છે. પાનેતર-ઘરચોળું, સપ્તપદીના વચનો અને કંકુપગલાં હવે ઇત-હાસ થવાને આરે છે કેમકે મનનો માણીગર ઘરની ઓસરીને કોરીધાકોર મૂકીને ક્યાંક બીજે અનરાધાર વરસી રહ્યો છે. ગીતના આખરી બંધમાં કવિ કોઈ નવી વાત નથી કરતાં પણ ત્યજાયેલી દુલ્હનના મંગળશણગારોની યાદી સંપૂર્ણ કરે છે, જે થકી નાયિકાની વેદનાને વાચા આપવાનું કામ પણ સંપન્ન થાય છે.

Comments (15)

ટીવી-ચર્ચા – પ્રબોધ ૨. જોષી

અમારો શ્વાન બહુ સમજુ છે.
આસપાસના બધા શ્વાન
ભસવા લાગી જાય
ત્યારે એ ચૂપ રહે છે.
અને સમજવાની કોશિશ કરે છે.
પછી કદાચ
સમજી જતો હશે કે
સૌને ભસવાનાં પોતપોતાનાં કારણો હશે
પણ
ટી.વી પર ચર્ચા ચાલે છે
ત્યારે
તો એ ટૂંટિયું વાળીને સૂઈ જ જાય છે.
અને
આસપાસમાં
શ્વાન ભસે.
તો એ પણ એને સંભળાતું નથી !

– પ્રબોધ ૨. જોષી
(૬-૯-૨૦૧૧)

સાહિત્યના નામે આજકાલ સોશ્યલ મિડીયા પર થોકબંધ કચરો પળેપળ ઠલવાઈ રહ્યો છે. જેમનામાં કોઈ સત્ત્વ જ નથી એવા સૂંઠના ગાંગડે ગાંધી બનવા તલસટા લોકો પારાવાર ઘોંઘાટ મચાવી રહ્યા છે. દસ વર્ષ પહેલાં લખાયેલી આ કવિતા કદાચ આવા લોકો માટે જ હશે. જો કે હકીકત એ પણ છે કે આવા લોકોને કવિએ અહીં જે કટાક્ષ કર્યો છે એ પણ સમજાય તો સમજાય…

Comments (5)

શ્રાવણની સંધ્યા – દાદુદાન ગઢવી (કવિ દાદ)

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં પણ ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે.

Comments (8)

કારોબાર છે – ચેતન શુક્લ ‘ચેનમ’

કોઈ એવી યાદનો બેજોડ કારોબાર છે,
તું કશે હોતી નથી ભરચક છતાં અંધાર છે.

ઝાડનું હોવાપણું સાક્ષાત્ ને સાકાર છે,
પણ હવાના સ્પર્શથી બેબાકળું આ દ્વાર છે.

દૃશ્યની પણ બહાર ઊભાં દૃશ્ય સૌ તૈયાર છે,
આંખની સાચી તપસ્યા પર ઘણો આધાર છે.

જે તળે બેસીને વેંઢારી રહ્યો ત્યાં પૂછજે,
દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે ?

ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.

– ચેતન શુક્લ ‘ચેનમ’

લયસ્તરોના આંગણે કવિના પ્રથમ ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત…

આમ તો યાદોને મોટાભાગના સાહિત્યકારો વિરહના અંધારામાં પથરાતો અજવાસ ગણે છે પણ કવિ જરા ઉફરું કલ્પન લઈ આવ્યા છે. એમના મતે પ્રિયાની અનુપસ્થિતિમાં સર્જાતો અવકાશ યાદોના ભરચક અંધકારથી ભરાઈ જાય છે. ઝાડ કપાઈ ગયું છે અને એમાંથી નિર્જીવ દ્વાર પણ બની ગયું છે પણ હવાના સ્પર્શથી એ લાકડામાં જીવતું વૃક્ષ હજીય બેબાકળું બની જાય છે. જે સામે દેખાય છે એની પેલી પાર પણ સૃષ્ટિ તો છે જ, પણ આંખ શું જુએ છે એના પર ખરો મદાર હોય છે. હોવાની પાર જવું એ જ સાચી તપસયા છે. દીવા તળે અંધારું એ તો આપણે સહુ જાણી જ છીએ. એમાં કંઈ નવું નથી પણ અહીં નવી વાત એ બને છે કે અજવાસ પાથરતી દીવડાની જ્યોત દીવડા તળેના અંધકારને હટાવી શકતી નથી એ વાસ્તવિકતાને કવિ અહીં અંધકારની આંખે તપાસવા ચહે છે. બધા સ્પર્શ શલ્યામાંથી અહલ્યા નિપજાવી શકતા નથી. પણ સ્પર્શને આંગળાની જિંદગીમાંથી બાદ કરી શકાતો નથી. એ વાત અલગ છે કે ટેરવાંની આ ટેવ પર ભીંગડાં બાઝી ગયાં છે. સ્પર્શ રહી ગયા છે, સમ-વેદના બચી નથી… માટે જ શલ્યા અહલ્યા બની શકતી નથી…

Comments (6)

સાંયાજીને કહેજો કોઈ… – બાબુલાલ ચાવડા ‘આતુર’

સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.

ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।

પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।

ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।

किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!

Comments (4)

એક દિવસ એકાંતે બેસી – રિષભ મહેતા

કર્યો સંબંધોનો સરવાળો,એક દિવસ એકાંતે બેસી,
દીધી મેં પોતાને ગાળો! એક દિવસ એકાંતે બેસી.

કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને?
ચાલને જીવ, મેળવીએ તાળો,એક દિવસ એકાંતે બેસી.

મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી,
જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી.

રોડાં રસ્તામાં નાખે છે,સરળ સફરને અટકાવે છે,
ગાંઠ અણગમાની ઓગાળો,એક દિવસ એકાંતે બેસી.

જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે,
મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી.

જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો,
સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી!

પોતીકા અજવાળાંની જો હોય આપને તલાશ તો તો
દીપક સાથે દિલ પણ બાળો, એક દિવસ એકાંતે બેસી.

ભીડમાં એને ગમવા લાગ્યું, મન ગમે ત્યાં ભમવા લાગ્યું,
મનને પાછું મનમાં વાળો, એક દિવસ એકાંતે બેસી.

એમ નહીં સમજાય આપને, રૂપ નહીં દેખાય આપને,
આ ગઝલની ભીતર ભાળો, એક દિવસ એકાંતે બેસી.

રંગતરંગ, સુગંધ, છંદ ને સ્પંદની નવલખ છોળ ઉછળશે,
તમે મને નખશિખ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.

– રિષભ મહેતા

એકાંતમાં જાત સાથે વાત અને મુલાકાત આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ… કવિ એકાંતમાં બેસીને જિંદગીના નાનાવિધ પરિમાણો કેલિડોસ્કૉપિક કલમથી આપણને બહુ સુંદર રીતે અહીં બતાવે છે એ માણીએ…

Comments (5)

રણના ખારવાનું ગીત – વિરલ શુક્લ

ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.
સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!
પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા ન થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ જ રે’તી રે’જે છેટા.
સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના,સુણા ન કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી…
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ,તરસ નામકી મન્જીલ હમકું બરસોં બીતે ગોત રહી હૈ
કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

-વિરલ શુક્લ

આ અદભુત ગીતનો વધુ અદભુત રસાસ્વાદ કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

શીર્ષક વાંચીને આપણને અચંબો થાય: ખારવો? અને તે ય રણમાં? ગીત વાંચતાં આપણું આશ્ચર્ય વધતું જાય: આ ક્યાંની બોલી હશે? – જામનગર પાસેના સિક્કા-બેડા વિસ્તારના મુસલમાન વાઘેરો આવી કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી બોલે છે.

ખારવાની સામે વિકટ સમસ્યા છે: એક તો દરિયો પાર કરવાનો, બીજું કે દરિયો સુક્કો, અને ત્રીજું કે હોડી ખરી, પણ કાગળની! ડાહ્યોડમરો માણસ આવી મુસાફરી ખેડવાનું સાહસ ન કરે, પણ ખારવો માથાફરેલો છે! શું છે એના સામાનમાં? આંસુ, સપનાં અને હાસ્ય-ઠઠ્ઠો. આ ત્રણને લૂગડાના પોટલે ન બંધાય, માટે આસમાનના પડીકે બાંધે છે. આસમાની રંગના વસ્ત્રનું પડીકું બનાવવું એ કંઈ નાનીસૂની કલ્પના નથી. ઝિંદાદિલ આદમીની લાગણીઓને સમાવવા આભ પણ ઓછું પડે. ખારવો અલ્લાબેલી પોકારીને સઢ મૂકી દે છે છુટ્ટાં!

બુઢ્ઢો ચાચા દુનિયાદારીનું પ્રતીક છે. ડાહ્યા લોક ચેતવે છે: આવી ખડખડ-પાંચમ હોડી? તે ય ચોમાસામાં? ઊંધી વળી કે વળશે! સુક્કા દરિયામાં તો જોખમ વધુ- રેતીમાં છીતી જાશે. કવિએ ઉક્તિ એવી નાટ્યાત્મક રચી છે કે હૂબહૂ બુઢ્ઢો ચાચા બોલતો સંભળાય છે. આંસુ, સપનાં અને હંસીમજાક એવી હો-હા મચાવે છે કે શિખામણના શબ્દ સંભળાય જ નહિ. ખારવો લંગર ઉપાડે છે. ખારવો હોડી સાથે એવો તદ્ રૂપ થઈ ગયો છે કે કવિ કહે છે: ખુદ હોડીએ રસ્સી તોડી!

‘ઈન્તેજારનો સુક્કો દરિયો’ ઓળંગીને મેળવવાનું શું છે? છેક મધદરિયે ખબર પડે છે કે દરિયાને સામે છેડે તો તરસ છે, જે પોતે ખારવાને ગોતી રહી છે! કહો કે તરસને ખારવાની તરસ છે. કાગળની હોડી વિશેની બુઢ્ઢા ચાચાની આગાહી સાચી પડી: ‘કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા.’ હલેસાં હડસેલાઈ ગયાં, હોડી નામશેષ થઈ ગઈ. ‘કાળીભમ્મર ઓટ’ હોનારત સૂચવે છે.
હવે ચમત્કાર: ‘તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ.’ ખારવો જાણી જાય છે કે એને તરસની જ ઝંખના હતી. રઝળપાટ કરવો, મથામણ કરવી, એ જ એનું જીવનકાર્ય. બંદરબારામાં પડી રહે તો વહાણ સલામત રહે, પણ શું એને માટે વહાણનું નિર્માણ થયું હતું? પગ વાળીને બેસે તે બીજાં, ખારવો તો નિત્યપ્રવાસી!

‘તરસ મીલી તો તરસ બુજી હૈ’- રખડપાટની તરસ એટલે ‘વોન્ડર થર્સ્ટ.’ એ જ નામના કાવ્યમાં જ્હોન મેસફીલ્ડ ગાય છે:
“બિયોન્ડ ધ ઈસ્ટ ધ સનરાઇઝ, બિયોન્ડ ધ વેસ્ટ ધ સી,
એન્ડ ઈસ્ટ એન્ડ વેસ્ટ ધ વોન્ડર થર્સ્ટ, ધેટ વિલ નોટ લેટ મી બી.”
(ઉગમણે સૂર્યોદય અને આથમણે સમંદર. પણ રખડપાટની તરસ તો બન્ને દિશામાં, જે મને જંપવા દેતી નથી.)

આપણે પણ ખારા રણના ખારવા છીએ, રેતીમાં વહાણ ચલાવીએ છીએ. નાસીપાસ થાય તે બીજા.

-ઉદયન ઠક્કર

Comments (9)

ગોકુલ મેલીને કરી ભારે – મયૂર કોલડિયા

શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે,
વાંસળી ભલેને રહી હારે પણ ફૂંક રહી વલવલતી યમુનાને આરે…
શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે.

હૈયામાં ઉકળે છે દરિયાનાં નીર, અને આંખોમાં વાદળનાં ગામ,
આંસુ આવે તો કા’ન કેમ કરી સારવાં? પાંપણ પર તારો મુકામ.
દરિયામાં ડૂબતાની લાશને તું તારે, હું તો તારામાં ડૂબી, તું તારે?

આંખો ખોલું તો બધે તું જ તું છે, શ્યામ, અને આંખો મીંચું તો બધું શ્યામ.
આમ તો તું આંખોથી દૂર દૂર દૂર, અને આમ તો તું હૈયાને ધામ?
પડછાયો, કાજળ કે કીકી થઈને, હજુ શ્યામ તું રહે છે મારી હારે.

– મયૂર કોલડિયા

સહજ અને સુંદર….

Comments (19)

(શું લખ્યું છે ચોપડે) – હિમલ પંડ્યા

કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!

દર્દને પસવારતા શીખવું પડે
એમ થોડું સુખ સહુને સાંપડે?

કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?

રણ સમયનું વિસ્તર્યા કરતું સતત
આ હરણ ઇચ્છાનું કેવું તરફડે?

આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે.

છેક ભીતર યાદને ધરબી છતાં
આંખથી આ એકધારું શું દડે?

જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!

– હિમલ પંડ્યા

જીવનમાં આમ જુઓ તો દુઃખ ક્યાંય છે જ નહીં, પણ મનુષ્ય ક્યારેક નસીબના આશરે, તો ક્યારેક પૂર્વગ્રહો, ઇચ્છાઓ, સ્વપ્નો અને યાદોના બોજ તળે એવો દબાયેલ રહે છે કે સાચા અર્થમાં સુખનો અનુભવ કરી જ શકતો નથી. કવિ આ તમામ પાસાંઓને એક પછી એક શેરમાં અલગ-અલગ અંદાજથી રજૂ કરીને દર્દની ગઝલ રજૂ કરે છે પણ હકીકતમાં તો આ ગઝલના તમામ શેર કાયમી સુખના દરવાજા ખોલવાની કૂંચી છે. જીવનમાં ખુશીની એક પળ પણ જડતી ન હોવા બાબત મત્લામાં નસીબને કોસીને કવિ શરૂઆત કરે છે. બીજું, દુઃખ સાથે ઘરોબો કેળવતાં આવડતું નથી એ પણ સુખ સાંપડવાનું એક કારણ છે. હકીકતમાં આપણને કુંડળીના ગ્રહો નહીં, આપણા પૂર્વગ્રહો જ વધુ નડતા હોય છે. સમય તો આગળ વધતો જ રહેવાનો, ઇચ્છાના હરણ સમયના વ્યાપને પહોંચી ન વળતાં એના ભાગ્યમાં તરફડાટ આવે છે. સપનાંઓ ઉપર આપણો કાબૂ નથી અને ગજા બહારના સ્વપ્નોને હકીકતમાં ફેરવવાની મમત અને લડતના કારણે જીવન લોહિયાળ અને મુડદાલ બને છે. બાકી હોય તેમ વીતેલી ક્ષણોની યાદ આપણને રડાવતી રહે છે. અને આખી જિંદગી આવા એકાધિક જંગમાં વિતાવી માંડ રાહતનો શ્વાસ લેવાની ઘડી આવે અને મૃત્યુ ‘હાઉક’ કરતુંકને તમને શોધી લે છે…

કેવી સ-રસ ગઝલ!

Comments (20)

સરવાળે શૂન્ય છે – સાહિલ

આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.

પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.

જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.

આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.

અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.

પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.

‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.

– સાહિલ

‘રાવણું’ એટલે ગરાસિયા અને ગામના આગેવાનોની મિજલસ; જ્ઞાતિજનોએ એકઠા મળીને તડાકા મારવા તે. પણ કવિ અહીં ગામની રેગ્યુલર પંચાતમંડળીની વાત નથી કરતા, એ તો આઠ પ્રહરના રાવણાંની વાત કરે છે. મતલબ ગામગપાટા કરવા જે ગામ અહીં ટોળે વળ્યું છે એ દિવસના આઠેય પ્રહરોનું બનેલું છે. દિવસ-રાત ભેગાં થઈનેય જીવન સરવાળે શૂન્ય જ છે એ વાત કવિએ કેવી અદભુત રીતે કહી છે! અને આ જ રીતે સરવાળે શૂન્ય હોવાની વાત કવિએ નાનાવિધ સંદર્ભોને સાંકળીને બાકીના બધા શેરોમાં પણ બેનમૂન રીતે કરી છે. પરિણામે સુવાંગ ગઝલ આસ્વાદ્ય બની છે.

Comments (9)