શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર (અનુ. વિવેક મનહર ટેલર)
આંખ દર્પણથી જ્યારે ખસેડી,
. શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
. આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
. વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
. ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
. પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
. ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
. જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
. શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
. વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
. મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
. ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
. મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
. રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
. આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
. વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
. ફૂલમાંથી જ ફૂટી કલાઈ!
– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)
પાકિસ્તાનની ધરતી પર જન્મેલી, બેહદ ખૂબસુરત અને અકાળે મૃત્યુ પામેલી મુસલમાન શાયરા પરવીન શાકિરની નખશિખ કૃષ્ણપ્રેમની નઝ્મનો અનુવાદ આજે માજે માણીએ. પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि અને ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે.
श्याम! मै तोरी गईयाँ चराऊँ
आँख जब आईने से हटाई
. श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
. देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
. आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
. किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
. प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
. पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
. जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
. क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
. बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
. और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
. फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
. मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
. राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
. ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
. बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
. या कि गजरे से फूटी कलाई!
– परवीन शाकिर