ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગુરુવંદના – કિશોર બારોટ

ગુરુવર તમને વંદન
હું ઓરસિયો પથ્થરનો ને તમે ઘસાતું ચંદન

આંખો આપી, પાંખો આપી ને આપ્યું આકાશ
ચકલીમાંથી ગરુડ થવાનો જન્માવ્યો વિશ્વાસ
વ્હેમ, ભીરુતા, આળસ, અડચણ કાપ્યાં સઘળાં બંધન
ગુરુવર તમને વંદન

અહમ્ પરમના છેડા સાંધ્યા, તાણી બાંધ્યા તાર
મને તુંબડામાંથી દીધો તંબૂરનો અવતાર
રોમરોમથી નાદ બ્રહ્મનું ગૂંજ્યું રણઝણ ગુંજન
ગુરુવર તમને વંદન

– કિશોર બારોટ

કેવા સરળ શબ્દોમાં કેવી ઉમદા ગુરુવંદના! અદભુત!!

Comments (7)

ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમમાં અતિશયોક્તિ એ આપણી અનિવાર્યતા છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ, પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે ટહુકો ડૉટ કોમની મુલાકાત લેવા વિનંતી છે.

*

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

Comments (2)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

રિસામણે બેઠેલ સ્ત્રીનું ગીત – દક્ષા બી. સંઘવી

સાવે ચૂપચાપ અમે તૂટેલું સાંધ્યું ને
આંસુડે અણગમતું ધોયું
ખૂણે ને ખાંચરેથી મોતીડાં વીણ્યાં ને
એક દોરે ફેર બધું પ્રોવ્યું

મનગમતા ઘાટ અમે કે’દુના ગાળ્યા હવે ક્યો તો આ પંડને ઓગાળિયે
ઇચ્છાયું કે’દુની ફીંડલું વાળી અમે મૂકી દીધી છે ઊંચે માળિયે
ફૂલ જેમ રાખવા કોલ દઈ દલડાંને
સાંઠકડી જેમ તમે તોડ્યું

સહેજે ખખડેલ બે’ક વાસણને ફટ્ટ લઈ દઈ દીધું અથડામણનું નામ
ચીતર્યા તમે રે આ રાઈના પહાડ નીચે દટ્ટણ થ્યાં સમણાનાં ગામ
ઊંચી ગઢરાંગના ડાંગરાની જેમ તમે
એકવાર નીચે ન જોયું

રાત ક્યો તો રાત તમે અંધારી રાત ને દંન ક્યો તો દંન અમે ભાળિયે
લોકલાજ-કામકાજ અળગાં મેલીને અમે વાટ જોઈ ઊભા’તાં જાળિયે
રસ્તો તાકીને થયા ફરફોલા આંખમાં ને
પોતીકું ભાન અમે ખોયું.

– દક્ષા બી. સંઘવી

કચ્છના કવયિત્રીની કલમેથી શબ્દ નહીં, લોહીના આંસુ ટપકી રહ્યાં છે. મનના માણીગરથી રિસાઈને બેઠેલી સ્ત્રીની વેદનાનું આ ગાન છે. સ્ત્રી તૂટેલું સાંધે છે, ને આંસુથી ધોઈને સંબંધને સાફ કરે છે અને ખૂણેખાંચરેથી સંબંધની બચી રહેલી જણસને એકઠી કરીને એક દોરમાં પરોવી સંસારની માળા ગૂંથવાની કોશિશ કરે છે, પણ આ બધું એ સાવ જ ચૂપચાપ કરે છે. ‘સાવે ચૂપચાપ’થી થતો ગીતનો ઉપાડ દઝાડે છે. મનગમતી વસ્તુઓ તો ત્યજી જ દીધી છે, હવે ‘સ્વામી’ કહે તો જાતને પણ એ ઓગાળવા તૈયાર છે. ઇચ્છાઓ પણ માળિયે ચડાવી દીધી છે પણ ફરિયાદ એક જ છે કે જે દિલને ફૂલની જેમ સાચવવાનું વચન આપ્યું હતું એ સાંઠકડીની જેમ તોડી નાંખ્યું છે. ગીત આગળ વધે છે એમ વેદનાની પરાકાષ્ઠા પણ આગળ વધે છે….

Comments (5)

મેશ જોઈ મેં રાતી – રાવજી પટેલ

મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી

આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી

પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી

– રાવજી પટેલ

 

ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….

Comments (2)

શ્રાવણની સાંજનો તડકો – પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……

– પ્રિયકાન્ત મણિયાર

 

પ્રિયકાન્ત નઝકાતના કવિ છે, શબ્દેશબ્દે નમણાશ ટપકે…..વિષય સરળ-સહજ હોય, પણ માવજત અદભૂત હોય. બારીક કારીગરીથી કાવ્ય કંડાર્યું હોય….

Comments (2)

કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ !
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ !

થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું !
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું !

હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી !

રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ !
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ !

અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે !
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે !

– ભાનુપ્રસાદ પંડ્યા

Time-tested!

Comments (2)

તો થાય શું? – અનિલ ચાવડા

અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?

અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!

હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”

જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

– અનિલ ચાવડા

 

રામબાણ વાગ્યા રે હોય તે જાણે….

Comments (2)

આજ હું ઉદાસ નથી થાતો – હરીન્દ્ર દવે

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.

આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?

– હરીન્દ્ર દવે

 

પ્રેમની ભાષા કાલાતીત છે…..

Comments (1)

લક્કડબજાર – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.

Comments (1)

ખેડૂતની ભૂખ શું ભાંગે? – રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)

ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.

– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.

દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?

Comments (7)

વાજીંતર… – તુષાર શુક્લ

હથેલીઓમાં ફૂલ હોય ને તોય લાગતું; જાણે અંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

હું ને તું ના કાંઠા તોડી એક થઈને વહીએ આપણ
પ્રથમ મિલનના મૌનને તોડી, કહેવું છે તે કહીએ આપણ

સ્નેહ જીવનમાં અહમ્ આપણો ઓગળી રહેશે નિત્ય નિરંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

મળવાની મોસમ છલકી છે, શાને અળગાં રહીએ આપણ?
ફૂલ પાંખડીનું અંતર પણ, શાને સ્હેજે સહીએ આપણ?

શ્વાસ શ્વાસમાં ગૂંજી રહ્યો છે આઠ અક્ષરનો મીઠો મંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

એકમેકને ચાહીએ એવું, ગગન ધરા થઈ, બેઉ આપણ
બંને તરસ્યા, બંને વરસ્યા, ભીંજવતા ભીંજાયા આપણ

વરસીને પણ કોરાં રહીએ એવું તે કૈં હોય સદંતર?
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

– તુષાર શુક્લ

મુગ્ધતા પછીની અવસ્થાનું કાવ્ય જાણે કે…..

Comments

ચ્યુંઇગમ – મુકેશ જોષી

તારી ચોકલેટી ઇચ્છા પર મારો મુકામ
થાક જીવતરનો સ્હેજ હું ઉતારું
તારી એ ચાખેલી ચ્યુઇંગમને ચગળીને
તરફડતા દિવસોને કાઢું
એક ચ્યુઇંગમ પર જાતને જિવાડું

ચ્યુઇંગમનાં નારંગી મોસંબી અજવાળાં
મારે અંધાર સમે ટેકો
ચ્યુઇંગમથી અળગી હું જાત કરું લાગે કે
આત્માને ખોળિયાથી ફેંક્યો
રૅપરમાં વીંટેલી ચ્યુઇંગમની જેમ
મારા શ્વાસ તને ક્યાંથી વીંટાળું…એક ચ્યુંઇગમ

ચ્યુઇંગમના રસ્તા કે તારી એ યાદો કે
મારી આ લાગણી ના ખૂટે
ભીતરમાં જેમ તને મમળાવું એમ મારી
એક નસ તંગ થઈ તૂટે
ચ્યુઇંગમની જેમ તને ચાખીચાખીને
આંખ શબરીની જેમ હું પલાળું…એક ચ્યુંઇગમ

અહીં સહુકોઈ પોતાની ચ્યુઇંગમ મમળાવે
ને સહુકોઈ એના બંધાણી
ચ્યુઇંગમ એ કાંઈ નથી બીજું કે
યાદ કોક આવે ને લાવી દે પાણી
ચ્યુઇંગમ તો ચોંટે પણ જન્મારો જેનામાં
ચોંટે એ ક્યાંથી ઉખાડું…એક ચ્યુંઇગમ

– મુકેશ જોષી

 

વિષયનું નાવીન્ય જ માત્ર મહત્વનું નથી, આવા અઘરા વિષય ઉપર અર્થગંભીર વાત કરવી એ સિદ્ધહસ્તતાની નિશાની છે….છેલ્લા અંતરામાં કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ થઇ જાય છે….

Comments (3)

हमन है इश्क मस्ताना – कबीर

हमन है इश्क मस्ताना, हमन को होशियारी क्या ?
रहें आजाद या जग से, हमन दुनिया से यारी क्या ?

जो बिछुड़े हैं पियारे से, भटकते दर-ब-दर फिरते,
हमारा यार है हम में हमन को इंतजारी क्या ?

खलक सब नाम अनपे को, बहुत कर सिर पटकता है,
हमन गुरनाम साँचा है, हमन दुनिया से यारी क्या ?

न पल बिछुड़े पिया हमसे न हम बिछड़े पियारे से,
उन्हीं से नेह लागी है, हमन को बेकरारी क्या ?

कबीरा इश्क का माता, दुई को दूर कर दिल से,
जो चलना राह नाज़ुक है, हमन सिर बोझ भारी क्या ?

– कबीर

કબીરસાહેબની લાક્ષણિકતા પ્રમાણે સરળ શબ્દોમાં અદ્વૈતને મૂર્તિમંત કર્યું છે….

Comments

મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

 

મને કદી નથી સમજાતું – માધવ પાછા ફરીને એકકેવાર વૃંદાવન કેમ ન જ ગયા ?? શું સંદેશ અભિપ્રેત છે એ નિર્ણયમાં ???

Comments (1)

मैं विप्लव का कवि हूँ ! – मनुज देपावत

मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।

मेरी छंदबद्ध वाणी में नहीं किसी कृष्णाभिसारिका के आकुल अंतर की धड़कन;
अरे, किसी जनपद कल्याणी के नूपुर के रुनझुन स्वर पर मुग्ध नहीं है मेरा गायन !

मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।

मैं न कभी नीरव रजनी के अँचल में छुपकर रोता हूँ;
आँसू के जल से अतीत के धुँधले चित्र नहीं धोता हूँ;
चित्रित करता हूँ समाज के शोषण का वह शोणित प्लावन ।

मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।

आज विकट कापालिक बनकर !
महाप्रलय के शंखनाद से मरघट के सोए मुर्दों को जगा रहा हूँ !
जगा रहा हूँ अभिनव की वह ज्वाल निरंतर,
जलकर जिसमें स्वयं भस्म हो जाय पुरातन !

मैं विप्लव का कवि हूँ ! मेरे गीत चिरंतन ।

– मनुज देपावत

કવિ તો એ જ આલેખશે જે એને અંદર સુધી હલાવી દેશે….

Comments

પ્રોષિતભર્તૃકા – વિનોદ જોશી

આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર ,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુંને થઈ બેઠો વળગાડ…

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ
કમખો ટાંગુ રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ…

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું, બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…

– વિનોદ જોશી

 

મસ્તમજાનું રળિયામણું ગીત….

Comments

ગમતી વ્યક્તિને બોલાવવાનું ગીત – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના આ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠની ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

કવિ જે કહેવા માંગે છે એ એમણે શીર્ષકમાં કહી જ દીધું છે. અને ગીત એટલું તો સંઘેડાઉતાર થયું છે કે કવિ ભલે ‘બોલો, કંઈક તો બોલો’ કહેતાં હોય, વિવેચકે કશું બોલવા જેવું રહ્યું જ નથી…

Comments (7)

નથી રે રમવું સહિયર….- પ્રિયકાંત મણિયાર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટો શી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યાં કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણિયાર

Comments

માધવની વેદના – ઈન્દિરાબેટીજી

રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.

રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવ ના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.

માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?

એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

~ ઈન્દિરાબેટીજી

There is utter loneliness at the top.

Comments (3)

મારું તો કાંઈ નક્કી નંઈ – પારુલ ખખ્ખર

તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

એક તમારા નામનું દેરું
એને છાંટયો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં , કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

-પારુલ ખખ્ખર

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક શ્રી ઉદયન ઠક્કરની કલમે આ ગીતનો આસ્વાદ:

આ ગીતમાં કાવ્યનાયિકા તેના પ્રિય પાત્રને સંબોધે છે. તુંકારે બોલાવી શકાય એવી આત્મીયતા રહી નથી, માટે ‘તમે’ કહીને સંબોધે છે. પ્રિય પાત્રથી વિખૂટા પડી જવાયું છે- ‘અમારું ગામ’ અને ‘તમારું ગામ’ એક થઈ શક્યાં નથી. એક કાળે નદી કિનારે પ્રણયગોષ્ઠિ થઈ હશે, માટે નાયિકા પ્રિય પાત્રને એ જ સ્થળે જવાનું સૂચવે છે. પરંતુ નાયિકા પોતે તો ત્યાં મળવાની નથી, એનું તો ‘કંઈ નક્કી નથી,’ માટે બીજા- ત્રીજાને હળવા- મળવાનું મહેણું મારે છે. ‘જેને મળવું હોય તેને મળજોને, મારે શું?’- એવા રુસણાનો ભાવ અહીં દેખાય છે.

નાયિકા નાયકને ઘરે નથી બોલાવતી, ગલીના છેડે રોકાવાનું કહે છે, કારણ કે બે વચ્ચે હવે અંતર પડી ગયું છે. ઉર્દૂ ગઝલમાં પ્રેયસીની ગલીનું રૂપક પરંપરાથી ચાલ્યું આવે છે, માટે ‘શેરીના નાકે’ નહિ પણ ‘ગલીના છેડે’ કહે છે. નાયકે સાદ તો કરવાનો છે, પણ ‘અમસ્તો’, કારણ કે નાયિકા પ્રતિસાદ આપવાની નથી.આમ છતાં નાયિકાની ઇચ્છા ખરી કે નાયક રાહ જુએ. રાહ જોયા પછી આગળ ‘વધવાનું’ નથી પણ ‘વળવાનું’ છે, કારણ કે ત્યાંથી બન્નેની જિંદગીમાં વળાંક આવે છે.
નાયિકા માટે નાયકનું નામ દેરા જેટલું પવિત્ર છે.’ગેરુઓ’ એટલે મટિયાળો કે ભગવો રંગ, જે વૈરાગ્યસૂચક છે.’એરું આભડવો’ એટલે સાપ ડસવો. નાયિકા શૃંગારમાંથી વૈરાગ્યમાં સરી પડી, કારણ કે મિલનની વેળાને એરું આભડી ગયો.પ્રિય પાત્રે પોતાની ભૂલનું ઝેર ઉતારવું પડશે, પસ્તાવાની જ્યોત જગાવીને પોતે ઓગળવું પડશે. નાયિકાનું તો કાંઈ નક્કી નઇ, કારણ કે ભૂલ એણે નહોતી કરી. નાયિકા નથી ઇચ્છતી કે પ્રિય પાત્ર એકાએક ખાક થઈ જાય, માટે કહે છે, ‘ધીમી આંચે ખુદ ઓગળજો’- જેથી લાંબા સમય સુધી વિરહાગ્નિ વેઠવો પડે.

પ્રણાલિકા છે કે સૂરજની સાખે સાચું જ બોલાય. આ તો ‘આથમતો સૂરજ’ છે, ‘ઝાંખું-પાંખું’ અજવાળું છે- યુવાની ઢળવામાં છે,ઓરતા આથમવામાં છે.શું ન થઈ શક્યું એ સાંભરીને નાયિકા નિશ્વાસ નાખે છે. નાયિકા કહેતી જાય છે- મને વળગવાનો સમય વીતી ગયો, હવે મારા નામને વળગીને ઝળહળજો! બશીર બદ્રનો શેર સાંભરે છે:

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે

નાયિકા કહે છે, જીવનનું સરવૈયું કાઢતાં જણાશે કે રીસામણાં વધુ હતાં અને મનામણાં ઓછાં, દ્રોહ વધુ હતો અને વફાદારી ઓછી. નાયક-નાયિકાનો સંગાથ આંગળી અને નખ જેવો છે- ભેગાં તોય નોખાં. સંબંધ એવો કે પાસે આવવા ન દે, અને દૂર જવા ન દે.નાયિકા કહી દે છે- આવા સથવારા તમને જ મુબારક!

નાયિકા નથી નકારતી કે નથી સ્વીકારતી. ‘મારું તો કાંઈ નક્કી નઇ’ કહીને નાયકને (અને ભાવકને) બે રમણીય શક્યતાઓ વચ્ચે ઝૂલતો રાખે છે.

કવયિત્રીએ આ ગીતનો આકાર કુશળતાથી ઘડ્યો છે.દરેક અંતરામાં અંત્યાનુપ્રાસવાળી ત્રણ પંક્તિ આવે છે, જે અંજની ગીતના છંદમાં છે. ચોથી પંક્તિનું ત્રણ ટુકડામાં વિભાજન થયું છે, જેમાં પહેલા-બીજા ટુકડાના અંત્યાનુપ્રાસ મળે છે.(જેમ કે નામ લઈને/હામ લઈને.) દરેક અંતરાના અંત્યાનુપ્રાસ પછી ‘મારું તો કાંઈ નક્કી નઇ’ પદનું પુનરાવર્તન થાય છે, જે રચનારીતિ ગઝલની રદીફને મળતી આવે છે.

(આસ્વાદ : શ્રી ઉદયન ઠક્કર)

Comments (3)

નિરખને ગગનમાં – નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
.                નિરખને ગગનમાંo

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
.                નિરખને ગગનમાંo

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
.                નિરખને ગગનમાંo

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
.                નિરખને ગગનમાંo

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
.                નિરખને ગગનમાંo

– નરસિંહ મહેતા

જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.

Comments (1)

કોણ – કૃષ્ણ દવે

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?

ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

-કૃષ્ણ દવે

Comments (1)

ઊંડી રજની – નરસિંહરાવ દિવેટિયા

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
.                                          આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
.                                          આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
.                                          આ શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
.                                          આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
.                                          આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
.                                          આ શી ઊંડી રજની!

– નરસિંહરાવ દિવેટિયા

આ ગીત વાંચીએ તો બ. ક. ઠાકોરનું સૉનેટ ‘ભણકારા’ યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતી ભાષાના એ સર્વપ્રથમ સૉનેટમાં બ. ક. ઠાકોરે કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર આપ્યો છે. એ સૉનેટમાં પણ ગાઢ રાત્રિ, અંધકાર, એમાં ડૂબી જતી વૃક્ષોની હારમાળા, નદીના પ્રશાંત જળ, હળુ-હળુ વાતો પવન, અને આ નીરવ શાંતિમાં કવિહૃદયમાં ઊઠતા ભણકારા અને અનાયાસ થતું કાવ્યસર્જન – આ વાતો જોવા મળે છે. અહીં આ ગીતમાં પણ એ બધા જ તત્ત્વો નજરે ચડે છે. અલબત્ત, આ કોઈ ઊઠાંતરી નથી. કાવ્યસ્વરૂપ સાવ અલગ છે, કાવ્યબાની પણ સાવ અલગ છે પણ બે અલગ-અલગ કવિની કલમે એકસમાન અનુભૂતિ અવતરે ત્યારે કવિતા કેવાં બે ભિન્ન-સમાન સ્વરૂપ ધારે એ જોવા-સમજવા માટે જ આ સરખામણી છે.

આકાશની ઘેરી ગુફામાં સૂતેલ ગાઢ રાત્રિના ઊંડા અંધકારમાંથી ઊંડા ભણકારા ઊઠે છે. તારાઓ પણ નજરે ન ચડે એવી આ ગાઢ રાત્રિ કંઈક ગૂઢ સંદેશ લઈને આવી છે. સહુ કોઈ ઠાર મરાયા હોય એવી નિઃસ્તબ્ધતા જન્માવતું  શાંતિનું પૂર અદભુત રેલાઈ રહ્યું છે, માત્ર પવન થોડું થોડું આ શાંતિ સાથે રમી લે છે. અંધારામાં લુપ્ત થઈ ગયેલી વૃક્ષોની હારમાળા પણ લેશ માત્ર અવાજ કરતી નથી. કવિ પોતે પણ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ ઊભા છે. અંધારું એવું છે કે અસંખ્ય ગૂઢ ભેદ-રહસ્યો ન ભીતર ભર્યા-ભંડાર્યા હોય! આ રહસ્યોના ઝણકારથી અચાનક જાગી ઊઠ્યા હોય એમ કવિ દિવ્ય ઓથાર અનુભવે છે અને એમનું હૃદય જાણે કે સો-સો ધારે ફાટે છે અને દિવ્ય કવિતાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

Comments (1)

ચશ્મા તડાક્ દઈ તૂટયા – પારુલ ખખ્ખર

અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

વરસોથી દરવાજા ખખડાવી ખખડાવી દેતાં’તાં સાદ અજવાળાં
અક્કલની ઓથમીર આંખ્યુંએ જાતને વાસીને માર્યાં’તાં તાળાં
ઘટનાની કૂંચીએ ખોલ્યા બે આંટા ત્યાં તાળાનાં તાળવાં ફૂટ્યાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

લાભ-શુભ ચોઘડિયાં ભેગાં થતાં’તાં એ ક્ષણવંતી વહેલી સવારે
તેજના ત્રાંસા ને સમજણની શરણાયું રમઝટ બોલાવે બજારે
મોંઘા રતનને ઢાંકીને બેઠેલા ઝાળાના લેણદેણ ખૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

– પારુલ ખખ્ખર

જીવન જીવવા માટે આપણને કંઈ કેટલાંય ઉપકરણોની આદત પડી જતી હોય છે. ગૂગલ મેપ્સ નહોતા ત્યારે કોઈક નવી જગ્યાએ જવા માટે આપણે પાંચ-દસ જગ્યાએ થોભીને અજાણ્યા લોકો પાસે માર્ગદર્શન લેવું પડતું હતું અને નવી જગ્યાએ પહોંચીએ ત્યારે અવનવા અનુભવજડિત આ યાત્રા જાતને એક જાતની સંતુષ્ટિ આપતી સંપન્ન થતી હતી. મિત્રો કે સ્વજનો સાથે બેઠાં હોય ત્યારે પહેલાં જે ટોળટપ્પાં થતાં હતાં એ મોબાઇલની મહેરબાનીથી લગભગ મરણાસન્ન છે. ઉપકરણો આપણી ધારણા બહાર બહુ ઝડપથી આપણા લોહીમાં વણાઈ જતાં હોય છે. ચશ્મા આવી જ એક વસ્તુ છે. સવારે ઊઠીએ એટલે પહેલું કામ આંખ પર ચશ્મા ચડાવવાનું જ હોય. ચશ્માના કાચમાંથી દુનિયા જોવાની એવી આદત પડી જાય છે કે એના વિનાની દૃષ્ટિની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ચશ્મા અચાનક તૂટી જાય અને બીજી જોડી બનાવડાવી ન હોય તો નવા ચશ્મા આવવા સુધીનો સમય આપણો ઘાંઘોવાંઘો વીતે છે…

પણ કવિ પાસે દરેક વસ્તુને જોવા માટે વળી અલગ જ ચશ્મા હોય છે. બિલકુલ અલગ જ પ્રકારના વિષય પર મજાનું હળવું ગીત લઈને પારૂલદે આજે ઉપસ્થિત છે. પચાસની વયે પહોંચ્યાની વેળાએ અચાનક ચશ્મા તૂટી જાય છે ત્યારે કવયિત્રી અકળાઈ જવાના બદલે ચક્ષુદેવ પ્રસન્ન થયા હોવાનું અનુભવે છે.  ચશ્મા સાથે સંકળાયેલી તમામ વિભાવનાઓ કવયિત્રી આલેખે છે પણ એક સવાલ થાય છે. સાચે જ શું આ ચશ્માનું ગીત છે? કે અકુદરતી ઉપકરણોની ગુલામીમાંથી પળભરની આઝાદીના ઓચ્છવનો ગુલાલ છે?!

જો કે એક તબીબ હોવાના નાતે આ ગીતને હું એ રીતે પણ જોઈ શકું કે પારૂલદેને પચાસની નાની વયે મોતિયો આવ્યો હોવો જોઈએ અને મોતિયા ઉતરાવી નાંખ્યા પછીની સાફ દૃષ્ટિ અને ચશ્માની આઝાદીનું આ ગીત છે… 😉

Comments (5)

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વરસો પહેલા આ કાવ્ય કવિના કંઠે સાંભળેલું. અચાનક જડી આવ્યું. ઘણાબધા સ્મરણો જોડાયેલા છે કવિના એક ચોમાસા સાથે….

Comments (2)

ઝાડ દિલાસો વાવે – લક્ષ્મી ડોબરિયા

ઝાડ દિલાસો વાવે
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે

પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે
ઝાડ દિલાસો વાવે

ચૈતરની લૂને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે
ઝાડ દિલાસો વાવે

નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
ઝાડ દિલાસો વાવે

– લક્ષ્મી ડોબરિયા

પ્રથમ પંક્તિ જ વિચારતાં કરી દે એવી છે. ઝાડને તો કોઈ વાવે અને ઝાડ ઊગે. પણ અહીં તો ઝાડ દિલાસો વાવી રહ્યું છેઅને ચારે દિશાઓમાં લંબાઈ રહેલી ડાળીઓ જાણે કે સધિયારો દેવા માટે ફેલાવેલી બાહુ છે. વૃક્ષના પાન ‘રિટાયર’થવાની ઉંમર થાય પછી પણ ટકી રહેવાની જિદ કદી કરતાં નથી. એ આવનારાંઓ માટે માર્ગ પ્રશસ્ત કરી આપીને પોતાના અસ્તિત્વનું માન વધારે છે. વૃક્ષની ફિલસૂફી ગીતમાં બહુ સુંદર રીતે કવિએ ઉજાગર કરી છે. આપણે એની પાસેથી કંઈ ધડો કદી લઈશું ખરાં?

લયસ્તરોના આંગણે કવયિત્રી લક્ષ્મી ડોબરિયા અને એમના તરોતાજા ગીતસંગ્રહ ‘છાપ અલગ મેં છોડી’નું સહૃદય સ્વાગત છે…

Comments (5)

એક પહેલા વરસાદ સમી છોકરી હતી – તુષાર શુક્લ

એક પહેલા વરસાદ સમી છોકરી હતી
ને સાવ સૂક્કો રેતાળ એક છોકરો
લીલુંછમ ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

સાવે વગડાઉ એક છોકરીની વાત કરે
સીધો સડાક એક છોકરો
વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે
કોરાં આકાશ સમો છોકરો
નખશિખ ગુલાબી એક છોકરી હતી
ને એક કોરાં રૂમાલ સમો છોકરો
રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

આંખોથી પીધેલી છોકરીની વાત કરે
તરસી હથેલીને છોકરો
ગુલમ્હોરે ખીલેલી છોકરીની વાત કરે
બપોરે બળબળતો છોકરો
ધોધમાર ધોધમાર છોકરી હતી
ને સાવ પાણીમાં બેઠેલો છોકરો
અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

બે કાંઠે ઊછળતી છોકરીની વાત કરે
કોરો કડાક એક છોકરો
મધદરિયો વ્હાણ સમી છોકરીની વાત કરે
કાંઠે ઊભેલ એક છોકરો
નાળિયેરી પાન સમી છોકરી હતી
ને સાવ બાંધ્યા પવન સમો છોકરો
ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો

પછી ટહૂકાની ભાષામાં છોકરીની વાત કરે
મૂંગો રહેનાર એક છોકરો
પછી ઉમટેલાં પૂર સમી છોકરીની વાત કરે
માટીના કૂબા શો છોકરો
વહી જાતાં વ્હેણ સમી છોકરી હતી
ને એમાં ઓગળતો પીગળતો છોકરો
ભીના સંબંધ તણું ગીત મારે લખવું’તું
રસ્તો મળ્યો છે મને જોઈતો.

– તુષાર શુક્લ

 

રળિયામણું ગીત…..લાજવાબ…

Comments (1)

હંઅ ન્ ઓવ્અ – રાહુલ તુરી

હંઅ ન્ ઓવ્અ, મારી દશમન મારી હોશ તમોંન્ ફુટે કાળો કોડ, તમોંન્ જુઅ મારો રોમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ જલમની પેટ બળેલી,કરમ ફૂટેલી,
અભાગણી આ કંકુવરણી કાયા ઇમાં હુંય કરું શું?
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ એટલે મેલાઘેલા લુગડે
ઈંન્ જેમતેમ હું ઢોકી રાખી જગ આખાથી બહુ બીવું સુ

હંઅ ન્ ઓવ્અ, મારા રંડાપા પર કરી ઓંગળી ચીયા ભવોનું વેર વાળવા કરો તમે રે ઓમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી હાહરવેલે એક રહ્યુ ના પોન લીલુંડુ,
મર્યા માવતર પિયરવાટે ધૂળ ઉડે રે
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી લીલુંડી કાયાની માથે
જાત જાતની વાત ભરેલું કાળમીંઢ આકાશ તુટે રે

હંઅ ન્ ઓવઅ,મારી ખૂટી ગયેલી ધરપત ઉપર પીઠ પસવાડે ખડખડ ખડખડ દાંત કાઢતા ગોમ,
તમારુ જાય મૂળથી…

– રાહુલ તુરી

ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં એક અત્યંત ભાવવાહી ગીત. સ્ત્રીની સંવેદના, પુરુષની જબાને. સ્ત્રીનો એકમાત્ર સાથી એનો પતિ. સ્ત્રીની ગોદ ભરાય એ પહેલાં જ એ અકાળે ગુજરી ગયો. મા બનવાના સુખથી વંચિત રહી ગયેલી આ વિધવા વળી સુંદર પણ છે ને આ સૌંદર્ય જ એનું દુશ્મન છે. ગીતની દરેક કડી ‘હંઅ ન્ ઓવઅ’થી પ્રારંભાય છે. સીધી ભાષામાં આનો મતલબ ‘હા અને હોવ્વે’ કરી શકાય પણ આ લટકણિયું દરેક પંક્તિની આગળ લગાડીને કવિ ન માત્ર વાતચીતનો કાકુ સિદ્ધ કરે છે, પુનરોક્તિના શસ્ત્ર વડે સ્ત્રી-સંવેદનાની ધાર પણ યથેચ્છ કાઢે છે. વળી, ‘તમારું જાય મૂળથી’ પછી ‘નખ્ખોદ’ શબ્દ ન લખીને કવિ એ ન કીધેલા શબ્દને વધુ અસરદાર બનાવી શક્યા છે.

એક તરફ પોતાની દુશ્મન સ્ત્રીઓને કાળો કોઢ ફૂટે એવો શ્રાપ પણ એ આપે છે તો બીજી બાજુ મારો રામ તમને જોઈ લેશે એવી ચીમકી પણ આપે છે. મારી બૈ યાને મારી બાઈ. વિધવા પોતાની સખી કે સાથી સ્ત્રી આગળ આજે પેટછૂતી વાત કરવા બેઠી છે એટલે એને સંબોધીને વાત કરે છે. એ પોતાને જનમથી પેટ બળેલી, કરમ ફૂટેલી કહે છે. અભાગણીને ખબર છે કે એની કાયા કંકુવરણી છે, ને એટલે જ લોકોની મેલી દૃષ્ટિ ન પડે એ ખાતર પોતે મેલા લૂગડે એને ઢાંકી રાખે છે. તોય વેરી દુનિયા એના તરફ આંગળી કરી ભગવાન જાણે કયા જનમનું વેર વાળે છે એ એને સમજાતું નથી. સાસરામાં એકેય જુવાનિયા નથી, જે એને હિંમત-સાથ આપે અને માવતર પણ પરણાવી દીધા પછી જાણે કે મરી પરવાર્યા છે. એટલે પિયરની વાટ પણ લઈ શકાય એમ નથી. લોકો જાતજાતની વાત કરે છે, જાણે લીલા ઝાડ ઉપર કાળમીંઢ આભ ન તૂટી પડતું હોય! એકલવાયી બાઈની ધરપત ખૂટી ગઈ છે પણ ગામ પીઠ પાછળ દાંતિયા કરવાનું ચૂકતું નથી.

કહે છે કે જમાનો બદલાઈ ગયો છે. લોકો વધુ સમજદાર થયા છે પણ અંતરિયાળ ગામોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. એમની દુર્દશામાં ભાગ્યે જ સુધારો આવ્યો છે. વૈધવ્યને હજી આજેય સ્ત્રીનો ગુનો માણીને એને ચૂંથવા સુધરેલા ગીધડાંઓ ટાંપીને જ બેઠાં છે… રાહુલ તૂરીનું ગીત વિધવા સ્ત્રીની કરુણતાને હૃદયવિદારક રીતે રજૂ કરે છે…

Comments (6)

લાગણીઓ આ ભરચક ભરચક – મુકેશ જોષી

તણખો તણખો રમતાં રમતાં આગ લગાડી બેઠા
ફૂલો ફૂલો મૂકતાં મૂકતાં બાગ ઉગાડી બેઠા
ભલે ધગે એ આગ કશુંય છાંટો ના
ભલે ઊગે એ બાગ કશુંય નાખો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

શબ્દો શબ્દો કાગળ કાગળ, વ્હાલ વ્હાલ બસ આગળ પાછળ
તારું મળવું ઝાકળ ઝાકળ, છુટ્ટા પડવું વાદળ વાદળ
હવે શબદને વાણી રૂપે છાપો ના
હવે આંખ પર તડકા જેવું ચાંપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

કારણ કારણ શોધો કારણ, પ્રીત પ્રીતનું મારણ મારણ
નથી નથી કો’ એનું વારણ બે હૈયાં બસ હૈયાધારણ
હવે પ્રીતનો વ્યાપ કશાથી આંકો ના
હવે હૃદયની ઇચ્છાઓને માપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

– મુકેશ જોષી

રમતિયાળ લાગતી પરંતુ અર્થગંભીર રચના….

Comments

છીપલાનું ગીત – સૌમ્ય જોશી

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,
મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,
ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઉગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,
દરિયો બનીને મારે આપવો છે એક વાર છીપલીને આછો સંગાથ.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

દરિયાનેય કો’ક વાર છીપલાની સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.
ભરતીની હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે
મારા બે હોઠમાંથી ઓસરશે નીર, ને દરિયાની ઓટમાંથી ખુલશે પ્રભાત,
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આવે કિનારે જે પાણીની છાલક ને છાલકને દરિયો કહેવાય નઈ,
સાચુકલા દરિયાનું દૂર કુઆંક ઘૂઘવતું, છીપલાંથી કાંઠો સહેવાય નઈ,
એકે જગાએ એ પૂરો મળે નઈ, દરિયાનાં સરનામાં સાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આથમતાં અંધારે દરિયો છોડીને મને ઊગેલા સૂરજમાં તરશે
કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી ઘૂઘવાટ વાગોળ્યા કરશે
મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

-સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની લાક્ષણિક રચના…એક ચેતના દ્વારા થતું વિશ્વચેતનાનું દર્શન…..

Comments (5)

સોનચંપો – બાલમુકુંદ દવે

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

– બાલમુકુંદ દવે

પોતાને જીવતેજીવ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. પોતાના સંતાનના અકાળ અવસાન પછી કવિએ લખેલું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ જેણે ન વાંચ્યું હોય એવો ગુજરાતી કાવ્યરસિક મળે તો એક તો એના ગુજરાતી હોવા વિશે અને બીજું, એના કાવ્યરસિક હોવા અંગે અવશ્ય શંકા સેવવી. જીવનની આ એક જ દારુણતમ ઘટના પર કવિ સૉનેટ લખે અને એ જ કવિ ગીત લખે ત્યારે સ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે.

ગરીબની વાડીએ તો ઘાસ-ફૂસ કે આવળ-બાવળ ઊગે પણ અહીં તો સોનચંપા જેવું મજાનું સંતાન મ્હોર્યું હતું. એનું જતન કરવામાં પોતે નિષ્ફળ ગયા હોવાનો અહેસાસ કવિને કોરી ખાય છે. નંદનવનના નિવાસી છોડને ગરીબની ઉજ્જડ ભૂમિ ક્યાંથી ગોઠે? કૂવાથાળે કાથીના ઘસારા સમય સાથે પડતા જાય એમ મા-બાપના હૈયે ઘાનાં ઘારાં સર્જાય છે. દેશદેશાવરનો મુસાફર અંધારે ભમવા ગયો ને મા-બાપ માટે તો ગામની ભાગોળ કાયમી રાત જેવી બની ગઈ, બાવરી મા જીવતરની આ કાળી રાતમાં ઠેબાં ખાતી જીવી રહી છે. બાવળના કાંટા જેવી વેદનાસિક્ત બનેલી ભવભુલામણીના આ કાંઠે મા-બાપ એકલા ઝૂરે છે, ને સામે કાંઠે સ્વર્ગમાં અકાળે મરણ પામેલ દીકરાના-સોનચંપાના બગીચા હોવાનું કલ્પે છે; બે વચ્ચે આંસુના અખાત છે!

 

Comments

થઈને રહીએ લીટી – સંજુ વાળા

સળવળ સળવળ સરતી ફરતી વૃતિ કહેતાં કીડી કહેતાં ચીંટી
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

એક્કે એવું નહીં જોવાનું સપનું
જેમાં આકાશી ફૂલોની હો સુગંધ,
વીજળીઓનાં તોરણ બાંધી શણગાર્યા હો ઘર
પરંતુ હોય બારણાં બંધ,

ભલો આપણો કૂબો જેમાં ભાર ઝીલવા હોય અધીરી ખીંટી,
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

ઝીણેરું ઝિલાય તો એને મોતી કહીએ
પણ, મબલખ ને શું કહેવું એ કહો !
ગુપ્ત વહો કે લુપ્ત રહો પણ હે સરસત્તી
દિવસ-રાત કાં મૃગજળ થઈને દહો ?

શું પહેરાવું? શું ઓઢાડું? કઈ જાતરમાં જઈ પધરાવું વીંટી ?
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

– સંજુ વાળા

 

The greatest truths in the world are the simplest.

Comments (1)

……….કે હું – જવાહર બક્ષી

વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું
તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું,
એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ
તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના,
મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ?

ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું.
પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે ? કાયા કે
પડછાયા કે માયા કે નહીં કૈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે
ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું
બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો,
જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો* [ *નાદ પ્રગટ કરવો. ચચરી ચચરીને બળવું ]
તો આમ ઠંડું પડ્યું તે કોણ ?
ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું ?

– જવાહર બક્ષી

સ્વગતોક્તિનો ઉત્તમ પ્રયોગ ! થોડીક ધીરજથી વાંચતા રચના સરળતાથી ખૂલે છે, કોઈ ટિપ્પણીની મહોતાજ નથી. ત્રીજો અંતરો ખાસ આકર્ષક છે….

Comments

વ્હાલાથી વેગળાં….- તુષાર શુક્લ

વ્હાલાથી વેગળાં થઈ રહેવાનું ભાગ્યમાં
સીતા કે રાધિકા કે મીરાં
વિરહની વેદનાને જીરવતાં શીખવ્યું કે
પ્રેમી ન હોય કૈં અધીરાં.

વિરહની આગ એ જ વ્હાલપનો બાગ
એમાં પ્રેમી તો મસ્ત થઈ મ્હાલે
પંચવટી, વૃંદાવન, મેવાડી ધરતી પર
ચાલે એ મનગમતી ચાલે
વ્હાલપનાં વારિ કૈં છીછરાં ન હોય
એ તો વહી રહ્યાં ગહન ગભીરાં…

મળવાની ઝંખના તો એનામાં જાગે
જે હોય એકબીજાંથી આઘાં
વેગળાં ન હોય એને ભેગાં શું થાવું ?
એને કેવાં વિઘન, શેની બાધા ?
સરયુ કે યમુનાનો કાંઠો કે બળબળતા
રણ કેરી રેતીને તીરાં !

– તુષાર શુક્લ

Comments (8)

સાતે રવિવાર – ઉમાશંકર જોશી

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સાતે રવિવાર.

.            ચાલ્યો હું એક સવારે
.            નગરીની ભરી બજારે.
.            સામે મળિયો ત્યાં મુજને ક્યાંથી રવિવાર!
.            બોલે: ‘જોતો નથી? છે આજે રવિવાર!’
.                                             મારે સાતે રવિવાર.

.            બોલું હું: ‘ભાઈ, આજે
.            પેલી જો ગુજરી ગાજે
.            શુક્રની, હમણાં હું આવું, લાગે નહીં વાર.’
.                                             મારે સાતે રવિવાર.

.            ‘જગની ગુજરી આ જોવા
.            ચાલ! સમય છે ક્યાં રે ખોવા?
.            જીવતર લાધ્યું છે કે ફરી લાધે બીજી વાર!
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘આળસનો સોમ રસ પી,
.            જંગલમાં મંગલ નીરખી,
.            બુધની ના રાખ સૂધ તું સાંજ કે સવાર,’
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘શિષ્યોને ગુરુ કરે જો,
.            તારો શુક્રવાર વળે તો,
.            શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.’
.                                             ભાઈ, સાતે રવિવાર.

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સા તે  ર વિ વા ર.
.                 રવિ છે સૌ માનવકુળનો સાચો કવિવાર.
.                                             ભાઈ, સાતે રવિવાર,
.                                             મારે સાતે રવિવાર.

 

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જેવા અતિગંભીર પ્રકૃતિના કવિ પાસેથી આવું રમતિયાળ ગીત મળે એની મજા જ અલગ.  આ ગીત કવિતાના માઇક્રોસ્કોપની નીચે મૂકીને એનું ડિસેક્શન કરવા માટેનું નથી.જીવનમાં ક્યારેક તો દરેકને સોમવાર જાની દુશ્મન જેવો લાગ્યો જ હશે. રોજ રવિવાર હોય તો કેવી મજા એવું સ્વપ્ન કદી જોયું ન હોય એવો કોઈ માણસ હશે ખરો? જો કે ઉમાશંકર મસ્તીના મૂડમાં હોય તોય કવિતાને બાજુએ ભાગ્યે જ મૂકી શકે છે.  સાતેય વારોના વ્યવહારુ અર્થોને કવિતામાં પ્રયોજવાનું કવિ ચૂક્યા નથી.  ‘સાતે રવિવાર’ના સ્થાને ‘સા તે  ર વિ વા ર’ -એમ વચ્ચે એક-એક ખાલી જગ્યા મૂકીને રજાનો અવકાશ શબ્દાનુભૂતિથી કવિ કેવો બખૂબી ચાક્ષુષ કરાવે છે!

Comments

ઉદ્ગાર – કાન્ત

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!

સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

– કાન્ત

મનગમતી એક વ્યક્તિ સાથે તાર જોડાઈ જતાં માણસ દુનિયા સાથે તાર જોડવું નિરર્થક સમજે છે. કોઈકના હૈયામાં વસવાટ કર્યાના આધારે પ્રેમીજન દુનિયાથી પ્રેમ કરતો નથી અને નવા સંબંધો બાંધવાનો સમય જતો કરે છે. પણ આમ એકલવાયા પડવાનો એને કોઈ ઉદ્વેગ પણ નથી હોતો. અર્જુન જેમ પક્ષીની આંખને એમ પ્રેમી માત્ર પ્રિયજનને જ નીરખે છે. પ્રિયાની પ્યારભરી દયાવાન દૃષ્ટિ સર્વ બિમારીઓ પણ હરી લે છે. પ્રણયની આ અમૃતવર્ષા સદાકાળ આવી ને આવી જ રહેશે એવી આસ્થાના લીધે જીવનની પ્રત્યેક ક્ષણ કૃતાર્થતા અનુભવાય છે…

ખંડ શિખરિણી અને શિખરિણીમાં લખાયેલ આ ગીત પ્રેમોદ્ગારની ચરમસીમાને સ્પર્શે છે…

(સદય = દયાળુ; રુજ = બિમારી; કૃતી = કૃતકૃત્ય,ભાગ્યશાળી; પ્રમત્તાવસ્થા= ઉન્મત્તાવસ્થા,પ્રમાદયુક્ત)

Comments

બાઈ, કિયાં તે… — મનોહર ત્રિવેદી

બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે

અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.

સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે

— મનોહર ત્રિવેદી

વરસાદ પ્રેમની ઋતુ છે, પણ સોળમા શ્રાવણે અચાનક ભીંજાવાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. મર્યાદા બારસાખથી આગળ વધવા દેતી નથી પણ અટકળના તાંતણે બંધાઈને ષોડશીની આંખો અને મન ઉતાવળે વગડે દોડતાં જાય છે. કોઈક સીમમાં વરસ્યું છે પણ એનું ખેંચાણ ઘરના ઉંબર સુધી પહોંચ્યું છે. પોતાની જાણ બહાર જ નાયિકા કોઈકથી એ રીતે લથબથ ભીંજાય છે, જે રીતે ભીંજાવાનું સોળ વર્ષોમાં કદી બન્યું નહોતું.

મુખડામાં ‘કામણ’ અને ‘કારણે’ની વચ્ચે કવિએ ‘ને’ મૂક્યો છે. છઠ્ઠી વિભક્તિ તરીકે એ લખાઈ જાય તો અર્થ બદલાઈ જાય અને વચ્ચે કવિએ પ્રયોજી છે એ મુજબ જગ્યા રાખવામાં આવે તો અર્થ અલગ થાય છે એ સમજવું જરૂરી છે. પહેલા વિકલ્પમાં ‘કોઈક કામણને કારણે’ની વાત છે, તો બીજા વિકલ્પમાં ‘કામણ અને કારણ’ બન્ને અલગ પડી જાય છે. વાત એની એ જ રહે છે પણ અર્થ બેવડાઈ છે એની મજા છે. ને એક અક્ષરની હેરફેરથી ભાષા કેવું વૈવિધ્ય સર્જી શકે છે એનો પ્રત્યક્ષ દાખલો મળે છે.

Comments

ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી

અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી

જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી

આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી

– પ્રજારામ રાવળ

‘વાયુ’ વાવાઝોડું આવી ચડ્યું એના થોડાક દિવસ પહેલાં માત્ર ઝાલાવાડ જ નહીં, દેશ આખાની કદાચ આ જ હાલત હતી…

ઉનાળાના દિવસોમાં ઝાલાવાડની ધરતીની માઠી દુર્દશાનું કવિએ જે વર્ણન કર્યું છે એ કોઈ સમયગાળાનું મહોતાજ નથી. કાંટાળા અને છાંયા રહિત રુક્ષ વૃક્ષસભર આ ધરતી પણ પાણી અધિકતર તો મૃગજળનાં જ જોવાં મળે છે. પણ જે રીતે આ શુષ્ક ધરતી કોઈ સંન્યાસિનીની જેમ કવિનું હૃદય ભરી દે છે એ જ આ ધરતીની સાર્થકતા સૂચવે છે…

Comments

નહીં મંદિર નહીં દેરું – જિગર જોષી ‘પ્રેમ’

સ્વપ્ન જોયું અદકેરું
કોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું.

અવાજ જેવું કૈં જ હતું નહીં – એનું મૌન પડઘાતું
કશુંક નીકળે આરપાર ને ક્યાંક કૈંક અથડાતું
એકલવાયો દીવો જલતો – નહીં મંદિર નહીં દેરું !

‘નમ: કવિતા’ લખી ને એણે પ્રાણ પૂર્યા કાગળિયે
એવું લાગ્યું હરિએ કીધું : “આવને વ્હાલાં મળીએ.”
આંખ આંજી નાખે એવું દૂર થયું અંધારું

– જિગર જોષી ‘પ્રેમ’

કવિમિત્ર જિગર જોષી પ્રેમ એમનો નવોનકોર ગીત-ગઝલ સંગ્રહ –હથેળીમાં સાક્ષાત્ સરસતી– લઈને ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત.

સર્જનપ્રક્રિયા વિશે લખવું દરેક સર્જકને પસંદ હોય છે. જિગર પણ હાથ અજમાવે છે. ખુલ્લી આંખે જે દેખી શકાતું નથી એ ઘણીવાર બંધ આંખે અચેતાવસ્થામાં સ્વપ્નરૂપે નજર આવતું હોય છે. એ લખાવે છે અને હું લખું છું એવી વાત જે ઘણા કવિઓ કરી ગયા છે એ જ વાત આ કવિ પણ કરે છે – કોઈ લખાવી રહ્યું હતું, હું કરતો’તો એ ઘેરું. પણ પછી કવિ કેવી મજાની વાત કરે છે. આપણા અવાજ જેવું હકીકતમાં કંઈ છે જ નહીં. જે છે એ માત્ર એના મૌનના પડઘા છે. સર્જન એ એકલવાયો દીવો છે, એને મંદિર કે દેરાની દીવાલોનો કોઈ ખપ નથી. એના ઈશારે કાગળમાં પ્રાણ પૂરાય છે ત્યારે એમ જ લાગે જાણે હરિ ખુદ મળવાનું ઈજન આપતા ન હોય! આમ તો અજવાળું આંખ આંજતું હોય છે પણ સર્જનની વાત અવળી છે. કશું લખાતું ન હોવાનું અંધારું કવિની આંખને વધુ કનડતું હોય છે. ઈશ્વરકૃપાથી એ દૂર થાય અને કવિતાનો પ્રકાશ પથરાય છે…

Comments (1)

આપણી વચ્ચે – મુકેશ જોષી

આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું?
સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?

ને, હવાના આ સુકોમળ અંગ પર હું શબ્દની પીંછી લઈ તવ નામ દોરું ને
હવાનું અંગ આખું રણઝણે
કોક, મનની પાર, પેલે પાર તારા નામની નદીઓ ભરે ખાલી કરે ને
તરફડેલી માછલી જેવું મળે મનને ખૂણે
હોય ના રેતી, કશે ના છીપ કે ના શંખ ના મોતી અરે ના જળ : કહે
એવા કોઈ દરિયા મહીં ક્યાંથી તરીશું? … આપણી વચ્ચે.

દૂર પેલા આભમાં બેઠેલ તારાઓ લગોલગ હોય તોયે થાય શંકા કે
કદીયે હાથ બેના સ્પર્શને અડતા હશે?
પારકા આકાશમાંના ચંદ્રમાની કુંડળી સાથે કદીયે આપણા
જન્માક્ષરો મળતા હશે?
રાતના અંધાર વચ્ચે આ પ્રણય-ઝબકારનો કોઈ લિસોટો પામવાને
આભનો ટેકો મૂકી ધરતી ઉપર ક્યારે ખરીશું? … આપણી વચ્ચે.

-મુકેશ જોષી

 

ધન્ય થઈ ગયો…..!! આટલું સરસ ગીત આજસુધી નજરે જ નો’તું ચડ્યું…..!! માસ્ટરપિસ !!!!! ટિપ્પણીના કોઈપણ શબ્દો ઝાંખા જ પાડવાના….. આ ગીત તો અનેકાનેકવાર વાંચવું-મમળાવવું જ રહ્યું…..

Comments (6)

ચુંબન – સારા ટિસડેલ (અનુ.: વિવેક મનહર ટેલર)

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રથમની તો વાત જ અલગ. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે, કેમકે પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે અહીં ક્લિક કરવા નમ્ર અનુરોધ છે.

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

Comments

વેરી વૈશાખ….- તુષાર શુક્લ

વેરી વૈશાખ તારી કેવી રે શાખ
ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ.
કોરું આકાશ, મારી ભીની રે આંખ
ના’એવ નાહોલિયો, ના આવે મારી પાસ….

સ્પર્શ્યાનું ફૂલ બની મહેક્યા કરે છે
મારી છાતીમાં તડકા બપોરનાં.
વ્હાલપનું વાદળ થઈ વરસ્યા કરે છે
મારાં ટેરવાં એ ટહૂકાઓ મોરના.
અંગમાં અનંગ રંગ ખેલાતા રાસ
તો ય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

ગુલમ્હોરી છાંયડાના તમને સોગંદ
હવે અંતરના અંતર ઓગાળો,
વીતેલા દિવસોની પીળચટ્ટી યાદોમાં
કેટલું રડે છે ગરમાળો !
પૂનમની ચાંદની થૈ રેલે અમાસ
તોય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

– તુષાર શુક્લ

Comments

નહિ રે વિસારું હરિ… – મીરાંબાઈ

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. અતંરo

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પીતાંબર, જરકસી જામા,
કેસર આડ કરી. અતંરo

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલવરને વરી. અતંરo

– મીરાંબાઈ

આજન્મ કૃષ્ણઘેલી મીરાં રાધાનો સ્વાંગ લઈને કેવી મજાની રીતથી કૃષ્ણને ચાહે છે! વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી રચના છે…

Comments

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત. ગદ્યાળુ પઠન કરવા જાવ તો ગીતની મીઠાશ મરી પરવારવાની ગેરંટી.

Comments (2)

મૃગજળ – મુકેશ જોષી

હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે
હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા
છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે

તરવા માટે હવે રેતી ને
આંખેથી ઝરવા માટેય હવે રેતી
ઇચ્છાના સાગરની કોણે કરી હશે
આવડી તે મોટી ફજેતી
અટકળની લહેરો તો આવી આવીને
ચૂંટી ખણીને સવાલ કરે છે
આ મૃગજળ તને કેમ વહાલ કરે છે.

શ્વાસોથી ફૂંકાતી કાળઝાળ લૂ :
રોજ શેકાતા જીવતરના ઓરતા
પાણીનું નામઠામ સાંભળ્યા છતાં
હજુ હોઠ નથી આછુંય મ્હોરતા
દરવાજે ટાંગી ગયું કોઈ સૂરજ
ને કિરણો આ ઘરમાં ધમાલ કરે છે
જાણે જીવતરમાં ઝાંઝવાંનો ફાલ ખરે છે

– મુકેશ જોષી

એક એક શબ્દે વેદના ઘૂંટાયેલી છે……

 

Comments (3)

કબીર – સંજુ વાળા

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…
ઘટ ઘટ રામ તિહારો…

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો…

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો…

– સંજુ વાળા

કવિ સંજુ વાળાએ મધ્યયુગીન સંતોના કેટલાક શબ્દચિત્રો દોર્યાં છે. એમાનું એક તે કબીર.  ગીતની પહેલી જ કડીમાં કવિ કબીરને સાંગોપાંગ આપણી સમક્ષ સફળતાપૂર્વક લઈ આવે છે- ઘટ ઘટ રામ તિહારો- તારા રોમ-રોમમાં, અંગેઅંગમાં રામ છે! આથી અદકી બીજી કઈ ઓળખ હોય સંતની? આગળ કબીરના જાણીતા દોહાઓની આંગળી ઝાલીને કવિ એમની આગવી શૈલીમાં સંતનું શબ્દચિત્ર પૂરું કરી આપે છે.

Comments (7)

(હું તો જીવતરિયું ગૂંથતી રૈ) – ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ,
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં
પણ આભલામાં ઝબકારો નૈ,
કાપડે ભરી ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ

સખદખના ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી

વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

– ભરત ખેની

સ્ત્રી અને પુરુષના જીવન જીવવાના માપદંડ સાવ અલગ હોય છે. પુરુષ બહુધા સ્વકેન્દ્રી જીવે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સ્વકેન્દ્રિતા બહુ પાછળથી અને બહુ અલ્પમાત્રામાં આવે છે. એનું જીવન એના પરિવારની સાથે જ ગૂંથાયેલું હોય છે. આખી જિંદગી એ પોતાનું જીવતર ગૂંથવા મથે છે પણ ટાંકો એની આંગળીના ટેરવાં લોહીલુહાણ કરે છે પણ એનું જીવતર ગૂંથ્યું ગૂંથાતું નથી. સગપણના સૂતરથી એ પોતાના સ્વપ્નો ટાંકીને કપડામાં સોહામણી ભાત રચે છે પણ આ ભાતમાં જીવન પૂરાતું નથી. એના સ્નેહનો પડઘો પડતો નથી, એના જીવનમાં ઝબકારો જોવા મળતો નથી. આયખામાં પ્રકાશ પણ ઝમરખિયા દીવા જેવો આછો જ રહી ગયો છે, જેમાં પિયરથી ઉત્સાહભેર આણેલ ચાકળા અને ચંદરવા નાયિકા જોઈ રહી છે. ક્યારેક રંગસભર, ભાતસભર એ ચાકળા-ચંદરવા અંતરના ઉદાસ, ઝાંખા પડી ગયેલા ઓરતાઓ જેવા જ ઝાંખા પડી ગયેલ નજરે ચડે છે. અભાગી નાયિકા આણાંમાં તો કંઈ કંઈ વરણાગી સપનાંઓ લઈને અહીં આવી હતી, પણ આજે એ જ આંખોમાં ખૂંચી રહ્યાં છે ને જીવતર ગૂંથવા માંગતા ટેરવાંઓ સુખદુઃખના હિસાબ કરતાં લોહીઝાણ થઈ રહ્યાં છે.

Comments (10)

ઉદાસી- તુષાર શુક્લ

તને મળતાં ઉદાસી મને ઘેરી વળે
તો ય મળવાનું થાય મને મન.
આંખોથી અડકીને અળગો થઈ જાય
તો ય મ્હેકી ઉઠે છે મારું તન.
તને મળવાનું થાય મને મન.

મળવાને જાતી ને જઈને શરમાતી હું
શાને આવું તે મને થાતું.
કહી ના શકાય અને રહી ના શકાય
એનું કારણ મને ન સમજાતું
ઉંબર ઓળંગવાનું ઇજન આપે છે મને
આંગણામાં ઊભેલું યૌવન
તને મળવાનું થાય મને મન.

દિવસોની ભાષામાં ઓળખ પૂછો તો
થાય પૂરાં નહીં આંગળીનાં વેઢાં
તારા દીધેલાં ફૂલ છો ને સુકાઈ જાય
મેલું ના એક ઘડી રેઢાં
નામ તારું ફોઈજીએ પાડ્યું ગમે તે હોય
હું તો કહેવાની તને ‘સાજન’
તને મળવાનું થાય મને મન.

– તુષાર શુક્લ

Comments (6)