નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

ૐકાર સ્વરસાત – તુષાર શુક્લ

ૐકાર સ્વરસાત, લયલીન દિનરાત
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

અલૌકિક પ્રકાશે, ઊઘડતું સ્વરાકાશ
ઉમંગે તરંગાતું નમણું ચિદાકાશ
શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત….
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

આ કલકલતાં વારિ ને મર્મરતો વાયુ
આ તણખામાં તડતડતો ભડભડતો અગ્નિ
અને વીજમાંથી આ વૃક્ષો થઈને
પ્રકંપિત ઉમંગે આ રમણીય ધરતી
જે પંચભૂતોમાં વિલસે છે સ્વર સાત
સઘળાં આ સ્વરથી સુગંધિત છે આકાશ….
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.

આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
છે સ્વરમગ્ન સઘળાં, છે સ્વરસિદ્ધ કેવળ
અહમ્ ઓગળે વિસ્તરે સંઘશક્તિ
આ શબ્દોનાં પંખીને અર્થોનું આકાશ
આ કલરવના પર્ણોમાં મર્મરતી હળવાશ
શિવમ્ સુંદરમ્ સત્યરૂપે તું સાક્ષાત
શ્રુતિ સ્વરની ગંગાને શત શત પ્રણિપાત.

  • – તુષાર શુક્લ

કવિશ્રીને પ્રત્યક્ષ મળવાનું થયું તાજેતરમાં. તેઓની સરળતા અને સહજ નિરહંકારી જ્ઞાન બંને સ્પર્શી ગયા. આ અણીશુદ્ધ કાવ્ય તેઓની પ્રતિભાને સુપેરે વ્યાખ્યાયિત કરે છે. સ્વરને-શબ્દને-મા સરસ્વતીને વંદનાની રચનાને કોઈ ગાયક કંઠ આપે તો અદભૂત ખીલી ઊઠે…..

4 Comments »

  1. SARYU PARIKH said,

    April 30, 2018 @ 7:10 PM

    રચના ગમી. ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે.
    સરયૂ પરીખ્

  2. Shivani Shah said,

    April 30, 2018 @ 10:57 PM

    નાદબ્રહ્મને અર્પિત કરેલી સુંદર પ્રાર્થના !

  3. જયેન્દ્ર ઠાકર said,

    April 30, 2018 @ 11:10 PM

    સરસ રચનછે! કાવ્યની ઉપર આપેલ અમૃત ‘ઘાયલ’ની પંકતિઓ ….
    કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
    વેદજૂની વેદનાની વાણ છું. … ખાસ અમલમાં આવે છે. પ્રશ્ન છે કે આ મા સરસ્વતીને વંદનાની રચના છે કે શિવની અર્ધાંગની શક્તિની ઉપાસના?

  4. Atul jani said,

    May 1, 2018 @ 3:57 AM

    કદાચ
    અને બીજમાંથી આ વૃક્ષો થઈ ને
    હોવું જોઈએ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment