(શીદ ચાલ્યા?) – નંદિતા ઠાકોર
છાતીમાં ચોમાસું રોપીને આમ તમે
. વરસ્યા વિના તે શીદ ચાલ્યા?
કહો, વરસ્યા વિના તે શીદ ચાલ્યા?
તપતા ઉનાળાનો કાળઝાળ થોર
જો ને આઠે તે અંગ અહીં વાગે
વાદળિયા શમણાંથી વળતું ના કાંઈ
એ તો જળબંબાકાર થવા માંગે
. વેરીને આમ તમે વહાલપના વાયરાઓ
. ફરક્યા વિના તે શીદ ચાલ્યા?
કીકીમાં કેટલાય જન્મોથી રોપેલી
કૂંપળ કોળ્યાના મને કોડ
વરસાદી વાયદાને નાહક પંપાળીને
વહેતા મૂકવાનું હવે છોડ
. રોપીને આંગણામાં મોરલાનું થનગનવું
. ગહેક્યા વિના તે શીદ ચાલ્યા?
– નંદિતા ઠાકોર
ડાયાસ્પોરા સર્જકોમાંનુ એક નામ એટલે નંદિતા ઠાકોર. ગુજરાતી કળારસિકોમાં જો કે એમણે કોકિલકંઠી ગાયિકા તરીકે વધુ નામના મેળવી છે. સંગીતના ઊંડા જાણકાર હોવાના કારણે એમના ગીતો ગણગણવાનું મન થાય એવા લયબદ્ધ હોય છે. એમની રચનાઓમાં ખાસ કરીને ગીતોના મુખડા સિદ્ધહસ્ત ગીતકારને પણ ઈર્ષ્યા આવી શકે એવા અને તરત જ ધ્યાન ખેંચે એવા જોવા મળે છે.
JAFFER said,
May 3, 2018 @ 6:03 AM
શીદ ચાલ્યા?
Bharat vaghela said,
May 3, 2018 @ 7:00 AM
સરસ ગીત…
એમાય ગીતનું મુખડું ગમ્યું…
La Kant Thakkar said,
May 3, 2018 @ 8:51 AM
“છાતીમાં ચોમાસું રોપીને આમ તમે
. વરસ્યા વિના તે શીદ ચાલ્યા?
કહો, વરસ્યા વિના તે શીદ ચાલ્યા?’
છાતી જેવી ફળદ્રુપ ભૂમિની વાત,હિયરા ની વાત,લાગણી-ભાવની વાત !
આશા જગાવીને , સાવ સૂકા વેરાન મૂકી એમ કેમ ચાલ્યા ?
આછો-શો સ્પર્શ કરી લાખ સ્પન્દન જગવીને કેમ ચાલ્યા ?
Meena Chheda said,
May 3, 2018 @ 10:05 PM
વેરીને આમ તમે વહાલપના વાયરાઓ
. ફરક્યા વિના તે શીદ ચાલ્યા? …
વાહ!