જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી,
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી.
રઈશ મનીઆર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કવિ
કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 31, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો-
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.
ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.
ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.
અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.
– રાજેન્દ્ર શુકલ
Permalink
July 30, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.
બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.
– ‘બેફામ’ બરકત વિરાણી
ત્રીજો શેર !!!! અદભૂત !!!
Permalink
July 29, 2017 at 1:49 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રોબર્ટ બ્રાઉનિંગ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!
અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાં મારાં ફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીને ત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારે મેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!
– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)
‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.
સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો 8 પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, 3-3-4-4-5-5-5-3 મુજબ પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-બ-અ-બ-ક-ક-ડ-ડ મુજબની છે. બીજો લાંબો અંતરો 12 પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-અ-બ-ક-બ-ક-ડ-ડ-ખ-ખ-ગ-ગ જેવી અટપટી છે. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?
ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ મેં અહીં કર્યો છે. જોઈએ, આ પ્રયાસ કેટલો સફળ નીવડ્યો છે તે.
Home Thoughts from Abroad
Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!
And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!
– Robert Browning
Permalink
July 28, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તેજસ દવે
થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?
બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .
સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?
છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?
ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?
– તેજસ દવે
ટૂંકી બહેરના ગઝલમાં સૌથી મોટું ભયસ્થાન સાંકડી ગલીમાં માંડ-માંડ સમાવેલા શબ્દો સપાટી પર જ તરતા રહી જવાનું છે. મુંબઈની સાંકડી ગલીઓમાં રમવાની પડેલી ટેવના કારણે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સ્ટ્રેઇટ ડ્રાઇવના બેતાજ બાદશાહ ગણાયા… તેજસ દવે ગાગાલગા લગાગાની સાંકડી બહેરની ગલીમાં ઊભા રહીને એક પછી એક સ્ટ્રેઇટ ડ્રાઇવ ફટકારે છે જે સીધી આપણા દિલની બાઉન્ડ્રી વટાવી જાય છે.
Permalink
July 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.
જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.
હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.
ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.
કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.
—પારુલ ખખ્ખર
વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…
Permalink
July 25, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under દુહા, સિતાંશુ યશશ્ચંદ્ર
ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.
ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.
તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.
ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !
ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.
ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?
ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.
આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.
Permalink
July 24, 2017 at 2:31 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.
– હરીન્દ્ર દવે
Permalink
July 22, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચૈરિલ અનવર, બર્ટન રાફેલ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં
રડવું બિલકુલ જરૂરી નથી!
આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો
ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ
આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય
અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો
હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.
– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.
આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.
*
I
When my time comes
I want to hear no one’s cries
Nor yours either
Away with all who cry!
Here I am, a wild beast
Driven out of the herd
Bullets may pierce my skin
But I’ll keep on
Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears
And I won’t care any more
I wish to live another thousand years.
– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)
Permalink
July 21, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.
આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.
કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.
દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.
આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.
ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.
નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.
– લક્ષ્મી ડોબરિયા
પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…
આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…
Permalink
July 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !
માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !
કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.
ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !
તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !
– ડૉ.મનોજ જોશી ‘મન’
તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…
Permalink
July 19, 2017 at 7:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.
“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.
કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.
મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?
તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !
– રાજેન્દ્ર શુકલ
ચોથો શેર લાજવાબ છે…..
Permalink
July 18, 2017 at 10:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.
શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.
ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
July 17, 2017 at 8:53 PM by ધવલ · Filed under ગઝલ, દેવિકા ધ્રુવ
અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.
ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.
વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.
શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.
કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.
સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.
– દેવિકા ધ્રુવ
પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.
Permalink
July 15, 2017 at 12:30 AM by વિવેક · Filed under કબીર, દુહા
साहेब मेरा एक है दूजा कहा न जाय,
दूजा साहेब जो कहूं साहेब खरा रिसाय।
મારો સાહેબ (ઈશ્વર) એક જ છે. બીજાને સાહેબ કેમ કહેવું? અદ્વૈતમાં દ્વૈત જોવા જઈએ તો સાચો સાહેબ રિસાઈ ન જાય?
एक कहौं तो है नहीं, दोय कहौं तो गारि,
है जैसा तैसा रहै कहै कबीर विचारी।
(ઈશ્વરને) એક જ છે એમ કહું તો (એ તો શૂન્યરૂપ છે એટલે) એ છે જ નહીં, દ્વૈતભાવે એ અદ્વૈતીને બે કહું તો ઈશ્વરને ગાળ દીધા બરાબર જ ગણાય. એટલે સમજી વિચારીને કબીર કહે છે એ જેમ છે એમ જ ભલે રહે, એના વિશે પિષ્ટપેષણ કરવું નકામું છે.
साहेब सों सब होत है बंदे ते कछु नाहि,
राई ते पर्बत करे, पर्बत राई माहि।
સાહેબની કૃપાથી જ બધું થાય છે, બંદાની તો હેસિયત જ શી છે વળી? એ ઇચ્છે તો રાઈમાંથી પર્વત બનાવી દે ને ઇચ્છે તો પર્વતને રાઈ કરી દે.
जाको राखे सांईयां मारि न सक्के कोय,
बाल न बाका करि सकै जो जग बैरी होय।
જેને રામ રાખે એન કોણ ચાખે? આખી દુનિયા દુશ્મન થઈ જાય તોય જેના પર પરમકૃપાળુની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં.
ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।
જે રીતે તલની અંદર તેલ (છૂપાયેલું) છે અને ચકમક પથ્થરની અંદર અગ્નિ (છૂપાયેલો) છે, એ જ રીતે તારો ઈશ્વર તારી અંદર જ છે. ઈશ્વર બહાર ક્યાંય છે જ નહીં. अहं ब्रह्मास्मि। જાગી શકાય તો જાગ.
नाम रतन धन पाई कै गांठि बांधि ना खोल,
नाहीं पटन नहिं पारखी नहिं गांहक नहिं मोल।
(હરી) નામ રત્નનું ધન મળ્યું છે તો એને (અંતરમાં જ) ગાંઠે બાંધી રાખ. ખોલીશ નહીં, અહીં એની કોઈ કિંમત નથી, કે નથી કોઈ પારખુ. નથી કોઈ ગ્રાહક કે નથી કોઈ મૂલ્ય.
चंदन गया बिदेसडे सब कोई कहि पलास,
ज्यों ज्यों चूल्हे झोंकिया त्यों त्यों अधकी बास।
ચંદન કાષ્ઠ (જ્ઞાનીજન) વિદેશ ગયું તો ત્યાં બધા એને ખાખરો (અજ્ઞાની) કહેવા માંડ્યા. પણ જેમ જેમ એને (કસોટી)ના ચૂલામાં નાંખતા ગયા, તેમ તેમ એની સુગંધ (ખરું સ્વરૂપ) વધુ ને વધુ મહેકી ઊઠી.
दुर्बल को न सताईये जाकी मोटी हाय,
बिना जीवे की साँस से लोहा भसम ह्वै जाय।
નિર્બળને સતાવવા જોઈએ નહીં કેમકે એમની હાય ભારે હોય છે. જીવ વિનાની (ધમણના) શ્વાસથી લોઢું પણ પીગળી જાય છે.
Permalink
July 14, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.
ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.
ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.
શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.
શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.
એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.
આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.
– સાહિલ
રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !
Permalink
July 13, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
ઓગળીને!
કે બળીને!
આપણે જઈશું અહીંથી,
એક સપનું થઈ, ફળીને!
એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!
છે પથારીવશ, પરંતુ એક ઈચ્છા છે હજુ યે,
જે પુરાવે છે હયાતી રોજ થોડું સળવળીને!
એક ડગલું પણ ભરાશે ત્યાં જ વહેતી થઈ જવાની લાખ વાતો!
પણ બધી યે વાત કાઢી નાખ બીજા કાનમાંથી, સાંભળીને!
થાય એવું કે હવે હું પાંખ ફફડાવી, ઊડીને ક્યાંક નીકળી જાઉં આઘે!
થાય એવું પણ પછી કે શું કરીશું આ મજાના પિંજરેથી નીકળીને?
છો અહીં દુઃખ-દર્દ-પીડા ને ઉદાસી-આંસુઓ-અવહેલના હો!
પણ ઘણું એવું છે જેને કારણે જીવાય છે સઘળું ગળીને!
ખૂબ સ્હેલું છે નીકળવું પણ જો ત્યાં ફાવે નહિ તો?
આવવા મળશે ખરું ત્યાંથી ફરી પાછા વળીને?
પામવાનું, જે નવું પામી શકાતું;
ને ઉતારી ફેંકવાની કાંચળીને!
આપણે ઝરણાંની માફક;
વહી જવાનું ખળખળીને!
રહી જવાનું,
ઝળહળીને!
– હિમલ પંડ્યા
આકાર ગઝલના ઘણા પ્રયોગો આ પહેલાં પણ થઈ ચૂક્યા છે અને જે રીતે હિમલ પંડ્યા પહેલાં ગાલગાગાના એક-એક આવર્તન વધારતા જાય છે અને પછી ઘટાડતા જાય છે એ જ રીતે પણ અગાઉ ગઝલો લખાઈ ચૂકી છે પણ જે વાત અહીં ધ્યાન ખેંચે છે એ છે પ્રયોગની સફળતા. પ્રયોગ પ્રયોગ બનવાને બદલે યોગની કક્ષાએ પહોંચે એમાં જ એની ઉપલબ્ધિ. સ્વરૂપ સિદ્ધ થાય એના કરતાં વધુ અગત્યનું કવિતા સિદ્ધ થાય એ છે જે અહીં સાંગોપાંગ સિદ્ધ થયેલું નજરે ચડે છે. આખી ગઝલ અર્થસભર અને આસ્વાદ્ય બની રહી છે. વાહ, કવિ!
Permalink
July 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
રાંક બની ધ્રૂજે રાજીપો;
એમ ભીતર ખખડે ખાલીપો.
વર્તન એમ જ સીધું થાશે,
ટીપો, ટીપો, વિચાર ટીપો !
અહીં નિયમ છે blind જ રમવું;
રાત-દિવસનાં પત્તાં ચીપો !
આંસુ પીધાં; લોહી’યે પીધું,
ખમ્મા તરસદે ! હવે તો છીપો.
જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !
– ડૉ.મનોજ જોશી ‘મન’
બહર ટૂંકી પણ કામ મોટું.
બંધ ડબ્બામાં એલ્યુમિનિયમના સિક્કા મૂકીને બાળપણમાં સહુએ ખખડાવવાની મજા માણી હશે, ખરું ને? પણ ડબ્બો સિક્કાઓથી આખો ભરેલો હોય તો? ખખડે ખરો? જી, ડબ્બાને ખખડવા માટે ભીતર ખાલીપો જોઈએ પણ ખાલીપાની ભીતર પણ ખાલીપાનો જ સિક્કો હોય તો? ખાલીપાનો આ તે કેવો ગુણાકાર? રાજીપો તો બિચારો દૂર ઊભા રહી થર-થર ધ્રુજવા સિવાય હવે કરેય શું?
મક્તામાં તખલ્લુસ પણ કેવું ચપોચપ કામમાં લીધું છે! આખી ગઝલ આજ રીતે આસ્વાદ્ય…
Permalink
July 11, 2017 at 6:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.
એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.
આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.
એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.
આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?
– કિરણસિંહ ચૌહાણ
માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!
Permalink
July 8, 2017 at 2:25 AM by વિવેક · Filed under લલ્લા, વાખ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?
સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?
જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.
– લાલ દીદ
અનુ. વિવેક મનહર ટેલર
*
સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નિર્વસ્ત્ર નાચતી-ફરતી લલ્લા, અથવા લાલ દીદ કે લલ્લેશ્વરી નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.
આગળ એક વાખ આપણે માણી હતી. કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. ત્યાંના લોકો કહે છે કે ઉપર અલ્લા, નીચે લલ્લા.
લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી.
*
देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥
भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥
यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥
– लाल दीद
(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)
Permalink
July 7, 2017 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પોપટ 'ગુમાન'
જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે,
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે.
ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે!
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે.
અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં,
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે.
દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો,
હૃદયમાં કોણ છે ‘ગુમાન’, જે દરરોજ જન્મે છે?
– ગિરીશ પોપટ ‘ગુમાન’
ત્રીજા શેરને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ લાખ નિરાશાની વચ્ચે છૂપાયેલી અમર આશાને શોધવા નીકળેલી પોઝિટિવિટીથી ભરપૂર…
Permalink
July 6, 2017 at 4:08 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઝાકળના જેવી જાતને ધારી છે પાનબાઈ;
ફૂલો ઉપરથી એને નિતારી છે પાનબાઈ.
જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.
બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.
પકડાવો એને પાસા પિયુજીના નામના,
આ જીવ નાતે-જાતે જુગારી છે પાનબાઈ.
સમજીવિચારી મેળવો તુંબડાના તારતાર,
આ શ્વાસ સાવ ઝીણી સિતારી છે પાનબાઈ.
મૂક્યો અલખની લ્હેર્યું ઉપર જેણે પગ જરા
એની પવનથી તેજ સવારી છે પાનબાઈ.
– મનોજ ખંડેરિયા
કવિશ્રી મનોજ ખંડેરિયાનો આજે ૭૪મો જન્મદિવસ છે. સોશ્યલ મિડિયાઝ એમની જૂની ને જાણીતી રચનાઓથી અભરે ભરાઈ રહ્યાં છે એવામાં રાજકોટથી કવિમિત્ર શ્રી સંજુ વાળાએ ઇન્ટરનેટ પર ક્યાંય ન મળે એવી આ મજાની ગઝલ લયસ્તરો માટે મોકલી આપી. આભાર, સંજુભાઈ.
ગંગાસતીએ પુત્રવધૂ (?) પાનબાઈને સંબોધીને અમર ભક્તિપદ આપણને આપ્યાં. મનોજભાઈ ગંગાસતીમાં કાયાપ્રવેશ કરી આજની પાનબાઈ-જાનબાઈને સંબોધીને કેટલીક ગઝલ આપી ગયા, એમાંની આ એક. આખી ગઝલ સંઘેડાઉતાર. એક-એક શેર વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવા પાણીદાર…
Permalink
July 6, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પાર્થ તારપરા
પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય.
આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય.
પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,
થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય
માણી રહી છે જિંદગી એવી રીતે મને,
જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય.
ભાગી છૂટે તો કેટલી હો-હા કરી મૂકે,
આ ટેરવાંની જેલમાં જે સ્પર્શ કેદ હોય.
માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.
– પાર્થ તારપરા
સુરતમાં દર મહિને યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠીની કોઈ સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો તે નિતનવી કલમ પાસેથી મળતી રહેતી સશક્ત રચના. પાર્થ તારપરાનું નામ જો કે સોશ્યલ મિડિયાના કારણે હવે અજાણ્યું નથી પણ લયસ્તરોના આંગણે આ એનો પહેલો ટકોરો છે. આશા રાખીએ કે હવેથી લયસ્તરો પર એ અવારનવાર આવતો રહે.
માત્ર મત્લાના શેરથી જ કવિ મેદાન મારી જાય છે અને આખરી શેર સુધી ગઝલની મજબૂતી બરકરાર રાખી શકે છે એ જ મજા છે. બધા જ શેર દાદ માંગે એવા છે.
Permalink
July 2, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં ?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
– જવાહર બક્ષી
Permalink
July 1, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ગાલવે કિન્નલ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.
– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)
વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.
કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.
Permalink
June 30, 2017 at 12:30 AM by વિવેક · Filed under જવાહર બક્ષી, ત્રિપદી, ત્રિપાદ કુંડળ
(ત્રિપાદ કુંડળ)
બારી ખૂલી ગઈ છે
કિંતુ સુગંધ અહીંનો
રસ્તો ભૂલી ગઈ છે….
રસ્તો ભૂલી જવામાં
કેવી અજબ મજા છે
અમથી જ આવજામાં.
અમથી જ આવજા છે
મંજિલ નથી કે રસ્તો
ચારે તરફ હવા છે…..
ચારે તરફ હવાઓ
મ્હેકી પડે અચાનક
સ્પર્શીલી શક્યતાઓ.
સ્પર્શીલી શક્યતા પર
ગમતું ગણિત ગણું છું
ઇચ્છાનાં ટેરવાં પર…..
ઇચ્છાનાં ટેરવાંથી
આકાશ ઊંચકું છું
ઊઘડું દશે દિશાથી.
ઊઘડું ને વિસ્તરું છું
આંખો ઉઘાડી જોઉં
ઘરમાં જ નીકળું છું.
ઘરમાં બની ગઈ છે
અમથી જ એક ઘટના
બારી ખૂલી ગઈ છે.
– જવાહર બક્ષી
કુંડળીની રચના વિશે કવિ કહે છે, ‘સર્પ પોતાના મુખમાં તેની પૂંછડીનો છેડો નાખે ત્યારે તે વર્તુળનો પ્રારંભ અને અંત બંને તેનું મુખ હોય છે. તેમ કાવ્યની રચનાનો પ્રારંભ અને અંત એટલે કે પહેલા દુહાનો પ્રથમ ભાગ અને ત્રીજા દુહાનો અંત ભાગ એક જ હોય છે.’ ત્રિપાદ કુંડળની રચના વિશે કવિ જણાવે છે, ‘કુંડળી પ્રકારમાં થતા અંતિમ ચરણના પુનરાવર્તનને બદલે દરેક ત્રિપદીના પ્રથમ શબ્દને ચિદાકાશમાં ઉછાળ્યો છે.’
જોઈ શકાય છે કે પહેલી પંક્તિ ચોવીસમી પંક્તિ સ્વરૂપે આવે છે ત્યારે કુંડળી પૂરી થાય છે. એ ઉપરાંત દરેક ત્રિપદીના ત્રીજા પદનો પ્રારંભનો શબ્દ કે શબ્દપ્રયોગ આગામી ત્રિપદીની શરૂઆતમાં આવે છે અને એ રીતે ત્રિપાદ કુંડળની સળંગસૂત્રતા ચપોચપ બની રહે છે… ગાગાલગા લગાગાનું સંગીતપૂર્ણ આવર્તન અને ટૂંકી બહેરના કારણે રચના ઓર આસ્વાદ્ય બની છે…
પણ સ્વરૂપનું પિષ્ટપેષણ કરવાનું બાજુએ મૂકીને આઠેય ત્રિપાદને આસ્વાદીએ એની જ ખરી મજા છે.
Permalink
June 29, 2017 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !
જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.
આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.
પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.
દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !
– નિનાદ અધ્યારુ
નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…
Permalink
June 28, 2017 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.
આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.
જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.
રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.
ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.
સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.
એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.
માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.
છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.
– રમેશ પારેખ
સૌજન્ય – ડો. નેહલ [ immymindinmyheart.com ]
Permalink
June 25, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under દુહા, સિતાંશુ યશશ્ચંદ્ર
રાતો સાગર ચઢ્યો હિલોળે, એના હિંસ્ર ગરજતા લોઢ,
તળિયાના અંધારને અમે થઈ આવ્યા મોઢામોઢ.
અંધકારના તળિયે જઈને જોયું તો, સ્થિર જ્યોતિ
વડવાનલ જેમ ઝલકી ઊઠતું ઝંખાનું જે મોતી.
ઝંખું ઝંખું તારાં દરસ ને તું કેવળ અણસાર,
તારું હોવું મને અડકતું થઈ છેક જ તીણી ધાર.
લોચનથી હેરાય નહીં, તું છે જ નહીં જાણે સાવ,
[મારો] કર લંબાતો નજર થઈ [તો] તુજ દરસ મળે થઈ ઘાવ.
મરણતોલ ઘાયલ થયા [તો] થયો જીવવાનો આરંભ,
મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ.
સદાકાળના સંગની ઝંખા જેવી કઈ ભૂલ ?
પંખી થઈને મળ્યું એક ડાળીને એનું ફૂલ.
શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.
સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.
– સિતાંશુ યશશ્ચંદ્ર
[આ સૂફી દોહરા ‘જટાયુ’માંથી લીધા છે.]
સંપૂણપણે આંતર-ગતિ કરતો સર્જક જ આ કક્ષાએ પહોંચી શકે ! પ્રત્યેક દોહરામાં નિષ્પક્ષ અને તલસ્પર્શી introspection – આંતરદર્શન છલકે છે. સિતાંશુભાઈની રચના હોય અને સૂક્ષ્મતા ન હોય એ સંભવે જ નહીં….જેમ કે – ‘ મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ. ‘- આ કક્ષાનું દર્શન ભાગ્યે જ જોવા મળતું હોય છે.
Permalink
June 24, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સેફો, સેમ હમિલ
એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ,
તારી વાતોથી, તારા હાસ્યથી વશીભૂત.
જોઈને જ મારું હૃદય વધુ ઝડપે ધબકે છે
કેમ કે, ઓછું જોઈને, હું વધુ કલ્પું છું.
તું મારા ગાલોમાં આગ લગાડે છે.
અવાજ અટકી ગયો છે. મારા કાન વાગી રહ્યા છે.
બીજા બધાથી અનભિજ્ઞ, હું પસીને રેબઝેબ થાઉં છું અને તોતડાઉં છું.
હું કાંપી રહી છું, ઘાસની જેમ,
મૃત્યુથી એક ઈંચ દૂર.
હું એટલી ગરીબ છું, મારે કંઈ જ ગુમાવવાનું નથી, મારે જુગાર રમી જ લેવો જોઈએ…
– સેફો (ગ્રીક)
(અંગ્રેજી અનુવાદ: સેમ હમિલ)
અનુ.: વિવેક મનહર ટેલર
*
ગઈકાલે આ કવિતાનો કાવ્યસ્વરૂપને વફાદાર અનુવાદ જોયો… આજે ગ્રીક ભાષામાંથી અંગ્રેજી ભાષાંતર કરતા ખ્યાતનામ અનુવાદક સેમ હમિલનો અનુવાદ પણ જોઈએ.
કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે? પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે?
He Is Almost A God, A Man Beside You
He is almost a god, a man beside you,
enthralled by your talk, by your laughter.
Watching makes my heart beat fast
because, seeing little, I imagine much.
You put a fire in my cheeks.
Speech won’t come. My ears ring.
Blind to all others, I sweat and I stammer.
I am a trembling thing, like grass,
an inch from dying.
So poor I’ve nothing to lose, I must gamble…
– Sappho (Greek)
(Eng Translation: Sam Hamill)
Permalink
June 23, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સેફો
પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી
અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી
જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.
એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.
પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)
-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર
*
લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસના લેસ્બૉસ ટાપુ પર થઈ ગયેલી સેફો નામની કવયિત્રી સેફો તેના લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો; સ્ત્રીગત સંવેદનોનું તાદૃશ આલેખન; ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો વડે અમર થઈ ગઈ. એની રચનાઓ, એના સમકાલીનો અને અનુજોની રચનાઓમાંથી એનું એક ચિત્ર વિદ્યાર્થીનીઓ સાથેના એના સમલૈંગિક સંબંધોનું ઊભું થાય છે અને એ એ હદ સુધી કે આજે સેફો એ લેસ્બિનિઝમનું પ્રતીક ગણાય છે.
સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.
*
It seems to me…
That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly
and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak
but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing
a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.
but everything must be dared/endured, since (?even a poor man) …
– Sappho (Greek)
Permalink
June 22, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
હવે વાદળજી વાયડાઈ મેલો,
ધરતીની સાથ વીજ-વારિનો ખેલકૂંભ પૂરી તાકાત લઈ ખેલો….
હવે વાદળજી વાયડાઈ મેલો.
સૂરજનું માનસિક સંતુલન ખોરવાયું એવું કંઈ આભે ચર્ચાય છે?
પાગલના કોપથી નમણી રૂપાળી મા ધરતી ઉઝરડાતી જાય છે.
વાયરો શું ઠારે ધરાને, જ્યાં રોમરોમ તાપથી એ ય દાઝેલો…
હવે વાદળજી વાયડાઈ મેલો !
રૂડાં એંધાણ છે આભમાં ગાભ સોળ આનીનો અહિંથી વરતાય,
મોરલાને વીનવું કે મેલી મલ્હાર, સૂર કેદારી આજે થૈ જાય !
એવી તે તાન છેડ સાંબેલાધારે એય વરસી પડવાને થાય ઘેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !
ઝૂકો વાદળજી, કે ચૂમો ધરાને એને લીલવણી ચૂંદડીના કોડ ,
સોળે શણગાર સજી લેવા આતુર એણે હાથવગો રાખ્યો છે મોડ !
આવી નઠારાઈ શોભે ? જ્યાં કહેવાતું મેઘ તો છે સાગરનો ચેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !
– નેહા પુરોહિત
ચોમાસું વહેલું આવશે… ૯૮% જેટલો વરસાદ વરસશે. – હવામાન ખાતાએ આગાહી કરી અને કાળાંડિબાંગ વાદળો લઈ લઈ રોજ ડોકાતો મેઘ છેહ આપીને પાછો ફરી જવા માંડ્યો. ગરમી સહન થતી નથી અને વાદળ ખાલી થતાં નથી એવામાં આવું મજાનું ગીત ન સ્ફૂરે તો જ નવાઈ… આ ગીત હિમગિરી પર ઊભો રહી યક્ષ લલકારે તો મેઘરાજે આવવું જ પડે એવું તાકાતવર ગીત!
(મોડ= લગ્ન વખતે સ્ત્રીઓ માથે રાખે છે તે મોડીઓ : લગ્ન વખતે વરની માને કપાળે બાંધવાનો સુથાડિયા નામના ઘાસની સળીનો બનાવેલો એક ઘાટ: તેની ઉપર કપડું મઢી મોતી જડી બનાવાય છે. મુકુટ એટલે મુગટ. તેમાંથી અર્થ ફેર થઈ કન્યાને કપાળ ઉપર પરણતી વખતે બાંધવામાં આવે છે તે મોડ કહેવાય છે.)
Permalink
June 21, 2017 at 4:01 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર, પ્રકીર્ણ
દૃશ્ય :
મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.
નેપથ્યે :
પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…
આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.
મેઘધનુષ્ય :
ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)
પાંડોબા :
ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)
મેઘધનુષ્ય :
સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને
કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!
બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…
તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!
પાંડોબા :
વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.
મેઘધનુષ્ય :
ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા
પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.
આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’
– ઉદયન ઠક્કર
એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !
Permalink
June 21, 2017 at 3:48 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
– ‘આદિલ’ મન્સૂરી
મક્તામાં ચમત્કૃતિ છે –
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.
Permalink
June 17, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લેન્ગ્સ્ટન હ્યુજીસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?
મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.
દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.
હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?
ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.
પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!
પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.
જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:
માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.
– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર
સમય અને અનુભવ માણસને સતત ઘડતા રહે છે. લગભગ પાંચ વરસ પહેલાં આ જ કવિતાનો અનુવાદ મકાનમાલિકનું ગીત લયસ્તરો પર મૂક્યો હતો. એ વખતે અભણ ગરીબ હબસીની સ્લમ-ભાષાના સ્થાને શિષ્ટ ગુજરાતી પ્રયોજી હતી પણ આ ગ્લૉબલ કવિતા કૉલમ માટે આ કવિતા તૈયાર કરતી વખતે આ ભાષા ડંખી. કવિએ મૂળ અંગ્રેજી ભાષામાં જેવી ભાષા વાપરી છે એવી ભાષા અને પ્રાસરચનાનો વિચ્છેદ કરીને મેં કવિતાનું હાર્દ ખતમ કરી હોવાનું અનુભવાયું. એટલે એ જ કવિતાનો ફરી એકવાર અનુવાદ કરી હુરતની હેરીમાં બોલાતી ભાહામાં પાછી લખી કાઇઢી છે તે અંઈયા મેલું છું. ગમે તો બી કે’જો ને ની ગમે તો બી કે’જો. હમજા કે ની?
Permalink
June 16, 2017 at 3:28 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.
ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.
બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.
તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.
– કિરણસિંહ ચૌહાણ
આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.
Permalink
June 12, 2017 at 2:36 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે
નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.
– મનીષા જોશી
કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………
Permalink
June 10, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
– સંજુ વાળા
એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.
Permalink
June 9, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં
પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં
વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં
નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં
સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં
તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં
બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં
– પંકજ વખારિયા
Permalink
June 8, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!
નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!
નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?
જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.
ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.
મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!
– અમૃત ઘાયલ
જૂનું એટલું સોનું.
(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)
Permalink
June 6, 2017 at 2:13 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.
પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.
તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.
– ગૌરાંગ ઠાકર
Permalink
June 5, 2017 at 4:37 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ !
દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
હવે ચાલી ચાલીને કેમ ચાલું ?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ મારી આંખોમાં થાક
વળી જીવતરમાં મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યાં બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ !
અમે કેમ કરી કરીએ હે રામ ?
અંદર ને અંદરથી રોજ રોજ આમ મને ધીમે ધીમેથી
કોઈ કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારી પર આવીને પડતી ઉપાધિઓ
ખેતરમાં તીડ પડે એમ;
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ ?
અમે કેમ કરી કરીએ હે રામ ?
– અનિલ ચાવડા
અલગ અંદાઝનું ગીત……
Permalink
June 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
– ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…
Permalink
June 2, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !
ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !
લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?
રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !
દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !
– સુનીલ શાહ
આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….
Permalink
June 1, 2017 at 5:31 AM by વિવેક · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ

સત્-અસત્ ના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે,
મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે;
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી;
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
– કિરીટ ગોસ્વામી
લયસ્તરોના આંગણે કિરીટ ગોસ્વામી એમનો નવો ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે. કવિનું સ્વાગત અને સ્નેહકામનાઓ…
યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. અને આવી મક્કમ નિર્ધારભરી અર્થસભર લાંબી રદીફ એકપણ શેરમાં લટકી પડતી નથી એ ગઝલનું સૌભાગ્ય. બધા જ શેર પ્રશંસનીય થયા છે.
Permalink
May 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
– અમૃત ‘ઘાયલ’
અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…
Permalink
May 26, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.
ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.
ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.
મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.
રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.
– હર્ષવી પટેલ
કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..
Permalink
May 25, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે
ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે
આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે
ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે
ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે
જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે
– સ્નેહી પરમાર
‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.
Permalink
May 22, 2017 at 8:49 AM by તીર્થેશ · Filed under ગીત, હરિવંશરાય બચ્ચન
मैं एक जगत को भूला,मैं भूला एक ज़माना,
कितने घटना-चक्रोंमें भूला मैं आना-जाना,
पर सुख-दुख की वह सीमा मैं भूल न पाया, साकी,
जीवन के बाहर जाकर जीवन मैं तेरा आना।
तेरे पथ में हैं काँटें था पहले ही से जाना,
आसान मुझे था, साक़ी, फूलों की दुनिया पाना,
मृदु परस जगत का मुझको आनंद न उतना देता,
जितना तेरे काँटों से पग-पग परपद बिंधवाना।
सुख तो थोड़े से पाते,दुख सबके ऊपर आता,
सुख से वंचित बहुतेरे, बच कौन दुखों से पाता ;
हर कलिका की किस्मत में जग-जाहिर, व्यर्थ बताना,
खिलना न लिखा हो लेकिन है लिखा हुआ मुरझाना !
– हरिवंशराय बच्चन
ઓશોના એક પુસ્તકમાં એક રુબાઈ વાંચી પછી બાકીની શોધી કાઢી. કવિની લાક્ષણિક સરળ ભાષા અને ગહન વાત દરેકમાં નજરે ચડે છે. ત્રણેનો સૂર અલગ છે – ક્યાંક વિરહની શૂળ છે, ક્યાંક શુદ્ધ પ્રેમનું માહત્મ્ય, તો ક્યાંક અનિત્યબોધ…..
Permalink
May 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.
શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.
વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.
અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.
કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!
કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.
પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!
– ભાવેશ ભટ્ટ
સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….
Permalink
May 19, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી,
જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી.
વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની,
એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી.
વેડ્ફ્યો ખાસ્સો સમય એ પામવાની લ્હાયમાં,
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી.
મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.
ડૂબવા માટે પ્રથમ તો આંખ પણ પૂરતી હતી,
ને પછી એવું થયું આખી નદી ઓછી પડી.
હું મને ક્યારેય રંગે હાથ ના પકડી શક્યો,
દર વખત મારા વિષેની બાતમી ઓછી પડી.
– ભાવિન ગોપાણી
સમયથી વધુ સાપેક્ષ શું હોઈ શકે? તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે, પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય. કાળની આ અકળ ગતિને ભવિન ગોપાણી ખૂબ સ-રસ રીતે મત્લામાં સમજાવે છે. ઘડીથી સદી વચ્ચેની જિંદગી પાતળા અસંતોષના પ્રતાપે જ જીવવા જેવી લાગે છે. ઓછી પડી જેવી રદીફ સાથે કવિએ જે કાબેલિયતપૂર્વક કામ પાર પાડ્યું છે એ જોતાં સહેજે કહેવાનું મન થઈ જાય કે આ ગઝલ ઓછી પડી…
Permalink
Page 39 of 113« First«...383940...»Last »