(ટેરવાંની જેલમાં) – પાર્થ તારપરા
પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય.
આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય.
પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,
થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય
માણી રહી છે જિંદગી એવી રીતે મને,
જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય.
ભાગી છૂટે તો કેટલી હો-હા કરી મૂકે,
આ ટેરવાંની જેલમાં જે સ્પર્શ કેદ હોય.
માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.
– પાર્થ તારપરા
સુરતમાં દર મહિને યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠીની કોઈ સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો તે નિતનવી કલમ પાસેથી મળતી રહેતી સશક્ત રચના. પાર્થ તારપરાનું નામ જો કે સોશ્યલ મિડિયાના કારણે હવે અજાણ્યું નથી પણ લયસ્તરોના આંગણે આ એનો પહેલો ટકોરો છે. આશા રાખીએ કે હવેથી લયસ્તરો પર એ અવારનવાર આવતો રહે.
માત્ર મત્લાના શેરથી જ કવિ મેદાન મારી જાય છે અને આખરી શેર સુધી ગઝલની મજબૂતી બરકરાર રાખી શકે છે એ જ મજા છે. બધા જ શેર દાદ માંગે એવા છે.