(યુદ્ધમાંથી પાર તો પડવું જ છે) – કિરીટ ગોસ્વામી
સત્-અસત્ ના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે,
મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે;
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી;
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
– કિરીટ ગોસ્વામી
લયસ્તરોના આંગણે કિરીટ ગોસ્વામી એમનો નવો ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે. કવિનું સ્વાગત અને સ્નેહકામનાઓ…
યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. અને આવી મક્કમ નિર્ધારભરી અર્થસભર લાંબી રદીફ એકપણ શેરમાં લટકી પડતી નથી એ ગઝલનું સૌભાગ્ય. બધા જ શેર પ્રશંસનીય થયા છે.
Meena said,
June 2, 2017 @ 1:27 AM
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
વાહ!
અને …
યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. – સરસ
Vineshchandra Chhotai said,
June 2, 2017 @ 7:33 AM
Hariaum namaskar Support the cause always ,will reach the destination one day ,with prem.n om
Rakesh Thakkar, Vapi said,
June 2, 2017 @ 9:30 AM
સચોટ લખ્યું છે… એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
શુભકામનાઓ !