ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.
ચિનુ મોદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2010

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !

Comments (23)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Zanzat tamam padti muki bes thodi vaar
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

*

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે.  એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે.  બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…

Comments (16)

ગઝલ – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…

Comments (11)

ગઝલ – અલ્પેશ કળસરિયા

શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !

ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !

ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !

જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !

ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !

– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩

વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…

Comments (17)

એક પાંદડું – ડેવિડ ઈગ્નાતો

એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.

-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.

હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.

અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !

Comments (9)

(પત્તાંનો મહેલ) – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા

સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.

Comments (15)

નથી શકતો – ઘાયલ

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

Comments (11)

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે

– આકાશ ઠક્કર

Comments (11)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૨)

ગયા અઠવાડિયે પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ સંગ્રહના વિમોચન નિમિત્તે મેં આપેલ ટિપ્પણીનો અડધો ભાગ આપણે અહીં જોયો. હવેએ પ્રવચનનો બાકીનો ભાગ માણીએ:

*

Gaurav

*

એવું કહીએ કે કવિ માત્ર પ્રેમની જ વાતો કરે છે તો એ પણ સાચું નથી. કવિ કેટલાક ચિંતનાત્મક શેરો પણ લઈ આવે છે:

આદત સફરની એવી પડી’તી કે શું કહું ?
રસ્તો પૂરો થયો છતાં હું ચાલતો રહ્યો.

ફૂલ સાથે રહી કંઈ ફરક ના પડ્યો,
કંટકો સાવ એવા ને એવા રહ્યા.

પાણીને બદલે ઝાંઝવામાં ફેરવું છું નાવ,
ડૂબી જવાની એટલે ચિંતા નથી હવે.

તેં પરિચય કરાવ્યો ભીતરનો મને,
તારો હે રિક્તતા ! ખૂબ આભાર છે.

ચિંતનાત્મક શેર ક્યારેક ઉપરથી ખૂબ સાદા દેખાતા હોય છે પણ એમની આ છેતરામણી સાદગીની પાછળનું સાચું સૌંદર્ય ચૂકી જવાય તો સરવાળે ભાવકને જ નુક્શાન થાય છે. એક ઉદાહરણ જોઈએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

– આ શેર ઉપરથી કેટલો સરળ લાગે છે! પણ સહેજ વિચારતાં માલુમ પડે છે કે કવિએ એક નાની બહેરના શેરની બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે ! છીપ ધીમેથી ઊઘડે અને અંદરથી મોતી જડે એવો છે આ શેર. ફરી સાંભળીએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

એવો જ એક અદભુત શેર આ સંગ્રહમાંથી મળી આવે છે. ગુજરાતી સાહિત્યના ચિરસ્મરણીય શેરોની યાદીમાં આસાનીથી સમાવિષ્ટ થઈ શકે એવો. જુઓ:

ક્યારનો મંજિલ ઉપર પહોંચી ગયો હોત,
હર કદમ પર મુજને આ રસ્તા નડે છે.

કવિ શબ્દો વડે મજાનું ચિત્ર પણ ખડું કરી શકે છે. સૌંદર્ય અને પ્રકૃતિને પણ કવિ એટલા જ વહાલથી અડે છે:

સ્પર્શવી છે સુગંધને ‘ગૌરવ’,
પણ પવન જેવી આંગળી ક્યાં છે ?

આ કવિ શબ્દ અને મૌનની વચ્ચેના એકાંતને પણ અડકી શકે છે. એ મૌનની તાકાત પણ જાણે છે અને શબ્દોના વિસ્ફોટથી પણ પરિચિત છે. જુઓ:

શબ્દ ફાટે છે ક્યારેક એવી રીતે,
મૌનમાં પણ તિરાડો પડી જાય છે.

હોઠના ઘરમાં પ્રવેશી ચુપકીદી,
ને બિચારો શબ્દ બેઘર થઈ ગયો.

– આ થઈ ગૌરવની ગઝલો વિશે થોડી વાત. એની ગઝલોમાં કેટલું સત્વ છે એ જોયું. હવે એની ગઝલો ક્યાં નબળી પડે છે એ પણ જોઈ લઈએ. ગૌરવના સંગ્રહમાંથી પસાર થતી વખતે બે વસ્તુ મને સતત ખટકી. એક તો છંદના નાવીન્યનો અભાવ અને બીજું કાફિયાની સજ્જતાની કમી. ગઝલની હવે પછીની ગઝલો પાસેથી છંદબાહુલ્ય અને ચુસ્ત કાફિયાની અપેક્ષા રાખી શકાય…

સરવાળે ગૌરવની ગઝલો  ઊર્મિપ્રધાન છે અને ઉજળું ભવિષ્ય ધરાવે છે… આંખની કમી એની ગઝલોને ક્યાંય નડી નથી, ઊલટી એની સંવેદનાને એના કારણે વધુ ધાર મળી હોય એમ જણાય છે.

ગૌરવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

(‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ., સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯)

કિરણસિંહ ચૌહાણના સાંનિધ્ય પ્રકાશનની આકર્ષક યોજના અને આ કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.

Comments (8)

Page 1 of 4123...Last »