હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2010

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

Comments (8)

જાન્યુઆરી ૩૦ – ઉમાશંકર જોશી

વર્ષમાં ઋતુ હોય શિયાળો,
શિયાળામાં માસ જાન્યુઆરી,
અને જાન્યુઆરીમાં તારીખ ત્રીસમી,
તયેં ઠંડીગાર પકડ હૃદયથી
નિચોવે છે ટપ-
કું રક્તનું,
વિશ્વ જેવડું વિશાળ
પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું.

– ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન -શહીદ દિન- નિમિત્તે લયસ્તરો તરફથી એ યુગપુરુષને નાનકડી શબ્દાંજલિ.

એક નાનું અમથું કાવ્ય જ્યારે આકાશથીય વિશાળ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ પરમાત્માને વામનના ત્રણ પગલાંની જેમ માપી શકે ત્યારે શબ્દની તાકાત ખરેખર શું છે એ ખબર પડે છે. સાચું અછાંદસ કોને કહેવાય એ જાણવું હોય તો આ કવિતા ચૂકવી ન જ જોઈએ. શિયાળાની ઋતુમાં શરીર નિચોવી નાંખતી ઠંડી જાણે ત્રીસમી જાન્યુઆરીના દિવસે હૃદય નિચોવતી હોય એમ કવિ અનુભવે છે કેમકે આ દિવસ ભારતના ઇતિહાસનું સહુથી કાળું પાનું છે. વાત એક સંવેદનાસિક્ત લોહીના ટીપાંની જ છે પણ કવિ ‘ટપકું’ શબ્દને ‘ટપ’ અને ‘કું’માં વહેંચી દઈને જાણે અમૂર્તને મૂર્ત કરે છે એમાં જ આ કવિતાની ખરી કમાલ છે… પણ આ ટપકું ગાંધીના હૃદયમાં વાગેલી ગોળીના કારણે નીકળ્યું છે.. એ વિશ્વ જેવું વિશાળ છે અને એમાં સાક્ષાત્ પરમાત્મા પ્રતિબિંબિત થાય છે…

ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને !!

Comments (5)

શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે

– કનક રાવળ

White Shadows

Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?

– Kanak Ravel

દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)

એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…

Comments (14)

અડધું-અધૂરું – હર્ષદ ચંદારાણા

ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું

શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું

આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું

હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું

‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું

– હર્ષદ ચંદારાણા

કવિએ ખૂબ જ વેધક વાત કરી છે-  આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી.   પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો.  ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !

Comments (26)

ગઝલ – સુરેશ ઝવેરી

ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.

 પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં. 

દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!

સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.

ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!

વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.

– સુરેશ ઝવેરી

દોરાધાગા ને ટીલાંટપકાંવાળા ઠેર ઠેર ફૂટી નીકળતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા કહેવાતા ચમત્કારીક ‘અવતારી’ બાબાઓ ખરેખર તો પેલી દસ માથાળી રાવણવૃત્તિથી વિશેષ હોતા જ નથી… કાશ, આટલી વાત ‘શ્રદ્ધાળુ’ ભક્તો સમજી શકે !   ગંગાજળવાળો શે’ર તો ખૂબ જ સ્પર્શી ગયો…

Comments (9)

ધારો કે – મનહર મોદી

ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું

મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું

હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું

ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું

ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું

– મનહર મોદી

Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે.  સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.

Comments (11)

આંખની સામે ઊભરાય છે દ્રશ્યો – શ્રીનાથ જોશી

દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

– શ્રીનાથ જોશી

દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.

ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ  !

Comments (5)

ગઝલ – હરીન્દ્ર દવે

સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

– હરીન્દ્ર દવે

બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.

Comments (10)

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
.            એ તો એક માત્ર પુત્રનું મરણ :
.            માતા કદી ચેનથી સૂએ ?

પ્રેમ
.            એ તો મધમાખી કેરા વિષડંખ :
.           લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
.          એ તો હૃદયે હુલાવેલી કટાર :
.          પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી

પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

Comments (7)

ગોવાલણ – ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)

મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.

– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !

Comments (7)

Page 1 of 4123...Last »