ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં
– હરિશ્ચંદ્ર જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

કદી મૌન થૈને સરી ગયા….- આદિલ મન્સૂરી

કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા

અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા

અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા

બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા

અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા

જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા

અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા

– આદિલ મન્સૂરી

 

આદિલની લાલાક્ષણિક છટા….સરળ બાની પણ અર્થગાંભીર્ય પૂરું…..

Comments (2)

તમારી યાદના સૂરજ- આદિલ મન્સૂરી

તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા,
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા.

નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.

નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.

પડ્યાં છે પીઠ પર જખ્મો; મુકું આરોપ કોના પર?
ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતા.

ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.

સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
પરંતુ એ દુઃખોનું શું જે વ્હેંચાઈ નથી શકતા.

પછી એ વાદળો તૂટી પડે છે દર્દના રણમાં,
સમી સાંજે સુરાલય પર જે ઘેરાઈ નથી શકતા.

ગઝલ સારી લખો છો આમ તો ‘આદિલ’ સદા કિંતુ,
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા.

– આદિલ મન્સૂરી

પરંપરાગત રચના છે પણ અમુક શેરમાંની ગહનતા જુઓ !!!! 1,2,5 અને 6 શેર ખાસ…. મક્તો આખી ગઝલનો મૂડ મારી નાખે છે….😀😀😀

Comments (7)

(હાથમાં) – આદિલ મન્સૂરી

હોય શું બીજું તો ખાલી હાથમાં
ખાલીપો ખખડે સવાલી હાથમાં

હોઠ પર દરિયો ઘૂઘવતો પ્યાસનો
કાચની એક ખાલી પ્યાલી હાથમાં

ભાગ્યરેખા હાથથી સરકી ગઈ
રહી ગઈ બસ પાયમાલી હાથમાં

હાથમાં ફીકાશ વધતી જાય છે
ક્યાંથી આવે પાછી લાલી હાથમાં

હાથ એનો હાથતાલી દૈ ગયો
ને હવે પડઘાય તાલી હાથમાં

એક છાયા રાતભર ઘૂમે અહીં
ચાંદનીનો હાથ ઝાલી હાથમાં

– આદિલ મન્સૂરી

સરળ-સહજ-સુંદર…

Comments (2)

પાનખર – આદિલ મન્સૂરી

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

– આદિલ મન્સૂરી

Comments (5)

સ્વપ્નસ્થ આંખડી – આદિલ મન્સૂરી

ચોમેર મૃગજળોની દીવાલો ઊભી કરી,
જોઈ રહ્યો છે એને હવે પ્યાસો માનવી.

ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની,
સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી.

થોડા વધુ નજીક જો આવે આ તારલા,
પૃથ્વી તો પૃથ્વી સૂર્ય યે દેખાય ના પછી.

ડૂબી ગયા છે આંખમાં આંસુના સાગરો,
થીજી ગઈ છે દિલમાં ઉમંગોની ચાંદની.

હું છું કે જાણે ગ્રીષ્મની બળતી કોઈ બપોર,
તું છે કે જાણે પોષની પૂનમની ચાંદની.

સ્વપ્નાની સાથસાથ ગઈ મીઠી નીંદ પણ,
લૂંટી ગઈને કોઈને સ્વપ્નસ્થ આંખડી.

કોણે કહ્યું કે તંગ પડે છે ગઝલ-ધરા
પગ તોડી બેસી જાઓ તો દુનિયા છે સાંકડી.

-આદિલ મન્સૂરી

Comments (1)

ખંડેર – ‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

– ‘આદિલ’ મન્સૂરી

 

મક્તામાં ચમત્કૃતિ છે –

ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.

ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.

Comments (2)

આવો – આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો,
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– ‘આદિલ’ મન્સૂરી

Comments (5)

રજકણ સુધી – ‘આદિલ’ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં ‘આદિલ’ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

– આદિલ મન્સૂરી

Comments (2)

ગઝલ – આદિલ મન્સૂરી

ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર

અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર

છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર

મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે
પડછાયા ઓતપ્રોત છે કોના દીવાલ પર

– આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરીના ગઝલસંગ્રહ “ગઝલના આયનાઘરમાં” ટૂંકી ગઝલ શોધવી હોય તો શ્વાસ ચડી જાય એ રીતની લાંબી ગઝલો વચ્ચે એક આ ગઝલ મળી આવી. ‘રે મઠ’ના અગ્રણી પ્રણેતા જનાબ આદિલની આ ગઝલ મનહર મોદીની ગઝલોની જેમ થોડી એબ્સર્ડ પણ લાગે. ગઝલમાં વપરાયેલા પ્રતીકો પણ મગજને ચકરાવે ચડાવી દે એવા લાગે. પણ ગઝલમાંથી પસાર થઈએ તો સરવાળે ગઝલનો મિજાજ આપણને સ્પર્શી જાય છે. સમજી ન શકાય એવી મજા આવે છે અને એ જ આ ગઝલની મજા છે.

ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર – ધ્યાન રહે, અહીં ધોળું વિશેષણ બળદ માટે નહીં, ખોપરી માટે છે. ધોળી ખોપરી અને કાળી દીવાલ શું મનુષ્યનો ચહેરો અને વાળ સૂચવે છે? એ સંદર્ભમાં બળદ એ ઘાણી ફરતે નિર્હેતુક ચક્કર કાપતો દેખાય અને આપણે આ ભવાટવિમાં ચોર્યાસી લાખ ફેરા કરતાં હોઈએ એવું અભિપ્રેત થાય. કાળી દીવાલ એ મૃત્યુનું પણ ઇંગિત હોઈ શકે.

આ રીતે એક પછી એક બધી પંક્તિઓ ઉકેલી શકાય અથવા આ ગઝલ સાવ બકવાસ છે એમ કહીને હાથ પણ ખંખેરી નાંખી શકાય…

Comments (24)

ગઝલ – આદિલ મન્સૂરી

તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં

ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં

હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં

એ તો સાક્ષાત્ સમય છે પોતે
મારી એકાંતની ક્ષણ લૈ જાઉં

જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં

– આદિલ મન્સૂરી

આખી ગઝલ મજબૂત પણ હું તો પહેલા શેરનો જ આશિક બની ગયો… યાદોના હરણ જાણે કે આખું રણ… અસીમ…. અનંત… ધગધગતું… બળઝળતું… સૂક્કુંભઠ્ઠ… આભાસથી ભરપૂર… અને આ બધું પોતાની જ પીઠ પર વેંઢારવાનું… વાહ કવિ!

Comments (5)

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે – આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

Comments (4)

જે વાત – આદિલ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

– આદિલ મન્સૂરી

Comments (7)

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે જવાહર બક્ષીની ગઝલ માણી. એ પહેલા રઈશભાઈની ત્રણ રચનાઓ માણી. એ સૌના contrast રૂપે આજે આ પરંપરાગત અને આશરે પચાસ વર્ષ જૂની રચના મૂકી છે…… ગઝલની યાત્રા સ્પષ્ટ દેખાય છે……

Comments (7)

કાંટો નીકળ્યો – આદિલ મન્સૂરી

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.

પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.

રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.

એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.

જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

– આદિલ મન્સૂરી

સો ટચનું સોનું !

Comments (13)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – આદિલ મન્સૂરી

નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે

હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે

ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે

યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે

હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે

– આદિલ મન્સૂરી

ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…

Comments (6)

અંગત અંગત : ૦૨ : મારા દરેક શ્વાસ જેના ઋણી છે…

‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગઈ હોય કે મહત્ત્વનો ‘ટર્નિંગ પૉઇન્ટ’ સાબિત થઈ હોય એવી રચના પોતાની કેફિયત સાથે મૂકવાનું ધવલે સૂચવ્યું એ દિવસથી વિમાસણમાં પડી જવાયું. કઈ કવિતા પર આંગળી મૂકવી અને કઈ પર નહીં એ ધર્મસંકટ બની ગયું. મારા વાચનખંડના બધા જ પુસ્તકો એકસામટા છાતી પર ધસી આવ્યા. મનોજ ખંડેરિયાની ગઝલો જેણે મને અજાણપણે કાફિયા-રદીફનું જ્ઞાન આપ્યું હતું એમાંથી એક પસંદ કરું કે કલાપીની આપની યાદીથી ચડેલા અનંત કેફને યાદ કરું, મરીઝનું ગળતું જામ હાથમાં લઉં કે પછી ગનીચાચાની દિવસો જુદાઈના જાય છે ને સ્મરું,  કાન્તની સાગર અને શશીના કારણે કવિતામાં આવતી સૌંદર્ય દૃષ્ટિ ખુલી હતી એની નોંધ લઉં કે પછી ઉમાશંકરના ભોમિયા વિનાની કંદરાની વાત કરું – આ વિમાસણમાં હતો ત્યાં જ ઊર્મિ સાથે ફોન પર વાત કરતાં કરતાં મનમાં પ્રકાશ થયો… શા માટે એ એક આખી ગઝલ અને એક ગઝલની પંક્તિની વાત ન કરું જેણે મારી આખી જિંદગી જ બદલી નાંખી હતી !

ગઝલ

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

-વિવેક મનહર ટેલર

*

ગઝલ પંક્તિ

(આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,)
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો !

– આદિલ મન્સૂરી

*

જે શાળામાં ભણ્યો હતો એ જ જીવનભારતીના ઑડિટોરિયમમાં 1990-91ની આસપાસ એક કવિસંમેલનમાં કવિતા વાંચવા ગયો. કોલેજની જ એક છોકરી એ કવિ સંમેલનના એક ખૂણામાં બેઠી હતી અને મારા શબ્દો પોતાના લોહીમાં આત્મસાત્ થતા અનુભવી રહી હતી. મારી જાણ બહારની અમારી એ મુલાકાત પછી તો પ્રણય અને પરિણયમાં પરિણમી પણ મારા હાથમાંથી ગઝલ અને એ રીતે કવિતા છટકી ગયાં. શરૂમાં કોલેજના અભ્યાસની તાકીદ અને પછીથી નોકરી, પછી કન્સલ્ટિંગ રૂમ અને એ બાદ હૉસ્પિટલ શરૂ કરી જીવનમાં ઠરીઠામ થવાની અસંમજસ હતી કે પછી એક જ દિશામાં વળી રહેલી મારી ગઝલ માટેનો સમયનો તકાજો હતો પણ દોઢ દાયકા સુધી કશું નોંધપાત્ર લખી ન શકાયું. પંદરેક વર્ષમાં તો હું ભૂલી પણ ગયો કે હું ક્યારેક કવિતા પણ કરતો હતો. લખવાનું ભૂલી ગયો અને વાંચવાનુંય વિસારે પડી ગયું. પણ મારી કવિતાને ન ભૂલી તો માત્ર ઑડિટોરિયમના ખૂણે બેઠેલી એ છોકરી જે એની દરેક વરસગાંઠ પર, અમારી દરેક પ્રપોઝલ એનિવર્સરી ઉપર અને દરેક લગ્નતિથિ પર ‘શું ભેટ જોઈએ છે’ એવા મારા પ્રશ્નના જવાબમાં દર વરસે આગલા વરસોની લાગલગાટ નિરાશાઓ ખંખેરીને, એક નવા જ ઉત્સાહથી અચૂક એક નવી ગઝલ જ માંગતી રહી, એટલી હદે કે આગલી વર્ષગાંઠ પર એને ભેટવાળો પ્રશ્ન પૂછતાં મને બીક અને શરમ પણ લાગવા માંડી.

મેં ગઝલ તો ન લખી આપી પણ અંદર સતત કંઈક કોરાતું રહેવાનું અનુભવી રહ્યો. 2005ના શરૂઆતના ગાળામાં જીવનભારતીના એ જ ઑડિટોરિયમમાં નવોદિત કવિઓનું ‘ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો’ નામથી કવિ સંમેલન યોજાયું. અમે બંને શ્રોતાગણમાં બેઠાં. એક પછી એક કવિ કવિતા રજૂ કરતાં ગયાં પણ અમે બંનેએ સમાન તીવ્રતાથી અનુભવ્યું કે અમે સમયના કોઈ બીજા જ ખંડમાં પહોંચી ગયા હતા… એ જ શાળા… એ જ મંચ… હું સ્ટેજ ઉપરથી ‘ઝાકળ’ ગઝલ રજૂ કરી રહ્યો હતો અને એ પાંખડી સમ ભીંજાતી હતી… વરસો પહેલાંની એ ઘટના અમે બંને એ એકસાથે અનુભવી. તીવ્ર વેદનાનો અનુભવ થયો. સખત ભીંસામણ છાતીના પિંજરાને કચડતી હતી, જાણે ભીતર જ્વાળામુખી ન ફાટવાનો હોય ! આર્દ્ર આંખે અમે બંનેએ એકમેક સામે જોયું. આજે આ જ મંચ ઉપર પેલા કવિમિત્રોની પડખે બેસીને કવિતા વાંચવાના બદલે હું શ્રોતાગણમાં બેસીને એમને સાંભળતો હતો…. એણે મારા હાથ પર એનો હાથ દાબ્યો… પથ્થર ફોડીને ઝરણું શું આ જ રીતે નીકળતું હશે ?

…બસ, એ ઝરણું એ પછી અવિરત vmtailor.comના નામે આપ સહુ સુધી પહોંચતું રહ્યું છે…

Comments (28)

ગઝલ – આદિલ મન્સૂરી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.

એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

– આદિલ મન્સૂરી

આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…

Comments (20)

પળ આવી – આદિલ મન્સૂરી

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

– આદિલ મન્સૂરી

એક પળમાં આખી જિંદગીને બદલી નાખવાની તાકાત હોય છે. એ કાવડમાં એકસાથે, ગઈ પળ અને આવનારી પળ , બન્નેને જતનથી ઊંચકીને ફરવાની કળાનું નામ છે જિંદગી.

Comments (9)

ગઝલ – આદિલ મન્સૂરી

ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને

સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને

ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને

આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને

હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને

બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને

આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને

– આદિલ મન્સૂરી

પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.

Comments (10)

(યાદના છાંટા ન મોકલાવ) -આદિલ મન્સૂરી

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.

-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે!  અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.

Comments (13)

અમર હોય જાણે – આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે.  કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (17)

મૌન બોલે છે – ‘આદિલ’ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.

ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી

Comments (17)

એક બેઠક આદિલ મન્સૂરી સાથે

વડોદરાની એક ચેનલે લીધેલો ઈંટરવ્યૂ જેમા આદિલસાહેબ દિલ ખોલીને જૂની યાદો તાજી કરે છે. આભાર: તાહા મન્સૂરી, અમદાવાદ.

ભાગ એક:

ભાગ બે:

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે – આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/12 nadi ni ret ma MUSIC.mp3]

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…

[audio:http://urmisaagar.com/saagar/audio/Story of Maley na maley.mp3]

આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.

Comments (17)

પરંતુ – ‘આદિલ’ મન્સૂરી

સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)

– ‘આદિલ’ મન્સૂરી

આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.

Comments (4)

વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !

Comments (14)

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

Comments (20)

ગઝલ – આદિલ મન્સૂરી

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

– આદિલ મન્સૂરી

આ ગઝલ તદ્દન કાળીમેશ નિરાશામાંથી જન્મેલી છે. છેલ્લો શેર બહુ સરસ થયો છે… પોતાની જાતને માટીના ઠેકરા, અને એ પણ એઠા, સાથે સરખાવીને કવિએ સરસ ચોટ ઉપજાવી છે.

Comments (6)

ગઝલ – આદિલ મન્સૂરી

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે મનોજ ખંડેરિયાની આટલા જ શેરવાળી, આ જ છંદ, આ જ રદીફ અને બહુધા આવા જ કાફિયાવાળી એક શબ્દ-ગઝલ માણી. આજે વાંચીએ આદિલ મન્સૂરીના શબ્દને…

અવાજને જ્યારે અર્થ મળ્યો ત્યારે એ શબ્દ થયો પણ એજ શબ્દને જ્યારે દુન્યવી ‘અર્થ’નો-વિનિમયનો સ્પર્શ થયો ત્યારે એનું સૌંદર્ય મરી પરવાર્યું. પહેલી કડીમાં કવિ જ્યારે શબ્દના વિસ્તારના વધતા જવાની વાત કરે છે ત્યારે ક્ષણાર્ધભર માટે લાગે છે કે કવિ શબ્દનો મહિમા કરી રહ્યા છે પણ બીજી કડી કવિએ કરેલા ઉપાલંભને ખુલ્લો કરે છે. શબ્દની શક્તિથી અજાણ લોકો જ્યારે શબ્દને શસ્ત્ર બનાવી દુનિયાના મેદાનમાં ઊતરે છે ત્યારે કેવા દુષ્પરિણામ આવી શકે છે ! અને વાત શબ્દની હોય અને કવિ મૌનનો ઉલ્લેખ ન કરે એમ કેમ બને ? પણ આજે આપણો માંહ્યલો એટલો છીછરો બની ગયો છે કે કોઈ વાત માંડીને ન કહેવામાં આવે તો આપણને ટપ્પી પડતી નથી.
નાછૂટકે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે પણ એમાં કેટલી પીડા છે એ તો આ શેર વાંચતા જ અનુભવાય છે. અને આખરે કવિ ફરીથી શબ્દના વહેવારની વાત પર આવી જાણે કે એક વર્તુળ પૂરું કરે છે. આજનો શબ્દ અર્થના અંધારાઓમાં એ રીતે ગુમાઈ ગયો છે કે એનું પોતીકું ગૌરવ જ ગુમાવી બેઠો છે…

Comments (9)

આ જિંદગીયે…. – આદિલ મન્સૂરી

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

-આદિલ મન્સૂરી

‘અમેરિકન ફેડરેશન ઑફ મુસ્લિમ ઑફ ઈન્ડિયન ઑરીજીન’ના ઉપક્રમે ઉર્દૂ-ગુજરાતીના જાણીતા ગઝલકાર શ્રી આદિલ મન્સૂરીને “લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ” એનાયત થયો એ હકીકતે તો પુરસ્કારનું જ બહુમાન થયું છે. કવિશ્રીને અભિનંદન કે શુભેચ્છા પાઠવવા માટે “લયસ્તરો”ના હાથ ખૂબ નાના છે, છતાં મોકળા મને આ મોટા ગજાના આદમીને અમારી અદની શુભકામનાઓ… આ મુબારક મોકાને એમની જ કાવ્યપંક્તિથી બિરદાવવો હોય તો આ જ ગઝલની આ પંક્તિઓ વાપરી શકાય ને? –બધાય પંથ વળી જાય છે તમારી તરફ, તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

Comments (15)

ગઝલ – આદિલ મન્સૂરી

ઈશ્વર
પથ્થર

બિંદુ
સાગર

પ્રશ્નો
ઉત્તર

માનવ
પામર

આદિલ
શાયર

-આદિલ મન્સૂરી

છંદનું એક જ આવર્તન હોય અને એક જ શબ્દનો મિસરો હોય એવી સાવ જ ટૂંકી-ટચ ગઝલ થોડા સમય પહેલાં આપણે અમૃત ઘાયલની કલમે વાંચી. અન્ય સાહિત્યકારોએ પણ આવા પ્રયોગ કર્યા છે. આજે માણીએ આદિલ મન્સૂરીની એવી જ વાંચતા પહેલાં જ પૂરી થઈ જાય એવી છતાં થોભો તો ચમત્કૃતિ અનુભવાય એવી એક ગઝલ…

Comments (6)

ભાગ્યમાં જે હોય છે તે થાય છે – ‘આદિલ’ મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

‘આદિલ’ મન્સૂરી

Comments (6)

કબૂલાત – ‘આદિલ’ મન્સૂરી

હા, કબૂલ્યું હું,
નામ બદલી
મૌનનાં કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છદ્મવેશે.

છંદના ખંડેરમાં બેસું કદી
ભાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.

હાઇકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારી દઉં ગઝલના કાનમાં
એકેક ચપટા શબ્દના પોલાણને
અંદર જઇ, જોઉં, તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઇને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.

હા! કબૂલ્યું. ગુપ્તચર હું.

‘આદિલ’ મન્સૂરી

જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
આ સરસ કાવ્યમાં તે વાત તેમણે કબૂલી છે.
પણ કેવી રીતે ? અને કેવા ગુપ્તચર? !
આદિલજી! અમને પણ આ વિદ્યા શીખવશો?

Comments (4)

રોકો – ‘આદિલ’ મન્સૂરી

લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો

ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો

– ‘આદિલ’ મન્સૂરી

મૂળ આધાર ખસે છે… એક લીટીમાં બહુ મોટી વાત આવી જાય છે. આપણા દેશમાં, અને કંઈક અંશે લોકોના દિલમાં, જે તિરાડ થઈ ગઈ છે એની વાત છે. મારા પોતાના કહેવાય એવા ‘ભણેલા અને સંસ્કારી’ લોકોને ધર્મના નામે ચાલતી લડવાડનો બચાવ કરતા સાંભળું છું ત્યારે ખ્યાલ આવે છે કે… ખરેખર, આધાર જ ખસી ગયો છે !

Comments (3)

ગઝલ ગુર્જરીનો નવો અંક : આદિલ મન્સૂરી સપ્તતિ પર્વ વિશેષ

ગઝલ ગુર્જરીનો નવો અંક પ્રગટ થઈ ગયો છે. નવો અંક શ્રી આદિલ મન્સૂરીના સપ્તતિ પર્વ નિમિત્તે એમની રચનાઓને સમર્પિત છે. આ અંકમાં ગુજરાતના ખ્યાતનામ સર્જકોના આદિલસાહેબના જીવન અને કવન અંગેના રસપ્રદ લેખો છે. મળે ન મળેના કવિને નજીકથી મળવાનો આ મોકો ચૂકશો નહીં.

Comments (1)

રોકો – આદિલ મન્સૂરી

લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો

આગને કોણ સળગતી રાખે
શહેરના શે’ર બળે છે રોકો

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો

શબની પેટીથી મતની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો

છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો

– આદિલ મન્સૂરી

Comments (1)

જ્યારે પ્રણયની જગમાં – આદિલ મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

– આદિલ મન્સૂરી

ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.

Comments (20)

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

Comments (4)

કબૂલાત -‘આદિલ’ મન્સૂરી

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

-‘આદિલ’ મન્સૂરી

Comments (2)

મળે ન મળે -‘આદિલ’ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

-‘આદિલ’ મન્સૂરી

Comments (16)