સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે – આદિલ મન્સૂરી
સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.
ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.
ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.
કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.
સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.
– આદિલ મન્સૂરી
La'Kant said,
April 7, 2014 @ 3:23 AM
“સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.”
કેટલી નાજુક સચોટ અનુભૂતિની વાત !
આવાં જ ભાવોરસ્યા ‘કૈંક’ અવતરણો …….
“સૂરજ હો તો,લાગે ભીતર ઉજળિયાત,
શ્રદ્ધા આમ તો ભાઈ,પારસની જ જાત.
ઈશકૃપાની સદા થતી રે’ બરસાત ,
અંતરમાં પછી રહેતું તે, બધું રળિયાત.”
“‘ચેતન’સળવળ મહીં અનહદ જાણી છે!
અકળની કળતર બહુ સઘન માણી છે.”
“અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું.”
-લા’કાંત / ૭.૪.૧૪
lalit trivedi said,
April 7, 2014 @ 3:48 PM
સલામ ,આદિલસાહેબ ! આ બન્દો આપનો આજન્મ આશેીક !
ravindra Sankalia said,
April 16, 2014 @ 7:47 AM
ખુબ સરસ ગઝલ. ” તને સ્મરુને વરસાદ ધોધમાર પડે ‘ અફલાતુન કલ્પના છે.
DARSHIT ABHANI said,
July 23, 2015 @ 5:11 AM
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે….
વાહ…વાહ…..સાહેબ….શું દીલસ્પર્શી કલ્પના છે…!
લાજવાબ..