તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
અશ્વિન ચંદારાણા

અમર હોય જાણે – આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે.  કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

17 Comments »

  1. ગોવીન્દ મારુ said,

    February 24, 2009 @ 10:52 PM

    ખરેખર આપણે જીન્દગીને સમજ્યા જ નથી. ખુબ જ સરસ ગઝલ- ધન્યવાદ…..

  2. pragnaju said,

    February 24, 2009 @ 10:56 PM

    હવે એમ વેરાન ફાવી ગયું છે,
    ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
    પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
    વસંતોની અહીંયા કબર હોય જાણે.
    વાહ
    લો, ફરી દિલમાં બેકરારી છે;
    ચોટ ખાવાની ઈંતજારી છે.
    કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
    ઋત વસંતોની આવનારી છે.
    મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
    મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ…..

  3. KIRANKUMAR CHAUHAN said,

    February 24, 2009 @ 11:10 PM

    કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.
    કેટલો સુંદર ને સહજ બોધ. અહીં ગઝલ પણ મળે છે ને તત્વજ્ઞાન પણ.

  4. ઊર્મિ said,

    February 24, 2009 @ 11:10 PM

    કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.

    આ શેર મારો પણ એકદમ ફેવરીટ છે…!

  5. તાહા મન્સૂરી said,

    February 25, 2009 @ 12:35 AM

    મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
    કે માણસને માણસનો ડર હોય જાણે.

    કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.

    આ બે શેર આદિલસાહેબને ખુબ ગમતા હતા.

  6. વિવેક said,

    February 25, 2009 @ 1:30 AM

    કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.

    – આ શેર જેટલો સાચો છે, આ શેર એટલો જ સુંદર:

    ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
    કોઇની ઢળેલી નજર હોય જાણે.

  7. RAMESH K. MEHTA said,

    February 25, 2009 @ 1:30 AM

    કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.

    આદિલ સહેબ ડુબકી મારીને મોતી વિણી લાવ્યા.

    જન્મ સાથે મ્રુત્યુનો પુનરજનમ થાય,
    કોને ખબર, ક્યારૅ અમલ થાય.

  8. manhar m.mody said,

    February 25, 2009 @ 4:57 AM

    ખુબ જ અર્થસભર અને સુંદર ગઝલ.

    ‘કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ’ વાળા શેર થી એક ઉર્દુ શેર યાદ આવે છે;

    ”સામાન સો બરસકા, પલકી ખબર નહી ”

    –‘મન’ પાલનપુરી

  9. sunil shah said,

    February 25, 2009 @ 8:08 AM

    આદિલ સાહેબે ખૂબ જ સૂક્ષ્મ નકશીકામ કર્યું છે..સુંદર ગઝલ.

  10. kuldeep karia said,

    February 25, 2009 @ 11:08 AM

    આદિલ સાહેબની એક નખશિખ સુંદર ગઝલ

    મકાનોમાં લોકો પુરાઈ ગયા છે
    કે માણસ ને માણસનો ડર હોય જાણે

  11. BHARAT JOSHI said,

    February 25, 2009 @ 1:33 PM

    “કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
    બધા માનવીઓ અમર હોય જાણે.”

    ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
    સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
    -’અમર’ પાલનપુરી

  12. aamarkolkata said,

    February 25, 2009 @ 1:36 PM

    સરસ

  13. પ્રતિક મોર said,

    February 25, 2009 @ 11:50 PM

    માણસ છે ભાઈ માણસ

  14. RJ MEET said,

    February 26, 2009 @ 4:02 AM

    Jeevan ma aam to aapne aapi jaat ne j nathi samji shakta…koi hase to kem hase tenu science aapnne khabar che pan aenu rahasya nathi khabar…antar ni kai vaat manas ne radave kai hasave te rahsay haju akbandh che…

  15. Nikita said,

    February 26, 2009 @ 6:24 PM

    યુધિષ્ઠિર એ યક્ષપ્રશ્નના જવાબમાં આમ જ કહ્યું હતું, ક્ષણભંગુર જિંદગી છતાં માનવ એમ જીવે છે જાણે કે એ અમર હોય.

  16. Jagdish Karangiya said,

    May 4, 2020 @ 9:12 AM

    ત્રીજો શેર આજની પરિસ્થિતિ માટે એકદમ પરફેક્ટ બંધબેસતો છે.
    #કોરોના
    #લોકડાઉન

  17. ધવલ said,

    May 4, 2020 @ 10:29 AM

    ખરી વાત છે, જગદીશભાઇ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment