ગઝલ – આદિલ મન્સૂરી
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર
અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર
છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર
મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે
પડછાયા ઓતપ્રોત છે કોના દીવાલ પર
– આદિલ મન્સૂરી
આદિલ મન્સૂરીના ગઝલસંગ્રહ “ગઝલના આયનાઘરમાં” ટૂંકી ગઝલ શોધવી હોય તો શ્વાસ ચડી જાય એ રીતની લાંબી ગઝલો વચ્ચે એક આ ગઝલ મળી આવી. ‘રે મઠ’ના અગ્રણી પ્રણેતા જનાબ આદિલની આ ગઝલ મનહર મોદીની ગઝલોની જેમ થોડી એબ્સર્ડ પણ લાગે. ગઝલમાં વપરાયેલા પ્રતીકો પણ મગજને ચકરાવે ચડાવી દે એવા લાગે. પણ ગઝલમાંથી પસાર થઈએ તો સરવાળે ગઝલનો મિજાજ આપણને સ્પર્શી જાય છે. સમજી ન શકાય એવી મજા આવે છે અને એ જ આ ગઝલની મજા છે.
ધોળી બળદની ખોપરી કાળી દીવાલ પર – ધ્યાન રહે, અહીં ધોળું વિશેષણ બળદ માટે નહીં, ખોપરી માટે છે. ધોળી ખોપરી અને કાળી દીવાલ શું મનુષ્યનો ચહેરો અને વાળ સૂચવે છે? એ સંદર્ભમાં બળદ એ ઘાણી ફરતે નિર્હેતુક ચક્કર કાપતો દેખાય અને આપણે આ ભવાટવિમાં ચોર્યાસી લાખ ફેરા કરતાં હોઈએ એવું અભિપ્રેત થાય. કાળી દીવાલ એ મૃત્યુનું પણ ઇંગિત હોઈ શકે.
આ રીતે એક પછી એક બધી પંક્તિઓ ઉકેલી શકાય અથવા આ ગઝલ સાવ બકવાસ છે એમ કહીને હાથ પણ ખંખેરી નાંખી શકાય…
Sureshkumar G. Vithalani said,
June 19, 2014 @ 6:57 AM
Advil Mansuri was a great ‘ Shayar ‘. I confess, I have not been able to understand this Gazal. I would like to be enlightened by anyone who has understood it, though, I do know that it is always difficult to explain the essence of a Gazal by anybody to any other person, as the Gazal is more about its magnificent presentation than its content which is to be interpreted by each reader in his own way.
Sureshkumar G. Vithalani said,
June 19, 2014 @ 7:03 AM
I am sorry for the typographical mistake . Please read ‘ ADIL ‘ instead of ‘ ADVIL ‘.
beena said,
June 19, 2014 @ 10:18 AM
જીંદગી શુભ્ર અને શ્યામ બન્ને રંગો બતાવે છે.
ચૈતન્ય અને પ્રેમ ને લીધે આપણે સહુ ટકી રહ્યા છીએ .
પણ ખબર નહિ કેમ ક્યાંતો આપણે સ્વદયાના કે સ્વ પીડાનાં એવી કાળા ચશ્મા ચડાવેલા છે કે શુભ્ર જોવાનું ભૂલી જ ગયા છીએ
ખોપડી , કાલીમા વગેરે વાંચીને ઉબકા આવે છે
કાંઈ મઝા નથી આવતી
માત્ર નિરાશા ને બોરિયત
શબ્દો સાથે રમતા આવડે એટલે આવું આપવાનું??
શું કશું સુંદર , ફુલ જેવું કોમળ, મેઘધનુષ જેવું અદભૂત બધુ ચાલ્યું ગયું છે?
જો દુનિયામાં અણગમતું બનતું હોય તો એટલીસ્ટ કવિતામાંકશું સુંદર, કોમળ અને મધુર ન દેખાડી શકે??
કવિ તો મા નિષાદ કહીને કરૂણાનાં ઝરણા વહાવે
લો હવે એક સુહૃદ તરીકે બધા કવિઓને સંબોધીને કહું કે હવે આ ખોપડી અને હાડકા અને દુઃખડા ગાવાનું બંધા કરો
અમારા હૃદયમાં આ બધુ વાંચીને કંટાળોઅને ત્રાસ થાય છે
અને હવે આવા ગીતો પરા વાહા વાહ કરવાની ફેશન પણ છોડો
આખરે દુનિયા સારી છે
લાશ અને ખોપડી ની અંદરથી વ્યંજના શોધી શોધીને આખરે કહેવું શું છે??
ચશ્મા ઉતારીને જોશો તો કોઈ ક ક્યાંક કોયલનો ટહુકો સંભળાય
કે પછી ખીલેલા ગુલમહોર કે કેસુડાનાં રંગો દેખાય તો અમારી આંખોમાં ને કાનોમાં આંજજો
બાકી લખવાનું માંડી વાળશો તો કાંઈ નહિ બગડે
એકાદુ કાવ્ય ભંગાર હોય તો લોકો સુધી પહોંચવાડવાની તકલીફ ઊઠાવવાને બદલે નદીમાં વહાવી દેજો .કાંઈ નહિ તો નદીનાં જળની શીતળતાથી તમારું તપેલું દીમાગ થોદું થંડુ તો થાય
બેીના કાનાણેી
beena said,
June 19, 2014 @ 10:19 AM
જીંદગી શુભ્ર અને શ્યામ બન્ને રંગો બતાવે છે.
ચૈતન્ય અને પ્રેમ ને લીધે આપણે સહુ ટકી રહ્યા છીએ .
પણ ખબર નહિ કેમ ક્યાંતો આપણે સ્વદયાના કે સ્વ પીડાનાં એવી કાળા ચશ્મા ચડાવેલા છે કે શુભ્ર જોવાનું ભૂલી જ ગયા છીએ
ખોપડી , કાલીમા વગેરે વાંચીને ઉબકા આવે છે
કાંઈ મઝા નથી આવતી
માત્ર નિરાશા ને બોરિયત
શબ્દો સાથે રમતા આવડે એટલે આવું આપવાનું??
શું કશું સુંદર , ફુલ જેવું કોમળ, મેઘધનુષ જેવું અદભૂત બધુ ચાલ્યું ગયું છે?
જો દુનિયામાં અણગમતું બનતું હોય તો એટલીસ્ટ કવિતામાંકશું સુંદર, કોમળ અને મધુર ન દેખાડી શકે??
કવિ તો મા નિષાદ કહીને કરૂણાનાં ઝરણા વહાવે
લો હવે એક સુહૃદ તરીકે બધા કવિઓને સંબોધીને કહું કે હવે આ ખોપડી અને હાડકા અને દુઃખડા ગાવાનું બંધા કરો
અમારા હૃદયમાં આ બધુ વાંચીને કંટાળોઅને ત્રાસ થાય છે
અને હવે આવા ગીતો પરા વાહા વાહ કરવાની ફેશન પણ છોડો
આખરે દુનિયા સારી છે
લાશ અને ખોપડી ની અંદરથી વ્યંજના શોધી શોધીને આખરે કહેવું શું છે??
ચશ્મા ઉતારીને જોશો તો કોઈ ક ક્યાંક કોયલનો ટહુકો સંભળાય
કે પછી ખીલેલા ગુલમહોર કે કેસુડાનાં રંગો દેખાય તો અમારી આંખોમાં ને કાનોમાં આંજજો
બાકી લખવાનું માંડી વાળશો તો કાંઈ નહિ બગડે
એકાદુ કાવ્ય ભંગાર હોય તો લોકો સુધી પહોંચવાડવાની તકલીફ ઊઠાવવાને બદલે નદીમાં વહાવી દેજો .કાંઈ નહિ તો નદીનાં જળની શીતળતાથી તમારું તપેલું દીમાગ થોદું થંડુ તો થાય
Harshad said,
June 19, 2014 @ 9:21 PM
like it.
pragnaju said,
June 19, 2014 @ 9:47 PM
સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળા સવાલ પર
વિવેક said,
June 20, 2014 @ 2:21 AM
@ બીના કાનાણી:
આપના પ્રામાણિક પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર… બહુ ઓછા લોકો સાચું બોલી શકે છે… આભાર !
ગઝલ, ચિત્ર, શિલ્પ કે કોઈપણ કળાકૃતિની વાત કરીએ તો દરેક વ્યક્તિની પોતપોતાની પસંદ હોવાની. એકને જે ગમે એ બીજાને પણ ગમે એ જરૂરી તો નથી… ખોપડી કે કાલિમાથી આપને ઉબકા આવતા હોએ પણ દુનિયાભરની તમામ ભાષાની કવિતાઓમાં આનાથી પણ વધુ જુગુપ્સાપ્રેરક શબ્દો અને કલ્પનો શબ્દની શોધ થઈ ત્યારથી જ વપરાતા આવ્યા છે.
આ એબ્સર્ડ ગઝલ છે. એની પહેલી પંક્તિ જેમ મેં મારી સમજણ મુજબ ખોલી આપી એમ હું આખી ગઝલનું પણ પૃથક્કરણ કરી શકું છું પણ એબ્સર્ડ કળાકૃતિની ખરી મજા એને ‘ફીલ’ કરવામાં છે, ચૂંથવામાં નહીં…
અભિપ્રાય બદલ આભાર… જે આપને ભંગાર લાગે એ મને સાચવવા જેવું લાગે પણ ખરું… બરાબર ને ?
ભાવેશ શાહ said,
June 20, 2014 @ 4:22 AM
અજવાળાના શરીરમાં લ્હેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર
અજવાળું યુવાન છે… અજવાળાને જન્મ આપશે.. એકમાંથી બીજી એમ મશાલ પ્રગટશે….અંધકારનો નાશ કરવા..
આ અજવાળા અને અંધકાર રૂપક છે.. ભાવકને અનેક રીતે સ્પર્શી શકે..
sagar kansagra said,
June 20, 2014 @ 5:11 AM
ગઝલ વહે તાર મા ને વાચનાર શોટ થૈ જાય.
beena said,
June 20, 2014 @ 6:28 AM
ભાઈ શ્રી વિવેકભાઈ,
મારા પામાણિક પ્રતિભાવનો પ્રામાણિક એનાલિસિસ બદલ આભાર,
ભાઈલા!! દરેકનાં ચોઈસ અલગ અલગ હોઈ શકે,
એક માતા તરીકે મને ફિકર થાય કે બાળક સારા ખાવાનાને બદલે નકામી વસ્તુ ચૂસ્યા કરે.
સાચી વાત છે
જે સમાજે વિશ્વયુધ્ધો જોયા છે તેમણે જીંદગીની એ કારમી હકીકત જોઈ જાણી છે જે ક્યારય ફરીથી ના દોહરાવી જોઈએ.
અને એક કલાકાર વિશ્વને ચેતવણી આપે ત્યારે આવા જુગુપ્સા જન્માવે એવા પ્રતિકો વાપરે,
હરિંદ્રભાઈ દવે એ વેસ્ટ લેંડનું ભાષાંતર “મરૂભૂમિ “કર્યું તે વાંચીને હેબતાઈ જવાય .
પણ આપણે તો યુદ્ધો જોયા જાણ્યા નથી
હું દ્રડપણે માનું છું કે કલાનો મર્મ અને ઉદેશ્ય માત્ર અભિવ્યક્તિ જ ન હોય
પણ એવી અભિવ્યક્તિ જેને સમયની સંદૂકમાં સાચવી રાખવી ગમે.
પણા જેમ બાળકોને હાથમા સ્ટેન ગના પણ આપી શકાય અને શીખવાડી શકાય કે કોઈનો જીવ કેમ લઈ શકાય
અથવા એના હાથમાં એકાદુ નાનું ગલુડિયું કે નાનકદો છોડ પણા આપી શકાયા અને એને શીખવી શકાયા કે ચૈતન્યની જાળવણી કઈ રીતે કરી શકાય
તેમ માનવજાતને એવું કશું આપીએ જેથી સુંદર હોય તેની જાળવણી થાય ,
સહેતુક લખેલું સાહિત્ય કે કલા એ કલા નથી એમ હું નથી માનતી
દરેક કલા એક કલાકાર અને સુહૃદ વચ્ચેનું કમ્યુનિકેશન છે
અને એ અર્થસભર અને સહેતુક હોય અને સુંદર હોય એ મને તો જરૂરી લાગે છે ,
મને તો આ ખોપડી અને હાડકા જેને સાચવવાની ઈચ્છા થાયા છે એ લાગણીઓ સામે જ વાંધો છે
સારૂં ને સુંદર ગાંઠે ના બાંધીએ
ગમતાનો કરીએ ગુલાલ
અને જે સારૂં ના હોય તેનો અસ્વીકાર કરવાનો વિવેક દાખવીએ તો સુહૃદ
બાકી આપણે કોઈ ટેપ રેકોર્ડર નથી કે જેટલા અવાજો થાય તે રેકોર્ડ કર્યા કરીએ
બીના મધુર મધુર કછુ બોલ !!!
બાકી શું ગમાડવું એ તો આપણો ચોઈસ છે
અને મને એનો જ વિરોધા છે કે માત્ર શબ્દોથી ગુહ્ય બનાવી દઈને જીંદગીનો શોર જ રજૂ કરવાની શી જરૂર
સાતા સૂરોમાંથી સંગીત બની શકે
અને ગમે તેમ સૂરો વગાડવાથી સ્વાજ પેદા થાય સંગીત નહિ
શબ્દો કશોક સુંદર ભાવા સર્જે તો તે કલા બાકી
બકવાસ !!!
સોરી આટલા મહાના કવિ માટે આવું લખવા બદલ.
વિવેક said,
June 20, 2014 @ 9:00 AM
@ બીનાબેન:
શરૂઆતથી જ બે અલગ અલગ વર્ગો આ ક્ષેત્રમાં પ્રવર્તે છે:
૧. કળા ખાતર કળા
૨. જીવન ખાતર કળા
બંને વર્ગોની પાસે પોતપોતાની દલીલો છે. અને બંનેની દલીલોમાં વજૂદ પણ છે.
સાત સૂરો અને સંગીતની આપે વાત કરી… એક માણસ એવો મળશે જે બે મિનિટ પણ શાસ્ત્રીય સંગીત સાંભળી-સહી શકતો નથી, એક માણસ એવો મળશે જેને પોપ સંગીત જ ગમે છે, એક એવો મળશે જે શાસ્ત્રીય સંગીતનો પ્રગાઢ ચાહક છે… શાસ્ત્રીય સંગીત પણ સંગીત છે… કંઠ્ય સંગીત પણ સંગીત છે… ફિલ્મી ગીતો પણ… જૂના ગીતો પણ અને નવા ગીતો પણ… અને પાશ્ચાત્ય ગીતો પણ…
હું તમામ પ્રકારના સંગીતને આવકારવામાં માનું છું…
Naresh Soalnki said,
June 28, 2014 @ 2:23 PM
uparot gazal vanchata evu janay chhe ke te gazal એબ્સર્ડ nathi… ahi thodi kalpanoni arajakata vartay chhe… aam kavi e ahi pratham sher ma ‘ધોળી બળદની ખોપરી’ je kharekhar chandrni upama chhe… ane ‘કાળી દીવાલ પર’ e raat chhe… jethi ahi chandr uge chhe….. ane niche paktima sury aathame chhe … jeno pilo prakas raktni mafak thiji gayo chhe …kavi e aavu chitr kalpano dvara ubhu karyu chhe….
aa rite 2 ane 3 sher ma pan kavi e raat vishe j kalpana kari chhe…
aakhare chhellaa sherma kavi 1 savaal bhavk same mukyo chhe મધરાતે કોણ બારણાં ખખડાવતું હશે……
kavi e aaje kahevaati kavitani jem badhu khulash sathe nahi kahyu teni maza chhe…
bhavk pax tarike sahsarjan no ahi saras upakarm rakhyo chhe
vivekbhai kharekhar khubaj saras kavita vanchava mali aapano khub khub aabhar………
Chintan Shelat said,
June 30, 2014 @ 2:03 AM
અહીં વાંક આ ગઝલ પોસ્ટ કરનાર કવિ(?)નાં અજ્ઞાનનો છે. આ ગઝલ બિલકુલ ઍબ્સર્ડ નથી. જરા ઍબ્સર્ડ સાહિત્ય વિશે જાણી લીધું હોત તો વધુ ખ્યાલ આવત એમને. પોતાને સમજાય નહીં તે ઍબ્સર્ડ આ માન્યતા જેટલી ભૂલ ભરેલી છે તેટલી જ ખતરનાક પણ છે. ઉપર નરેશભાઈની વાત સાથે હું સંપુર્ણ સહમત છું.
બીનાબેન, તમારી પાસે એક વાંચક તરીકે સંપુર્ણ અધિકાર છે કંઈ પણ કહેવાનો, અને કોઈ પણ પ્રતિભાવ ધરાવવાનો. પણ આપ જો ખરેખર કળા વિશે જ ચિંતિત હોવ, અને કળાની સાર્વત્રિકતા વિશે જ અગર મંથન કરતાં હોવ તો આપે આપનાં પોતાનાં જ અભિજ્ઞાનની મર્યાદામાંથી બહાર આવવું જ રહે. આપની સુંદરતાની જે વ્યાખ્યા છે એમાં આ કલ્પનો નથી બંધ બેસતાં પણ કોઈ અન્ય માટે તો આ કલ્પનો અતિસુંદર હોઈ જ શકે. જીવન જો ફૂલ જેવું કોમળ હોય તો કવિતા એમ થાય તે બરાબર છે, અને જો જીવન શોર ભરેલું છે જ તો એ કવિતામાં આવે તો શું વાંધો? બાકી જો આપ એમ માનતા હોવ કે બધી વિસંગતતાઓ વચ્ચે કવિએ હંમેશા આશા, સુંદરતા (આપની વ્યાખ્યા મુજબની) વગેરે વિશે જ વાતો કરવી જોઈએ તો એવાં કવિ અને જેહાદનાં નામે બ્રેઈન વૉશ કરીને આતંકવાદીઓ જન્માવતાં નરભક્ષીઓ વચ્ચે કોઈ જ ફરક નહીં રહે. મૂળે સાહિત્યનું કામ તો સંમુઢતા ભાંગીને વાંચકને મુક્ત કરવાનું છે, જેમ સા વિદ્યા યા વિમુક્તયે એમ સા કવિતા યા વિમુક્તયે કહેવું મને જરાય ભુલ ભરેલું નથી લાગતું. આપની અંગત પસંદગી નાપસંદગી સામે તો કોઈને શું વાંધો હોય? દરેક કવિનું એવું લખાણ હોય જ કે જે સારું ના હોય, અને એથી જ એ સારા કવિ બની શકે છે.
વિવેક said,
July 1, 2014 @ 3:03 AM
@ ચિંતન શેલત:
અન્ય વેબસાઇટ્સની જેમ લયસ્તરો પર “કૉમેન્ટ મૉડરેશન” કરવાને બદલે અમે અમારા વાચકોને સંપૂર્ન સ્વતંત્રતા આપવામાં માનીએ છીએ. અન્ય મિત્રોની જેમ આપના પ્રતિભાવનું પણ સ્વાગત છે.
આ ગઝલ પૉસ્ટ કરતી વખતે હું કવિ નહીં, એક ભાવક અને કંઈક અંશે વિવેચક માત્ર છું. કવિ નથી. જો કે આપે “કવિ” લખીને પાછળ પ્રશ્નાર્થ ચિહ મૂકીને સારું કામ કર્યું છે. મારા અજ્ઞાનનો સ્વીકાર કરું છું કેમકે અજ્ઞાન હોય તો જ જ્ઞાન તરફ જવાનો અવકાશ રહે છે અને મને એ તરફની ગતિમાં જ રસ છે. લયસ્તરો પર માત્ર કવિતા પૉસ્ટ કરવાને બદલે ટિપ્પણી કરવાની પ્રથા મેં શરૂ જ એટલા માટે કરી કે એના કારણે દરેક રચના વિશે થોડું વિચારવાની “ફરજ” પડે.
પણ મારા અજ્ઞાનને “પ્રકાશિત” કરવાની ઉતાવળમાં આપ મેં શું લખ્યું છે એ જ જોવાનું ચૂકી ગયા હોવ એમ લાગે છે… મેં ટિપ્પણીમાં આમ લખ્યું છે: “‘રે મઠ’ના અગ્રણી પ્રણેતા જનાબ આદિલની આ ગઝલ મનહર મોદીની ગઝલોની જેમ થોડી એબ્સર્ડ પણ લાગે. ”
નરેશભાઈએ ચંદ્ર અને રાતનો સૂચિતાર્થ સરસ રીતે ઉઘાડી આપ્યો. એ રીતે પણ આ શેરને જોઈ શકાય. પણ એ પછીના શેરને રાતના પરિવેશમાં જોવા જઈએ તો પણ એ તદ્દન સ્પષ્ટ નથી થતા એ સ્વીકારવું પડે. કમ સે કમ હું આમ સ્વીકારું છું.
Chintan Shelat said,
July 1, 2014 @ 4:05 AM
ના, મેં બિલકુલ ઉતાવળ નથી કરી. થોડી પણ એબ્સર્ડ નથી આ ગઝલ. Manhar Modi was “NOT COMPLETELY TRUE ABSURD.” અને જો તમે કેટલાંક અંશે પણ વિવેચક હોવ તો તો આપનું કામ વધું અઘરું અને જવાબદાર થઈ પડે.
“એ પછીના શેરને રાતના પરિવેશમાં જોવા જઈએ તો પણ એ તદ્દન સ્પષ્ટ નથી થતા એ સ્વીકારવું પડે.”
અહીં સ્પષ્ટ નથી થતાં એ આપને નથી થતાં, અને એથી કરીને આ ગઝલ એબ્સર્ડ નથી બની જતી. અહીં ‘એબ્સર્ડ’ શબ્દનાં વાચ્યાર્થને જ આપ મહત્વ આપી રહ્યા છો. ખેર, Let’s not deviate. All the best.
વિવેક said,
July 1, 2014 @ 8:04 AM
@ ચિંતન શેલત:
જી… આપ સ્પષ્ટ કરી આપશો તો આપશ્રીની મોટી મહેરબાની… અને હા, “સ્પષ્ટ થતા નથી” નો પર્યાય આપે “એબ્સર્ડ” કર્યો હોય એવું લાગે છે…
chintan shelat said,
July 1, 2014 @ 8:47 AM
Ain’t no happening bro… ain’t no gonna give you no ego bump… ask aadil mansuri, he can best explain it to you. After all i am just a small time hypocrite…
વિવેક said,
July 1, 2014 @ 9:22 AM
મને આવા જવાબની જ અપેક્ષા હતી… મને સમજ પડે છે એમ કહેવું જેટલું આસાન છે એટલું જ કપરું છે શું સમજણ પડી છે એ સમજાવવું… કોઈને અજ્ઞાની કહેવું જેટલું સરળ છે એટલું જ અઘરું છે પોતાનું જ્ઞાન સાબિત કરવું…
શુભકામનાઓ…
perpoto said,
July 1, 2014 @ 11:06 AM
એક તરંગ
રંગો રાખે અનેક
વેશ પલટો ?
chintan shelat said,
July 2, 2014 @ 11:38 PM
ેwell well just because i don’t like u as a poet and i disagree with your interpretation of great poems, and express my opinion with out a sugar coat, your whole world crases?? My, my am i that important?
Oh and have i forgot to mention? If u still crave for ” my show off of knowledge ” , your answer is sitting on my wall waiting just for you since yesterday!! You know cz that is the place where i like to ” show off “… cheers mate!!
વિવેક said,
July 3, 2014 @ 1:53 AM
ચિંતન શેલતે ફેસબુકની એની વૉલ પર ચર્ચાનો પ્રત્યુત્તર આપ્યો છે… પણ ચર્ચા અહીં શરૂ થઈ છે અને લયસ્તરોના બધા વાચકો ફેસબુક પર એની વૉલ શોધવા જાય એ જરૂરી નથી… એટલે ચિંતન શેલતનું પૃથક્કરણ સહુ વાચકમિત્રોના લાભ માટે અહીં મૂકું છું..
ચિંતન શેલતના શબ્દોમાં:
જનાબ આદિલ મન્સૂરીની આ ગઝલ ઍબ્સર્ડ છે કે થોડી ઍબ્સર્ડ છે એવી ગેરમાન્યતા હમણાં હમણાં પ્રચલિત થઈ છે. આ આસ્વાદ ન કંઈ વ્યક્તિગત રીતે સાબિત કરવા કે કોઈનાં અહંને ધક્કો મારવા લખ્યો છે. પણ અહીં આ ગઝલનાં કલ્પનોની જે ક્રિયાશક્તિ છે કે લોકોત્તર રમણીયતા છે એને કંઈક અંશે ઉઘાડીને મલિન કરવા પ્રયાસ છે. આવો પ્રયાસ કોઈ કલાકીય અભિગમથી આવકાર્ય ન હોય પણ એક શુદ્ધ ભાવકીય અભિગમથી મને ઉપકારક લાગે છે. વધુ લવારી ન કરતાં ગઝલ વિશે જ વાત માંડુ.
ધોળી બળદની ખોપડી કાળી દિવાલ પર
થીજી ગયેલી રક્તતા સૂર્યાય ગાલ પર
મત્લાનો ઉઘાડ કવિ મિત્ર નરેશ સોલંકીએ આપ્યો. અને એ જ અર્થઘટનને આગળ વધારવું એ મારું લક્ષ્ય છે. એમણે કવિતાનાં અર્થઘટનની ભાવકે ભાવકે બદલાતી આત્મલક્ષીતાને ધ્યાનમાં રાખી આગળ કંઈ વધુ ન બોલવું સ્વીકારીને આ ગઝલની વધુ ગરિમા કરી છે. પણ હું જો દાટ વાળવા બેઠો જ છું તો પૂરો પૂરો વાળી આપું. આ મત્લામાં રાત્રિનું જે તદ્દન નાવીન્યથી ભર્યું ચિત્રણ કર્યું છે એ કોઈ પરાવાસ્તવિક ચિત્રથી ઓછું નહીં લાગે. ચંદ્ર એ જાણે ધોળી બળદની ખોપડી લટકી રહી છે રાતની કાળી દિવાલ પર,બળદ શબ્દની જડતા જુઓ, અને સાનીમાં કવિએ હાથ રોકી લીધો અને કહ્યું કે ના હજીય સંપૂર્ણ રાત નથી, સંધ્યા છે, અને ક્ષિતિજે ડૂબું ડૂબું થતો સૂર્ય થીજી ગયો છે, અને અહીં સૂર્યાય જેવું ક્રિયાપદ, જુઓ.
અજવાળાના શરીરમાં લહેરાતી શુક્રતા
લટકે છે અંધકારની લાશો મશાલ પર
આ જ રાતનો બીજો સ્વભાવ જુઓ, સૂર્યથી સહેજ ઉંચે, હજીય અજવાળામાં શુક્રનો તારો ચમકી રહ્યો છે. અને સૂર્યની મશાલ પર અંધકાર કેવો મડદાં માફક પડી રહ્યો છે. આ શુક્રતાને રતિરાગ કહીએ તો આ અજવાળાનાં શરીરમાં રહેલી વાસના એ બીજું કંઈ નહીં પણ રાતનાં મડદાંઓ જ જન્માવે છે. આ રાતનું બીહામણું સ્વરૂપ આખરે તો અજવાળાની ઉપજ બની રહે અને અજવાળાંની સામાન્ય સમજ સીધેસીધી ખંડિત થાય છે. આમ, અંધકારનું કારણ અજવાશ.
છાયાની રંગઅંધતા કાયમ રહી ન જાય
ભૂરો સવાલ જોઈએ પીળાં સવાલ પર
છાયા, સંધ્યા, ની રંગઅંધતા, એટલે કે માત્ર અને માત્ર સાંજની ઉતરતી પીળાશ નો ઈજારો ન રહી જાય એ માટે, ચડતી રાત નો ભૂરો રંગ માગે છે કવિ. અને એ રંગ કોઈ પીળાશનો જવાબ નથી, એ તો સૂર્યનાં સવાલને ડામી દેતો બીજો કપરો સવાલ છે. સવાર પડતાં, પીળો સવાલ મળી જશે ભૂરાં સવાલ પર અને એમ જ દિવસ રાત, દિવસ રાત થતાં રહે. અહીં મીર તકી મીર સહેજે યાદ આવે.
यां के सपैद-ओ-स्याह में हमको दखल जो सो ईतना है
रात को रो रो सुबहो किया और सुबहो ज्यों त्यों शाम किया
મધરાતે કોણ બારણું ખખડાવતું હશે
પડાછાયા ઓતપ્રોત છે કોની દીવાલ પર
હવે રાતનાં અને રાત-દિવસનાં નિરર્થક અથવા તો મોનોટોનસ પરસ્પરાવલંબનની આટ-આટલી હ્રદયવેધક ઈમેજીસ બનાવી આપી કવિએ, તો આ અનંતતાનો કોઈ નીવેડોતો ન મળે પણ કોઈ આડપ્રશ્ન તો જોઈએ જ ને. અસ્તિત્વની વિસંગતતાઓ તો છે જ પણ છતાંય જીવવું અનિવાર્ય કેમ બને છે એનો કોઈ મૂંઝાવી દેતો સવાલ તો જોઈએ જ ને. ને એટલે જ અહીં આ કવિ પોતાનું કવિપણું સાબિત કરતાં આ શેર મૂકી આપે છે. કે આ સતત ચાલ્યા કરતી અસ્તિત્વની ભાંગજડ માં આ બારણું કોણ ખખડાવે છે? તો જવાબ એક જ ક્ષણમાં સામાન્ય તર્ક આપણને આપી દે કે મૃત્યુ. અને એનાં પગરવ રૂપી આ પડછાયાં આ ઓળાઓ હવે કોની દિવાલ પર પડી રહ્યાં છે?
મૃત્યુ શબ્દ ધ્યાનમાં આવતાં જ ઉપરનાં ૩ એય શેરનો અર્થ તરત જ બદલાઈ જાય છે
પહેલો શેર, આ રાતને આપણે મૃત્યુ માની લઈએ, અને એમાં ધોળી ખોપડી માફક લટકતી આપણી જીજીવિષા અને મરું મરું થતું ક્ષિતિજે લટકી રહેતું શરીર.
બીજો શેર, અને આ શરીરની, જીવવાની વાસના, સતત આક્રોશની જેમ બળતી ક્રાંતિ, આપણને મડદાં સુધી જ લઈ જઈ શકશે, એનો કોઈ જ ઈલાજ નથી.
ત્રીજો શેર, અને સતત મથામણો, જીવનની રંગઅંધતા, એટલે કે જીવનની પૂરું જોઈ શકવાની અણાઆવડત, અધૂરી ન રહી જાય માટે જે જીવનનાં પીળાં સવાલ ઉપર રાત્રિનો ભૂરો સવાલ છે. જવાબ નહીં, મૃત્યુ પણ એક સવાલ છે. મૃત્યુ એક સવાલ જેવો જવાબ છે. કારણકે એને ય હજી આપણે ક્યાં સમજી શક્યા છીએ?
ચોથો શેર, અને એટલે જે આ શેરમાં પ્રશ્ન છે, કે આ બારણું કોણ ખખડાવતું હશે? અને આ પડછાયા કોઈની દીવાલ પર ઓતપ્રોત થઈ ગયાં છે?
આથી વધુ પોસ્ટમોર્ટમ તો કોઈ મડદાં પ્રેમી કાગ, ગીધ કરી આપે તો જ, ડૉક્ટરી અભિજ્ઞાન મળે. બાકી તમારે, મારે ભાવક ચેતનાને જ ચહેરાયાં કરવી ઘટે. અને કવિતા છેવટે બને.
સૂર્યકાંત નરસિંહ said,
July 7, 2014 @ 9:28 AM
સૌ પ્રથમ તો વિવેકભાઈનો હૃદયથી આભાર
આટલી સુંદર ગઝલ પોસ્ટ કરવા બદલ.
સુંદર એટલે કહું છું, મારી દ્રષ્ટીએ સુંદરતા ફક્ત અને ફક્ત પ્રિયતમા-સંધ્યા-ફૂલ-વરસાદ-ચમન- વગેરે જેવા રોજ ઘુંટાતા કાવ્ય શબ્દોમાં નથી. શબ્દનું સૌન્દર્ય તો એની પાછળ રહેલાં અર્થમાં છે.
અહી પ્રસ્તુત ગઝલનાં એકેક શેર લાજવાબ છે.
વિવેકભાઈએ કહ્યું તેમ બધાં શેરનું રહસ્ય ખોલી શકાય પણ સાચી મજા તો દરેક ભાવક પોતાની રીતે અર્થઘટન કરી અને તેનો આસ્વાદ લે તે વધું ઉચિત છે. બાકી ચોલી કે પીછે અને તારો ફોટો પણ ચાલશે વગેરે જેવા ફિલ્મી ગીતો ધૂમ મચાવે છે અને પ્રસ્તુત ઘણાં રસ થી ભરપુર આ રચનામાં જો ખામી દેખાય અથવા જો ડોળા પ્હોળા થાય તે એ ફક્ત અને ફક્ત સમાજની કમનસીબી છે, બીજું કઈ નથી. ફરીથી આભાર વિવેકભાઈ.
La Kant Thakkar said,
September 11, 2014 @ 1:20 AM
મને તો આ બધુ [ઉપરનું ] ખરેખર ‘વિધાયક અને ક્રિયેટિવ’ જ લાગ્યું. આભાર
સહુ ભાગીદારોનો …સુહ્રદ જનોનો …-લા’/ ૧૧-૯-૧૪
Jigar said,
March 19, 2016 @ 3:52 AM
દડો અમુક નિશ્ચિત ઉંચાઇ થી ઉપર જાય એટલે બાઉન્સર ગણાય, પછી ભલે વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બોલરે ફેંકયો હોય.
આ રચના નો સમાવેશ એમાં થઇ શકે.
વાંચતી વખતે જે સહજ ‘ચોટ’ આવવી જોઇએ એ નથી આવતી. પછી આખી રાત પોતાની રીતે પૃથક્કરણ કરીને ડુપ્લીકેટ ‘ચોટ’ ઊભી કરવાનો શું મતલબ ?