આદિલ મન્સૂરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 14, 2010 at 10:00 pm by ઊર્મિ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.
આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !
તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.
એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.
લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.
- આદિલ મન્સૂરી
આજે માણીએ, એક આદિલીયતભરી ગઝલ…
Permalink
May 12, 2010 at 9:40 pm by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.
પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.
ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.
આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.
મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.
- આદિલ મન્સૂરી
એક પળમાં આખી જિંદગીને બદલી નાખવાની તાકાત હોય છે. એ કાવડમાં એકસાથે, ગઈ પળ અને આવનારી પળ , બન્નેને જતનથી ઊંચકીને ફરવાની કળાનું નામ છે જિંદગી.
Permalink
April 25, 2010 at 12:30 am by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને
સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને
ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને
આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને
હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને
બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને
આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને
- આદિલ મન્સૂરી
પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.
Permalink
November 9, 2009 at 1:00 am by ઊર્મિ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)
છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે! અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.
Permalink
February 24, 2009 at 10:16 pm by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી
કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે. કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.
ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.
Permalink
January 18, 2009 at 3:50 pm by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.
વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.
ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.
ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.
સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
- આદિલ મન્સૂરી
મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.
ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી
Permalink
December 16, 2008 at 10:33 pm by ધવલ · Filed under આદિલ મન્સૂરી
વડોદરાની એક ચેનલે લીધેલો ઈંટરવ્યૂ જેમા આદિલસાહેબ દિલ ખોલીને જૂની યાદો તાજી કરે છે. આભાર: તાહા મન્સૂરી, અમદાવાદ.
ભાગ એક:
ભાગ બે:
Permalink
December 10, 2008 at 12:04 am by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ, યાદગાર ગઝલો
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)
સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.
Permalink
November 7, 2008 at 5:25 pm by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)
કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)
આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)
તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)
નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)
બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)
કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)
- ‘આદિલ’ મન્સૂરી
આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.
Permalink
July 19, 2008 at 1:31 am by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ, વર્ષાકાવ્ય
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
- આદિલ મન્સૂરી
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !
Permalink