નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
ગની દહીંવાલા

કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી  

‘રૂસવા’ અને ‘શૂન્ય’ – ગુરુ અને શિષ્ય. બન્નેની એકજ કાફીયા ની બે ગઝલો છે. પણ ગુરુ કરતાં શિષ્ય ચઢી જાય છે. ‘રૂસવા’ ની ગઝલમાં ફરિયાદ છે. પીડા હાથે કરીને વહોરી છે, અને હવે પસ્તાવો થતો હોય તેમ લાગે છે.

‘શૂન્ય’ ની મસ્તી ન્યારી છે. તે તો પીડાને જ રામબાણ ઈલાજ માને છે.

આ કઇ પીડાની વાત છે? કઇ દિવાનગીની વાત છે? આ એ પીડાની વાત છે જે શિરીં અને ફરહાદે વહોરી હતી. જિસસ, મહંમદ, બુદ્ધ અને ગાંધીએ હાથે કરીને વહોરી હતી, તે પીડાની વાત છે. લોકોત્તર માનવીઓએ જીવનની સામાન્ય અપેક્ષાઓથી પર જઇને જે દિવાનગી અપનાવી હતી તેની ગાથા છે.

અર્થશાસ્ત્રના નિયમો – જરૂરિયાતો, સગવડો અને વૈભવો – થી સાવ નિરાળા એક ગાંડપણથી દોરવાતી જિંદગીની આ વાત છે. બધાજ ગઝલકારોએ જે શરાબની મુક્તકંઠે પ્રશંસા કરી છે તે શરાબ આ દિવાનાઓએ બરાબર પીધો છે. અને એની મસ્તીમાં આ પીડા જ રામબાણ ઈલાજ બની જાય છે. આ મસ્તીની પીડા મનના માણીગર કોઇ પ્રેમી માટે હોય, કે જીવનના છેલ્લા ગાળામાં સેંટ પીટરના દેવળની છત પર ચિત્રકામ કરનાર લિયોનાર્ડો- દ-વિંસીની તેના ચિત્ર માટે હોય, કે કોઇ શિલ્પકારની તેના શિલ્પ માટે હોય, કે જિસસની સમસ્ત માનવજાત પ્રત્યે કરુણા માટે હોય, કે કોઇ સત્યશોધકની પરમ સત્યને પામવા માટેની હોય.

મસ્તીમાં લીન થઇ ગયેલા માનવોની આ ગઝલ છે. જ્યારે આ મસ્તી ચરમ સીમાએ પહોંચે છે, ત્યારે જ વિરક્તિ આપોઆપ ટપકી પડે છે. કહેવાતો ઇશ્વર આ શૂન્યની પિછાણ છે. જેને આ શૂન્ય મળે છે તે મસ્તીથી પણ પર પરમ સમાધી અવસ્થાને પામે છે. વૈકુંઠમાં રાસનું દર્શન કરતાં નરસૈયા નો હાથ મશાલથી બળતો હોય તો પણ તેની પીડાની તેને ખબર ન પડે તેવી આ સમાધી હોય છે.

જવાહર બક્ષી પણ ગાય છે કે:-
’મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.’

આપણને ઇશ્વર જોઇએ છે, કારણકે આપણને સ્વર્ગ જોઇએ છે. આપણને કશું જ ન જોઇએ તેવી શૂન્યની મસ્તી ખપે છે? એ પીડા જોઇએ છે? ના કારણકે આપણને એ પીડા લાગે છે. તેથી જ આપણે માટે કદી એ મસ્તીની ઉપલબ્ધિ શક્ય નથી. એટલે જ આપણે આ ધર્મ અને પેલા ધર્મ ના હવાતિયાં મારીએ છીએ.
આ મસ્તી માણવી બહુ જ સરળ છે. આપણે જેમાં રસ ધરાવતા હોઇએ તે પ્રવૃત્તિમાં કોઇ પણ અપેક્ષા વિના રમમાણ થવાનું, એકરૂપ થવાનું શરુ કરીએ. આપણા એ ‘Passion’ ને ચરમ સીમા પર લઇ જઇએ. મસ્તી વધતી જશે અને આપણે શૂન્યની વધુ ને વધુ નજીક જતાં જઇશું. જીવન વ્યવહારની સાથે સાથે આપણે આપણા જીવનનો વધારે ને વધારે અંશ આ મસ્તી માટે જરૂર ફાળવી શકીએ. કારણકે આપણને આનો ‘Passion’ છે. આમાં ફળ માટે કોઇ આસક્તિ નહીં રહે. કારણકે આ તો આપણો પ્રિયતમ છે. આપણે તેને માટે ખુવાર થઇ જવા તૈયાર છીએ. આપણે તો તેની સાથે એકાકાર થઇ, શૂન્યની અનુભૂતિ કરવી છે.

ચાલો આપણે જીવનને એક નવા રસ્તે વાળીએ. જ્યારે માનવજાતમાં કરોડોમાં એક વિરલા જેવા જિસસ કે ગાંધી જ નહીં પણ આપણા જેવા ઘણા બધા સામાન્ય માણસો જીવનની આ દિશાએ વળશે, ત્યારે નવી માનવજાત પૃથ્વી ઊપર પ્રગટશે. કદાચ પેલા કહેવાતા ઇશ્વરનું, જીવની ઉત્ક્રાંતિનું આ સ્વપ્ન પણ હોય.

5 Comments »

  1. પંચમ શુક્લ said,

    September 14, 2006 @ 10:56 AM

    મામા તમે તો અદભૂત રસદર્શન કરાવ્યું!

  2. ઊર્મિસાગર said,

    September 14, 2006 @ 12:24 PM

    પંચમભાઇએ કહ્યું એમ દાદાએ ખરેખર અદભૂત રસદર્શન કરાવ્યું!

    રતિલાલ ‘અનિલ’ જ્યોતિના અંધકારના આગવા રૂપની વાત એમના આ શેરમાં કરે છે:
    જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
    જ્યોતિનો અંધકાર હતો, કોણ માનશે?

    વફાસાહેબની ભલામણ મુજબ “કોણ માનશે?” રદીફ પરથી ‘સહિયારું સર્જન’ બ્લોગ પર કંઇક લખવાનું આપ સૌને આમંત્રણ છે!

    ઊર્મિસાગર
    http://www.urmi.wordpress.com
    http://www.sarjansahiyaaru.wordpress.com

  3. સર્જનક્રિયા-૫: “કોણ માનશે?” « સહિયારું સર્જન said,

    September 14, 2006 @ 12:48 PM

    […] દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે? (‘શૂન્ય’ પાલનપુરી) શૂન્યસાહેબની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો! […]

  4. સંકલિત: “કોણ માનશે?” « સહિયારું સર્જન said,

    October 26, 2006 @ 3:40 PM

    […] દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે? (‘શૂન્ય’ પાલનપુરી) ‘શૂન્ય’ની આ આખી ગઝલ આપ લયસ્તરો પર વાંચી શકો છો! […]

  5. Akhtar Vahora said,

    December 13, 2008 @ 4:35 PM

    સ્નેહી મિત્રો,

    આજે અક્સ્માતે તમારી વેબ્સાઇટ જોઇ. આસ્ચર્ય સાથે ખુબ આનન્દ થયો. ગુજરાતેી કવિતા હમેશા મારા માટે મનગમતિ રહેી છે. હજારો માઇલ્સ દુર્ સ્કોટલેન્ડ મા તમે દિલ ના તાર ઝણઝણાવી ગયા!!

    તમારો ખુબ ખુબ આભાર્.

    I know this is hard and time consuming job, but still you are doing for all within Gujarat and miles away from their motherland. Hates off to you. Keep it up.

    Akhtar Vahora (Glasgow-Scotland)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment