જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)
ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…