શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
રાજેન્દ્ર શુક્લ

E=MC2* – હરીશ મીનાશ્રુ

જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)

ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…

21 Comments »

  1. pragnajuvyas said,

    August 10, 2023 @ 5:35 AM

    સાંઠ શેરની ગંજાવર ગઝલ !
    અને
     E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર અનુઠો
    અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
    સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
    સાચેજ મારી બુધ્ધિ બહેર મારી ગઇ
    વિજ્ઞાનના તત્વજ્ઞાન  પ્રમાણે  તે તમે અને દ્વારા શું કહેવા માગો છો તેના પર નિર્ભર છે. જો કુલ ઉર્જા છે અને તે પ્રાચીન “સાપેક્ષ સમૂહ” માટે વપરાય છે, તો સમીકરણ સાચું છે. જો બાકીની ઉર્જા છે અને તે અપરિવર્તક દળ છે, તો સમીકરણ સાચું છે. જો ફોટોન જેવા દ્રવ્યવિહીન “કણ” ની ઊર્જા હોય, તો સમીકરણ ખોટું છે.”આઈન્સ્ટાઈન માસ-ઊર્જા સમકક્ષતા સમીકરણ E=mc2 ખોટું છે કારણ કે તેમાં ડાર્ક મેટર નથી.” 1905માં આઈન્સ્ટાઈને બરાબર E=mc2 સમીકરણ ઘડ્યું ન હતું પરંતુ તેમણે કહ્યું: ‘જો કોઈ શરીર રેડિયેશનના રૂપમાં L ઊર્જા આપે છે, તો તેનો સમૂહ L/c2 દ્વારા ઘટે છે’
    ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ

  2. Chetan Shukla said,

    August 10, 2023 @ 8:31 AM

    કેટલી અદ્ભુત વાત….આટલું બહોળું અને સચોટ રીતે લખવું ખરેખર સરાહનીય છે.

  3. Vinod Manek, Chatak said,

    August 10, 2023 @ 11:13 AM

    અદભુત ગઝલ,

  4. Varij Luhar said,

    August 10, 2023 @ 11:15 AM

    સરસ

  5. Shah Raxa said,

    August 10, 2023 @ 11:19 AM

    વાહ..વાહ…ખૂબ ગમી આ રજુઆત..💐🙏

  6. Ramesh Maru said,

    August 10, 2023 @ 1:03 PM

    ગુજરાતી ભાષાના વૈભવમાં ઓર એક ચાંદ…અતિસુંદર…

  7. Sandhya Bhatt said,

    August 10, 2023 @ 1:38 PM

    બહુ મઝા આવી…

  8. Bharati gada said,

    August 10, 2023 @ 1:47 PM

    વાહ ખૂબ સુંદર મજાના કાફિયા,રદીફની ખૂબ સુંદર રચના 👌👌

  9. Neela Sanghvi said,

    August 10, 2023 @ 1:48 PM

    સાવ નવું સાવ અનોખુ.

  10. Jayshree Patel said,

    August 10, 2023 @ 2:25 PM

    અનોખું શબ્દાંકન વાહ! ખૂબ જ સરસ મીનાશ્રુ સાહેબ👌👍

  11. Jigisha Desai said,

    August 10, 2023 @ 2:45 PM

    અદ્ભુત

  12. દક્ષા સંઘવી said,

    August 10, 2023 @ 2:55 PM

    છપ્પા ની સુગંધ લઈ આવેલ આ રચનામાં ભાષા વિનિયોગ, કવિકર્મ રદીફ કાફિયા કલ્પનો;; બધું જ અદભુત્,કવિશ્રી ને વંદન સહ અભિનંદન

  13. દિલીપ ધોળકિયા, શ્યામ said,

    August 10, 2023 @ 3:43 PM

    ખૂબ જ અદભુત સાહિત્ય સર્જન..કવિશ્રી ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે… આટલાં કાફિયા અને આધુનિક રદિફ સાથે તાલમેલ એક કુશળ કવિની ઓળખ છતી કરે છે.. 👍👍🌹🌹🎉🎉

  14. DILIPKUMAR CHAVDA said,

    August 11, 2023 @ 1:58 PM

    આ તારી જબરજસ્ત હો

  15. લતા હિરાણી said,

    August 15, 2023 @ 4:09 PM

    અનોખી ગઝલ. અનોખો પ્રયોગ

  16. પૂજય બાપુ said,

    August 19, 2023 @ 4:46 PM

    વાહ ગમતાં કવિની સરસ શેડકઢી ગઝલ… મોજ પડી ગઈ વિવેકભાઈ.

  17. Kalpesh Adatiya said,

    August 26, 2023 @ 6:53 PM

    સર ખુબ જ મજા આવી.પણ દરેક શેર તમે સમજાવશો તો મજા અનેક ગણી વધી જશે🙏🙏

  18. Poonam said,

    September 1, 2023 @ 10:32 AM


    રૂક જા થામ્બા થોભ ઠહેરઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર… Waah !
    – હરીશ મીનાશ્રુ –

    Aaswad saras ! Sir ji

  19. Nayana Gohil Makawana said,

    September 6, 2023 @ 5:29 PM

    E=MC2 આ ગુજરાતીની ભવ્ય અને
    ગહન કાવ્યરચના કહી શકાય.
    દોઢ સો વરસ પહાલાં ઉર્દૂના મહાન કવિઓએ આપેલ ટ્વિસ્ટેડ સત્યો
    અહીં આજે જોવાં મળ્યાં છે.
    આ સાનંદાશ્ચર્યની વાત છે.
    મીનાશ્રુ જાણીતું નામ પણ આજે
    ગૌરવ લેવા જેવું અને પોતીકું લાગ્યું
    છે.
    એકએક શે’ર પર વિસ્તારથી લખી
    શકાય.પણ આઇન્સ્ટાઇનનું સૂત્ર
    અને એની ગહનતા જે તે વખતે
    જગતમાં 8 વૈજ્ઞાનિકો જ
    સમજી શકવા સમર્થ હતા.
    આવાં સોહમ્(સો+ અહમ્)
    જેવાં શાશ્વત મૂલ્ય ધરાવતાં
    સૂત્રોને આમ કાવ્યમાં યથાર્થ
    વણવા બાલસહજ રમત નથી.
    આ સુદીર્ઘ કવિતાનો એકેક
    શે’ર પ્રાણવાન છે.
    રોજ એક – બે અશ્આર પર
    લખીએ તોપણ કસોટી થઈ જાય!
    કાગા બેઠા ફિર મુંડેર
    વાટ જુએ તે વ્લાદિમેર
    અહીં જ વાચકની કસોટી થઈ
    જાય છે.લોલિતા સિન્ડ્રોમની
    વાત કવિ અહીં કહેતા હોય એ શક્થ
    છે.
    નોબોકૉફની નવલકથા લોલિતા- એ
    જે તે વખતે તો કમાલ કરેલી જ પણ
    આજેય ઉમ્રદરાજ વ્યક્તિનો યૌવન
    તરફનો પ્રેમ અને પ્રતીક્ષા સમાજમાં જોઈ
    શકાય છે.આ એક શે’ર પર જ
    દીર્ઘ વિવેચના કરી શકાય.
    આ મારું દર્શન છે,કદાચ છીછોરું કે
    થારું લાગે પણ મેં કવિતાને સમજવા
    સંનિષ્ઠ યત્ન કીધો છે.
    અહીં આવી રચનામાં કેટલીક
    આ રચનાને એક ઘટના બસ કહીએ તો
    વધુ સારું રહેશે.

    જે.આર.જોષી
    નવલકથાકાર બગસરા
    બગસરા ( મેઘાણી )

  20. Tushar jani said,

    September 17, 2023 @ 8:38 PM

    અદભુત…hypnosis કરે તેવી રચના..૩ વાર વાંચ..હજી ૩૦ વાર વાંચીશ ત્યારે પચશે…

  21. તુષાર જાની said,

    September 24, 2023 @ 3:39 PM

    વિવેકભાઇ… આમાં ની ઘણી બધી કડી નો અર્થ સમજ નથી પડતી…સેન વનલતા નાટો રેર.. વણ ચંચુ ચોમેર … બ્રુ હદ્ધ લેવા શેર -b શેર…સમજ પડવા વિનંતિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment