જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2022

(તાલીમ) – વજેસિંહ પારગી

ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ

દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

– વજેસિંહ પારગી

(દોહ્યલું –દુઃખ, સંકટ)

અછાંદસની ખરી વિભાવના ચરિતાર્થ કરતી એકદમ ટૂંકી ટચરક કવિતા. એક શબ્દ પણ આમથી તેમ ન કરી શકાય એવી રચના. અને એટલી સરળ-સહજસાધ્ય છે કે કશી ટિપ્પણીનીય મહોતાજ નહીં… વળી વાંચતાની સાથે હૈયામાંથી એકસાથે આહ અને વાહ બંને નીકળી જાય એની ગેરંટી… સલામ, કવિ!

બશીર બદ્રનો એક શેર યાદ આવે:

ज़िंदगी तू ने मुझे क़ब्र से कम दी है ज़मीं
पाँव फैलाऊँ तो दीवार में सर लगता है

Comments (18)

(બેન કહીને હેનો બોલાવસ?) – દેવાંગી ભટ્ટ

લાજતો નથ બળ્યા કાળમુખા, મન ‘બેન’ કહીને હેનો બોલાવસ ?
હૈયાના દેતવાને ઠારવાનો હોય, તું રોયા ફૂંકી- ફૂંકીને પેટાવસ ?

બેન તારી હગલીયું ને બેન બલારાત, બેન તારી પાડોશણ રાધા,
ઈ રાધુડી પયણીને બીજે ગુડાય ઈની રાખી સે મનમાં મેં બાધા,
આખા મલકમાં છાકટો ફરસ, ને મન જન્ટલમનવેડા દેખાડસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

ઓતરા દાડે હું દહીં લેવા આવું’સ, તે મારે ત્યાં ગાય-ભેંશુ નથ ?
ઊંધું ઘાલીને મૂઆ વાટકી દઈ દે’સ, તને પઈનુંય હમજાતું નથ ?
હંધાયે લોકની સેડતી કરસ, ને મને શાહુકાર થઈને કવરાવસ ?
લાજતો નથ બળ્યા કાળમુખા, મન બેન કહીને હેનો બોલાવસ ?

– દેવાંગી ભટ્ટ

દેવાંગી ભટ્ટને નવલકથાકાર અને અભિનેત્રી તરીકે આપણે સહુ ઓળખીએ છીએ પણ આજે એમની નવીન ઓળખ સાથે મુખામુખ થઈએ. તળપદી ભાવેણા ભાષામાં ગામની ગોરીનું હૈયું જેના પર આવી ગયું છે એ છેલછબીલો એને બહેન કહીને સંબોધે છે એ ઘડીએ ફાટતા જ્વાળામુખીની ક્ષણનું આ ગીત છે. જેને મનનો માણીગર માની લીધો છે એની પાસે હૈયાની આગ ઠારવવાની અપેક્ષા હોય, એના સ્થાને આ રોયો તો ફૂંકી-ફૂંકીને આગ વધુ પ્રજ્વલિત કરે છે. જે રીતે નાયિકા આ તારી બેન ને પેલી તારી બેનના છાજિયા લઈને પિયુની પાડોશણ રાધાના કારણે પોતાને અનુભવાતી અસલામતી વ્યક્ત કરે છે એ તરત આપણને સ્પર્શી જાય છે. એમાંય જન્ટલમનવેડા તો હાય હાય! કેવું સરસ! પોતાના ઘરે ગાય-ભેંસ હોવા છતાં પિયુના ઘરે વારેઘડીએ દહીં માંગવા નાયિકા પહોંચી જાય અને પઈનીય સમજ ન ધારવતો નાયક ઊંધુ ઘાલીને વાડકી ભરી દે છે ત્યારે નાયિકાનો પુણ્યપ્રકોપ વળી ઓર ઊંચાઈએ પહોંચે છે… સરવાળે, સીધું હૈયામાં ઘર કરી જાય એવું ગીત!

Comments (30)

(ત્યાં કશું નથી) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.

અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.

હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.

અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.

ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…

‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..

Comments (7)

(મુફલિસની રેવડી) – હરીશ મીનાશ્રુ

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે.

તરસને ઘૂંટણે પડી જાણે,
એ જ પી જાણે લડખડી જાણે.

રિન્દની આ રસમ ઈબાદતની,
તેજ સાથે તડાફડી જાણે.

મૂક પરથમ પહેલાં મસ્તક તું,
એ રીતે કે ન પાઘડી જાણે.

આભ ફાડે છે ખુદ રફુગર થૈ,
ચાલ ચાલે છે બેવડી જાણે.

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

તોછડી છે એની રહેમતની અદા,
આપણી કૈં નથી પડી જાણે.

એને મઝધાર શું કિનારો શું ?
પાણી વચ્ચે જે તરફડી જાણે.

એના આવ્યાના સહેજ ભણકારે,
આ ગલી પડશે સાંકડી જાણે.

આ ગઝલ એમની ઇશારત પર,
વાત પરખાવે રોકડી જાણે.

–હરીશ મીનાશ્રુ

અદા અનોખી છે, વાતો નોખી છે. મજબૂત ગઝલ….

Comments (2)

નથી…… – મરીઝ

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન-દાસ્તાન કેમ લખાય?
અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,
કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતા રહ્યાં સ્વાભાવિકતા,
કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ મારો સંભવિત નથી.

જગતના દર્દ અને દુઃખને એ હસી કાઢે,
કરી દ્યો માફ હ્રદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

– મરીઝ

1917 ની 22 ફેબ્રુઆરી મરીઝસાહેબનો જન્મદિન….

ત્રીજો શેર જુઓ –

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

હું તો આ શેર પર જ જાણે અટકી ગયો છું…. શું સરળ વાણી અને કેવી ઊંડી વાત !! તું જીતતી હોય તો હાર શું ચીજ છે ! પણ આમ તો તારી જીત પણ નથી….. લાજવાબ !!

 

છેલ્લેથી બીજો શેર – જગતના દર્દ અને દુખને….. – આ શેરની ઊંચાઈ પણ જબરદસ્ત !

Comments (4)

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવાં
.                         આંગળીથી માખણમાં આંક્યાં;
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
.                         ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એનાં હોઠ બે બીડાયાં હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી
.                         હાથેથી મોગરાની માળા;
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
.                         કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને કહો રે
કોઈ જઈને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

– હરીન્દ્ર દવે
(૧૯૬૧)

કાનકુંવરના પરાક્રમો અને ફરિયાદો હદપાર વધી ગયા હોવાનું પ્રતીત થતાં યશોદા માતા એને સીધો કરવા માટે શુદ્ધ હિંદુસ્તાની શૈલીમાં થાંભલા સાથે બાંધી રાખવાની સજા કરી પોતાના કામમાં પરોવાઈ ગયાં. એ પછીની ક્ષણોને કવિનો કેમેરા કેવી અદભુત રીતે ઝીલે છે એ જુઓ! ગીત બહુ જાણીતું છે પણ માખણ જેવું મુલાયમ છે અને વારંવાર મમળાવવું ગમે એવું છે…

Comments (3)

દળણું – યોગેશ વૈદ્ય

દળતાં રહેશું દળણું

ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
.                ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
.                કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
.                નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
.                આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
.                મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
.                દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું

– યોગેશ વૈદ્ય

જીવન છે ત્યાં સુધી શ્વાસ લેવાનું ને કામ કરવાનું બંધ થવાનું નથી. ગૂંઠે ભલે કોઈ મસમોટી મિરાત ન હોય અને જીવનમાં ઉત્સાહનોય અભાવ કેમ ન હોય, દળણું દળતાં જ રહેવાનું છે. જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે. જન્મારો જાણે કે પાણિયારે ચૂવી રહ્યો છે અને કંઠને એક ટીપુંય હાંસિલ નથી. કોઈના આવવાની એંધાણી નથી એ વાત કાગડાના મૌનથી સિદ્ધ થાય છે. જીવનને સોનું બનાવે એવું કશું ઊગી રહ્યું નથી. પણ તોય આ લાખ નિરાશાઓની વચ્ચે પણ કાયામાં શ્વાસ રહેશે ત્યાં સુધી અંધારાં દળીને અજવાળાં મેળવવાની કોશિશ તો જારી જ રહેનાર છે. દૂરના ડુંગરા જેવા સુખને પ્રાપ્ત તરણાંથી તોળી તોળીને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આ કાર્ય ભવોભવ ચાલુ રહેનાર છે.

Comments (6)

(જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ!) – પારુલ ખખ્ખર

ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા,
ફફડતું ધ્રુજતું ફાનસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

ભલે ઝંડા ઉપાડે ને ભલે ડંડા ઉપાડે, પણ
નથી જીવતો અસલ માણસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતાં,
ઉપરથી જીભની આળસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

રગેરગ લ્હાય બળશે ને પછી જાતે ઠરી જાશે,
કકળશે વાંઝિયા ખૂન્નસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

કલમને લાખ સમજાવી પરંતુ ચૂપ નથી મરતી,
કરી બેઠી ફરી સાહસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

લખી શકતા, કહી શકતા, મરી શકતા -એ પેઢીના
છે ‘પારુલ’ આખરી વારસ, જમૂરા, ‘ઓમ શાંતિ’ બોલ.

– પારુલ ખખ્ખર

સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચે જે પાતળો તફાવત છે એ યોગ્ય શબ્દની યથોચિત પસંદગીનો કહી શકાય. અહીં ‘જમૂરા’ને આવો જ શબ્દ ગણી શકાય. ગઝલમાં ભાગ્યે જ પ્રયોજાતો આ શબ્દ આખી ગઝલને જાણે પોતાના ખભે ઊંચકી લઈ રચનાને નવી જ ઊંચાઈ આપવામાં સફળ થયો છે.

જે ઘટનાના પ્રતિઘાતે આ રચનાને જન્મ આપ્યો એ કોઈથી અછતી નથી. સુરતમાં એક લબરમૂછિયા પ્રેમીએ છોકરીએ લગ્ન કરવાની ના કહેતાં સરેઆમ સહુની સામે છોકરીના ગળા પર છરી ફેરવીને નિર્મમ હત્યા કરી અને તમાશબીન લોકો હિંમત કરી આગળ આવવાના બદલે વિડિયો ઊતારીને ફોરવર્ડ કરવામાં રત રહ્યા. જો કે રચનાની ઇબારત કંઈક એવી ઘડવામાં આવી છે કે એ આવા કોઈ પણ સંદર્ભોથી પર અને કાલાતીત થઈ છે.

ન ઘટવાનું ઘટી ગયું. સમય પર ફારસ જોતાં રહેલ લોકો હવે દીવા-મીણબત્તી લઈને વિરોધ સરઘસ કાઢશે. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે કારણ કે અસલી માણસ તો હવે જીવતો જ નથી. ‘શબવાહિની ગંગા’ વખતે પ્રચંડ લોક આક્રોશનો ભોગ બની હોવા છતાં કવયિત્રીની કલમ સામાજિક દાયિત્વ ચૂકી શકવા અસમર્થ છે. લાખ સમજાવવા છતાં કલમ ચૂપ મરવાના બદલે ફરી સાહસ કરી બેઠી છે. મક્તા તો અદભુત થયો છે. જે લોકો સંવેદનશીલ છે, વ્યક્ત થઈ શકે છે એવા લોકોની આખેઆખી પ્રજાતિ હવે નેષ્ટનાબૂદ થવા પર આવી હોવાની વાત મીઠામાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી સંવેદનાઓની પીઠ પર વીંઝાય છે…

જમૂરા! ઓમ શાંતિ બોલ… કેમ કે આપણે બીજું તો કશું કરી શકવાને સમર્થ નથી…

Comments (16)

નૈં થાય…. – અનિલ ચાવડા

આનંદ પજવશે, ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

– અનિલ ચાવડા

Comments (4)

रंजिश ही सही – અહમદ ફરાઝ

रंजिश ही सही दिल ही दुखाने के लिए आ
आ फिर से मुझे छोड़ के जाने के लिये आ

ભલે રહી નારાજગી, દિલને દુઃખવવા તો આવ ! આવ, ફરીથી મને છોડી જવા માટે આવ.

कुछ तो मेरे पिन्दार-ए-मोहब्बत का भरम रख
तू भी तो कभी मुझ को मनाने के लिये आ

મારા પ્રેમના ગર્વનો થોડો તો ભ્રમ રહેવા દે ! તું પણ ક્યારેક મને મનાવવા આવ !

पहले से मरासिम ना सही फिर भी कभी तो
रस्म-ओ-रहे दुनिया ही निभाने के लिये आ

ભલે પહેલા જેવો મેળ ન હોય, તો પણ ક્યારેક તો દુનિયાદારીની રસ્મ નિભાવવા ખાતર તો આવ !

इक उम्र से हूँ लज्ज़त-ए-गिरया से भी महरूम
ऐ राहत-ए-जां मुझको रुलाने के लिये आ

એક આખી જિંદગીથી દિલ ખોલીને રડવું પણ નસીબ નથી, ઓ પ્રાણપ્રિયા મને રડાવવા ખાતર તો આવ !

माना के मोहब्बत का छुपाना है मोहब्बत
चुपके से किसी रोज़ जताने के लिए आ

માન્યું કે મહોબ્બ્તને છુપાવવું એ પણ મહોબ્બત જ તો છે ! ચુપકીથી કોઈ દિવસ તે સાબિત કરવા આવ !

जैसे तुम्हें आते हैं ना आने के बहाने
ऐसे ही किसी रोज़ न जाने के लिए आ

જેમ તને ન આવવાના બહાનાઓ આવડે છે, તે જ રીતે કોઈ દિ’ ન જવા માટે આવ !

किस किस को बताएँगे जुदाई का सबब हम
तू मुझ से खफा है तो ज़माने के लिये आ

કોને કોને કહેતા ફરીશું જુદાઈના કારણો ? તું મારાથી નારાજ છે તો કમ સે કમ જમાનાને ખાતર તો આવ !

अब तक दिल-ए-खुशफ़हम को हैं तुझ से उम्मीदें
ये आखिरी शम्में भी बुझाने के लिये आ

આ દિશાભ્રમિત દિલને હજુ તારાથી ઉમ્મીદ છે, બસ, હવે આ આખરી શમાને પણ બુઝાવવા આવ !

– અહમદ ફરાઝ

વેલેંટાઈન ડે પર એક શુદ્ધ પ્રેમનું ગાન મૂકવું હતું, આંખો બંધ કરી તો પહેલી આ ગઝલ યાદ આવી. એક એક શેર એક એક કિતાબ બરાબર છે….

એક માન્યતા એવી છે કે રોમેન્ટિક પ્રેમ એ આત્મવંચનાનો જ એક પ્રકાર છે. આ વાતથી વધુ હાસ્યાસ્પદ વાત મને કોઈ નથી લાગી. જિબ્રાન કહે છે ને કે – ” તમારામાં પાત્રતા હશે તો પ્રેમ તમને એના આગોશમાં સમાવશે.”

ગઝલનો ભાવ કરુણ છે, પણ વાત તડપની છે. પ્રેમની છટપટાહટની છે. ભક્ત જેમ ભિન્નભિન્ન પ્રકારે ભગવાનને આવવા વિનવે છે તેમ માશૂકને આવવા હજાર વિનંતી આશિક કરે છે. કારણ તારી મરજીનું રાખ પ્રિયે, પણ એકવાર આવ…..

મહેંદી હસનસાહેબના અવાજમાં –

 

 

Comments (3)

(છતાંયે ઘાવ તાજો છે) – પારુલ ખખ્ખર

થયો છે સાવ ઘરડોખખ છતાંયે ઘાવ તાજો છે,
કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.

ઘણો આપ્યો સમય આ ભીંગડું વળવાની ઘટનાને
અને નાથીને રાખ્યાં નખ છતાંયે ઘાવ તાજો છે.

થયું કે વ્યક્ત કરવાથી દરદ હળવું પડી જાશે,
કર્યું છે એટલે લખ-લખ છતાંયે ઘાવ તાજો છે.

મગજ નેવે મૂકીને અવનવા નુસ્ખા કરી જોયાં,
બન્યા જાણીજોઈ મૂરખ છતાંયે ઘાવ તાજો છે.

જૂનો થાશે- મટી જાશે, જૂનો થાશે- મટી જાશે,
કરું છું ક્યારની ભખભખ છતાંયે ઘાવ તાજો છે.

હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.

વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.

– પારુલ ખખ્ખર

આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…

Comments (13)

(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી

બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર

જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું

– વજેસિંહ પારગી

શબ્દ સાથે આપણો સીધો ઘરોબો છે. શબ્દ આપણો ગર્ભસંસ્કાર છે. ચૈતન્યની કોઈ પણ અવસ્થા એવી નથી જેમાં આપણે શબ્દમુક્ત –નિઃશબ્દ હોઈએ. પણ કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. સર્જકનું સર્વકાલીન ચૈતન્ય સુવાંગ રસાઈને પ્રકટે ત્યારે કવિનો શબ્દ જન્મ લેતો હોય છે. એટલે જ ક્યારેક જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે, જ્યારે કવિની કલમમાંથી શબ્દો નહીં, કેવળ શાહી જ કાગળ પર અવતરતી હોય છે. સિસૃક્ષા ગમે એવી પ્રબળ કેમ ન હોય, ‘રાઇટર્સ બ્લૉક’ દરેક સર્જકના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. રાતભર કાગળ ઉપર શબ્દોનું આકાશ અવતારવા બેસી રહેલ કવિને લાખ ઇચ્છા છતાં શાહીનું અંધારું જ નસીબ થાય એવી કોઈક વાંઝણી પળનું સાવ નાનકડું પણ અર્થગહન, એવું આ કાવ્ય વાંચતાવેંત ગમી જાય એવું છે. કવિવર રાજેન્દ્ર શુક્લનો એક શેર પણ આ સંદર્ભમાં માણવા જેવો છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

Comments (10)

रात भर – ફૈઝ અહમદ ફૈઝ

आप की याद आती रही रात भर
चाँदनी दिल दुखाती रही रात भर

રાતભર આપણી યાદ આવતી જ રહી….રાતભર ચાંદની દિલ દુઃખવતી રહી…

गाह जलती हुई गाह बुझती हुई
शम-ए-ग़म झिलमिलाती रही रात भर

કદીક જલતી રહી કદીક બુઝતી રહી, દર્દની શમા રાતભર ટમટમતી રહી..

कोई ख़ुशबू बदलती रही पैरहन
कोई तस्वीर गाती रही रात भर

કોઈ ખુશ્બુ વસ્ત્રો બદલતી રહી, કોઈ તસ્વીર ગાતી રહી…..

फिर सबा साया-ए-शाख़-ए-गुल के तले
कोई क़िस्सा सुनाती रही रात भर

ફૂલની ડાળીના છાંયે હવાની લહેર આખી રાત કોઈ કિસ્સો સંભળાવતી રહી….

जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर

જે ન આવ્યું તેને કમાડની સાંકળ દરેક અવાજે બોલાવતી રહી…

एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर

એક ઉમ્મીદથી દિલ બહેલતું રહ્યું, એક તમન્ના રાતભર સતાવતી રહી…

– ફૈઝ અહમદ ફૈઝ

છાયા ગાંગુલીને કંઠે ગવાયેલી એક મશહૂર ફિલ્મી ગઝલ – કે જેની સાથે આ ગઝલને ઘણું સામ્ય છે તેના શાયર ફૈઝસાહેબ નથી, તે ગઝલ મખદૂમ મોહીઉદ્દીનસાહેબની છે. આ ગઝલ મુકવાનો ખાસ હેતુ એ કે કોઈ શેર એવો કંઈ ખાસ નથી, ન તો અર્થનું ઊંડાણ છે. પરંતુ આ ગઝલ એક ચિત્ર સર્જે છે, એક માહોલ ઊભો કરે છે, એક મૂડ બનાવે છે અને ભાવક એક અલગ જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. જો આ ગઝલ સાંભળીએ તો આખો દિવસ આ જ ગઝલ મનમાં ગૂંજ્યા કરે અને દિલને સતાવતી રહે….આ જ ખૂબી છે આ ગઝલની અને આ જ સફળતા છે આ શાયરની….

Comments (3)

આ ભોગાવો! – વિનોદ અધ્વર્યુ

આ ભોગાવો!?
લુખ્ખા તરસ્યા પહોળા પટમાં
જરઠ કાળના ભાંગ્યા ટુકડા
વેરાયા થૈ પ્હાણ….
સૂસવતી… ભમે સતીની આણ
(રેત પરે પણ પડે હજીયે ચિતા તણા પડછાયા
પથ્થર પથ્થર પર વરતાતી કોક અસૂરી છાયા!)
કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ…
દાઢ દબાવી ઉભો ગઢ
ભેંકાર મહીં, માતાના મઢ
વિધવાની વણજાર સમાં સૌ મકાન
વચ્ચે ભમતી ભૂખી ગલીઓ..
અવાવરું અંધારે વલખે વાસી વાવનાં નીર
[હજીય ઝંખે કંકુપગલાં –
ચૂંદડિયાળાં ચીર] –
પથ્થર-ચીતર્યા ઘોડા ઘૂમે
પથ્થરના અસવારો કેરી પથ્થરની તલવાર ઝઝૂમે,
ગઢ-વેરાને રવડે માથાં થૈને પથ્થર પ્હાણ…
ધૂળ-ડમરીએ વીંઝાઈ રહેતી અતીત કેરી આણ…
ઓ ભોગાવો !
કોરી રેતી …કોરા પ્હાણ..
કાંઠે
ખાલી ખપ્પર લઈને
બળબળતા સૂરજની સામે
ધૂણી રહ્યું વઢવાણ!

– વિનોદ અધ્વર્યુ

સ્થળ-કાવ્યોમાં આગવી ભાત પાડતા આ કાવ્યમાં પ્રવેશતા પહેલાં કેટલાક સંદર્ભ-સંકેત સમજી લેવા આવશ્યક છે. ભોગાવો નદી અને એના કાંઠે આવેલ વઢવાણ ગામનું એક અરુઢ ચિત્ર કવિએ કટાવ છંદમાં રજૂ કર્યું છે. બારમી સદીમાં રાણકદેવીની સુંદરતાના વખાણ સાંભળીને સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી. યુદ્ધમાં રાણકદેવીના પતિ રા’ખેંગાર અને પુત્રો શહીદ થયા. સિદ્ધરાજ રાણકદેવીને લઈને જૂનાગઢથી પાટણ જતો હતો ત્યારે વર્ધમાનપુરા (વઢવાણ) ખાતે ભોગવતી (ભોગાવો) નદીના કિનારે એણે રાણકદેવીને પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. રાણકદેવીએ સિદ્ધરાજને નિઃસંતાન મરવાનો શ્રાપ આપ્યો અને પતિની પાઘડી ખોળામાં લઈને સતી થયાં. કહે છે કે, ત્યારથી ભોગાવો નદી બારેમાસ સૂકી રહે છે. (આજે તો અન્ય નદીઓનાં પાણી વાળીને એને પણ વહેતી કરાઈ છે!)

સૂકીભઠ ભોગાવો નદીમાં વેરાયેલા પથ્થરોમાં કવિને જરઠ કાળના ટુકડા દેખાય છે. સતી રાણકદેવીની આણ પવન સાથે સૂસવાતી સંભળાય છે. ગામ પણ નદી જેવું જ શુષ્ક ભાસે છે અને ગઢ-માતાનો મઢ, માકાનો અને ગલીઓ સઘળે નર્યો સૂનકાર વ્યાપી રહ્યો છે. અવાવરું વાવના પાણીમાં કોઈ ચુંદડીયાળી સુહાગનના કંકુપગલાંનું અજવાળું હવે થતું નથી. ઠેરઠેર વેરાયેલા પડેલ પથ્થરોમાં કવિને જે તે સમયના યુદ્ધની ભૂતાવળ નજરે ચડે છે. નદીકિનારે નિર્જન ભાસતું નિષ્પ્રાણ વઢવાણ સમયના તાપ સામે ખાલી પાત્ર લઈને ધૂણી રહ્યું હોય એમ લાગે છે…

(સંદર્ભ સૌજન્ય: શ્રી રમેશ આચાર્ય તથા ગૂગલદેવતા)

Comments (12)

શ્યામસુંવાળું અંધારું – જયન્ત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયન્ત પાઠક

પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.

Comments (5)

જીવન રમકડું છે – વિકી ત્રિવેદી

પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું બટકણું છે,
પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે.

યુવાની-બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો-
હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે!

સમંદર વિફર્યો તો એમને હું યાદ આવી ગ્યો,
મને કહેતા હતા જેઓ કે તું તો બસ, તણખલું છે.

પ્રભુ! મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે, એ કરે છે એ છમકલું છે.

જે આવે છે એ મોટાભાગે પડતા હોય છે નીચે,
શું આ મારી નજરનું આંગણું એવું લપસણું છે?

તને જોશે તો એ ભાગી જશે, તું ચાલ આથમણો,
આ પૃથ્વી ગોળ છે સમજ્યો, ભલે ને સુખ ઉગમણું છે.

જરા ચાલું અને સાલું, મને એ ખૂંચવા લાગે,
જીવન જાણે વગર માપે બનાવેલું પગરખું છે.

ન દુઃખનું દુઃખ, ન સુખનું સુખ, ન કોઈ પ્રેમ કે નફરત,
નવાઈ છે ‘વિકી’ તો પણ હજુ આ દિલ ધબકતું છે!

– વિકી ત્રિવેદી

સરસ મજાની ગઝલ. મન ઊઠાવી ન શકે એટલો બોજ વેંઢારી વેંઢારીને આપણે સહુ અકાળે તૂટી-ઝૂકી-હારી જતાં હોઈએ છીએ. પણ સમજુ માણસ એ જ કે પહેલાં મનની ક્ષમતાનો તાગ મેળવી લે અને પછી માફકસરનો બોજો લઈને જ દુનિયામાં ભટકવા નીકળે. રમકડાંવાળો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. ઈશ્વરને સંબોધીને દુનિયાને સંભળાવવામાં આવેલી વાત કવિની પોતાની આપવીતી છે. ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય જીવનના દારૂણતમ સંજોગોનો માર વેઠીનેય અડીખમ રહી સ્વબળે આગળ આવેલ માણસ જ આ શેર કહી શકે. વગર માપે બનેલ પગરખું પહેરવાથી જે તકલીફ થાય એની વાત જિંદગીના ઉપલક્ષમાં કરતો શેર પણ ખૂબ મજબૂત થયો છે. લખાયેલ બધા જ શેર પ્રગટ કરવા બાબત થોડી તાકીદ કેળવી શકાય તો આ ગઝલકાર ટૂંકા સમયમાં કાઠુ કાઢવાની ક્ષમતા ધરાવે છે. સ્નેહકામનાઓ…

Comments (22)

(શિરામણમાં) – ડૉ.મનોજ જોશી ‘મન’

ખુશીમાં હોય કે દુઃખમાં, નિરાશા કે વિમાસણમાં,
ખરો માણસ છે! આપે છે બીજાના નામ કારણમાં.

પડી’તી મોજ ખૂબાખૂબ જે આખી મથામણમાં,
ખરેખર સાચું કહું? એવી મજા આવી ન તારણમાં.

તમારી યાદ અમને અવનવા પકવાન પીરસે છે,
ડૂમા રોંઢે ને ડૂસકાં વાળુએ, આંસુ શિરામણમાં.

મિલનની પળમાં અમને એક પણ શબ્દો ન યાદ આવ્યા,
વિરહની પળમાં અમને જાળવે છે એ જ સમજણમાં.

ખબર નહિ કેમ જ્યાં ને ત્યાં એ નફરત ઓકતો રે’ છે!
બધાની જેમ એણે પણ પીધો છે પ્રેમ ધાવણમાં.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મનુષ્યસ્વભાવની ખરી વિડંબના ઉજાગર કરતા મત્લાથી પ્રારંભાતી આ આખી ગઝલ મનભાવન છે. ખરી મજા મંઝિલ-પ્રાપ્તિમાં નહીં, પણ સફરમાં હોય છે એ વાતને સાવ અલગ અભિગમથી રજૂ કરતો બીજો મત્લા પણ સરસ. ત્રીજો શેર શિરમોર થયો છે. પ્રિયજનની યાદો આખો દિવસ રડાવવા સિવાય બીજું કશું જ કરતી નથી એ વાતને કવિએ જે રીતે રજૂ કરી છે, એ કાબિલે-દાદ છે. પહેલાં તો કવિ યાદો અવનવાં પકવાન પીરસે છે એમ કહીને વાતને વળ ચડાવે છે પણ પછી દિવસના ત્રણેય ભોજનમાં એ કયાં-કયાં પકવાન પીરસે છે એનો ઘટસ્ફોટ કરે છે ત્યાં કવિકર્મને સલામ ભરવાનું મન થઈ જાય. મિલન-વિરહ અને શબ્દોની જમાવટ કરતો શેર પણ એવો જ સશક્ત થયો છે.

Comments (10)

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

Comments (5)