ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

દળણું – યોગેશ વૈદ્ય

દળતાં રહેશું દળણું

ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

ઘ૨ર્ ઘ૨ર્ ઘર્ ફરે ઘંટલો
.                ખરડ ધાન ભરડાતું
ચૂવે પાણિયારે પરભવ ને
.                કંઠે રાન સુકાતું
નથી બોલતા કાગ
.                નથી કંઈ ઊગતું કંચનવરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું

જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
.                આ અંધારાં દળશું
ફરીફરીને જાત ઓરશું
.                મૂળમાં પાછાં વળશું
અને તોળતાં રહેશું
.                દૂરના ડુંગ૨ સામે તરણું
ભલી ઓશરી અણોસરી આ
.                ભલું એક પાથરણું
દળતાં રહેશું દળણું

– યોગેશ વૈદ્ય

જીવન છે ત્યાં સુધી શ્વાસ લેવાનું ને કામ કરવાનું બંધ થવાનું નથી. ગૂંઠે ભલે કોઈ મસમોટી મિરાત ન હોય અને જીવનમાં ઉત્સાહનોય અભાવ કેમ ન હોય, દળણું દળતાં જ રહેવાનું છે. જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે. જન્મારો જાણે કે પાણિયારે ચૂવી રહ્યો છે અને કંઠને એક ટીપુંય હાંસિલ નથી. કોઈના આવવાની એંધાણી નથી એ વાત કાગડાના મૌનથી સિદ્ધ થાય છે. જીવનને સોનું બનાવે એવું કશું ઊગી રહ્યું નથી. પણ તોય આ લાખ નિરાશાઓની વચ્ચે પણ કાયામાં શ્વાસ રહેશે ત્યાં સુધી અંધારાં દળીને અજવાળાં મેળવવાની કોશિશ તો જારી જ રહેનાર છે. દૂરના ડુંગરા જેવા સુખને પ્રાપ્ત તરણાંથી તોળી તોળીને ઉદ્ધાર ન થાય ત્યાં સુધી આ કાર્ય ભવોભવ ચાલુ રહેનાર છે.

6 Comments »

  1. Varij Luhar said,

    February 18, 2022 @ 11:23 AM

    ફરી ફરીને જાત ઓરશું.. વાહ ખૂબ સરસ
    ગીત અને આસ્વાદ

  2. Poonam said,

    February 18, 2022 @ 2:42 PM

    જ્યાં લગ દીવડે દિવેલ રહેશે
    આ અંધારાં દળશું… 😊
    – યોગેશ વૈદ્ય –

  3. હરીશ દાસાણી.મુંબઈ said,

    February 18, 2022 @ 4:27 PM

    સુંદર કાવ્ય. ઘંટી અને દળવું એ બંને પ્રતીકો અસરકારક રીતે વ્યક્ત થયાં છે.

  4. હર્ષદ દવે said,

    February 18, 2022 @ 4:55 PM

    સરસ રચના અને ટૂંકો ને ટચ સરસ આસ્વાદ.
    અભિનંદન.

  5. pragnajuvyas said,

    February 18, 2022 @ 10:08 PM

    કવિશ્રી યોગેશ વૈદ્યનુ સુંદર ગીત
    ડૉ.વિવેકજીનો સ રસ આસ્વાદ -‘જીવતરની ઘંટી ફરતી રહે છે ને માંહ્ય ખરડ ધાન જેવા આપણે ઓરાવાનું છે ને ભરડાવાનું છે’
    અને તોળતાં રહેશું
    . દૂરના ડુંગ૨ સામે તરણું
    ભલી ઓશરી અણોસરી આ
    . ભલું એક પાથરણું
    દળતાં રહેશું દળણું…વાતે યાદ આવે
    અમારા રેવાબેનને એવી ટેવ કે દળતા દળતા વચ્ચે વચ્ચે દળણાનો બૂકડો મારતી જાય,અમે તેને કહેતા ‘આ દળતાં દળતાં દળણું ખાવાની ટેવ સારી નથી. તો તે કહે: ‘રોટલા ઘડ્યા પછી પણ તે તો ખાવાના જ ને? મને ભાવે છે એટલે ખાઉં છું.’ સંજોગ કે વરસાદમા તેનો પગ લપસ્યો અને લોટ ઢોળાઈ ગયો તો કહે-‘ ભલે ઢોળાઈ ગયો. પણ જો દળતાં દળતાં જેટલુ દળણું મેં ખાધું છે એટલો તો ઊગરી ગયો !
    મેં ધરંતા મેં ગીરી આટો બિખરિયો
    બાઈ દળંતા બુકીયો એટલો તો ઉગરિયો.
    વાતે લાગે કે જીવતરની ઘંટીએ કામનું દળણું દળતાં દળતાં માનવી જેટલો આનંદ કરી શકે એટલાનું એક સંભારણું એના હૈયામાં સંઘરાઈને રહી જાય છે. નહીંતર કાળની લપસણી ભોમકા માથે ક્યારે પગ લપસે, ક્યારે કાયા લથડે અને અલગોઠીયું ખાઈ જવાય અને મહામહેનતે રળેલું ઢોળાઈ જાય એનું કોઈ નક્કી નથી.

  6. Lata Hirani said,

    February 20, 2022 @ 1:22 PM

    બહુ સરસ ગીત. યોગેશભાઈને અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment